પૂર્વછાયો - એક સમયે જન્મતિથિ, જગજીવનની સાર । વશરામાદિ બીજા સર્વે, પુરવાસી તે ઠાર ।।૧।।
ભેગા થઇ આવ્યા ઉમંગે, ધર્મદેવને દ્વાર । આંબલી હેઠે ચોતરા ઉપર, બેઠા હર્ખે અપાર ।।૨।।
ઢોલ મૃદંગ વગાડે છે, ગાવા લાગ્યા કીર્તન । તે સમે ઉચ્છવમાં બેઠા, ધર્મ અને જોખન ।।૩।।
ઉચ્છવમાંહી વાર થઇ, આંબલી હેઠે ત્યાંય । પ્રભુ પોઢયા છે પલંગમાં, ઘરની ઓસરી જ્યાંય ।।૪।।
ઢોલકનો શબ્દ સાંભળી, બેઠા થયા બલવન । શાંનો ઉચ્છવ આ થાય છે, એમ વિચારે મન ।।૫।।
ચોપાઇ - મારા જન્મ દિવસનું ટાણું, એમ શ્રીહરિયે મન જાણ્યું । કરે ઉચ્છવ આવીને કોયે, ત્યારે પ્રસાદ આપવો જોયે ।।૬।।
એવું ધારી ઇચ્છા મન કીધી, આવી ઉભી છે ત્યાં અષ્ટસિદ્ધિ । થાળ ભરીને પતાસાં લાવી, ઉભી રહી છે શીશ નમાવી ।।૭।।
ત્યાંથી લીધો શ્રીહરિયે થાળ, લઇ આવ્યા ઉચ્છવમાં લાલ । મોટાભાઇ સામે બેઠા હરિ, પછે બોલ્યા છે વિચાર કરી ।।૮।।
સુણો ભાઇ કહું એક વાત, હવે વીતી જવા આવી રાત । આપો ઉચ્છવીયાને પ્રસાદ, સર્વે ઘેર જાય આહલાદ ।।૯।।
એવું કહીને ઉઠયા છે પોતે, વેંચી આપ્યો છે પ્રસાદ જોતે । પતાસાં લીધાં છે સર્વે જન, પામ્યા આનંદ ગયા સદન ।।૧૦।।
ઘનશ્યામને કર્યા પ્રણામ, ચાલ્યા પોતપોતાને રે ઠામ । મોટાભાઇ સહિત મોહન, સલુણેજીયે કર્યું શયન ।।૧૧।।
વીતી રજની થયો સવાર, ભક્તિમાતા ઉઠયાં તેણીવાર । મૂર્તિનાં બેન વસંતાબાઇ, તેના પુત્ર માણકધરભાઇ ।।૧૨।।
માણક ઇચ્છારામ બે ભ્રાત, તેમને જમવા આપ્યો ભાત । ગોમતી ગાયનું લાવ્યાં દૂધ, માતાયે આપ્યું બન્નેને શુદ્ધ ।।૧૩।।
ત્યારે બોલ્યા છે જીવનપ્રાણ, સુણો માતા કહું શુભ વાણ । ગોલોકમાંથી સુરભી આવી, ગોમતીગાય મુજને ભાવી ।।૧૪।।
અમને પય પાવા કારણે, આવીછે તે આપણે બારણે । માટે અમને લાગી છે ભુખ, લાવો પીવા આપો થાય સુખ ।।૧૫।।
પય સાકર ભેગું કરીને, માતાયે આપ્યું છે શ્રીહરિને । તેનું પાન કર્યું ભગવન, માતા પિતા થયાં છે પ્રસન્ન ।।૧૬।।
એક સમયમાં ધર્મતાત, વિચારીને કીધી રૂડી વાત । રામપ્રતાપજી ઇચ્છારામ, મોતીત્રવાડી ને વશરામ ।।૧૭।।
એ આદિ બીજા સંબંધી જેહ, સહુ ભેગા કરી બોલ્યા તેહ । કૃષ્ણને દીધી છે મેં જનોઇ, સંબંધી સહુ જાણોછો સોઇ ।।૧૮।।
તેનો ફરી કરવો છે વિધિ, માટે વાત પુછું છું હું પ્રસિધી । અયોધ્યાપુરી જઇ કરવું, કે છુપૈયે રહી આદરવું ।।૧૯।।
એમાં શું છે તમારો વિચાર, સંબંધી સહુ કો મુને સાર । બોલ્યા સંબંધી તે દેઇ માન, વળી મન થયા હર્ષવાન ।।૨૦।।
સુણો દાદા અમારી અરજી, જેમ તમારી હોય મરજી । તમે આગળથી ત્યાંહાં જાવો, શુભ મુહૂર્ત તૈયારી કરાવો ।।૨૧।।
