તરંગઃ - ૫ - શરવાઘાટેથી ચાલ્યા ને ગોરખપુરમાં સંજયને વર આપ્યો

Submitted by swaminarayanworld on Thu, 21/09/2017 - 8:54am

 

પૂર્વછાયો

રામશરણજી સાંભળો, શ્રીહરિના ગુણગ્રામ । આકાશવાણી સાંભળી, મુજ માતપિતા તે ઠામ ।।૧।।

ધીરજ આવી મનવિષે, શાંતિ પામ્યા છે ત્યાંય । નીલકંઠજી શું કરેછે, શરવાઘાટ છે જ્યાંય ।।૨।।

પીપળા તળે બેઠા પોતે, સુંદર વર્ણીવેષ । પાંચ દિન ત્યાં રહ્યા વરણી, મુદ ધરીને રમેશ ।।૩।।

સગાં સંબંધી આદિ સર્વે, મળ્યાં અયોધ્યામાંય । ત્યાગ કર્યો છે ઘરતણો, વૈરાગ મન સદાય ।।૪।।

વિયોગપીડા ધરે નહિ, નથી માયાનો કૈં પાશ । સંભારે નૈ મુક્યાં જનને, અક્ષરપતિ જગવાસ ।।૫।।

 

ચોપાઇ

શરવા ઘાટે પીંપળો જે સાર, તે ભૂમિને કર્યો નમસ્કાર । પછે ચાલ્યા નીલકંઠ સ્વામી, અલબેલોજી અંતરજામી ।।૬।।

ઘણો વ્હાલો છે મન વૈરાગ્ય, દેહગેહનો કર્યોછે ત્યાગ, ઉત્તર દિશામાં ચાલ્યા જાય, અતિ આનંદ ઉર ન સમાય ।।૭।।

મહાઅરણ્ય મારગ કઠીણ, તેમાં ચાલે છે પોતે પ્રવીણ । એમ ચાલતાં કેટલે દિન, ગોરખપુર પોત્યા જીવન ।।૮।।

સંજય જાતિ વિવેકી એક, તેના ક્ષેત્રમાં ગયા વિશેક । આંબલીના તરૂ નીચે સાર, સુંદર ચોતરો છે નિરધાર ।।૯।।

તેના ઉપર પ્રાણજીવન, મૃગચર્મ કર્યું આચ્છાદન । આસન મુકી શ્રીભગવાન, કુવે ગયા છે કરવા સ્નાન ।।૧૦।।

નિરખ્યા સંજયે શ્રીઘનશ્યામ, જે છે અજીત પૂરણકામ । સ્નાન કરતા જોયા જેણી વાર, નૌત્તમરૂપે ધર્મકુમાર ।।૧૧।।

કોટિકંદર્પ લાવણ્ય જાણે, ભાળીને વારે વારે વખાણે । બારોટે જોયા છે ભગવાન, નીલકંઠને સુખનિધાન ।।૧૨।।

મનમાં તર્કવિતર્ક થાય, પણ મુખે તે નવ કેવાય । આવી સમીપ ઉભો તેવાર, હાથ જોડી કર્યા નમસ્કાર ।।૧૩।।

પુછ્યા શ્રીહરિને સમાચાર, ત્યારે બોલ્યાછે ધર્મકુમાર । અમે સરવરિયા વિપ્રસાર, સામવેદી છીએ નિરધાર ।।૧૪।।

નીલકંઠ અમારું છે નામ, રમતા રામ છૈયે નિષ્કામ । એમ કેતા છતા ભગવન, આંબલીતળે આવ્યા જીવન ।।૧૫।।

મૃગચર્મ ઉપર મોરાર, બેઠા આસન વાળી તેઠાર । બાલમુકુંદ વિષ્ણુ પાવન, પોતે કરે છે તેનું પૂજન ।।૧૬।।

હવે સંજય શિવપ્રસાદ, ઘેર ગયા તજીને પ્રમાદ । પોતાની સ્ત્રીને કહ્યું વૃત્તાંત, સુણ નારી કહું ભારી ભ્રાંત ।।૧૭।।

એક વિપ્રના પુત્ર અનૂપ, પ્રતાપી છે અદ્ભુતરૂપ । આવ્યા આપણા ક્ષેત્રમાં આજ, વર્ણિવેષે રૂડા મહારાજ ।।૧૮।।

સ્વામીનાં એવાં સુણી વચન, તેની પત્ની થઈ છે પ્રસન્ન । ક્ષેત્રમાં આવ્યાં દંપતિસાથ, જ્યાં બેઠા છે નીલકંઠ નાથ ।।૧૯।।

કરે મધુર વેણ સ્તવન, નમસ્કાર કર્યા શુભ મન । બેઠાં દંપતિ આવીને પાસ, બોલ્યા નમ્ર થઈ હરિદાસ ।।૨૦।।

બહુ કૃપા કરી તમો આજ, ભલે પધાર્યા છો મહારાજ । અમારૂં ક્ષેત્ર કર્યું પાવન, આજ દિવસ ઘડીછે ધન્ય ।।૨૧।।

પધારો અમ ઘેર જીવન, રૂડી રીતે કરો ત્યાં ભોજન । નીલકંઠજી બોલ્યા તેપેર, અમે નથી જાતા કોઈ ઘેર ।।૨૨।।

એવું વચન સુણીને તેણે, શુદ્ધ લોટ લાવી દીધો જેણે । બાટી કરી લીધી નિજ હાથ, ધર્યું નૈવેદ્ય વિષ્ણુને નાથ ।।૨૩।।

