સારસિદ્ધિ કડવું - ૧૨ વા’લિનિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરુર । પદ - ૩

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 9:05pm

રાગ :- ધન્યાશ્રી

 

વૈરાગ્યવંતને અત્યંત સુખજી, જેની ભાગી ગઇ સર્વે ભુખજી ।

કોઇ વાતનું રહ્યું નહી દુઃખજી, સદાયે રહ્યા છે હરિ સનમુખજી ।।૧।।

 

રાગ :- ઢાળ

 

હરિ સનમુખ રહે સદા, જેણે આપદા અળગી કરી ।

સાજી ન રાખી શરીરશું, ગયા અહંમમતા માયા તરી ।।૨।।

જેમ ચકોરની દૃષ્ટિ ચંદ્ર મુકી, અરુપરુ પેખે નહી ।

તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિર્મૂિત વિના દેખે નહિ ।।૩।।

જેમ જળનું ઝષ જળમાં રહે, બા’રે નિસિરતાં બળે ઘણું ।

તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ વિના સુખ ન પામે અણું ।।૪।।

જેમ અનળ રહે આકાશમાં, તેને ભોમ્યે આવ્યે ભારે દુઃખ છે ।

શીદ આવે તે અવનિયે, જેને શૂન્યે રે’વામાંહિ સુખ છે ।।૫।।

તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ ર્મૂિતમાંઇ રહે વસી ।

તેને દેહમાં આવે દુઃખ ઉપજે, જે વાલમમાં રહી વિલસી ।।૬।।

જેમ ભૂપભામિની ભવન તજી, રડવડે એકલી અરણ્ય ।

ભવનભવન હીંડે ભીખતી, તેને વદવી વાઘરણ્ય ।।૭।।

તેમ હરિજનની વૃત્તિને, જોઇએ પૂરણ પતિવ્રતાપણું ।

મહા સુખમય ર્મૂિત મહારાજની, તે માંહિ ગરક રે’વું ઘણું ।।૮।।

પણ બાંધિ અલાબુ દિયે ડુબકી, તે નિસરે બા’રો નીરથી ।

તેમ હરિર્મૂિતમાં બૂડતાં, સ્નેહ તોડવો શરીરથી ।।૯।।

એટલા માટે જરુર જોઇએ, નરને તે નિરવેદ ।

નિષ્કુલાનંદ કહે તે વિના, મટે નહિ મનને ખેદ ।।૧૦।। કડવું ।।૧૨।।

 

રાગ :- રામગરી

(‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.)

વા’લિનિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરુર ।

તે વિના સર્વે તપાસીયું, રાખે હરિથી દૂર; વા’લિ૦ ।।૧।।

અનેક ગુણ હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય ।

તો તનઅભિમાન ટળે નહિ, પાળ્યા પય પાઇ નાગ; વા’લિ૦ ।।૨।।

કુરકટ ફલને જળે વળી, મળ માંયેથી જાય ।

તેમ વૈરાગ્ય ઔષધિ વખાણિયે, પિતાં રોગ પળાય; વા’લિ૦ ।।૩।।

ખોળિખોળિ ખરું કરી, વખાણીયે વૈરાગ્ય ।

નિષ્કુલાનંદ જેને ઉપજયો, તેનાં જાગીયાં ભાગ્ય; વા’લિ૦ ।।૪।। પદ ।।૩।।