પૂર્વછાયો - ધન્ય છુપૈયાપુર ધરણી, ધન્ય ત્યાંના જે જન । અક્ષરપતિ અલબેલે, ધર્યું જ્યાં મનુષ્ય તન ।।૧।।
વળી આવ્યા અવધપુરે, ધર્મદેવ રૂડે રંગ । કુટુંબને સાથે લઇ, રહ્યા બ્રહટે ઉછરંગ ।।૨।।
ચોપાઇ- ધર્મદેવ રહ્યા નિજધામ, ઉનાળાનો થયો બહુ ઘામ । ધર્મદેવને ત્રણે કુમાર, સાંજે પોઢી રહ્યા છે તેબાર ।।૩।।
આંગણે કદમવૃક્ષ જ્યાંયે, ઓટા ઉપર સુતા છે ત્યાંયે । ગઇ બે પોર રજની જ્યારે, આવ્યો ચોકીવાળો ફરવા ત્યારે ।।૪।।
તાંબાનો ઘડો સુંદર એક, બાર્ય રહી ગયેલો વિશેક । જેર ઉપર પડયો છે જેહ, કોટવાલે ઉપાડયો છે તેહ ।।૫।।
ચોકીવાળો લેઇ નાઠો ચટ, જાણ્યું અંતર્યામીયે ઝટ । ધર્મ મોટાભાઇ ઇચ્છારામ, ભરનિદ્રામાં છે તેહ ઠામ ।।૬।।
ઘડો લેઇ ચાલ્યો કોટવાલ, કરે વિચાર મન કૃપાલ । ચોકીવાળે તે ચોરી જ કીધી, મારા ઘરની લજ્જા તે લીધી ।।૭।।
એવું સમજી શ્રીરમાનાથ, લાંબો વધાર્યો પોતાનો હાથ । કોટવાલને કેડે કર્યો છે, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તે ફર્યો છે ।।૮।।
સઘળું શેર ફર્યો છે તોય, કર કેડે ને કેડે છે સોય । હાથ દેખીને હિમત હાર્યો, ત્રાસ પામ્યો જાણે હવે માર્યો ।।૯।।
કોણ ઉગારે કરથી આજ, હવે તો જાશે જરૂર લાજ । હવે મારુતીને શરણે જાઉં, આ ભયથી બચું સુખી થાઉં ।।૧૦।।
એવો કરીને મન વિચાર, ગયો હનુમાન ગઢી સાર । જઇને ઘડો મુક્યો તે સ્થળે, હાથ દેખાતો નથી એ પળે ।।૧૧।।
કરી પ્રારથના કર જોડી, ભુલ્યો ચોકીવાળો ખરી ખોડી । પછે રજની તો વીતી ગઇ, ઓલ્યા ઘડાની શી પેર્ય થઇ ।।૧૨।।
હનુમાનગઢીની તે માંયે, વેલો ઉઠયો છે વેરાગી ત્યાંયે । દ્વાર ઉઘાડીને આવ્યો બાર, ઘડો પડેલો દીઠો તે ઠાર ।।૧૩।।
તેહ દેખીને ઉપાડી લીધો, વેરાગીયે વિચારજ કીધો । તેનો તપાસ કરવા તરત, દિવા પાસે ગયો એક સરત ।।૧૪।।
વાંચી જુવેછે તેહજ ઠામ, નિકળ્યું ધર્મદેવનું નામ । ધર્મદેવને બોલાવ્યા ત્યાંયે, હનુમાનગઢીની તે માંયે ।।૧૫।।
આવ્યા ઘનશ્યામ સાથે તેહ, વાત કરી વેરાગીયે એહ । આ ઘડો આંહી તમારો ક્યાંથી, કોણ લાવ્યું તે માલમ નથી ।।૧૬।।
ત્યારે વ્હાલાયે કહ્યું વૃત્તાંત, રાત્રીયે બન્યું હતું વિક્રાંત । મહંતને ભરુસો ન આવ્યો, ચોકીવાળાને પાસે બોલાવ્યો ।।૧૭।।
