તરંગઃ - ૪૫ - શ્રીહરિ ગામ ઉંઝે પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:27pm

પૂર્વછાયો

હે ભાઈ સુણો હેતવડે, ત્યાર પછીની વાત । શ્રીહરિ આવ્યા હળવદે, ભાવે ભૂધરભ્રાત ।।૧।।

ગામ બાર છે સરોવર, આવી ઉભા તે તીર । નારાયણ યાજ્ઞિક નામે, સંધ્યા કરે છે ધીર ।।૨।।

બીજા બ્રાહ્મણ ત્યાં ઘણા છે, કરે છે નિત્યનેમ । એ સમયમાં આવી ઉભા, અલબેલોજી એમ ।।૩।।

વાડવે દેખ્યા વાલમને, જોયું સુંદર રૂપ । વિચાર કરવા લાગ્યા છે, ક્યાંથી આવ્યા અનૂપ ।।૪।।

વાડવનાં ચિત્ત ખેંચાણાં, આવ્યા ઉઠીને પાસ । પ્રેમવડે પ્રણામ કર્યા, મન કરીને વિશ્વાસ ।।૫।।

 

 

ચોપાઈ

 

હવે જોશી નારાયણ નામ, તેણે જાણ્યું થયું મારું કામ । આ કોઈ ઐશ્વર્ય સત્તાવાન, આજે આવી મળ્યા ભગવાન ।।૬।।

એવો ધરી મનમાં વિચાર, કર્યો શ્રીહરિનો સતકાર । પ્રેમે ગદગદ થૈને મન, બોલ્યા અતિ મધુરાં વચન ।।૭।।

હે કૃપાનાથ હે ભગવાન, હવે પધારો મારે ભુવન । એમ કહી તેડિલાવ્યા સંગ, પોતાને ઘેર આવ્યા ઉમંગ ।।૮।।

સેવાકરી છે પ્રેમસહિત, શ્રી હરિમાં પ્રોવાણું છે ચિત્ત । હતી એકાદશી તેહ દિન, નારાયણને વશી છે મન ।।૯।।

કર્યું જાગ્રણ પ્રભુજી સાથ, થયા જોશી તે આપે સનાથ । એમ કરતાં થયો પ્રાતઃકાળ, ત્યાંથી પધાર્યા દીનદયાળ ।।૧૦।।

ધાંગધ્રે આવ્યા શ્રીભગવાન, ત્યાં કર્યું છે સરિતામાં સ્નાન । નિત્યવિધિ કર્યો છે તે સ્થાન, પધાર્યા ગામમાં ભગવાન ।।૧૧।।

ઘેલડીના તે મંદિરમાંય, કર્યાં દેવનાં દરશન ત્યાંય । જાતિ વિપ્ર અવલબા નામ, રેછે તે ગામમાં અભિરામ ।।૧૨।।

તેણે કર્યો છે સુંદર થાળ, જમાડ્યા શ્રીહરિને તે કાળ । જમી તૃપ્ત થયા ભગવાન, તે બાઈને આપ્યું મોક્ષદાન ।।૧૩।।

ત્યાં હતો બ્રાહ્મણ શાસ્ત્રી એક, માધ્વી સંપ્રદાયનો વિશેક । તેનાથી કર્યો શાસ્ત્રસંવાદ, જીતી લીધો છે ધરી આહલાદ ।।૧૪।।

આપ્યું નિજસ્વરૂપનું જ્ઞાન, કર્યો આશ્રિત દઈને માન । પછે સૌભીર દેશમાં જેહ, મોટું છે ગામ મેંથાણ તેહ ।।૧૫।।

ત્યાં પધાર્યા છે પોતે શ્રીરંગ, ઉરમાં કરી અતિ ઉમંગ । કાકાજી પુંજાજી દરબાર, બેઉ બાંધવ પરમ ઉદાર ।।૧૬।।

તેમનાં બેન જીજીબા જાણ, મહાપુન્ય પવિત્ર પ્રમાણ । જાણ્યું આવ્યા શ્રીજીમહારાજ, સામા ગયા તે દરશન કાજ ।।૧૭।।

કર્યાં શ્રીહરિનાં દરશન, અતિ આનંદ પામ્યા છે મન । પછેતો કર્યો બહુ સત્કાર, સામૈયું કર્યું છે તેણી વાર ।।૧૮।।

ઘણો હર્ષ વધ્યો મનમાંય, તેડી ગયા દરબાર જ્યાંય । વળી મન કરી અતિ હેત, પધરાવ્યા છે પ્રેમસમેત ।।૧૯।।

કર્યું પૂજન અર્ચન સાર, પહેરાવ્યા છે પુષ્પના હાર । પછે કરાવી રૂડી રસોઈ, જમાડ્યા પ્રભુને પ્રીતપ્રોઈ ।।૨૦।।

કાકાજી પુંજાજી ભાગ્યવાન, જેને શ્રીહરિ થયા પ્રસન્ન । જીજીબા છે બહુ પુન્યવાન, જેને ઘેર આવ્યા ભગવાન ।।૨૧।।

ભવ બ્રહ્માને દુર્લભ જેહ, સ્વામિનારાયણ પ્રભુ તેહ । રાખ્યા દરબારમાં કરી ભાવ, તેમણે લીધો લાખેણો લાવ ।।૨૨।।

ધન્ય પુંજાજીનો દરબાર, ધન્ય કાકાજીનો અવતાર । ધન્ય છે જીજીબાનો જે પ્રેમ, આજ્ઞા પ્રમાણે ચાલે છે નેમ ।।૨૩।।

કર્યું એમણે સુફળ કાજ, પ્રભુમાં વૃત્તિ છે સુખસાજ । એમ શ્રીહરિને રાખ્યા ઘેર, નિત્ય સેવા કરે રુડી પેર ।।૨૪।।

