પૂર્વછાયો - નખલૌના મલ્લ બળીયા, જીતીને લીધો જસ । અયોધ્યાપુરીના મલ્લનો, પળમાં કીધો અપજસ ।।૧।।
દર્શનસિંહ વિચારે છે, થયું વિપરીત કાજ । ઘનશ્યામ ઉઠે હવે તો, લાજ રાખે મહારાજ ।।૨।।
રાજાયે તો ધીરજ રાખી, મતિ કરી છે સ્થિર । ઘનશ્યામના સામું જોયું, ઉભા થયા બલવીર ।।૩।।
સખા સાથે થયા તત્પર, યુદ્ધ કરવા તે વાર । નખલૌના મલ્લ બોલિયા, આ બાળકના શા ભાર ।।૪।।
નાની ઉંમરનો બાળકો, શું સમજે તે યુદ્ધ । દાવપેચમાં દીલને, આ શું કરી જાણે વિરુદ્ધ ।।૫।।
ચોપાઇ - એવું સુણીને બોલ્યા રાજન, તમે મલ્લ શું જાણો છો મન । એના આગળ સઘળા વ્યર્થ, મહાપ્રભુછે એ સમરથ ।।૬।।
પ્રતાપી હોય જો લઘુવેષ, તેને નાના ન ગણીયે લેશ । હોય કેસરી જો નાનું બાળ, કરે મદઝરનો તે કાળ ।।૭।।
એમના હાથ જ્યારે અડશે, ત્યારે સર્વને માલમ પડશે । હવે સભામાં આવ્યાં છે જન, તેપણ વિચારે નિજ મન ।।૮।।
સારૂં કરતો નથી આ રાય, આતો મોટો અન્યાય દેખાય । મલ્લ મહાબળિયા વિક્રાળ, છે આ કોમળ નાનેરા બાળ ।।૯।।
એમ વિચારે છે સદ્બુદ્ધ, ત્યાં તો ચાલતો થયો છે યુદ્ધ । પ્રભુનું મન મિત્રમાં મોહ્યું, અમૃતદ્રષ્ટિથી સામું જોયું ।।૧૦।।
બળ આપ્યું અપરમપાર, જેથી મલ્લ પામી જાય હાર । થયો દારુણ યુદ્ધ તે સ્થળ, બહુનામી બતાવે છે કળ ।।૧૧।।
જાણે મંડાણો ઘોર સંગ્રામ, એવું યુદ્ધ કરે ઘનશ્યામ । ઘણીવાર કરી એમ કુસ્તી, મલ્લને તો ભરાણી છે સુસ્તી ।।૧૨।।
સખાસંગે પ્રતાપ વધાર્યો, મલ્લનો અભિમાન ઉતાર્યો । હતાં વજ્રસમોવડ અંગ, ભાંગી નાખીને કર્યાં છે ભંગ ।।૧૩।।
દેહ જર્જરીભૂત થયા છે, હાર પામીને દૂર રહ્યા છે । કૈક વમન કરે રુધિર, કૈકની તો છુટી ગઇ ધીર ।।૧૪।।
કૈક થયા છે પ્રાણ રહિત, પડયા પૃથ્વીમાં મરણ સહિત । કોઇ અર્ધ કચરા કોઇ પુરા, કોઇ સુરા થયા ચકચુરા ।।૧૫।।
કૈક હુંશિલા રહ્યા અધુરા, દૂર બેઠા છે કૈક અસુરા । સર્વે સભા સહિત રાજન, વિસ્મે પામ્યા નરનારી મન ।।૧૬।।
નૃપતિ નેણે નેહ ધરેછે, શ્રીહરિની પ્રસંશા કરેછે । સવામણ હેમનું પુતળું, પ્રભુજીને આપ્યું રાજાયે ભલું ।।૧૭।।
બીજા આવ્યા છે લોક અનેક, વિસ્મે પામી ગયા છે વિશેક । સર્વેનો સંદેહ ટળી ગયો, પ્રભુપણાનો નિશ્ચય થયો ।।૧૮।।
સવામણ સોનું આપ્યું રાય, ધર્મે કર્યો છે તેનો ઉપાય । તે સોનામાંથી નિર્મલ મન, વિપ્ર સાધુને આપ્યાં ભોજન ।।૧૯।।
દક્ષિણાયો આપીને જમાડયા, યાચકોને આનંદ પમાડયા । પોતાની સદ્કીર્તિ વધારી, દિગ્વિજય કર્યો સુખકારી ।।૨૦।।
વળી વાસ કર્યો ભગવન, છુપૈયાપુર વિષે પાવન । સખાને લેઇ ચાલ્યા ઉમંગે, દક્ષિણ દિશામાં રૂડે રંગે ।।૨૧।।
મીનસાગર ઉપર ગયા, નાવા સારૂં તે તૈયાર થયા । મિત્ર સહિત ધર્મકુમાર, કરે જલમાં ક્રિડા અપાર ।।૨૨।।
ઘણીવાર સુધી નાયા ત્યાંયે, પછે વિચાર્યું છે મનમાંયે । મધુવૃક્ષ મોટો છે કિનારે, તેના ઉપર ચડયા એવારે ।।૨૩।।
મર્કટ જેવા શબ્દ બોલાવે, સામસામા સખાને હસાવે । હુકાહુક મુખેથી ઉચારે, કિલકિલાટિયો કરે ભારે ।।૨૪।।
કરે ગમત ગોઠિલાં ખાય, રમે શ્રીપુરૂષોત્તમ રાય । મધુવૃક્ષે ચડીને જળમાં, મારે ધુબકા બહુ બળમાં ।।૨૫।।