એમ સર્વેને તે પુછી લીધું, પોતે જવાનું પ્રયાણ કીધું । શુભ મુહૂર્ત જોયું તેવાર, ધર્મ ભક્તિ ને ત્રૈણે કુમાર ।।૨૨।।
સુવાસની સહિત સધાવ્યાં, છુપૈયેથી અયોધ્યાયે આવ્યાં । બ્રહટાશાખાનગર નામ, તેમાં છે જે પોતાનું મુકામ ।।૨૩।।
રુડે રંગે ઉમંગે હુલ્લાસ, કર્યો પોતાના ઘરમાં વાસ । ઉપાધ્યાય હરિકૃષ્ણ એક, વિપ્ર વિદ્વાન છે તે વિશેક ।।૨૪।।
તેની ગતિ મતિ અતિસારી, જ્યોતિષી વિવેકી અવિકારી । રેછે પોતાના મુકામસામે, ઉતરાદિ કોરે રૂડે ઠામે ।।૨૫।।
તેને બોલાવ્યો પોતાની પાસ, મુહૂર્ત નિશ્ચે કર્યો હુલાસ । જોયે તે લાવ્યા સર્વે સાહિત્ય, અતિ ઉમંગથી રૂડી રિત્ય ।।૨૬।।
ઘૃત સાકર આદિ રસાળ, સર્વે ચીજો લાવ્યા તતકાળ । ઘર આગલ્ય ચોક પ્રત્યક્ષ, ત્યાં છે લીંબનું વૃક્ષ સમક્ષ ।।૨૭।।
તે હેઠે મંડપ કર્યો સાર, તેમાં શોભા રચી છે અપાર । ચિત્ર વિચિત્ર પવિત્ર રંગે, કર્યાં પુતળાં અંગ ઉમંગે ।।૨૮।।
હારો હાર અને ઠારો ઠાર, મુક્યા મંડપને અનુસાર । રાતા પીળા લીલા રૂડા કાચ, તેનું ઝાડ રચ્યું એક સાચ ।।૨૯।।
મધ્ય મંડપમાં લટકાવ્યું, શુભ પ્રસંગમાં તે શોભાવ્યું । તે લાગતાં સર્વ દિશામાંયે, કાચખાનું તે ગોઠવ્યું ત્યાંયે ।।૩૦।।
એમ ઘરમાં ને વળી બાર, કરી શોભા તે જગ્યા મોઝાર । ઝાકમઝોળ દેદીપ્યમાન, તેજ થયું સવિતા સમાન ।।૩૧।।
તેના મધ્યે જે કર્યો છે કુંડ, વેદવિધિ સહિત અખંડ । તેમાં રંગ ભરાવ્યા અપાર, જેમાં લીધો છે શાસ્ત્ર આધાર ।।૩૨।।
મૃગ પક્ષી ગાયો આદિ જંત, ભીંતમાં ચિતરાવ્યાં અનંત। વળી બારણાં ઘરનાં જેહ, રૂડા મંડપમાં હોય તેહ ।।૩૩।।
આસો પાલવ પત્ર મંગાવ્યાં, તેનાં તોરણ કરી બંધાવ્યાં । દ્રવ્ય માંગલિક જે સાહિત્ય, મંગાવી લીધાં સ્નેહ સહિત ।।૩૪।।
વિધિ જનોઇનો સમારંભ, ફરીને તે કર્યો છે આરંભ । દેશ પ્રદેશ ગામ પ્રગામ, સગાં સંબંધી છે જેહ ઠામ ।।૩૫।।
તેને પ્રેમસહિત તેડાવ્યાં, કંકોત્રિયો દ્વારાએ બોલાવ્યાં। સઘળાં આવ્યાં અયોધ્યાપુર, અતિ આનંદ માયે ન ઉર ।।૩૬।।
ધર્મદેવે કર્યો સત્કાર, ઉતારા આપ્યા તે ઘડીવાર । પછે કરાવ્યાં રૂડાં ભોજન, નાના પ્રકારે નિર્મલ મન ।।૩૭।।
ધર્મભક્તિ થયાં છે તૈયાર, પેર્યાં વસ્ત્ર આભૂષણ સાર । કર્યું ગણપતિનું સ્થાપન, ગોરના કેવા પ્રમાણે ધન્ય ।।૩૮।।
માતાપિતા સહિત હરિને, કરાવ્યો સંકલ્પ ત્યાં ઠરીને । દેહ પ્રાયશ્ચિત કરાવ્યાં શુદ્ધ, કર્યાં આસન બેસવા સિદ્ધ ।।૩૯।।
રામબલી બોલાવ્યો હજામ, મુંડન કરાવે ઘનશ્યામ । નિર્મલ જળે કરાવ્યું સ્નાન, યોગ્ય વસ્ત્ર કર્યાં પરિધાન ।।૪૦।।
પછે અગ્નિ સ્થાપ્યા કુંડમાંયે, હરિકૃષ્ણ ગુરુજીયે ત્યાંયે । ઘૃત જવ તિલાદિ સમીધ, પ્રીતે અગ્નિને કર્યા પ્રસિદ્ધ ।।૪૧।।
