તરંગ - ૯૭ - શ્રીહરિ દીવાળી-ને બીજે દિવસે અન્નકોટ કર્યો ને સર્વેને બે રૂપે દર્શન દીધાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:48pm

 

પૂર્વછાયો

દીવાળીને બીજે ૧વાસર, અન્નકોટનો દિન । ભક્તિએ તે ભામનીઓને, રીત બતાવી છે ભિન્ન ।।૧।।

શૌચવિધિ સ્નાન કરીને, બાઇઓ થઇ છે તૈયાર । બીજી રસોઇ કરવા લાગ્યાં, રસોડાની તેહવાર ।।૨।।

પ્રેમવતીજી પાસે બેઠાં, બીજી બાઇયો અપાર । પાકશાળામાં જે જોઇએ તે, આપે છે વસ્તુ સાર ।।૩।।

અપૂપ શીરો ને લાપશી, વળી કર્યો છે કંસાર । ગળી રોટલી કરી મોળી, કેસરીયો કુરસાર ।।૪।।

શેવો આદિ સઘળી વસ્તુ, સર્વે તે કરી તૈયાર । પયપાક બાસુંદી ચીજો, કરે છે ધર્મકુમાર ।।૫।।

 

ચોપાઇ

ભક્તિમાતાએ શિખંડ કર્યો, લઇ સુવર્ણ પાત્રમાં ભર્યો । ગોળ સાકરનાં જે મિષ્ઠાન્ન, પુરી પોચી કરી સ્વાદવાન ।।૬।।

પાપડ દહીંવડાં પુરણ, સારું વઘાર્યું સુંદર સુરણ । રંભાફળ કોળું વળી દુધી, શાક કર્યાં ઘણી રાખી શુધી ।।૭।।

ગરમાગરમ યત્ને મુક્યાં, ચતુરાઇથી તે નવ ચુક્યાં । ચણા વટાણા વાલ વિખ્યાત, આખા મગ કઢી દાળ ભાત ।।૮।।

એ આદિ સામગ્રી ઘણી જાતે, કરી રાખી છે ત્યાં ભલી ભાતે । પરવળ રતાળુ સરસ, બટાકાં કારેલાં ઉતકર્ષ ।।૯।।

તાંદળજાની ભાજી વંત્યાક, મુળા મોઘરી મેથીનું શાક । સુવાભાજી પાપડી ગલકાં, લીલવા અળવી છે હલકાં ।।૧૦।।

ચીભડાં ટમેટાં શકરીયાં, કોબીજ આદિ શાક કરીયાં । જોઇએ તેવો મસાલો નાખી, વહ્નિ ઉપર મુકયાં છે રાખી ।।૧૧।।

એ આદિ ઘણી જાતનાં શાક, કર્યા નાના પ્રકારના પાક । થયા સામાન સર્વે તૈયાર, અન્નકોટતણા જેણીવાર ।।૧૨।।

હરિ ઉઠ્યા કરવા તપાસ, માતપિતાને રાખ્યાં છે પાસ । બાકી રહે નહિ કોઇ વસ્તુ, સંભાળી જુવે છે તે સમસ્તુ ।।૧૩।।

સર્વે સામગ્રી તૈયાર જોઇ, બોલ્યા પ્રીતમજી પ્રીત પ્રોઇ । હે દાદા સુણો આપ અભીતા, મારું વચન પરમ પુનિતા ।।૧૪।।

ગોવર્ધન પર્વત કરીએ, એની પૂજા પ્રેમે આચરીએ । કેસર કુંકુમ અક્ષત સાર, પુષ્પે પૂજા કરી ધરી પ્યાર ।।૧૫।।

ઠાકોરજીના સમીપે શોભે, ભાળી ભાળી શોભા મન લોભે । હવે પુરો પિતા અન્નકોટ, નથી ખામી નથી કાંઇ ખોટ ।।૧૬।।

એમ કહી કરી છે તૈયારી, સાવધાન થયા સુખકારી । રામપ્રતાપ ને વશરામ, એ આદિ આવ્યા છે ત્યાં તમામ ।।૧૭।।

સર્વે સામગ્રી લાવે છે સાથે, આપે છે હરિવરને હાથ । ઠાકોરજી સમીપે ઠાકોર, ગોઠવે છે શ્રીધર્મકિશોર ।।૧૮।।

પેલા અંબુના લોટા ઉત્તમ, નિર્મળ ભરી મુક્યા નૌત્તમ । અબખોરા સહિત જ મુક્યા, પાનનાં બીડાં તે નવ ચુક્યા ।।૧૯।।

પછે લાવેલા છે જે સામાન, તેને ગોઠવે છે ભગવાન । મોદક જલેબી ઘૃતપુર, પહેલા પુર્યા છે તે ભરપુર ।।૨૦।।

પછે સામગ્રી સર્વે ઉત્તમ, ગોઠવે છે પ્રભુજી નૌત્તમ । જેજે વસ્તુ જોયે જેહ ઠામ, એમ ગોઠવે છે ઘનશ્યામ ।।૨૧।।

અન્નકોટપુરી રહ્યા નાથ, પ્રભુજી ધોવા ગયા છે હાથ । ગયા કુવા પર ગિરિધારી, સુવાસની આપે છે ત્યાં વારિ ।।૨૨।।

તે ભાભીએ કર ધોવરાવ્યા, રૂડાં રુમાલે કોરા કરાવ્યા । એેટલામાં આવ્યા જયેષ્ટ બંધુ, ગયાતા વાડીમાં ગુણસિંધુ ।।૨૩।।