એવી રમત્ય નાનાપ્રકાર, રમે જુવો જગકીરતાર । એવાં જોવા પ્રભુનાં ચરિત્ર, આવ્યા આકાશે દેવ પવિત્ર ।।૨૬।।
જુવે છે લીલા તનમય થૈને, વિમાન સોતા અંત્રિક્ષ રૈને । અહો અતિ આશ્ચર્ય અપાર, પરસ્પર કરે છે વિચાર ।।૨૭।।
ધન્ય છુપૈયાપુર પાવન, જ્યાં પ્રગટ થયા ભગવન । અક્ષરાધિપતિ અલબેલો, રમે રાત દિન રંગછેલો ।।૨૮।।
છુપૈયાપુર વાસી જે જન, ઘણાં ભાગ્ય રૂડાં ધન્ય ધન્ય । ધન્ય આ ધરણી કેરૂં સ્થાન, કરે છે લીલા શ્રીભગવાન ।।૨૯।।
વાટિકા વેલી લતાયો વન, અહિંનાં પશુપંખીને ધન્ય । ગૌવા આદિક જે પ્રાણિમાત્ર, જડ ચૈતન્યના ધન્ય ગાત્ર ।।૩૦।।
અક્ષરાધિપતિ અવિનાશી, વ્હાલો બ્રહ્મમોલના નિવાસી । પોતે સ્વયં પ્રગટિયા આજ, લીલા કરે છે શ્રીમહારાજ ।।૩૧।।
વ્હાલો આ ભૂમિમાં વિચરે છે, નિત્ય નવાં ચરિત્ર કરે છે । અહીં જન્મ પામ્યા જીવ જેહ, મોટા પુન્યશાળી જાણો તેહ ।।૩૨।।
દુર્લભ દર્શન કૈયે જેનાં, નિત્ય ચરણ સેવે છે આ એનાં । જુવો આ બાળકોનું જે સત્ય, પૂર્વે શું કર્યાં હશે સુકૃત્ય ।।૩૩।।
તે પુન્યે કરી આ ભોગ પામ્યા, ભવ અર્ણવનું દુઃખ વામ્યા । એમ કહી કરે જયકાર, ચંદન પુષ્પ વૃષ્ટિ અપાર ।।૩૪।।
વળી દુંદુભી વાજીંત્ર વાજે, ઘણો આકાશ ગંભીર ગાજે । મધુવૃક્ષતળે પ્રભુ રયા, ઠેસ વાગી તેણે પડી ગયા ।।૩૫।।
જેવા પડયા છે શ્યામ શરીર, અધરે વાગ્યું આવ્યું રૂધીર । વેણીરામ આદિ સખા સહુ, તે દેખી થયા ઉદાસી બહુ ।।૩૬।।
સુખનંદન મિત્ર છે જેહ, ઉતાવળો દોડી ગયો એહ । પ્રેમવતી ને ધર્મની પાસ, કરી વાગ્યાની વાત પ્રકાશ ।।૩૭।।
પડી ગયા છે શ્રીઘનશ્યામ, ઓષ્ઠ ઉપર વાગ્યું તે ઠામ । માટે તેમાંથી આવ્યું રૂધીર, મધુવૃક્ષ હેઠે બેઠા ધીર ।।૩૮।।
એવું સુણી ધર્મભક્તિ ત્યાંય, મૂર્ચ્છા આવી પડયાં પૃથ્વીમાંય । પુત્રને વિષે છે ઘણો સ્નેહ, ભુલ્યાં દેહતણી સ્મૃતિ તેહ ।।૩૯।।
આવ્યા ત્યાં જોખન મતિસ્થિર, માતપિતાને આપી છે ધીર । વદે નમ્ર મધુરાં વચન, તમે શાન્તિ રાખો નિજ મન ।।૪૦।।
આગે આવ્યાંતાં ઘણાં વિઘન, કુશળ રહ્યા શ્રીભગવન । તેડી લાવું છું તમારી પાસ, માટે થાશોમાં મન ઉદાસ ।।૪૧।।
એવું કહીને ચાલ્યા જોખન, ગયા જ્યાં બેઠા છે ભગવન । જુવેતો બેઠા છે નરવીર, વાગ્યું છે ત્યાં શ્રવે છે રૂધીર ।।૪૨।।
મોટાભાઇ બોલ્યા ભાગ્યવાન, નથી રાખતા દીલનું ભાન । બોલ્યા દિલગીર ભગવાન, ઘણું રાખું છું ચોક્કસ ધ્યાન ।।૪૩।।
પણ દેહ છે ક્ષણભંગુર, જાળવે તોય વાગે જરૂર । વળી હાથ ચરણ ભાંગી જાય, થનારું તેતો એમજ થાય ।।૪૪।।
પછે મોટાભ્રાતે તેડી લીધા, સ્કંધ ઉપર બેસાડી દીધા । તેડીને લાવ્યા છે નિજધામ, માત પિતા બેઠાં છે તે ઠામ ।।૪૫।।
ધર્મભક્તિયે નિરખ્યા તન, ત્યારે સંતોષ પામ્યા છે મન । તેડી લીધા પોતાને ઉત્સંગે, માથે કર ફેરવે ઉમંગે ।।૪૬।।
પુત્રભાવથી શાન્તિ પમાડયા, રૂડાં ભોજન કરી જમાડયા । એમ પામ્યાં અતિ ઘણાં સુખ, ટળી ગયાં તન મન દુઃખ ।।૪૭।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિવિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ નખલૌના મલ્લને જીત્યા એ નામે પાંસઠમો તરંગ ।।૬૫।।