અધ્યાય - ૨૭ - વડતાલમાં મંદિર કરવાની ભક્તજનોની પ્રાર્થના.
વડતાલમાં મંદિર કરવાની ભક્તજનોની પ્રાર્થના. * ભાષ્યે સહિત ઉપનિષદોની કથાનું શ્રીહરિએ શ્રવણ કર્યું. * શ્રીહરિના મુખે ભાઈબીજનું મહત્ત્વ. દેવપ્રતિષ્ઠા માટે શ્રીહરિનું વડતાલપુરમાં આગમન. શ્રીલક્ષ્મીનારાયણ આદિક મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા. મૂર્તિઓનો મહિમા. શાસ્ત્રાર્થની ચર્ચા માટે વડોદરા સંત મોકલવા નાથભક્તની પ્રાર્થના. શાસ્ત્રાર્થની ચર્ચા કરવા સ. મુક્તાનંદ સ્વામીને આજ્ઞા.
હે રાજન્ ! વડતાલવાસી કુબેર પટેલ આદિ ભક્તજનો ભગવાન શ્રીહરિનાં દર્શન કરવાની ઇચ્છાથી ગઢપુરમાં જેઠસુદ નિર્જલા એકાદશીને દિવસે આવ્યા ને શ્રીહરિનાં દર્શન કરી તેઓ પરમ સુખને પામ્યા. તે સમયે ઉત્તમરાજાએ તેઓનું યથાયોગ્ય સન્માન કર્યું.૧-૨
એકાદશીનું વ્રત પૂર્ણ થયા પછી બારસનાં પારણાં કરી સુખપૂર્વક બેઠેલા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને કુબેર પટેલ વગેરે ભક્તજનો બે હાથ જોડીને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમે ભક્તવત્સલ છો. તમો અમારી વિનંતી સાંભળો. જેનું નિવેદન કરવા અમે સર્વે વડતાલવાસી ભક્તજનો તમારી પાસે આવ્યા છીએ.૩-૪
અમારા પુરમાં શ્રીકૃષ્ણનું સુંદર મંદિર કરાવો, એવો સર્વે પુરવાસી ભક્તજનોનો મનોરથ છે.૫
હે ભગવાન ! મંદિર નિર્માણ માટે જેટલા પ્રમાણમાં ભૂમિ જોશે તેટલા પ્રમાણમાં અત્યારે જ યાવત્ચંદ્રદિવાકર પર્યંત અર્પણ કરીએ છીએ, એમ તમે નક્કી જાણો. તેમાં કોઇ સંશય નથી.૬
હે શ્રીહરિ ! ધનાદિકથી પણ મંદિરની સેવા કરીશું, માટે મંદિર કરવાનો અમારો સંકલ્પ પૂર્ણ કરો.૭
હે રાજન્ ! આ પ્રમાણે તે ભક્તજનોએ પ્રાર્થના કરી તે સાંભળી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા અને તેમને કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! તમે મારા અનન્ય સેવક છો તેથી તમારો સંકલ્પ જરૂર પૂર્ણ કરીશ.૮
આ પ્રમાણે વડતાલવાસી ભક્તજનોને કહીને શ્રીહરિએ અક્ષરાનંદ સ્વામીને કહ્યું કે, હે મુનિ ! તમારાં મંડળના સંતોની સાથે તમે કુબેરપટેલ આદિ ભક્તજનો ભેળા વડતાલ જાઓ.૯
હે નિષ્પાપ મુનિ ! ચડોતર દેશ વૃંદાવનની જેમ મને અતિશય પ્રિય છે. એથી તમે ત્યાં ઉત્તમ કૃષ્ણ મંદિરનું નિર્માણ કરો.૧૦
તે મંદિર પૂર્ણ તૈયાર થશે ત્યારે હું ત્યાં આવીને શુભ મુહૂર્તમાં રુક્મિણીએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના કરીશ.૧૧
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તે સાંભળી તે કાર્ય કરવામાં નિપુણ મુનિએ કહ્યું કે, હે ભગવાન ! જેમ તમે કહ્યું તેમ હું કરીશ. તે સમયે વડતાલવાસી ભક્તજનો અતિશય પ્રસન્ન થયા.૧૨
