તરંગ - ૮૨ - શ્રીહરિએ સખાઓને અક્ષરધામ દેખાડ્યું ને કૂપમાં મૃત રાજદૂતોની રક્ષા કરી
સામેરી
વિસ્તારીને વર્ણવું છું, વાલમજીનાં ચરિત્ર । રામશરણજી સાંભળો, પાવન અતિ પવિત્ર ।।૧।।
એક સમે એકાદશીએ, ઉત્તમ વ્રત કેવાય । વાલાએ તે વિચાર કર્યો, નાવા જવા સમુદાય ।।૨।।
સ્નાન કરવા ચાલ્યા સર્વે, સખા સંગે ઘનશ્યામ । વિશ્વામિત્રીને ગૌઘાટે, ગયા તે પૂરણકામ ।।૩।।
ધરો છે એક ઉંડો મોટો, જેમાં જળ છે અપાર । સ્નેહે તેમાં સ્નાન કરે છે, નારાયણ નિરધાર ।।૪।।
નાતા થકા પછે બોલિયા, બહુનામી ભગવાન । ડુબકી મારો જળ વિષે, એક સાથે ગુણવાન ।।૫।।
તાળી પાડી કરૂં ગણના, જોવું પરીક્ષા આજ । ક્યાં સુધી જળમાં ટકો છો, નક્કી કરૂં એહ કાજ ।।૬।।
એવું સુણીને સખા સર્વે, ડુબકી મારી સંગાથ । તાળી પાડી લીધી પરીક્ષા, તીરે ઉભા રહી નાથ ।।૭।।
બસે તાળી પાડી પ્રભુએ, બારે આવ્યા વેણીરામ । ચારસે તાળી પ્રાગ આવ્યા, અંબુ થકી અભિરામ ।।૮।।
છસે તાળી પાડી ત્યારે તો, સુખનંદનજી સાર । રઘુનંદન આઠસોએ, જળથી આવ્યા બહાર ।।૯।।
પ્રભુએ વળી તાળી પાડી, હરખે એકહજાર । પાણીમાંથી તે નીકળ્યા, ભવાનીદીન તે વાર ।।૧૦।।
બારસો તાળી પાડી પ્રભુએ, ગવરીદત્તને કાજ । ચૌદસોએ માધવચરણ, આવીને ઉભા આજ ।।૧૧।।
સોળસેં તાળી પાડી ત્યાં તો, બંસીધર તે વાર । વારાફરતી વારિમાંથી, સર્વ આવ્યા તે બહાર ।।૧૨।।
પ્રેમ વડે પુછવા લાગ્યા,હરિકૃષ્ણ ઘનશ્યામ । આ ધરામાં શું દેખ્યું, તે કહો અભિરામ ।।૧૩।।
ત્યારે સખા સહુ બોલિયા, સુણો સુંદરશ્યામ । અલૌકિક દેખ્યું અમે તો, અદ્ભુત અક્ષરધામ ।।૧૪।।
તે ધામમાં મુક્ત સર્વે, માયા ષડુર્મિ રહિત । અનંત મુક્ત સિંહાસને, પૂજે છે પ્રેમ સહિત ।।૧૫।।
એવા તમોને દીઠા અમે, અક્ષરધામની માંય । એ ધામમાં અમો રહ્યા, ચિદ્ઘન વરસે જ્યાંય ।।૧૬।।
સુખ અલૌકિક દેખીને, લોભાણા ઘણીવાર । સ્થિર થયું મન અમારું, તવ વિષે તદાકાર ।।૧૭।।
અન્ય સ્થળમાં કોઇ ઠામે, એવું મળે નહિ સુખ । અલૌકિક અક્ષરધામનું, એમ સખા કહે સનમુખ ।।૧૮।।
બહુનામી ત્યારે બોલિયા, તમે સુણો સહુ અભિરામ । એવું નૌતમ સુખવાળું, અમારું અક્ષરધામ ।।૧૯।।
એવું કહીને ત્યાં થકી, ચાલિયા સુખસમાજ । મારગમાં જાતાં વેણીને, થયો સંકલ્પ જમવા કાજ ।।૨૦।।
હવે તો વેલા ઘરે જૈયે, થાય સર્વે શુભકામ । ક્ષુધા અતિશે મને લાગી, મન ઠરે નહિ ઠામ ।।૨૧।।
અંતર્યામીએ જાણી લીધું, વેણીને લાગી ભુખ । માટે વિચારે મોહનજી, દૂર કરુ એહ દુઃખ ।।૨૨।।
