તરંગઃ - ૮૯ - શ્રીહરિવિચરણ

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:59am

પૂર્વછાયો

વિચરણ શ્રીહરિતણાં, સુણે ન થાય સંતોષ । પ્રેમવડે જે સાંભળે, તેના કર્મના છુટે દોષ ।।૧।।

 

ચોપાઇ

 

ભમૈડાની તે રમત કરે, સખાની સાથે ગામમાં ફરે । ગણપતિના મંદિરે જાય, હરિ કથા તેમાં નિત્ય થાય ।।૨।। 

છુપૈયાપુર નરેચા વચ્ચે, મોક્ષ પીપળે જાય તે બચે । તેને જમનું તેડું ન આવે, સુખે અક્ષરધામમાં જાવે ।।૩।। 

વળી છુપૈયામાં એક દિન, સર્વે તીરથ આવ્યાં પ્રાચીન । હરિ સેવાનો તે લાવ લીધો, છુપૈયાપુરમાં વાસ કીધો ।।૪।। 

જલજાત્રામાં જળમાં ખેલ્યા, રામસાગરમાં અલબેલા । રથજાત્રામાં રથમાં બેઠા, સર્વે જન ચાલ્યા જાય હેઠા ।।૫।।

વિશ્વામિત્રીમાં જાઇને નાહ્યા, એવા ઘનશ્યામ છતરાયા । ભાદરવાની એકાદશી દિન, વરઘોડામાં જાય જીવન ।।૬।। 

વળી મહોદય પર્વ આવ્યું, છુપૈયાવાસીને મન ભાવ્યું । ગૌઘાટમાં ન્હાવાને જાય, ધર્મદેવ સાથે સમુદાય ।।૭।। 

શ્રવણ તળાવ નિત્ય જાય, મેળા ઉપર જાઇને ન્હાય । અંધને દેખતા કર્યા લાલે, મોટું કામ કર્યું તિયાં વ્હાલે ।।૮।। 

ધર્મદેવના પિતાનું શ્રાદ્ધ, સૌને જમાડી કર્યું નિર્બાધ । દિવાળી ને પ્રબોધની આવી, પુરજનને તે મન ભાવી ।।૯।। 

ગામ મનકાપુરમાં હરિ, ઘણીવારે ગયા પ્રેમધરી । ધર્મદાદાની સાથે મોહન, દરબારમાં જાય જીવન ।।૧૦।। 

રાજા ફણસ બહુ જમાડે, સેવા કરી આનંદ પમાડે । ત્યાંથી ગજ ઉપર બેસીને, છુપૈયે આવે હેત કરીને ।।૧૧।। 

છુપૈયાની પ્રક્રમાઓ ફરે, તે તો બ્રહ્મમોલે વાસ કરે । છુપૈયાપુરની રજ અડે, તેને જન્મ મરણ નહી નડે ।।૧૨।। 

અનંત પાપ પ્રાણીનાં હોય, મુખે છુપૈયા નામ લે કોય । તેનાં પાપ સર્વે બળી જાય, એમ મોટા મુનિવર ગાય ।।૧૩।। 

છુપૈયાનું ધ્યાન કોઇ ધરે, તેતો અક્ષરમાં જઇ ઠરે । પંચમહાપાપ નાશ પામે, તેનાં સર્વે સંકટ વામે ।।૧૪।। 

અષ્ટાદશ યોજન ફરતાં, છુપૈયાપુર સ્મરણ કરતાં । તેહ પ્રાણી અક્ષરમાં જાય, એવો છુપૈયાનો મહિમાય ।।૧૫।। 

વળી પોતાની મૂરતિમાંથી, બહુ તેજ બતાવ્યું તેમાંથી । અતિ તેજ તેજના અંબાર, છુપૈયાવાસી જન મોઝાર।।૧૬।। 

અલૌકિક તે દર્શન દીધાં, પુરજનનાં કારજ સીધાં । જન્માષ્ટમીને દિવસે માવે, અતિ ઐશ્વર્ય દેખાડ્યું ભાવે ।।૧૭।। 

વળી ગૌઘાટમાં કોઇ પ્રાણી, મરેલાનાં અસ્થિ નાખે આણી । તેની અનંત પેઢી ઉદ્ધરશે, ઘનશ્યામ પાપ તેનાં હરશે ।।૧૮।। 

