પૂર્વછાયો
છુપૈયાપુરે ધર્મભક્તિ, વર્તે છે નિર્મળ મન । આનંદમાં દિન જાય છે, જેને શ્રીહરિ સરખા તન ।।૧।।
એક સમે સંક્રાન્તિ દિન, ધર્મે કર્યો છે વિચાર । ટાઢે પાણી નાવું જોઇએ, જલાશ્રયે નિરધાર ।।૨।।
એમ વિચારી નાવા ચાલ્યા, સાથે બન્ને કુમાર । મોતીત્રવાડી સાથે ગયા, નારાયણસર સાર ।।૩।।
સ્નાન કરીને ઘેર આવ્યા, આપ્યાં અપાર ત્યાં દાન । ગાય વિપ્ર સાધુ જનને, સંતોષ્યા દેઇ માન ।।૪।।
પુરવાસીએ પુન્ય કર્યાં, શ્રદ્ધાને અનુસાર । એ સમે જોઇ પૃથ્વી આવ્યાં, ગૌવા રૂપે તેહવાર ।।૫।।
ચોપાઇ
વસુધા આવ્યાં ગાયનેરૂપે, અવિનાશીની પાસ અનૂપે । પ્રભુની પ્રસાદી લેવા સારૂં, પધાર્યા છુપૈયાપુરે બારૂં ।।૬।।
અલબેલાની પાસે તે આવ્યાં, ભયહારીતણે મનભાવ્યાં । ધરાને જાણ્યાં જગદાધાર, રૂડાં પાત્રમાં આપ્યો આહાર ।।૭।।
ઘુઘરી શીરો પાત્ર મોઝાર, મુક્યો ગૌવા આગળ તે વાર । પછી કૃપા કરી દીનાનાથ, ફેરવે તેના ઉપર હાથ, ।।૮।।
વસુધા મુકે નિશવાસ, રડવા લાગ્યાં છે તેહ પાસ । મર્મ જાણી ગયા મહારાજ, બીજા કોઇ ન સમજ્યા કાજ ।।૯।।
પછે સરવેને જાણવા મન, પુછે ગૌવાને શ્રીભગવન । કેમ રુદન કરો છો તમે, સત્ય વાત કહો જાણું અમે ।।૧૦।।
વળતી વસુધા બોલ્યાં વાણ, તમે સુણોને સારંગપાણ । ગાય રૂપ ધરીને હું આજ, તવ શરણે આવી મહારાજ ।।૧૧।।
ગર્વ ગંજન મારે છે ગરજ, આજ તવ આગે કરૂં અરજ । મમ કષ્ટ કૃપાનાથ કાપોે, રૂડો ધર્મ પૃથ્વી પર થાપો ।।૧૨।।
મુજ પર થાય છે પાપ, તેનો લાગ્યો મુને બહુ તાપ । ભૂમિનો હવે ઉતારો ભાર, તે માટે છે તવ અવતાર ।।૧૩।।
પ્રણતપાળ મુજ દયાળ, ગૌ બ્રાહ્મણના પ્રતિપાળ । બીજા કોને કરૂં આવી વાત, તવ આગળ કરૂં વિખ્યાત ।।૧૪।।
એવી વાત કરે છે જ્યાં મહી, ત્યાં આવ્યા વરુણ દેવ સહી । ભારે દુઃખી અને ભયવાન, મુકી દીધું છે મનનું માન ।।૧૫।।
થયા ગદગદ કંઠે સ્થિર, કરે પ્રારથના ધરી ધીર । કૃપાનાથ કૃપા કરો આજ, મારૂં દુઃખ ટાળો મહારાજ ।।૧૬।।
ગામ ઇંટોલા જે સદભાગ, જીરાભારી નામે ત્યાં તડાગ । તેમાં મ્લેચ્છ લોક મચ્છ મારે, વિમુખ પાપીને કોણ વારે ।।૧૭।।
શિરશા શેખ કળિ તેહ ઠાર, શેખ મોતિને શેખ દુલાર । એ આદિ ઘણા પાપી અસુર, નિત્ય મચ્છ મારે છે તે ભૂર ।।૧૮।।
કીનારે પડ્યા છે મોટા પુંજ, મુને પડતી નથી ત્યાં સુઝ । નથી જોઇ સકાતું તે દ્રષ્ટે, અરજ કરવા આવ્યો છું સ્પષ્ટે ।।૧૯।।
હે હરિકૃષ્ણ હરકત હરો, એવા દુષ્ટો થકી રક્ષા કરો । એવાં વચન સુણ્યાં જે વાર, દયા આવી દિલમાં અપાર ।।૨૦।।
વસુધાને વરૂણની વાણી, સુણીને બોલ્યા સારંગપાણી । હે દેવ ધાસતી નવ ધરશો, કોઇ વાતે તે ચિંતા ન કરશો ।।૨૧।।
તમે જાવોને તમારે સ્થાન, ધરો પ્રત્યક્ષ દેવનું ધ્યાન । કષ્ટ થોડા દિનમાં હું કાપું, પરમ એકાંતિક ધર્મ સ્થાપું ।।૨૨।।
ત્યારે આનંદ થાશે અમોને, સત્ય વચન કહું તમોને । થોડા દિવસમાં જૈ શું વનમાં, તમે નિશ્ચે માની લ્યો મનમાં ।।૨૩।।
આજ્ઞા પામીને અદૃશ થયા, પોતપોતાને સ્થાનકે ગયા । હવે ધર્મસુત ધરી ધીર, બીજે રૂપે થયા નરવીર ।।૨૪।।
ગયા ઇંટોલા ગામે ગંભીર, જીરાભારી તળાવના તીર । દુષ્ટ લોક કરે છે જે કર્મ, શ્રીહરિએ જોયો એ અધર્મ ।।૨૫।।