અને જેઠ મહિનામાં સૂર્યોદય વ્યાપી જ્યેષ્ઠા નક્ષત્રમાં ઉજવાતા સ્નાનયાત્રા ઉત્સવ સુધી ગઢપુરમાં નિવાસ કરી શ્રીહરિની આજ્ઞાનુસાર અક્ષરાનંદ સ્વામી પોતાના મંડળને સાથે લઇ વડતાલ જવા તૈયાર થયા.૧૩
તે પાંચમે દિવસે વડતાલ પહોંચ્યા. પુરવાસી ભક્તજનોએ અક્ષરાનંદ સ્વામીને સારા સ્થાનમાં નિવાસ કરાવ્યો ને તેમની સેવા કરવા લાગ્યા.૧૪
પછી શ્રીહરિને રાજી કરવામાં ઉત્સુક સર્વે ભક્તજનોએ મંદિર તૈયાર કરવા જેટલી જમીન જોઇએ તેટલી વિશાળ ભૂમિ અતિહર્ષ પૂર્વક શ્રીકૃષ્ણાર્પણ કરી.૧૫
પછી અક્ષરાનંદ સ્વામીએ વડોદરાથી કુશળ શિલ્પીઓને બોલાવ્યા ને વિશાળ મનોહર મંદિરનું નિર્માણ કરાવ્યું.૧૬
વડતાલવાસી ભક્તજનો સર્વે સ્વામીની આજ્ઞામાં વર્તતા મંદિરના કાર્યમાં સદાય તત્પર રહેતા હતા. આમ કરતાં મંદિર તો એક વર્ષ અને ત્રણમાસમાં સંપૂર્ણ તૈયાર થઇ ગયું.૧૭
ત્યારે નગરવાસી ભક્તજનોએ દેવપ્રતિષ્ઠા કરવા ભગવાન શ્રીહરિને દુર્ગપુરથી તેડી લાવવા ઉત્તમ ભક્ત જુષા પગીને મોકલ્યા.૧૮
ભાષ્યે સહિત ઉપનિષદોની કથાનું શ્રીહરિએ શ્રવણ કર્યું :- હે રાજન્ ! અક્ષરાનંદ સ્વામીને વડતાલ મોકલ્યા પછી શ્રીહરિ રામાનુજાચાર્યના ભાષ્યોએ સહિત સર્વે ઉપનિષદોની કથા સાંભળવા તત્પર થયા.૧૯
પદ્મનાભાનંદ સ્વામી (સંન્યાસી) પાસે તે ભાષ્યો મંગાવીને સ્વયં શ્રીહરિ સંવત ૧૮૮૦ ના અષાઢ સુદ પડવાને દિવસે પુષ્ય નક્ષત્ર હોવાથી પવિત્ર રથયાત્રાનો ઉત્સવ ઉજવ્યો. પછી પોતાના સ્થાને જ સાંભળવાનો પ્રારંભ કર્યો.૨૦
સંવત ૧૮૮૧ ના આસો સુદ કોજાગરી પૂનમના દિવસે તે ભાષ્યે સહિત ઉપનિષદોના કથાશ્રવણની સમાપ્તિ કરી ને વક્તા પ્રાગજી પુરાણીને પૂજન કરી ઘણુ દ્રવ્ય આપી સંતોષ પમાડયા.૨૧
ભગવાન શ્રીનારાયણમુનિએ તે પૂનમને દિવસે હજારો બ્રાહ્મણોને જમાડી અતિ હર્ષથી બહુ દક્ષિણાઓ આપી.૨૨
પછી શ્રીહરિ પોતાના અનુયાયી સંતો ભક્તોની સાથે તે જ દિવસે કાર્તિકી સ્નાન કરવાનો પણ પ્રારંભ કર્યો. અને આસો મહિનામાં ગઢપુરમાં મોટો અન્નકૂટોત્સવ પણ ઉજવ્યો. કાર્તિક સુદ પડવાને દિવસે ચંદ્રદર્શન થયું હોવાથી અન્નકૂટોત્સવ અમાવાસ્યાને દિવસે કર્યો.૨૩
બીજે દિવસે પડવાની તિથિએ વડતાલથી ભક્ત જૂષોપગી આવ્યા ને ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને બન્ને હાથ જોડીને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! વડતાલમાં ઉત્તમ મંદિર તૈયાર થઇ ગયું છે. હે પ્રભુ ! તમે વડતાલ પધારીને ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિષ્ઠા કરો. વડતાલના સર્વે ભક્તજનો તમારા આગમનની પ્રતીક્ષા કરે છે.૨૪-૨૫