કલ્પદ્રુમ સમ જે ફણસ, ત્યાંથી ફળ લાવ્યા છે સરસ । રામ જામ નારંગી વિશેક, કેરી દાડમ લીલીખારેક ।।૨૪।।

શ્રીફળ કાજુ સફરજન, કેળાં ૧ઇક્ષુક જાંબુ પાવન । એ આદિ ફળ નાના પ્રકાર, લાવ્યા અનંતજી તેણીવાર ।।૨૫।।

અતિ સુંદરને ઘણાં મિષ્ટ, આપ્યાં છે અલબેલાજીને ઇષ્ટ । જેવી રીતેથી ઘટે છે જેમ, મારે વાલિડે મુક્યાં છે તેમ ।।૨૬।।

પછે ભાભીએ અથાણાં દીધાં, ઘનશ્યામે ગોઠવવા લીધાં । રાઇતાં મેથીયાં બોળકેરી, લિંબુ મરચાં ખારેક ઘણેરી ।।૨૭।।

ફણસ આંબળાનું અથાણું, વારે વારે વાલીડે વખાણ્યું । કેરી દ્રાક્ષનો મોરંબો જેહ, ઠાકોરજીને ધરાવ્યો તેહ ।।૨૮।।

એવી રીતે પુર્યો અન્નકોટ, કોઇ વસ્તુની ન રાખી ખોટ । પછે પિતા બંધુ આદિ જન, છુપૈયાપુરવાસી પાવન ।।૨૯।।

સર્વે ભેગા થયા તતકાળ, ઠાકોરજીનો બોલે છે થાળ । તેની પાસે આવ્યા અવિનાશ, થાળ બોલી રહ્યા સુખરાશ ।।૩૦।।

પછે ધર્મદેવ મહામતિ, ઉમંગે ઉતારે છે આરતી । તેહસમે જોવો ઘનશ્યામે, બીજું રૂપ ધર્યું સુખધામે ।।૩૧।।

બેઠા ઠાકોરજી કેરે પાસ, સર્વેને જોતા શ્રી જગવાસ । વળી હરિપ્રસાદની જોડે, બેઠા છે બહુનામી ત્યાં કોડે ।।૩૨।।

એવું અદ્ભુત દેખી ચરિત્ર, પામ્યા આશ્ચર્ય સર્વે પવિત્ર । આ બે રૂપે થયા ઘનશ્યામ, માટે એતો છે પૂરણકામ ।।૩૩।।

ત્યારે પિતાજીએ તતકાળ, લીધો છે કરમાં મોટો થાળ । થોડી થોડી સામગ્રી જે સર્વ, પુરી થાળમાં લઇ અપૂર્વ ।।૩૪।।

પોતાની પાસે બેઠા છે શ્રીહરિ, તેમને જમાડ્યા પ્રીત કરી । તે સમય ભાઇ ઇચ્છારામ, બોલાવીને બેસાર્યા તે ઠામ ।।૩૫।।

નિજ ભેગા જમાડે છે થાળ, દીનબંધુ છે એવા દયાળ, જોવા આવ્યા છે જન અપાર, તે ઠેકાણે હજારો હજાર ।।૩૬।।

દેખ્યાં શ્રીહરિનાં બેઉ રૂપ, પામ્યા આશ્ચર્ય મને અનુપ । સર્વાંતર્યામી શ્રીઅવિનાશ, બેઠા છે પિતાજીની પાસ ।।૩૭।।

વળી બીજે રૂપે બહુનામી, ઠાકોરજી પાસે જમે સ્વામી । બેઉ સ્થાને જમે છે ભોજન, આતો અકળ કળા છે જન ।।૩૮।।

બેઉ રૂપે થયા છે મોરારી, જોઇ સ્થિર થયાં નરનારી । બંધુ સહિત કર્યાં ભોજન, જમી તૃપ્ત થયા છે જીવન ।।૩૯।।

ચળુ કરી ઉઠ્યા અલબેલ, કર્યો ખલક પતિયે ખેલ । આશ્ચર્યકારી લીલા અપાર, કરે છે નિત્ય ધર્મકુમાર ।।૪૦।।

પછે ધર્મને રામપ્રતાપ, વશરામ ત્રવાડી એ આપ । અન્નકોટની સામગ્રી જેહ, સર્વે ઉપાડી લીધી છે તેહ ।।૪૧।।

ગાયઘાટ તર ગામતણા, ઘેર મેમાન આવ્યા છે ઘણા । વળી છુપૈયાપુરના જન, સગાં સંબંધી સર્વે પાવન ।।૪૨।।

સૌને કરાવ્યાં ભોજનપાન, મન પ્રસન્નથી દેઇ માન । હરિપ્રસાદ પરમ ઉદાર, કર્યો રુડો વિવેક તે વાર ।।૪૩।।

ભક્તિ ધર્મ ને જોખનભાઇ, સતી સુવાસિની આદિ બાઇ, જમ્યાં ભોજન એ રુડી પેર । એમ વર્તે છે આનંદભેર ।।૪૪।।

ધરી છે મનુષ્યાકૃતિ ધીર, સુખ આપે બહુ નરવીર । અતિ દુર્લભ દર્શન જેહ, છુપૈયામાં લીલા કરે એહ ।।૪૫।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ દીવાળી-ને બીજે દિવસે અન્નકોટ કર્યો ને સર્વેને બે રૂપે દર્શન દીધાં એ નામે સતાણુંમો તરંગઃ ।।૯૭।।