તેને પુછી લીધું છે ખચીત, ત્યારે તેમનું ઠર્યું છે ચિત્ત । ત્યાર પછી ગયા થોડા દિન, કરે લીલાયો ભક્તઆધીન ।।૧૮।।
એક સમે અયોધ્યામાં શ્યામ, રમે સખા સંગે અભિરામ । કેસરી માનસિંહજી જેહ, ગંગાવિષ્ણુ દિલ્લીસિંહ એહ ।।૧૯।।
એ આદિ બીજા સખા અનેક, શ્રીહરિ લેઇ ચાલ્યા વિશેક । સર્જ્યું ગંગાતીરે રામઘાટે, સર્વે ગયા રમવાને માટે ।।૨૦।।
પુર ચડયું છે ગંગાની માંયે, બેઉ કાંઠે વહે જળ ત્યાંયે । આવી ઉભા છે ગંગાને તીર, સખા સાથે જુવે મતિધીર ।।૨૧।।
કેસરીસંગ ને માનસંગ, બેના વચ્ચે ઉભા છે શ્રીરંગ । એવામાં એક આવ્યો પાપિષ્ટ, ભવાનીદત્ત અસુર દુષ્ટ ।।૨૨।।
મહા કઠોર ને મતિમંદ, ફરે ફોગટ ને કરે ફંદ । અકસ્માત આવ્યો અઘવાન, બુદ્ધિહીન બહુ બળવાન ।।૨૩।।
કુબુદ્ધિવાળો છે અતિ ક્રોધી, વળી વાલિડાનો છે વિરોધી । બેઉ સખાના સ્કંધે છે હાથ, ઉભા ઉભા જુવે જગન્નાથ ।।૨૪।।
છાંનેમાંને એ ભવાનીદત્તે, ધક્કો માર્યો પ્રભુને અસત્તે । સખા સહિત નાખ્યા જળમાં, એવું કૃત્ય કર્યું છે છળમાં ।।૨૫।।
કેસરી માનસંગ બે ભાગ્યા, ઉંડા પાણીમાં ડુબવા લાગ્યા । સાય કરી ત્યાં શ્રીઘનશ્યામે, સ્કંધે બેસાર્યા છે સુખધામે ।।૨૬।।
ઘણું ઉંડું છે જળ તે ઠાર, પામે હિમ્મતવાળા જ્યાં હાર । તે જળમાં તરે છે જીવન, ચાલ્યા ગયા છે એક યોજન ।।૨૭।।
કોયથી પ્રભુ ન જાય કળ્યા, જઇ બિલ્વા બજાર નિકળ્યા । તીરે ઉભા છે હજારો જન, પુર જોઇ થયા છે મગન ।।૨૮।।
ત્રૈણે સખા નિકળ્યા જળથી, બહુનામીના બાહુબળથી । પામ્યા આશ્ચર્ય ત્યાં નરનારી, વ્હાલાને તે પુછે છે વિચારી ।।૨૯।।
ભાઇ કોના તમે છો કુમાર, મહાજળથી નિકળ્યા બાર । નક્ર પકડી જો ખાઇ જાત, તમારૂં મૃત્યું પાણીમાં થાત ।।૩૦।।
આવા જબર પુરથી આવ્યા, તમને પ્રભુએ જ બચાવ્યા । વિઠ્ઠલે કહી વિસ્તારી વાત, અથ ઇતિ બનીતી જે ઘાત ।।૩૧।।
એવું સુણી સહુ નરનાર, કરે પોતાના મન વિચાર । વિસ્મે પામ્યા થકા કહે જન, આતો સાક્ષાત છે ભગવન ।।૩૨।।
કર્યું ઐશ્વર્યસત્તાનું કામ, બીજાની તો ચાલે નહી હામ । ધન્ય શાબાશ બળિયા સાર, આવી નિકળિયા ગઉ ચાર ।।૩૩।।
પગે લાગી કરે છે પ્રણામ, ધન્ય ધન્ય તમે ઘનશ્યામ । સખા બન્ને છે પોતાની સાથ, તેના પ્રત્યે બોલ્યા દીનાનાથ ।।૩૪।।
ભાઇ ચાલો હવે રૂડી પેર, ચિંતા કરતા હશે સહુ ઘેર । શ્યામલાલ આદિ સખા જેહ, ત્રાસ પામી ગયા હશે તેહ ।।૩૫।।