વિશ્વામિત્રીનો છે મહિમાય, અક્ષરાધિપતિ તેમાં ન્હાય । અવતારના જે અવતારી, તેણે જળક્રીડા કરી સારી ।।૧૯।। 

ધર્મ ભક્તિ ને રામપ્રતાપ, ઘનશ્યામ ઇચ્છારામ આપ । સુવાસની નંદરામભાઇ, બબે રૂપ ધાર્યાં સુખદાઇ ।।૨૦।। 

એકરૂપે છુપૈયામાં રહ્યા, બીજે રૂપે અયોધ્યામાં ગયા । તેવો પ્રતાપ જોઇને સર્વ, દેખી બ્રહ્માનો ઉતર્યો ગર્વ ।।૨૧।। 

જીયાં સુધી ઘરમાં તે રહ્યા, તિયાં સુધી બબે રૂપે થયા । અયોધ્યાપુરી ને તરગામ, વળી છુપૈયામાં ઘનશ્યામ ।।૨૨।। 

સર્વેનાં બેઉ રૂપ ધરાવ્યાં, ઘનશ્યામે તે પોતે બનાવ્યાં । એવું ઐશ્વર્ય જણાવ્યું ભારી, બહુ ગામ ફર્યા સુખકારી ।।૨૩।। 

ધર્મ ભક્તિ ને રામપ્રતાપ, અવધપુરીમાં ગયા આપ । બ્રહટા શાખા નગર જ્યાંય, રહ્યા છે શાંતિભુવનમાંય ।।૨૪।। 

સરજુમાં નિત્ય ન્હાવાને જાય, ધર્મદેવને ભક્તિમાતાય । હનુમાનગઢીમાં હમેશ, રત્નસિંહાસન પરમેશ ।।૨૫।। 

તરગામમાં જનોઇ દીધી, અયોધ્યાપુરીમાં કરી વિધી । ઘણા વિપ્રને તિયાં જમાડ્યા, ધર્મદેવ આનંદ પમાડ્યા ।।૨૬।। 

અંગુઠીની તે મિઠાઇ ખાધી, વચનથી કંદોઇને બાંધી । નિપાલ દેશના મલ્લ જેહ, તેને જીતી લીધા વળી તેહ ।।૨૭।। 

રાયગંજ બજારમાં નિત્યે, પાન સોપારી જમે છે પ્રીત્યે । બાબુરામ તંબોળીને ઘેર, તેની દુકાનમાં સુખભેર ।।૨૮।। 

રામચંદ્રજીયે પાજ્ય બાંધી, પથ્થર તાર્યા સમુદ્ર સાંધી । તેમ શ્રીહરિયે સરજુમાંય, શિલા તારી રામઘાટ જ્યાંય ।।૨૯।। 

વહાણની પેઠે પથ્થર તાર્યા, પુરજનને પાર ઉતાર્યા । અનુક્રમે પથ્થર સર્વે ચાલ્યા, હરિ અવધપુરીમાં માલ્યા ।।૩૦।। 

બ્રહટાપુરમાં કોઇ જાશે, તેનો અક્ષરમાં વાસ થાશે । શાંતિભુવનમાં વાસ કરશે, તેનાં અનંત પાપ બળશે ।।૩૧।। 

વળી બ્રહટાશાખા નગર, અજય વિપ્રનું તેમાં ઘર । ધર્મદેવ ને અજય નામ, તે બન્નેનાં ઘર તેહ ઠામ ।।૩૨।। 

અજય ને સુમતિ કેવાય, તેના પુત્ર થયા સુખદાય । ઉદ્ધવજી પોતે રામાનંદ, રૂડા ગુણે કરી સુખકંદ ।।૩૩।। 

તેમનું જન્મ સ્થાનક જેહ, મંદિરમાં લીધું વળી તેહ । તેહ જગા અતિશે પવિત્ર, અવધમાં દીસેછે વિચિત્ર ।।૩૪।। 

રુડી બ્રહ્મપુરી તે કેવાય, બ્રહ્મયજ્ઞ તેમાં ઘણા થાય । વળી બાગમાં તેહ ભમેછે, મર્કટસાથે ખેલ કરેછે ।।૩૫।। 

