ચોપાઈ
સુણો રામશરણ મતિ સાર, શ્રીહરિનાં ચરિત્ર અપાર । પછી થાળ થયો છે તૈયાર, જમાડ્યા પ્રભુને તેણી વાર ।।૧।।
કરે માનુષી લીલા અપાર, તેમના દરબાર મોઝાર । એમ વીતી ગયા ત્રૈણ માસ, રાજી થઇને બોલ્યા સુખરાશ ।।૨।।
સુણો રાયધણજી વચન, અમારે જાવું છે જાણો મન । યજ્ઞ કરવો છે ડભાણમાંય, માટે ચાલો જઇએ સહુ ત્યાંય ।।૩।।
મહારુદ્ર કરવો છે તે ઠાર, એવું ધારીને થયા તૈયાર । રાયધણજી જેમલસંગ, હિન્દુજી અદાજી ને ઉમંગ ।।૪।।
લીધા અશ્વ પોતાના તે વાર, પાંચ જણા થયા અસવાર । એમ સર્વેને લઇ નિજ સંગે, શ્રીહરિ પધાર્યા રૂડે રંગે ।।૫।।
પછે નીકળ્યા ગામથી બાર્ય, વળોટાવા આવ્યાં નરનાર્ય । કરણીબા આદિ જે હરિજન, વ્હાલાને કે છે મિષ્ટ વચન ।।૬।।
હે કૃપાનાથ ! હે જગતાત !, સુણો વિનંતિ મારી વિખ્યાત । ગુજરાતમાં તો ઘણીવાર, યજ્ઞ કરો છો ત્યાં ઠારોઠાર ।।૭।।
માટે યજ્ઞ કરો આંહી એક, અમને ઠીક લાગે વિવેક । ત્યારે શ્રીહરિ કે બહુ સારૂં, યજ્ઞ કરશું આંહી એક વારૂં ।।૮।।
સહુને પાછા વાળ્યા તતકાળ, ગુજરાતમાં ચાલ્યા દયાળ । આગળ જાતાં ધર્યાં બે રૂપ, અવિનાશી અખંડ અનૂપ ।।૯।।
પાંચ સ્વારને લેઇને સંગે, એક રૂપે ચાલ્યા તે ઉમંગે । બીજે રૂપે વ્હાલો પ્રીત પ્રોઈ, પાછા પધાર્યા ગામ આધોઈ ।।૧૦।।
કરણીબાયે પૂછ્યું નામી શીશ, કેમ પાછા આવ્યા જગદીશ । ત્યારે બોલ્યા મનોહર માવ, તમારો દેખીને બહુભાવ ।।૧૧।।
અમે પાછા વળ્યા છૈએ આજ, કરવું છે આંહી યજ્ઞનું કાજ । એમ કહીને આધોઇમાંય, સામગ્રી ભેગી કરાવી ત્યાંય ।।૧૨।।
યજ્ઞનો કરાવ્યો છે આરંભ, મહારુદ્રના રોપાવ્યા સ્તંભ । હવે બીજે રૂપે જગરાય, ગુજરાત ભણી ચાલ્યા જાય ।।૧૩।।
વ્હાલો પોચ્યા ખાખરેચી ગામ, રૂડું દેખ્યું તળાવ તે ઠામ । ઘોડાને પાયું છે તિયાં વારી, પછે ચાલ્યા ત્યાંથી સુખકારી ।।૧૪।।
વાંટાવદર રાયસંગપુર, હળવદે ગયા છે જરૂર । ત્યાંના પ્રેમી રૂડા હરિજન, શિવ યાજ્ઞિક આદિ જે પાવન ।।૧૫।।
સામૈયું લેઇ આવ્યા સમાજ, વ્હાલાને વધાવ્યા છે સુખસાજ । ગાજતે વાજતે કરી પ્રીત, ગામમાં તેડી ગયા અજીત ।।૧૬।।
ઈશ્વરદવેના ડેલામાંય, ઉતારો કરાવ્યો જઈ ત્યાંય । પધરાવ્યા છે પલંગે શ્યામ, સર્વેનાં થયાં પૂરણકામ ।।૧૭।।
ત્યારે તે ગામના હરિજન, સહુ આવેછે નિર્મળ મન । સાકર પેંડા બરફી સોય, મહાપ્રભુને ધરાવે જોય ।।૧૮।।
હરિ અર્ધું જમીને ભોજન, બીજું પાછું આપે છે પાવન । જમી ગયા બે મણ મીઠાઈ, એવી લીલા કરે સુખદાઈ ।।૧૯।।
પછે કે છે હરિજન વાલ, શ્રીહરિ હવે થયો છે થાળ । ત્યારે મહારાજ કે શ્રીમુખ, અમને પણ લાગી છે ભુખ ।।૨૦।।
પધાર્યા શિવજાનીને ઘેર, થાળ જમ્યા છે ત્યાં રૂડી પેર । પછે આસને બીરાજ્યા શ્યામ, સર્વાંતર્યામી સુખધામ ।।૨૧।।
શિવજાનીએ કર્યું પૂજન, પંચામૃતવડેથી પાવન । પ્રભુના તેણે ધોયા બે ચરણ, થયા પ્રસન્ન અશરણ શરણ ।।૨૨।।