હે રાજન્ ! આ પ્રમાણે જુષાપગીનું વચન સાંભળી ભગવાન શ્રીહરિએ વડતાલ જવાની મનમાં ઇચ્છા કરી. પછી પ્રતિષ્ઠાનું મુહૂર્ત પોતાની પાસે બેઠેલા મયારામ વિપ્રને પૂછયું.૨૬
તેણે ગણિત માંડીને કાર્તિકસુદ બારસનું શુભ મુહૂર્ત આપ્યું. તેથી શ્રીહરિએ પાર્ષદોને કહ્યું કે, આવતી કાલે વડતાલ જવાનું હોવાથી સૌ તૈયાર થજો.૨૭
અને ઉત્તમ રાજાને બોલાવી કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમારે પણ કુટુંબે સહિત અમારી સાથે વડતાલ જવા આવતી કાલે જ નીકળવાનું છે.૨૮
શ્રીહરિના મુખે ભાઈબીજનું મહત્ત્વ :- હે ઉત્તમનૃપતિ ! આવતી કાલે ભાઇબીજ છે. એથી ગૃહસ્થજનોએ પોતાની બહેનને ઘેર ભોજન કરવા જવાનું અને બહેનને ધન તથા વસ્ત્રો અર્પણ કરવાનાં હોયછે, આ પ્રમાણે શાસ્ત્ર મર્યાદા છે.૨૯
પૂર્વે ભાઇબીજને દિવસે બહેન યમુનાજીને ઘેર પોતાના ભાઇ યમરાજા ભોજન કરવા ગયેલા, ત્યારે તેણે મિષ્ટાન્ન ભોજન ભાઇને કરાવેલું અને બહેનને યમરાજાએ બહુજ ધન, વસ્ત્ર આપી સન્માન પણ કરેલું. તે દિવસથી આરંભીને આ પૃથ્વી પર ભાઇબીજની પ્રવૃત્તિ થઇ છે. એમ ભવિષ્ય પુરાણમાં કહેલું છે.૩૦
તમે પણ આવતી કાલે નવેક વાગ્યાના સમયે સંગવકાળે પંચાળી બહેનના ઘેર ભોજન કરી ચારે બહેનોને અલગ અલગ વસ્ત્રો અને ધનનું પ્રદાન કરજો.૩૧
ત્યાર પછી પત્નીઓએ સહિત તમે ચારે બહેનોની સાથે વડતાલ આવવા તૈયાર થજો. આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી ભલે, એમ કહીને ઉત્તમરાજાએ ભગવાન શ્રીહરિના વચન પ્રમાણે જ સર્વે કાર્ય પૂર્ણ કર્યું.૩૨
દેવપ્રતિષ્ઠા માટે શ્રીહરિનું વડતાલપુરમાં આગમન :- હે રાજન્ ! પછી ભગવાન શ્રીહરિ ભાઇબીજને દિવસે પ્રાતઃકાળથી લઇ મધ્યાહ્ન સંધ્યા સુધીનો સમગ્ર સ્નાન સંધ્યાદિ વિધિ પૂર્ણ કરીને નાનાભાઇ ઇચ્છારામભાઇને ઘેર ભોજન કરી ગઢપુરથી બપોરના શુભ સમયે જ વડતાલ જવા નીકળ્યા.૩૩
સકલ ઐશ્વર્યે સંપન્ન શ્રીહરિ અશ્વારુઢ થઇ પરિવારે સહિત પોતાના બન્ને ભાઇઓની સાથે ચાલ્યા તે માર્ગમાં આવતાં ભક્તજનોનાં ગામમાં નિવાસ કરતા કારતક સુદ પાંચમને દિવસે પ્રાતઃકાળે જ વડતાલપુર પધાર્યા.૩૪
તે સમયે અતિશય ઉત્સાહવાળા ભક્તજનો વાજિંત્રોનો નાદ કરતા શ્રીહરિની સન્મુખ આવ્યા ને સ્વાગત કરી પુરમાં પધરાવ્યા, ને વાસણ સુથારને ઘેર શ્રીહરિનો ઉતારો કર્યો.૩૫
પોતાના પરિવારે સહિત બન્ને ભાઇઓને તથા કુટુંબીજનો સહિત ઉત્તમરાજાને તથા સર્વે સંતો પાર્ષદોને અન્ય જગ્યાઓમાં યથાયોગ્ય ઉતારા કરાવ્યા.૩૬
કુબેર પટેલ આદિ પુરવાસી ભક્તજનો અતિ હર્ષથી પોતાના અનુયાયીજનોની સાથે શ્રીહરિની સેવા કરવા લાગ્યા. શ્રીહરિ પણ અક્ષરાનંદ સ્વામીએ તૈયાર કરેલા મંદિરની સમીપે પધારી ચારે બાજુથી તેનું નિરીક્ષણ કર્યું.૩૭
