કથી નથી કે’વાતું કડવું લગાડીજી, ચોખા ચોખું ચોકસ પાંતિયા પાડીજી
આવે અવસરે જે વરતે છે અનાડીજી, તેને કે’તાં ડરતાં રે’વાએ દાડીજી।।૧।।
ઢાળ -
દાડી રે’વાયે ડરતાં, સાચું કે’તાં ઊપજે કલેશ ।।
જેને આઠે અંગે તો કુસંગ છે, છે સતસંગનો તો વળી લેશ ।। ર ।।
જેમ નર્તક નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે ।।
તેને જાણે છે જે યોષિતા, એ વાત બંધ કેમ બેસશે ।। ૩ ।।
વૈરાગ્યહીન ભકતહીન, અને ધર્મ તો ધરથી નથી ।।
તેને વાતો ત્યાગની, શીદ કહીને મરિયે મથી ।। ૪ ।।
ઝાઝું કે’તાં જોખો ઊપજે, તેને કે’વું તે કળે કળે ।।
સે’જે સે’જે કામ સારવું, પણ બહુ તો ન બોલવું બળે ।। પ ।।
જેમ સિંહ સમીપે બકરી, તે બીતી બીતી બોલી શકે ।।
તેમ અનાડી નરને આગળે, કેમ બોલાએ વણ તકે ।। ૬ ।।
જેમ કાળા સર્પના કંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે ।।
તેને ઉઘાડતાં દુઃખ ઊપજે, રખે ઉઘાડતા ભોળાપણે ।। ૭ ।।
જેમ સાવજનું સાધુપણું, મર્કટ મુખે લીધા લગે ।।
તેમ અસાધુ સાધુ થઈ, સાધુને સેવાએ ઠગે ।। ૮ ।।
એ પણ વાત ઓળખવી, અતિ રે’વું નહિ અજાણ ।।
જેમ વ્યાઘ્ર લોટે ઊંટ આગળે, પણ લઈ લેવા છે પ્રાણ ।। ૯ ।।
ખરી વાત એ ખોટી નથી, સાચી માનજો સર્વે સહી ।।
નિષ્કુળાનંદ કહે નથી કહ્યું, અંતરમાં ઈર્ષ્યા લઈ ।। ૧૦ ।।કડવું ।।૩૬।।
રાગ:-ધોળ
(સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત;)
દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત..સંત ।। ૧ ।।
જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ;
અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા કવાથ. . સંત ।। ર ।।
જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઇયળનું અંગ;
તેમ સંત વચન કટુ કહે, આપવા આપનો રંગ. . સંત ।। ૩ ।।
જાણો સંત સગાં છે સહુનાં, જીવ જરૂર જાણ;
નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિરવાણ. . સંત ।। ૪ ।।