ભોઇ ગામના પ્રાગમલ, તેનું છે ખેતર જ્યાંય । જાંબુનો તેમાં તરુ છે મોટો, પાકી રહ્યાં ફળ ત્યાંય ।।૨૩।।
તે જાંબુએ ગયા જીવન, ચડ્યા ઉપર ચતુર । સખા સાથે ઘનશ્યામજી, એ જાંબુ જમ્યા ભરપુર ।।૨૪।।
જમીને જ્યારે તૃપ્ત થયા, હેઠે ઉતરવા જાય । સુખનંદન પડ્યો ત્યાંયથી, પ્રગટી પૂર્ણ પીડાય ।।૨૫।।
તે દેખીને દયા ઉપજી, પરમ દયાળુને દિલ । પ્રભુજીએ સંકલ્પ કર્યો, ધીર ધરી નહિં ઢીલ ।।૨૬।।
ઘનશ્યામજીના સંકલ્પથી, ઇન્દ્ર આવ્યો તેણીવાર । ઐરાવતે બેસીને સંગે, વૈદ્ય લાવ્યો પોતાનો સાર ।।૨૭।।
જાંબુના તરુ હેઠે આવ્યા, જ્યાં બિરાજ્યા ઘનશ્યામ । અશ્વની મેઘપતિએ, પ્રેમે કર્યા છે પ્રણામ ।।૨૮।।
શ્રીહરિની આજ્ઞા પ્રમાણે, કર્યું છે વૈદ્યે કાજ । સુખનંદનને આ દવાથી, મટી જાશે મહારાજ ।।૨૯।।
એમ કહિ વૈદ્ય વાસવ, શ્રી હરિવર છે સંગ । ઐરાવત પરબેઠા સર્વે, ઉરમાં કરી ઉમંગ ।।૩૦।।
વૈદ્ય વાસવ વાલમજી, સુખનંદન એ ચાર । હોદા સાથે અંબાડીમાં, શોભિત બેઠા સાર ।।૩૧।।
આજુબાજુમાં છે પાટીયાં, સુંદર પરમ પવિત્ર । વેણીરામને બીજા સરવે, તેના પર બેઠા તેહ મિત્ર ।।૩૨।।
વાયુવેગે ચલાવ્યો ત્યાંથી, ઐરાવત ગજરાજ । નિમેષ માત્રે છુપૈયાપુર, આવી પોક્યા મહારાજ ।।૩૩।।
ધર્મદેવના આંગણામાં, ઉતાર્યા તતખેવ । પ્રણામ કરી ગજે બેસી, થયા અદૃશ્ય દેવ ।।૩૪।।
ધર્મભક્તિ આદિકને, કહ્યું તે સર્વે વૃતાંત । વિસ્મે પામી વખાણ કરતા, સર્વ થયા મન શાંત ।।૩૫।।
ચોપાઇ
વળી એક સમે ઘનશ્યામ, છુપૈયાપુરમાં સુખધામ । ફુલડોલનો ઉત્સવ કરી, હિંડોળે ઝુલતા થકા હરિ ।।૩૬।।
સખા સિખે છુપૈયાના જન, દેખી ધામને થયા મગન । ચતુર્ભુજરૂપે ભગવન, દીધું અદ્ભુત જે દરશન ।।૩૭।।
પછે રંગ ભરેલા સલુણો, ધર્મ તળાવે ગયા તે સુણો । જલક્રીડા કરી રુડી પેર, સ્નાન કરી પધાર્યા ઘેર ।।૩૮।।
પછે ભક્તિમાતાએ તે વાર, રુડી રસોઇ કરી તૈયાર । પુરી કચોરીને દહિંવડાં, સેવો શાક પાક જે મીઠડાં ।।૩૯।।
ધર્મદેવને ત્રૈણે કુમાર, જમાડ્યા તેમને કરી પ્યાર । તે પછે થોડા દિવસે કરી, સખા સાથે પધાર્યા શ્રીહરિ ।।૪૦।।
ચાલ્યા ઉમંગે થઇ સધીર, ગયા નારાયણસર તીર । ત્યાંથી નિવાદા ગામ નજીક, ગયા તેના બગીચામાં ઠીક ।।૪૧।।
તેમાં શોભી રહ્યા સહકાર, કેરીઓ આવી છે તેને અપાર । સખા સહિત સાંખો જમે છે, બાલચેષ્ટા કરતા રમે છે ।।૪૨।।
તે સમે નિવાદાના જે જન, કુવો ખોદાવે છે ધારી મન । બમનીપુરનો જે મહિપ, તેનો દિવાન છે ત્યાં સમીપ ।।૪૩।।