તેમાં પરસ્પર જોડાયેલા અને શોભાયમાન પૂર્વાભિમુખના ત્રણે દરવાજા તથા મંડપ અને ધર્મશાળાનું નિરીક્ષણ કરીને અતિશય પ્રસન્ન થયા.૩૮
અને મુખ્ય શિલ્પી એવા પુરુષોત્તમ ટાંકને અમૂલ્ય વસ્ત્રો અર્પણ કર્યાં તેમજ અક્ષરાનંદ મુનિ તથા વડતાલવાસી ભક્તજનોની પણ ખૂબજ પ્રશંસા કરી.૩૯
શ્રીલક્ષ્મીનારાયણ આદિક મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા :- પછી ભગવાન શ્રીહરિએ ઉમરેઠપુરથી ઉદ્ધવસંપ્રદાયના વૈદિક વિપ્રો એવા હરિશર્મા, પુરુષોત્તમ તથા કૃપાશંકર આદિ અનેક વિપ્રોને તત્કાળ દૂત મોકલીને બોલાવ્યા.૪૦
પ્રતિષ્ઠાનાં દર્શન કરવાની ઇચ્છાવાળા નરનારીઓના સંઘો મળીને દેશાંતરોમાંથી વડતાલપુરમાં આવવા લાગ્યા. અને દેશાંતરમાંથી સંતોનાં મંડળો પણ આવવા લાગ્યાં.૪૧
અહીં પ્રતિષ્ઠા વિધિને જાણનારા હરિશર્મા આદિ વિપ્રોના કહેવા પ્રમાણે પ્રતિષ્ઠાને યોગ્ય સર્વે સામગ્રી તથા ઘી, સાકર, ઘઉનો લોટ વગેરે પદાર્થો ભગવાન શ્રીહરિએ ભેળા કરાવ્યાં.૪૨
હે રાજન્ ! પ્રતિષ્ઠાનો વિધિ જાણતા વિપ્રોએ યજ્ઞાકુંડ, મંડપ અને દેવતાઓની પીઠિકા શાસ્ત્ર પ્રમાણે તૈયાર કરાવી.૪૩
પછી વિપ્રોએ શ્રીહરિ પાસે બે દિવસ સુધી સ્વસ્તિવાચન-પૂર્વક પ્રતિષ્ઠાનો વિધિ કરાવ્યો.૪૪
આ રીતે સંવત ૧૮૮૧ ના કારતક સુદ બારસને દિવસે શ્રીહરિએ મધ્યના મંદિરમાં રૂક્મિણીરૂપ લક્ષ્મીજીએ સહિત નારાયણ ભગવાનની સ્થાપના કરી ને તેની મહાપૂજા કરી.૪૫
પછી મધ્ય મંદિરની ઉત્તર દિશાના પડખે રહેલા મંદિરમાં ભક્તજનોની પ્રસન્નતાર્થે ધર્મ-ભક્તિએ સહિત પોતાની વાસુદેવ નામની મૂર્તિની સ્થાપના કરી.૪૬
ભક્તિધર્મ, વાસુદેવની મહાપૂજા કરીને શ્રીહરિ મધ્ય મંદિરથી દક્ષિણમાં રહેલા મંદિરમાં રાધાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના અને મહાપૂજા કરી.૪૭
પછી સંતોના સ્વામી ભગવાન શ્રીહરિ મૂર્તિની સમીપે જઇ અતિશય શોભતી પોતાની શ્રીહરિકૃષ્ણ મૂર્તિની ભક્તોની પ્રસન્નતાર્થે સ્થાપના કરી. તેમનું પણ મહાપૂજન કર્યું.૪૮
પ્રતિષ્ઠા સંબંધી મહાપૂજા કરતી વખતે શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્લોકોનો અને વાજિંત્રોનો અતિશય ઘોષ થયો. તે ઘોષ વૈદિક વિપ્રોના વેદમંત્રોના ઘોષની સાથે મળીને દશેદિશામાં વ્યાપી ગયો.૪૯
શ્રીહરિ સર્વે મૂર્તિઓની મહાઆરતી કરી સ્થિર દૃષ્ટિથી નિરીક્ષણ કરતા બે ઘડી સુધી ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા.૫૦
મૂર્તિઓનો મહિમા :- આ પ્રમાણે નિરીક્ષણ કરવાથી સર્વે મૂર્તિઓમાં અતિશય તેજ ભરાયું તેથી તે વિશેષ શોભવા લાગી. આવી તેજોમય મૂર્તિઓનાં દર્શન કરી સર્વેજનો અતિશય વિસ્મય પામ્યા.૫૧