વહ્નિમાં હોમ્યું છે હુત દ્રવ્ય, પછે આપ્યું ઉપવીત ભવ્ય । તેસમે આકાશે આવ્યા દેવ, ચંદન પુષ્પથી કરે સેવ ।।૪૨।।
કરે દુંદુભીનાદ અપાર, પુષ્પ વર્ષાવે નાના પ્રકાર । બ્રહ્મચારીજી પુન્ય પવિત્ર, તેમણે લીધો છે ગુરુમંત્ર ।।૪૩।।
મૌંજી મેખલા દંડ પલાશ, ધારી લીધું પોતે અવિનાશ । બ્રહ્મમોલના નિવાસી જેહ, થયા બ્રહ્મચારીરૂપે તેહ ।।૪૪।।
માતપિતા પાસે કરી પ્રીત, ભિક્ષા માગી લીધી રૂડી રીત । ભિક્ષા આપી છે માતપિતાયે, તે લીધીછે શ્રીસુખદાતાયે ।।૪૫।।
લઇ મુકી ગુરુજીની પાસ, ગુરુયે આજ્ઞા આપી હુલાસ । હે વર્ણિરાજ સુણો વિચાર, તમે ભિક્ષા કરો અંગીકાર ।।૪૬।।
ત્યારે પરમવિવેકી શ્રીહરિ, પછે ભિક્ષા અંગીકાર કરી । એમ વ્હાલાને વિધિ સહિત, રૂડું ધરાવ્યું છે ઉપવીત ।।૪૭।।
ગુરુની આજ્ઞા લઇ અલબેલો, ભણવા ચાલ્યા કાશીયે છેલો । ચાલ્યા બટુક ઘરથી બારે, બડવો થઇ દોડયા તેવારે ।।૪૮।।
પ્રભુ પધાર્યા ત્યાં થકી પોતે, સગાસંબંધી સર્વને જોતે । વ્હાલો કરે છે મન વિચાર, જે માટે ધાર્યો છે અવતાર ।।૪૯।।
હવે મારે કરવું એ કામ, એમ ધારે છે પૂરણકામ । ગૂઢ સંકલ્પ એવોજ કીધો, ઉત્તરદિશાનો મારગ લીધો ।।૫૦।।
એમ દોડી ચાલ્યા ઘનશ્યામ, કેડે દોડયા મામો વશરામ । થાક લાગ્યો પોકી ન શકાય, તોય જોરથી ઝાલવા જાય ।।૫૧।।
પણ પોકી શક્યા નહિ તે તો, છેવટે થાકીને બેઠા એતો । છેક મનમાં થયા નિરાશ, હવે ક્યાંથી મળે અવિનાશ ।।૫૨।।
મામો બેઠા નિરાશ થઇને, વ્હાલો વિચારે છે દૂર જૈને । ધર્મભક્તિ છે પુન્ય પવિત્ર, વૃદ્ધ થયાં છે બન્ને માવિત્ર ।।૫૩।।
તેમને મુકીને ન જવાય, મુજ વિના એતો દુઃખી થાય । તેમાટે પાછો વળું હું આજ, કરૂં માબાપનું પેલું કાજ ।।૫૪।।
એમનો કરવો મારે ઉદ્ધાર, પછી વનમાં જવું નિરધાર । એમ વિચારી પાછા વળિયા, મનોહર મામાને મળિયા ।।૫૫।।
મામો મનમાં આનંદ પામ્યા, અચાનક ઉઠયા દુઃખ વામ્યા । કેડે બેસારીને ઘરે લાવ્યા, રૂડા પોશાગ પ્રીતે પેરાવ્યા ।।૫૬।।
આપ્યા છે પાંચ રૂપૈયા રોક, તે લીધા પ્રભુયે વિશોક । લૈને મુક્યા ગુરુજીને ચરણે, કર્યો વિચાર અશરણશરણે ।।૫૭।।
ત્યારે ગુરુ કહે બ્રહ્મચારી, રૂપૈયા લઇ લ્યો સુખકારી । આપો તમારા પિતાને હાથ, હવે જમવા બેસોજી નાથ ।।૫૮।।
ગુરુની આજ્ઞા કરી પ્રમાણ, રૂપૈયા લીધા સારંગપ્રાણ । આપ્યા પિતાજીના કરમાંયે, જમવા બેઠા રસોઇ જ્યાંયે ।।૫૯।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિના યજ્ઞોપવિતના વિધિમાં કરેલ મંડપનું વર્ણન કર્યું ને વિધિ પૂરણથયો એ નામે સાઠમો તરંગઃ ।।૬૦।।