તરંગઃ - ૮૭ - શ્રીહરિનું અંગે અંગ તિલચિહ્ન સહિત ધ્યાન કરવું તેની રીત કહી

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:57am

પૂર્વછાયો

બે સ્તન તે વળી ગોેેળ છે, તેપર ફરતા જેહ । ઝીણા ઝીણા રોમે યુક્ત છે, શ્યામ મણિસમ તેહ ।।૧।। 

મનહર સુખકરણ છે, ધ્યેય ને શોભાયમાન । તેજસ્વી સ્તન ઉપર છે, છાપનાં ચિહ્ન નિદાન ।।૨।। 

જમણી ભુજામાં પડખે, સમીપ છે તિલ ચાર । એ ચારની ઉભી પંક્તિ છે, શોભાતણો નહિ પાર ।।૩।।

 

ચોપાઇ

 

જમણી ભુજા તેના મૂળથી, ત્રણ તસુ હેઠું કહું કથી । એક છાપનું ચિહ્નછે સારું, સર્વ સમૃદ્ધિ તેપર વારું ।।૪।। 

વળી તે ચિહ્ન પડખે બાર, સમીપે નાના તિલછે ચાર । ઉભી પંક્તિ તે રુડી દેખાય, તે ભાળીને મુનિ વશ થાય ।।૫।। 

તે કરની કુણી પર ભિન્ન, ઘસારાનું છે ઉત્તમ ચિહ્ન । એજ હાથને પડખે માંઇ, કુણી પાસ મણિબંધ જ્યાંઇ ।।૬।। 

એથી ઉંચા છે બે તિલ સારા, પ્રેમીજનને તો લાગે પ્યારા । એજ હાથને માંહીલે પાસે, ધ્યાન કરનારાને તે ભાસે ।।૭।। 

મણિબંધ થકી તસુ અષ્ટ, ઉચું છાપનું ચિહ્ન છે સ્પષ્ટ । એ કરે છેલ્લી આંગળી જેહ, તે મૂળેથી અર્ધ તસુ એહ ।।૮।। 

ઉંચે ત્યાં નાનો તિલ છે એક, તેને ધારી લેવો ધરી ટેક । એની આંગળીયોપર સાર, મૂળમાં નિરખવું નિરધાર ।।૯।। 

ઝીણાં ઝીણાં છે રોમનાં ચિહ્ન, દેખીને ભક્ત રેછે આધીન । કરભ ઉપર શોભે નવીન, સૂક્ષ્મ રોમનું છે એક ચિહ્ન ।।૧૦।। 

ડાબી ભુજાના મૂળથી જોય, ત્રણ તસુ પાસે દીસે સોય । એક છાપનું ચિહ્ન શોભે છે, યોગીયોનાં મન ત્યાં લોભે છે ।।૧૧।। 

એજ કરની કુણી ઉપર, ઘસારાનું ચિહ્નછે સુંદર । એ કુણી થકી પડખે બાર, બે તસુ હેઠો તિલછે સાર ।।૧૨।।

 એજ હાથે મણીબંધ થકી, અષ્ટ તસુ ઉંચું કહું નક્કી । એક છાપનું ચિહ્ન છે ત્યાંય, દેખી મોદ વધે મનમાંય ।।૧૩।। 

અંગુઠા પાસેની જે આંગળી, તેની શોભા તો જાય ન કળી । માંહિલે પડખે નખપાસ, નાનો તિલછે એક પ્રકાશ ।।૧૪।। 

એના વચ્ચેની જે છે આંગળી, તેની શોભા તો જાય ન કળી । એ કરના પોચામાં વિશેક, શોભિતો છે રૂડો તિલ એક ।।૧૫।। 

પાંચે આંગળીયોેેનાં જે મૂળ, એના ઉપર છે અનુકુળ । ચિહ્ન છે રોમનાં ઝીણાં ઝીણાં, ભવ બ્રહ્મા વખાણે છે ઘણાં ।।૧૬।। 

વળી ૧કરભ ઉપર પ્રકાશ, સૂક્ષ્મરોમનું ચિહ્ન છે ખાસ । કરઆંગળીયે નખ જેહ, રક્ત તેજે ઉપડતા તેહ ।।૧૭।। 

બેઉ કરનાં તળાં છે રક્ત, અતિકોમળ શોભાયે જાુક્ત । એમાં ઓપી રહી અભિરામ, રેખાયો છે થોડી થોડી શ્યામ ।।૧૮।। 

કાંડાં કઠિન છે બે કરનાં, બલવાન શ્રીહરિવરનાં । ભુજદંડ તે જાનુપર્યંત, દીર્ઘ પુષ્ટ શોભેછે અત્યંત ।।૧૯।। 