ઘેર જઇને કરશે વાત, માતપિતા મુંઝાશે વિખ્યાત । વળી પામે ઘણું મન દુઃખ, ઉદાસી થાશે સર્વેનાં મુખ ।।૩૬।।
માટે ચાલો ઉતાવળા જૈયે, નિજ માબાપને ભેગા થૈયે । ત્યારે કેસરી કહે તેવાર, સર્જ્યુંમાં જળ ભર્યું અપાર ।।૩૭।।
પામશું કેમ પેલીજ પાર, મારા મનમાં થાય વિચાર । કહે મહારાજ સુણો મિત્ર, ભલા એ શું બોલો છો વિચિત્ર ।।૩૮।।
જેણે મહાજળથી બચાવ્યા, ચાર ગઉ સુધી ખેંચી લાવ્યા । જેણે ઉગારી લીધા તમને, એહ તારશે નિશ્ચે અમને ।।૩૯।।
હવે કરશો નહિ તમે વાર, ચાલો મારી સાથે નિરધાર । મિત્ર બીશોમાં ન કોઇ મનમાં, તમે ત્રાસ ન ધારો તનમાં ।।૪૦।।
એવું કહી ચાલ્યા છે અગાડી, બેઉ મિત્ર આવે છે પછાડી । જેમ પૃથ્વી ઉપર ચલાય, તે રીત્યે જળમાં ચાલ્યા જાય ।।૪૧।।
રામઘાટે આવીને તે હર્ખ્યા, નર નારી હજારોયે નિર્ખ્યા । પ્રભુયે એમ ઉતાર્યા પાર, ક્ષણ એક લાગી નહિ વાર ।।૪૨।।
કેશરીસિંહના જે માબાપ, ત્યાં આવીને કરે છે સંતાપ । ભક્તિધર્મ સુવાસિનીબાઇ, તે રૂદન કરે છે ત્યાં આઇ ।।૪૩।।
ત્યારે ત્રૈણે જણા આવ્યા પાસ, માતપિતાને થયો હુલ્લાસ । માતુશ્રીયોયે લીધા ઉત્સંગે, શિર કર ધર્યા રૂડા રંગે ।।૪૪।।
ખમા ખમારે બાપ તમને, તવ ચિંતા લાગીતી અમને । આવા જળમાંથી બારે આવ્યા, કેવી રીત્યે ને કોણે બચાવ્યા ।।૪૫।।
ત્યારે બોલ્યા છે કમલકાંત, વિસ્તારીને કહ્યું છે વૃત્તાંત । વળી કેસરીસિંહે તે કહ્યું, માતપિતાયે ધ્યાનમાં લહ્યું ।।૪૬।।
સર્વે પામ્યા મનમાં આશ્ચર્ય, ઘનશ્યામનું જાણ્યું ઐશ્વર્ય । ગયા પોતપોતાને ઘેર, શ્રીહરિયે કર્યું લીલા લેર ।।૪૭।।
પછે બીજે દિવસ સાક્ષાત, શેર બજારમાં ચાલી વાત । ભવાનીદત્ત વિપ્ર કેવાય, એણે કર્યો છે મોટો અન્યાય ।।૪૮।।
ત્રૈણે બાળક નાખ્યા જળમાં, પાપીયે કર્યું ખોટું છળમાં । રાજાજીયે જાણ્યું તે વૃત્તાંત, ધર્મ પાસે આવ્યા છે એકાંત ।।૪૯।।
રાજા દર્શનસિંહજી પુછે, કહો ઘનશ્યામ સત્ય શું છે । બચાવ્યા પ્રભુજીયે તમને, એવી ખબર પડી અમને ।।૫૦।।
મહાપ્રભુયે કહ્યું વિચારી, સુણી રાયે મનમાં ઉતારી । રાજાયે બોલાવી લીધો વિપ્ર, તેને ભારી શિક્ષા કરી ક્ષિપ્ર ।।૫૧।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે સર્જ્યું ગંગાના પુરમાંથી સખા સહિત શ્રીહરિ બાર નિકળ્યા એ નામે બાસઠમો તરંગ ।।૬૨।।