દેખ્યો મહારાજે અતિભાવ, માટે રહ્યા નટવર નાવ । નવી નવી લીલા કરે નિત્ય, આપે ભક્તને સુખ અમિત ।।૨૫।।

એવી રીતે મેંથાણ મોઝાર, શ્રીજી આવ્યા સત્તાવીશ વાર । ઘણી લીલાઓ કરી છે ત્યાંય, પુંજાજીના દરબારમાંય ।।૨૬।।

પછે થયા છે પ્રભુ પ્રસન્ન, પુંજાજીને આપ્યું છે વચન । તમારા ગામની સીમમાંય, જે કોઇ માણસ મરશે આંય ।।૨૭।।

તેનું કરીશું કલ્યાણ સાર, સત્ય માની લેજ્યો નિરધાર । પુંજાજીને ઘેર અવિનાશ, કોઈ સમે રહ્યા સાત માસ ।।૨૮।।

બીજા મેંથાણના હરિજન, નિત્ય આવે કરવા દર્શન । દેવરામ ગોવિંદજી નામ, જાદવજી અને જીવરામ ।।૨૯।।

એ આદિ બીજા સૌ હરિભક્ત, શ્રીહરિમાં છે તે તો આશક્ત । આપ્યું પ્રભુયે સુખ અપાર, નિજ આશ્રિતને તેહ ઠાર ।।૩૦।।

વાલીડો બોલ્યા વાણી જેહ, પુંજાજી આદિ ભક્તને તેહ । એકાદશીનો ઉત્સવ જેહ, સિદ્ધપુરે કરવો છે તેહ ।।૩૧।।

મોટું તીરથ છે તે પાવન, માટે જાવાનું ધાર્યું છે મન । એમ કહીને લખાવ્યા પત્ર, દેશોદેશમાં મોકલ્યા તત્ર ।।૩૨।।

પછે ચાલવા કર્યો વિચાર, રંગરસિયો થયા તૈયાર । હળવદ ધ્રાંગધ્રા મેંથાણ, ત્યાંના હરિજન જે સુજાણ ।।૩૩।।

સ્નેહથી લીધા તેમને સાથ, પધાર્યા ત્યાંથી શ્રીયોગિનાથ । ગામ ડુમાણે થૈ અલબેલ, વિરમગામ પધાર્યા છેલ ।।૩૪।।

એમ ફરતા થકા સુખકારી, ગામ ઉંઝે પધાર્યા મુરારી । તે ગામથી ઉત્તર દેશ, સરોવર સુંદર છે એશ ।।૩૫।।

તે સરોવરતીરે સમક્ષ, મોટું છે એક વડનું વૃક્ષ । તેના તળે કર્યોછે મુકામ, નિજ પાર્ષદે જુક્ત તે ઠામ ।।૩૬।।

નથુરામ વિપ્ર છે પાવન, વૈશ્ય મુરારી નિર્મળ મન । જેકુંવરબા બ્રાહ્મણ જાત, એ આદિ છે ઉંઝામાં વિખ્યાત ।।૩૭।।

તે સર્વેએ જાણ્યું છે મન, અત્રે આવ્યા છે શ્રીભગવન । પછે ગયા સરોવર તીર, જ્યાં બિરાજ્યા છે શ્રીબળવીર ।।૩૮।।

અતિ પ્રેમસહિત ઉમંગ, કરી પ્રાર્થના રૂડે રંગ । બેઠા વિગતે કરીને સેવા, નિરખ્યા પ્રભુને તર્ત એવા ।।૩૯।।

પછે તે સમે આવ્યા છે સંત દેશો દેશથી મોટા મહંત । મુક્તાનંદ નિત્યાનંદ જેહ, શતાનંદ બ્રહ્માનંદ તેહ ।।૪૦।।

ચૈતન્યાનંદ મુનિ છે નામ, મહાનુભાવાનંદ અભિરામ । એ આદિ સૌ સંતનો સાથ, આવ્યા મંડળ લઈ સનાથ ।।૪૧।।

વાસુદેવાનંદ ને મુકુંદ, એ આદિ વર્ણી સૌ સુખકંદ । વળી પાર્ષદ જે ભૃગુજીત, શ્રીજીમાં છે નિશ દિન ચિત્ત ।।૪૨।।

કાઠિયાવાડ આદિ જે દેશ, ત્યાંથી આવ્યા હરિજન એશ । માંચા ખાચર આદિ અનન્ય, સર્વે આવ્યા છે પુન્ય પાવન ।।૪૩।।

સોરઠના જે પર્વતભાઈ, ગોવર્ધન આદિ સુખદાઈ । સુંદરજી જેઠી ગંગારામ, કચ્છ દેશથી આવ્યા તે ગામ ।।૪૪।।

ભાલ સૌભીર આભીર દેશ, ગુજરાત ને દંઢાવ્ય એશ । એ આદિ દેશોમાંથી પાવન, લક્ષા વધી આવ્યા હરિજન ।।૪૫।।

સૌને આવતા દેખીને શ્યામ, ઉઠી સામા ગયા પૂર્ણકામ । મળ્યા માધવ થૈને પ્રસન્ન, સૌનાં શાંતિ પમાડ્યાં છે મન ।।૪૬।।

સંત હરિજનને તે વાર, કર્યો શ્રીજીયે સહુ સત્કાર । ઉંઝા મુકામે શ્રીઅલબેલે, લાખો જનને તેડાવ્યા છેલે ।।૪૭।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગામ ઉંઝે પધાર્યા એ નામે પિસ્તાલિસમો તરંગઃ ।।૪૫।।