વળી મંદિર શિખર શોભે, જોઇ જનનાં મનડાં લોભે । જાણે સોનાનું શિખર હોય, ઉપર કળશ શોભે સોય ।।૩૬।। 

હરિકૃષ્ણ રાધાકૃષ્ણ નામ, આરતી ઉતારે ઘનશ્યામ । ધર્મપિતા તે થાળ જમાડે, શ્રીહરિને આનંદ પમાડે ।।૩૭।। 

અગિયાર વર્ષ ત્રણ માસ, દિન અગિયાર અવિનાશ । એટલા વર્ષ ઘરમાં રહ્યા, પુરજન ઉપર કરી દયા ।।૩૮।। 

વળી એક દિન ગુણસિંધુ, વનમાં જાવા પ્રયાણ કીધું । માતા પિતાને જ્ઞાન કરીને, દેહ છોડાવ્યા પ્રેમ ધરીને ।।૩૯।। 

રામઘાટે સરજુ ગંગામાંય, દેહના વિધિ કર્યા છે ત્યાંય । બન્નેનાં અસ્થિ લેઇને આપ, છુપૈયે ગયા રામપ્રતાપ ।।૪૦।। 

નારાયણસર પૂર્વતીરે, કરાવ્યા ઓટા બલભદ્રવીરે । ઉપર તુલસી ક્યારા કરી, પ્રક્રમાઓ ફરે પ્રેમ ધરી ।।૪૧।। 

છુપૈયાપુર પાવનકારી, તિયાં પ્રગટીયા અવતારી । બાલચરિત્ર શ્રીહરિતણાં, થોડાં લખાણા રૈ ગયાં ઘણાં ।।૪૨।। 

અયોધ્યાપુરથી ચાલ્યા માવ, વનમાં જાવા અતિશે ભાવ । ગયા પુલહાશ્રમે ઉમંગે, તિયાં તપ કર્યું ઉચ્છરંગે ।।૪૩।। 

પછે ચાલ્યા ત્યાંથી ચાર માસ, ગયા ગોપાલજોગીને પાસ । નવલખા ઉપર જઇને, મોટું કાર્ય કર્યું છે ચાહીને ।।૪૪।। 

નવલાખરૂપે પોતે થયા, ત્યાંના મુક્તપર કરી દયા । એકી હાર્યે સર્વેને તે મળ્યા, મોક્ષ પમાડીને પાછા વળ્યા ।।૪૫।। 

મયારાણીયે વચન કીધાં, પોતે અંતરમાં ધારી લીધાં । મારી કન્યાઓને તમે વરો, નહિ વરોતો પ્રસ્તાવો કરો ।।૪૬।। 

તેવું સાંભળી ઉદાસી થયા, ઘણું રોક્યા પણ ચાલ્યા ગયા । લોહી માંસ નાખ્યું છે સુકાવી, સર્વે નાડિયો દેખાયે ૧ચાવી ।।૪૭।। 

પુરૂષોત્તમપુરીમાં આવી, પોતાનું ધાર્યું કર્યું છે ૨ચાવી । સેતુબંધ રામેશ્વરમાંહી, ઘણા દિવસ રહ્યા છે ત્યાંહી ।।૪૮।। 

દક્ષિણ દેશમાં બહુ ફર્યા, અનંત જીવ શરણે કર્યા । બુરાનપુરમાં રાજઘાટે, તેમાં નાહ્યા તીરથને માટે ।।૪૯।। 

તાપી ગંગા ઉતરીને ચાલ્યા, બોચાસણમાં આવીને માલ્યા । ભાલદેશમાં થઇને સધાવ્યા, માંગરોળે તીર્થો સર્વ લાવ્યા ।।૫૦।।

સાત વરષ ને એક માસ, એક દિન ઉપર અવિનાશ । લોજપુરે મુક્તને મળીયા, સત્સંગમાં આવીને ભળીયા ।।૫૧।। 

આખા પિપલાણા બેઉ ગામે, રામાનંદજી મળ્યા તેઠામે । જેતપુરમાં ગાદિયે બેઠા, મત પંથ બેઠા સર્વે હેઠા ।।૫૨।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિવિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિવિચરણ એ નામે નેવ્યાશીમો તરંગઃ ।।૮૯।।