પછે જમ્યા છે પૂરણકામ, નીલકંઠસ્વામી સુખધામ । કરે દંપતિ ગૂઢ વિચાર, શ્રીહરિને માટે નિરધાર ।।૨૪।।

પોતાની તનયા છે રે એક, મહા ગુણવંત રૂપ વિશેક । કરવું છે શ્રીહરિથી લગ્ન, મનમાં વિચારે છે મગ્ન ।।૨૫।।

પુત્રી પરણાવી દેવી સાર, પ્રભુને રાખવા નિજદ્વાર । નીલકંઠ સ્વામી સમરથ, એનો જાણી લીધો મનોરથ ।।૨૬।।

સંજયને કે છે ઘનશ્યામ, સુણો શિવપ્રસાદ આ ઠામ । તમે કરો છો વિચાર જેહ, તે અમે જાણી લીધો છે એહ ।।૨૭।।

પણ વિષ્ણુ આ બાલમુકુંદ, પુછી જાુવો એછે સુખકંદ । તમને બતાવશે સૌ પેર, માટે સુણો એ આનંદભેર ।।૨૮।।

વાલિડાનાં સુણી વચન, પામ્યો સંજય વિસ્મય મન । તમે શું કોછો હે મહારાજ, એ વિષ્ણુ તે શું બોલશે આજ ।।૨૯।।

બાલાજોગી કહે એ બોલશે, અમારી સેવા જો સાચી હશે । ન બોલે કરું ત્યાગ તરત, એવી તમો સાથે રાખું સરત ।।૩૦।।

પુછ્યું સંજય વિષ્ણુને તેહ, પોતાના મનમાં હતું જેહ । હરિઇચ્છા વદ્યા વિષ્ણુ વાણ, સુણો સંજય કહું છું જાણ ।।૩૧।।

જમાડ્યાનો હતો જે વિચાર, તેતો પૂરણ કર્યો આવાર । બીજો ઘાટ છે જે મનમાંહિ, તેતો કેશો નહિ તમે આંહિ ।।૩૨।।

એછે પુરૂષોત્તમ મહારાજ, તેમને કેશો નહિ એ કાજ । એવાં વિભુનાં સુણ્યાં વચન, પામ્યાં આશ્ચર્ય દંપતિ મન ।।૩૩।।

પગે લાગીને કરે પ્રણામ, સ્વામીને જાણ્યા પૂરણકામ । થયાં આશ્રિત નિર્મળ મન, કરે પ્રગટનું જે ભજન ।।૩૪।।

પછે નીલકંઠજીયે સાર, તેની સેવા કરી અંગીકાર । થયા પ્રસન્ન દેવ મોરાર, મારે વાલિડે કર્યો વિચાર ।।૩૫।।

તેના ઘેર વરો હતો જેહ, પોતે ધારી લીધો મન તેહ । આપ્યું નીલકંઠે ત્યાં વચન, તમે ચિંતા ન રાખશો મન ।।૩૬।।

પુરું કરશે શ્રીભગવન, સત્ય માનો અમારું વચન । એમ રાજી થયા ભગવાન, આપ્યું સંજયને વરદાન ।।૩૭।।

પછે મંદ પડ્યો છે પર્જન્ય, નથી સંતોષ સર્વેને મન । કાંઇ પાક્યું નહીં તેહ સ્થાન, ઘણા લોક થયા છે હેરાન ।।૩૮।।

પણ સંજયને મટી બીક, જ્વાર પાકી છે સૌથી અધિક । નીલકંઠની કૃપાયે સાર, થયો સંજય સુખી અપાર ।।૩૯।।

પામ્યાં સ્વામીતણું વરદાન, ગયાં ઘેર બેઉ ભાગ્યવાન । પછે ચાલ્યા ત્યાંથી બ્રહ્મચારી, દીઘાઘાટે ગયા ગિરિધારી ।।૪૦।।

બોતેર નદીઓ ભેગી થાય, મહાસાગરમધ્યે તે જાય । ચાર ગાઉનો પોળો પ્રવાહ, ઘણું જળ વહે છે અથાહ ।।૪૧।।

શ્રીહરિયે કર્યું તેમાં સ્નાન, ત્રણ દિવસ રહ્યા તે સ્થાન । પછે ત્યાંથી તો થયા તૈયાર, ચર્ણે પાદુકા પેરી તે વાર ।।૪૨।।

ચારે કાંઠે વહે ઘણું નીર, તે ઉપર ચાલ્યા નરવીર । વાણ વિના કર્યું છે વિચરણ, જળ ઉપર અશરણશરણ ।।૪૩।।

એમ ચાલ્યા ગયા ભગવન, સરિતાઓ કરી ઉલ્લંઘન । મહા અર્ણવરૂપ સંસાર, જેના નામે તરે છે અપાર ।।૪૪।।

તેને સરિતાનો શો ભાર, સાત સાગરના જે આધાર । ક્ષણમાત્રમાં ઉતર્યા પાર, ચાલ્યા આગળ ધર્મકુમાર ।।૪૫।।

કેટલેક દિવસે મોરાર, પોક્યા જનકપુર મોઝાર । ત્યાંના રાયે કર્યો સતકાર, તેની સેવા કરી અંગીકાર ।।૪૬।।

ત્રણ દિવસ રહ્યાછે ત્યાંય, વ્હાલો જનકપુરીની માંય । જણાવ્યો છે પોતાનો પ્રતાપ, ટાળ્યા સર્વેના શોક સંતાપ ।।૪૭।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શરવાઘાટેથી ચાલ્યા ને ગોરખપુરમાં સંજયને વર આપ્યો એ નામે પાંચમો તરંગઃ ।।૫।।