પછે ઉતારે આવ્યા છે શ્યામ, ઘણી લીલા કરી છે તે ગામ । પાંચ દિવસ રહીને સધાવ્યા, ધ્રાંગધ્રે થઈ મેથાણ આવ્યા ।।૨૩।।
ભલા પૂંજાભાઈ દરબાર, દલાજી રૂપાબા મતિ સાર । તેના દરબારમાં ગયા છેલ, પાંચ દિન રહ્યા અલબેલ ।।૨૪।।
ઘણું ઘી જમ્યા છે તેહ ઠાર, દલાજીના દરબાર મોઝાર । પટેલ કાનાને ઘેર થાળ, પોતે જમ્યા છે દીનદયાળ ।।૨૫।।
પછે ચાલ્યા છે જીવનપ્રાણ, ખેરવે રામગ્રીયે પ્રમાણ । ત્યાંથી દદુકે થઈ સુખધામ, ગયા વ્હાલો મછીયાવ ગામ ।।૨૬।।
સુરસિંહને ત્યાં ગિરધારી, થાળ જમ્યા ત્યાં દેવમોરારી । વળી ચાલ્યા આગે જગતાત, ત્યાંથી પધાર્યા છે ગામ ભાત ।।૨૭।।
પછે ગયા છે જેતલપુર, મંદિરમાં ઉતર્યા જરૂર । ગંગામાયે કર્યો રૂડો થાળ, જમીને તે ચાલ્યા તતકાળ ।।૨૮।।
પ્રભુજી પોચ્યા ગામ ડભાણ, અખીલ વિશ્વનિયંતા જાણ । મુક્તાનંદ બ્રહ્માનંદ જેહ, મળ્યા ડભાણમાં પણ તેહ ।।૨૯।।
તેમને કહ્યું શ્રીમહારાજ, કરો યજ્ઞ તણું તમે કાજ । કંકોત્રીઓ લખાવો દેશોદેશ, તેડાવો રૂડા વિપ્રને એશ ।।૩૦।।
કરી સામગ્રી તૈયાર આંય, કામકાજ ધારી મનમાંય । અમે ફરવા જૈયે છૈયે આજ, થોડા દિને આવીશું આ કાજ ।।૩૧।।
હાથરોેલી ઘોડાસર ગામ, એહ આદિમાં ફરીશું તે ઠામ । પછે આવીશું પાછા આ સ્થાન, ત્યાં સુધી કામ કરજ્યો સમાન ।।૩૨।।
એમ કહીને ચાલ્યા અવિનાશ, હાથરોલી ગયા સુખરાશ । કર્યો મુકામ ત્યાં સુખભેર, પ્રભુએ ભગુખાંટને ઘેર ।।૩૩।।
સર્વે સંતમંડળને હિત, તેડાવી લીધા ત્યાં કરી પ્રીત । મહાનુભાવાનંદ આદિ જેહ, સઘળા આવ્યા મળીને તેહ ।।૩૪।।
કર્યાં શ્રીહરિનાં દરશન, સંત આનંદ પામ્યા છે મન । સોરઠમાંથી પરવતભાઈ, સંઘ લઈ આવ્યા સમુદાઈ ।।૩૫।।
મળ્યા શ્રીહરિને પામ્યા સુખ, વામ્યાં સંસારનાં સહુ દુઃખ । ત્યારે સ્વામી મહાનુભાવાનંદ, કહે મહારાજને સ્વછંદ ।।૩૬।।
આ પર્વતભાઈ છે સમર્થ, એમણે સિદ્ધ કર્યા સહુ અર્થ । ત્યારે બોલ્યા વળી બળવંત, એતો છે અંતર્યામી મહંત ।।૩૭।।
પછે સંતને કે મહારાજ, કરો અમે કહીએે તેમ કાજ । ઝોળી ફેરવીને લાવો અન્ન, ગોળા વાળીને કરો પ્રાશન્ન ।।૩૮।।
ગામ બાર આંબલીયોમાંય, સંતોયે ઉતારો કર્યો ત્યાંય । શ્રીહરિની આજ્ઞામાં તે વર્તે, કરે સ્મરણ હરતે ને ફરતે ।।૩૯।।
ભગુજીના ફળીયા મોઝાર, નિત્યે સભા કરે છે તે ઠાર । ધર્મજ્ઞાન વૈરાગ્યની સભ્ય, રૂડી વાતો કરે છે અલભ્ય ।।૪૦।।
હવે સુરત શેરનો સંઘ, આવ્યો મનમાં ધારી ઉમંગ । તેમણે પૂજા કરી છે સાર, આપ્યાં ભૂષણ વસ્ત્રાલંકાર ।।૪૧।।
એવી રીતેથી ભૂધરભ્રાત, રહ્યા હાથરોલી દિન સાત । પછે ત્યાં થકી સુંદર શ્યામ, પધાર્યા છે ઘોડાસર ગામ ।।૪૨।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગામ હાથરોલીથી ઘોડાસર પધાર્યા એ નામે ઓગણસાઠમો તરંગઃ ।।૫૯।।