સ્કંધ પુષ્ટ ઉપડતા અતિ, એ કાજે ઉપમા નથી થતિ । વામ ૨સ્કંધપર સૂક્ષ્મ સાર, ચૌદ તિલની ઉભી છે હાર ।।૨૦।। 

ડાબા ખભા થકી હેઠે જાણો, બે તસુ મોટો તિલ પ્રમાણો । રોમેસહિત રૂડો દેખાય, જોતાં તાપ ત્રિવિધના જાય ।।૨૧।। 

તેથી બેઆંગળ હેઠો એક, ત્રીજો બે તસુ નીચો વિશેક । તે બે તિલથી બારલે પાસ, ત્રણ તિલછે તે પાસ પાસ ।।૨૨।। 

૩ગ્રીવા સ્થૂલ છે શોભાયમાન, તેથી બે તસુ હેઠે નિદાન । પૃષ્ઠ દક્ષિણ પડખે એક, તિલ શોભી રહ્યો છે વિશેક ।।૨૩।। 

જમણા ખભે પડખે બાર, ખરપડીપર તિલ નિરધાર । તે પણ નાનોછે એજ ઠાર, જાણે અખિલ જગઆધાર ।।૨૪।। 

તેથી માંહેલી કોર જે સાર, ત્રણ તિલ રહ્યા છે તેઠાર । પૃષ્ઠ વિષે કરોડાથી બાર, જમણી કોરે સમીપે ચાર ।।૨૫।। 

ચારે તિલની ઉભીછે હાર, તેની શોભાતણો નથી પાર । બેઉ નિતંબ પુષ્ટછે ન્યારા, ઉપડતા ને શોભિતા સારા ।।૨૬।। 

બે પૃષ્ઠ ઉપડતા વિમળ, અતિ તેજસ્વી છે તે કોમળ । બે પૃષ્ઠમધ્યે કરોડો જેહ, ધ્યેય શોભાયમાન છે તેહ ।।૨૭।। 

તે ૧જત્રુ બુડેલી છે સમાન, અતિ તેજસ્વી શોભાયમાન । તેહ જત્રુના મધ્યે જે કૂપ, તેમાં એક તિલ છે અનૂપ ।।૨૮।। 

શ્રીહરિનો રૂડો કંઠ શોભે, શંખસમ જોઇ મન લોભે । વર્ણન કરતાં હારે ભારતી, ન પોકે તેમાં તેહની ગતિ ।।૨૯।। 

ત્રિવળી યુક્ત ધ્યેય તેહ, તેનું ધ્યાન કરે જન જેહ । સંસાર સાગર સેજે તરે, અક્ષરધામમાં જઇ તે ઠરે ।।૩૦।। 

તે કંઠના મધ્યભાગમાંય, નાનો તિલછે એકજ ત્યાંય । વળી ચિબુકપાસે છે એક, ભવજળ-તારણ વિશેક ।।૩૧।। 

૨ચિબુક અધર પર જોય, ઝીણાં રોમનાં ચિહ્નછે સોય । મનોહર મુખ દીસે સાર, ૩વિધુવત્ દીપે છે અપાર ।।૩૨।। 

ગોળાકાર છે ચંદ્રસમાન, અતિ તેજસ્વી શોભાયમાન । વળી ધ્યેય છે શાંતિનું ધામ, સુખકારી સદા અભિરામ ।।૩૩।। 

૪ઓષ્ઠ સુંદર રક્ત દેખાય, તેથી પ્રવાલાં ઝાંખાજ થાય । મુખકંજમાં જમણે પાસ, હેઠે પ્રથમ દાઢ પ્રકાશ ।।૩૪।। 

તેમાં ચિહ્ન શોભે એક શ્યામ, ઉપરના પડખે તે ઠામ । તેમાંથી શ્યામ ચિહ્ન દેખાય, જોઇ હરિજન હરખાય ।।૩૫।। 

દંતપંક્તિ મુક્તાફળ જાણે, શોભે દાડમબીજ પ્રમાણે । હેઠેની દંતપંક્તિ છે જેહ, ઝીણી રેખાય યુક્ત છે તેહ ।।૩૬।।

ઉપરની પંક્તિ જે કેવાય, થોડી વિશાલતાયે દેખાય । વળી નાસિકા સુંદરવાન, અણી નમણી શોભાયમાન ।।૩૭।। 

જાણે તિલનું પુષ્પ શું હોય, શુક ચંચુસમો વળ સોય । જોઇ દીપક જોત લજાય, નાસિકા રુડી એવી દેખાય ।।૩૮।। 

તેના ઉપર દીસે નવીન, ઝીણાં ઝીણાં છે શિળીનાં ચિહ્ન । બે નેત્ર ઉપર નીચે સારી, ઝીણી કરચલી શોભેછે ન્યારી ।।૩૯।। 