મરેલાં ઘણાં દેખ્યાં છે મચ્છ, શ્રીજીએ કર્યો સંકલ્પ સ્વચ્છ । મચ્છ મરેલાં જીવતાં થાઓ, જળમાં નિજ સ્થાનકે જાવો ।।૨૬।।
એવો સંકલ્પ કર્યો છે જ્યારે, થયાં મચ્છ સજીવન ત્યારે । મચ્છ ઉછળ્યાં બહુ બળમાં, સર્વે જઇને પડ્યાં તે જળમાં ।।૨૭।।
એવું દેખીને તે પાપી જન, માંહોમાંહી પુછે અન્યોઅન્ય । અલ્યા તે મારાં માછલાં લીધાં, ઉપાડી જળમાં નાખી દીધાં ।।૨૮।।
એમ એક બીજાને કહેછે, વેરની વાત મન લહે છે । પરસ્પર લાગી છે લડાઇ, મર્યા છે સામસામા કપાઇ ।।૨૯।।
કર્યું છે કામ પરબાર્યું એમ, કેને ખબર પડે ન જેમ । પછે ઘેર ગયા છે અનૂપ, અલબેલો થયા એક રૂપ ।।૩૦।।
વળી એક સમે ઘનશ્યામ, નિજ સખા લેઇ અભિરામ । નારાયણસર તીરે ગયા, ઉત્તર દિશામાં ઉભા રહ્યા ।।૩૧।।
ત્યાં છે પીપળાનો વૃક્ષ એક, તેના ઉપર ચડ્યા વિશેક । સુખસાગર સુંદર છેલો, બેઠા છે ચડીને અલબેલો ।।૩૨।।
ત્યારે મોતીત્રવાડી ત્યાં આવ્યા, પેલવાનને સંગાથે લાવ્યા । જાય છે તે ગામ ગાયઘાટે, આવી ઉભા રહ્યા છે તે વાટે ।।૩૩।।
જોયા તરુ ઉપર જીવન, મોતીત્રવાડી બોલ્યા વચન । તમે ભાઇ સુણો ઘનશ્યામ, ચડીને કયાં બેઠા છો આ ઠામ ।।૩૪।।
સફળ ઉપર ચડ્યા હોત, કાંઇ ફળ ખાવા મળત । શૂન્ય વૃક્ષ થકી શું મળશે, મનોરથ મનનો શું ફળશે ।।૩૫।।
એવું સુણી બોલ્યા અલબેલ, સુણો મામા કહું ખરો ખેલ । ફળ ખાવા નથી ચઢ્યા અમે, મારૂં સત્ય વાક્ય માનો તમે ।।૩૬।।
અમારો તો જુદો છે વિચાર, એહ કરવાનો છે નિરધાર । એવું કહીને પ્રાણ જીવન, જુવે ચારે દિશે ભગવન ।।૩૭।।
મોતીરામ કહે મહારાજ, શું વિચારો ને ધારો છો કાજ । વળી બોલ્યા છે ધર્મકુમાર, સુણો મામા અમારો વિચાર ।।૩૮।।
દૈવી જીવ ઘણા જે કેવાય, કિયા દિશમાં રેછે સદાય । આસુરી જીવ છે કિયા દેશ, એમ જોવા ચડ્યા છૈયે એશ ।।૩૯।।
એવું કહીને શ્રીમહારાજ, દેખાડ્યું છે ત્યાં અદ્ભુત કાજ । પીપળાને પત્રે પત્રે સાર, વળી ડાળે ડાળે તેણીવાર ।।૪૦।।
ઘણી જાત્યનાં ફળ બતાવ્યાં, મામાને ભાઇને મનભાવ્યાં । મહાપ્રતાપ દેખ્યો તે ઠામ, ૧ચિત્ર પામી ગયા મોતીરામ ।।૪૧।।
પેલવાન કહે સુખધામ, એક બે ફળ તો આપો શ્યામ । પછે શ્રીહરિ કરી પ્રીતે, સારાં ફળ આપ્યાં રૂડી રીતે ।।૪૨।।
નારંગી ને રામફળ જેહ, ઘણાં મિષ્ટ આપ્યાં વળી તેહ । ફળ લેઇ ચાલ્યા બેઉ વાટે, રાજી થૈને ગયા ગાયઘાટે ।।૪૩।।
ફળ દેખાડ્યાં છે ત્યાં જઇને, સુધી ત્રવાડી લક્ષ્મીબાઇને । વળી માન ઓઝા આદિ ત્યાંયે, પામ્યાં આશ્ચર્ય સહુ મનમાંયે ।।૪૪।।
આવી અમૃતરૂપી કથાય, જે કોઇ સુણે રાખી શ્રદ્ધાય । તેનાં અનેક જન્મનાં પાપ, બળી જાય ટળે વળી તાપ ।।૪૫।।
પારાયણ સુણે દિન સાત, બાળચરિત્રનું આ વિખ્યાત । એના પૂન્યતણો નહિ પાર, તરત પામે પુરૂષાર્થ ચાર ।।૪૬।।
અંતે અક્ષરધામમાં જાશે, બાળલીલા પ્રભુજીની ગાશે । કુટુંબે સહિત તે ઉદ્ધરશે, ભવજળથી પાર ઉતરશે ।।૪૭।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિની પૃથ્વી અને વરૂણદેવે સ્તુતિ કરી ને મામાને પિંપળા ઉપર બહુજાતનાં ફળ દેખાડ્યાં એ નામે ચોરાશીમો તરંગ ।।૮૪।।