કારીયાણી ૫ : અવતાર ધર્યાના પ્રયોજનનું
સંવત્ ૧૮૭૭ ના આસો વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મઘ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ છપરપલંગ ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કયાર્ં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ર્ન પુછીએ છીએ. પછી મુનિ બોલ્યા જે, “પુછો મહારાજ !” પછી શ્રીજી મહારાજે પુછયું જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરેછે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી ? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે.? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થી હોય અને અવતાર ધર્યા વિના જીવનાં કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિષે પણ એટલું અસમર્થપણું આવે, ત્યારે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવનાં કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે. ? એ પ્રશ્ર્ન છે.” પછી મોટા મોટા સંત હતા તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું કોઇથી સમાધાન ન થયું અને શ્રીજીમહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઇ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે, “હે મહારાજ ! એ પ્રશ્ર્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય,” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “ભગવાનને અવતાર ધર્યાનું એજ પ્રયોજન છે જે, ભગવાનને વિષે અતિશે પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભકિતને આધિન થઇને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઇચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અને તે ભક્ત હોય તે સ્થૂલભાવે યુક્ત છે, અને દેહધારી છે, માટે ભગવાન પણ સ્થૂલભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે. અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે, અને પોતાની સામર્થીને છુપાડીને તે ભક્ત સંધાથે પુત્રભાવે વતર્ છે, અથવા સખાભાવે વતર્ છે. અથવા મિત્રભાવે વતર્ છે, અથવા સગાસંબંધીને ભાવે વતર્ છે, તેણે કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તને ઇચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા, એજ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે. ને ધર્મનું સ્થાપન પણ કરેછે. હવે એમાં આશંકા થતી હોય તો બોલો.” પછી મુનિએ કહ્યું જે હે મહારાજ ! યથાર્થ ઉત્તર થયો. ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું ||૫|| ||૧૦૧||