બીજા ઘણાક પુરુષ પાસે, કુવો ખોદાવે કરી હુલાસે । ત્યાંતો ઇશ્વર ઇચ્છાનુ સાર, કુવો પડી ગયો તેહ વાર ।।૪૪।।
તેમાં પંદર જણ દબાણા, વણમોતે કુવામાં મરાણા । એવું જાણીને ધર્મના બાળ, દોડીને આવ્યા છે ત્યાં દયાળ ।।૪૫।।
પંદર મનુષ્ય થયાં નાશ, દેખી લોક પામી ગયા ત્રાસ । પોતાના ઇષ્ટદેવ છે જેહ, તેનાં નામને સંભારે એહ ।।૪૬।।
કુવામાં પડી છે મૃતિકાય, કાઢેછે તે જન સમુદાય । દયા આવી પ્રભુને તે ભાળી, બોલ્યા વિવેકથી વનમાળી ।।૪૭।।
ભાઇ તમે સુણો વાત એક, મૃતિકાતો કાઢોછો વિશેક । પણ એ છે લાખો મણ ભાર, કેવી રીતે કાઢશો બહાર ।।૪૮।।
એમાં વખત લાગશે ઘણો, માટે વિચાર કરો તે તણો । જીવતા તો નહિ હોય જન, અમે કહિએ તે ધરો મન ।।૪૯।।
ઘનશ્યામ હરિકૃષ્ણ એવું, પ્રત્યક્ષ નામ તે મુખે લેવું । કર તાળી પાડોકરી જોર, ધૂન્ય કરો આંહી બેઉ પોર ।।૫૦।।
મહાપ્રભુની ઇચ્છા જો હશે, મરેલા જન જીવતા થાશે । નક્કી તે બહાર નિકળશે, નિજ સંબંધીેને એહ મળશે ।।૫૧।।
એવું વચન સુંણ્યું અશોક, ત્યારે નિવાદાના સહુ લોક । ધર્મદેવના પુત્ર શ્રીહરિ, એમની આજ્ઞા પ્રમાણ કરી ।।૫૨।।
પાંડે ગુરુપ્રસાદજી નામ, રામપ્રસાદ આદિ એ ઠામ । વળી બીજા કેટલાક જન, કર્યો વિશ્વાસ તેમણે મન ।।૫૩।।
ઉંચે સ્વરે કરી રટે નામ, પ્રીતે હરિકૃષ્ણ ઘનશ્યામ । બે પોર વાર વીતી ત્યાં સુધી, કરી ધૂન્ય રાખી સદ્બુદ્ધિ ।।૫૪।।
મરણ પામી કુવામાં પડેલા, જાગી ઉઠ્યા તે જાંણે ઉંઘેલા । આળસ છોડી આવ્યા બહાર, કર્યા શ્રીહરિને નમસ્કાર ।।૫૫।।
પ્રભુપણાનો નિશ્ચય થયો, સર્વેના મનનો શોક ગયો । પંચદશને જીવતા કરી, પછે ચાલ્યા ત્યાં થકી શ્રીહરિ ।।૫૬।।
રાજાના કોટનો કૂપસ્થાન, તે સ્થળે કરીને જળપાન । જીરાભારીસરોવર થઇ, ગામ ગૌરે ગયા ધીરા રઇ ।।૫૭।।
ત્યાંના સરોવરમાંહી ફરી, રસિયે જળક્રિડા તે કરી । લીધાં કદમનાં ફુલ હાથ, ગામ ઢેબરીયે ગયા નાથ ।।૫૮।।
પાંડે રામદત્ત તે ગામના, સંબંધી થાય ધર્મદેવના । તેમણે કર્યું છે સન્માન, પ્રિતેથી કરાવ્યાં ખાનપાન ।।૫૯।।
પછે ત્યાં થકી સુખના ધામ, ગયા શરણામગંજે ગામ । ત્યાંની બજારમાં થઇ માવ, નિજ ઘેર આવ્યા કરી ભાવ ।।૬૦।।
પછે શ્યામતણા જેહ મિત્ર, રામાધીન છે એ પવિત્ર । તેણે વારતા કરી વિસ્તારી, ધર્મભક્તિ પ્રત્યે વિચારી ।।૬૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ સખાઓને અક્ષરધામ દેખાડ્યું ને કૂપમાં મૃત રાજદૂતોની રક્ષા કરી એ નામે બ્યાશીમો તરંગ ।।૮૨।।