અતિ નૌતમ નેત્ર વિશાળ, કરુણામય રસભર લાલ । તેમાં રેખાઓ દીસેછે રાતી, ઉપમા તે કહી નથી જાતી ।।૪૦।। 

અતિસુંદર શોભાયમાન, કદી સામું જુવે ભગવાન । મોટા લોકપતિ વશ થાય, બીજાું અધિક તે શું કેવાય ।।૪૧।। 

નાસિકાપાસે જમણી કોર, મોટો તિલ એક છે તેઠોર । વળી તે તિલથકી તો ઉંચો, નેત્રના ખુણા થકીછે નીચો ।।૪૨।। 

એક તિલ નાનોછે તેપાસ, કપોળછે બે પુષ્ઠ પ્રકાશ । વળી ગોળ ઉપડતા રક્ત, તેજસ્વી છે માયાથી વિરક્ત ।।૪૩।। 

બેઉ શ્રોત્ર છે સુંદર સાર, શું વખાણું તે વારમવાર । વામ કર્ણમાં માંહિલે પાસે, આઘો તિલ મોટો એક તાસે ।।૪૪।। 

જમણા કર્ણે બુટી ઉપર, એક તિલ શોભે છે સુંદર । બેઉ કર્ણની બુટીયો જોય, તેને વેંધ્યાનાં ચિહ્ન છે સોય ।।૪૫।। 

ભ્રકુટીયો બે રુડી દેખાય, મુનિનાં ત્યાં મનડાં લોભાય । જાણે ચડાવી કામે કબાન, એવી મનહર બલવાન ।।૪૬।। 

રુડું લલાટ દીર્ઘ વિશાલ, તેજ દેખી ચળે દિગપાલ । ત્રણ રેખાયો તે ચંદ્રાકાર, આડી દીસેછે ભાલ મોઝાર ।।૪૭।। 

ત્રણ ચિહ્ન દેખાય છે સ્પષ્ટ, નિજ સેવકને છે અભીષ્ટ । બે રેખાઓ ઉભી છે તે ઠાર, શોભી રહી તિલક આકાર ।।૪૮।। 

એ બે રેખાઓનાં રુડાં ચિહ્ન, ભાલવિષે દેખાય છે ભિન્ન । તે લલાટથી જમણી બાજુ, કેશથી હેઠું છે તિલ ત્રાજાુ ।।૪૯।। 

મસ્તક છે અતિ ગોળાકાર, તેહની શોભાનો નથી પાર । ઉભી ચોટલી બહુ શોભે છે, જોઇ મુનિનાં મન લોભે છે ।।૫૦।। 

તાલુસ્થાનમાં તિલ છે એક, તેને ભક્ત ભજે છે વિશેક । વળી શિખાની પાછળ સારા, જમણે પાસે નિર્વિકારા ।।૫૧।। 

ત્રણ તિલની ઉભી છે પંક્તિ, તેને જુવે તેતો પામે મુક્તિ । એવી રીતે મને લેવું ધારી, ચિહ્ન સહિત રૂપ વિચારી ।।૫૨।। 

પછે ભૂષણ વસ્ત્ર ને હાર, નિરખવાં ધ્યાનમાં નિરધાર । સુરવાલ સોનેરી અંગરખું, કટિયે સેલું જરકસી સરખું ।।૫૩।। 

બીજું જરકસી શેલું જેહ, બેઉ સ્કંધે ધારી લેવું તેહ । જરકસી મોલીડું તે જોય, પ્રભુને શિર ધારવું સોય ।।૫૪।। 

શિરપેચ તોરા ફુલહાર, નિશ્ચલ મને જોવું નિરધાર । એવી રીતે શ્રીહરિનાં અંગ, ધ્યાનમાં જોવાં ધારી ઉમંગ ।।૫૫।। 

નખશિખા પર્યંત અભિત, ચિહ્ન તિલ જોવાં કરી હિત । મન વશ કરી વૃત્તિ સ્થિર, ધ્યાન કરે રાખી મન ધીર ।।૫૬।। 

તેને પ્રભુમાં થાયછેે પ્રીતિ, પામે નિર્વેદ નિર્મળ નીતિ । કામાદિક શત્રુના વિકાર, દૂર પલાય છે તેહવાર ।।૫૭।। 

અંતરશત્રુ સમુદ્ર જેવા, કોઇ જીતી શકે નહિ તેવા । પણ આવી રીતે ધ્યાન કરે, તેતો સ્હેજે સંસારને તરે ।।૫૮।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિનું અંગે અંગ તિલચિહ્ન સહિત ધ્યાન કરવું તેની રીત કહી એ નામે સત્યાશીમો તરંગઃ ।।૮૭।।