પછી ધર્મજ્ઞા ભગવાન શ્રીહરિએ પ્રતિષ્ઠાની પૂર્ણાહૂતિ કરી ઋત્વિજ બ્રાહ્મણોને ખૂબજ દક્ષિણા આપી. અને કેવળ દક્ષિણા લેવા માટે જ આવેલા અન્ય વિપ્રોને પણ બહુ પ્રકારની દક્ષિણા આપી ખૂબ રાજી કર્યા.૫૨
પછી ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયેલા શ્રીહરિ એક હાથ ઊંચો કરી મનુષ્યોને કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! તમે સર્વે મારૂં આ વચન આદરપૂર્વક સાંભળો.૫૩
હે ભક્તજનો ! મધ્ય મંદિરમાં મેં આ લક્ષ્મીનારાયણની સ્થાપના કરેલી છે. તે સ્વયં દ્વારિકાધીશ છે એમ તમે જાણો.૫૪
આ દક્ષિણ ભાગના મંદિરમાં મેં રાધાએ સહિત વૃંદાવન વિહારી એવા શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના કરી તેની સમીપે ભક્તજનોની પ્રસન્નતાર્થે મારી મૂર્તિની સ્થાપના કરેલી છે. અને ઉત્તર ભાગના મંદિરમાં ધર્મ-ભક્તિની સાથે પણ મારી વાસુદેવ નામની મૂર્તિની સ્થાપના કરી છે.૫૫-૫૬
માટે જે મનુષ્યો લક્ષ્મીનારાયણાદિ દેવોનાં પ્રતિદિન દર્શન કરશે તે સર્વે જનો આ સંસૃતિના બંધનથી મૂકાઇ જશે.૫૭
અને જે મનુષ્યો દર પૂનમે અહીં વડતાલ આવી શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનના સ્વરૂપોનાં ભક્તિભાવથી દર્શન કરશે તેમના સર્વે મનોરથો પૂર્ણ થશે. અને આલોકમાં ભુક્તિ અને મુક્તિ પણ તેમની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થશે. આમાં કોઇએ સંશય કરવો નહિ.૫૮-૫૯
હે ભક્તજનો ! આ શ્રીકૃષ્ણ ભગવાનની આગળ બેસી જપ, તપ, હોમ અને પુરશ્ચરણ વિધિ નિયમપૂર્વક કરશે, તે મનુષ્યો પોતે ઇચ્છિત ફલ પ્રાપ્ત કરશે.૬૦
જે દ્વારિકાની અંદર દ્વારિકાધીશ રૂક્મિણી સાથે રમણ કરે છે, તેજ ભગવાન અહીં લક્ષ્મીનારાયણ સ્વરૂપે વિરાજમાન છે. તે બન્ને સ્વરૂપમાં કોઇ ભેદ નથી. આ મારૂં વચન સત્ય માનજો.૬૧
આવાં પરમ સત્યસ્વરૂપ એવાં મારાં વચનોમાં જેને મનમાં સંશય ઉત્પન્ન થશે, તો તે સંશયને પણ આ શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન તરત દૂર કરશે.૬૨
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ધર્મનંદન ભગવાન શ્રીહરિ મહિમાનો ઉપદેશ આપી મૌન રહ્યા. ત્યારે સર્વેજનોએ પણ ભગવાન શ્રીહરિનાં વચનો મસ્તક નમાવી ગ્રહણ કર્યાં.૬૩
પછી શ્રીહરિ તે બારસના દિવસથી પૂર્ણિમા સુધી ઉત્સવમાં આવેલા સમગ્ર બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં અને ખૂબજ દક્ષિણાઓ પણ આપી. અને તેમાં જે વિદ્વાન બ્રાહ્મણો હતા તેમને વિશેષ દક્ષિણાઓ આપી.૬૪
અને સ્વયં શ્રીહરિ વારંવાર પીરસીને અનેક પ્રકારનાં ભોજનોથી સંતોને પણ ખૂબજ તૃપ્ત કર્યા.૬૫
શાસ્ત્રાર્થની ચર્ચા માટે વડોદરા સંત મોકલવા નાથભક્તની પ્રાર્થના :- શ્રીહરિએ લક્ષ્મીનારાયણાદિ દેવોની નિત્યપૂજા તથા ઉત્સવોમાં મહાપૂજાની પોતાના ઉદ્ધવ સંપ્રદાયની રીત પ્રમાણે સ્થાપના કરીને કાર્તિકવદ પડવાને દિવસે વડતાલપુરથી ગઢપુર જવાની ઇચ્છા કરી.૬૬
તેટલામાં વડોદરાથી નાથજી આદિ ભક્તજનો શ્રીહરિની સમીપે આવ્યા ને નમસ્કાર કરી બન્ને હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવાન ! અમારા નગરમાં ઘણા બધા મતવાદીઓ રાજસભામાં અમારી સાથે શાસ્ત્રાર્થ કરી વિવાદ કરે છે.૬૭-૬૮
'પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિથી જ આત્યંતિક કલ્યાણ થાય છે.' આવા આપણા સંપ્રદાયના સિદ્ધાંતને તે મતવાદીઓ ઋષિમુનિઓનાં વચનોનાં પ્રમાણને પોતાની માન્યતા પ્રમાણે તોડી મરોડીને રજૂ કરી દૂષિત કરે છે.૬૯
તેથી મુનિઓનાં વચનોથી તેમની માન્યતાઓનું ખંડન કરી શકે એવા કુશળ કોઇ સંતને અમારા નગરમાં મોકલો.૭૦
હે શ્રીહરિ ! તેઓનાં વચનો સાંભળી અમારા અંતરમાં આપણા સિદ્ધાંત પ્રત્યે કોઇ સંશય ઉત્પન્ન થયો નથી. પરંતુ તેઓના ગર્વનું ખંડન થાય એટલી ઇચ્છા અમને જરૂર રહે છે. તેથી કૃપા કરીને કોઇ એવા સંતને તમે વડોદરા મોકલો.૭૧
શાસ્ત્રાર્થની ચર્ચા કરવા સ. મુક્તાનંદ સ્વામીને આજ્ઞા :- હે રાજન્ ! આ પ્રમાણે જ્યારે નાથ ભક્ત આદિ વડોદરા વાસી ભક્તજનોએ પ્રાર્થના કરી ત્યારે સર્વદા અસત્ મતનો નિષેધ કરવા તત્પર રહેતા શ્રીસ્વામિનારાયણ ભગવાન પોતાની આગળ જ બેઠેલા મહાવિદ્વાન મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે, હે મુનિ શ્રેષ્ઠ ! તમે આ વડોદરાના ભક્તજનોની સાથે ત્યાં જાઓ ને ત્યાં નીતિશાસ્ત્રના જાણનારા ધાર્મિક સિંહજીત નામના રાજા રાજ કરે છે.૭૨-૭૩
તે રાજા ન્યાયયુક્ત પક્ષ હોય તેનું જ ગ્રહણ કરે છે. પરંતુ અન્યાયના પક્ષનો કદાપિ સ્વીકાર કરતા નથી. તેથી તમે ત્યાં જાઓ અને ન્યાયયુક્ત શાસ્ત્રનાં વચનોથી વાદીઓને ઉત્તર આપજો.૭૪
હે મુનિ ! સર્વત્ર ધર્મનો જ જય થાય છે, અધર્મનો નહિ. આવો સત્પુરુષોનો પાકો નિશ્ચય હોય છે. તેથી ધર્મના રહસ્યને જાણતા તમે વડોદરા જાઓ અને ધર્મનું સ્થાપન કરો.૭૫
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તેથી મુક્તાનંદ સ્વામી અતિશય પ્રસન્ન થયા ને ભગવાન શ્રીહરિને પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! અત્યારે જ ત્યાં જઇ તમારી કૃપાથી ધર્મનું સ્થાપન કરીશ.૭૬
આમ કહી વડોદરાના નાથભક્ત આદિકની સાથે વડોદરા જવા નીકળ્યા. બીજે દિવસે વડોદરા આવી ત્યાં સુખપૂર્વક નિવાસ કર્યો.૭૭
હે નૃપશ્રેષ્ઠ ! પછી વડતાલમાં ભગવાન શ્રીહરિ પોતાને દર્શને આવેલા સર્વે ભક્તજનોને પોતપોતાના દેશમાં જવાની આજ્ઞા આપી, સ્વયં પડવાને દિવસે પોતાના અનુયાયી સંતો-પાર્ષદોની સાથે વડતાલથી ગઢપુર જવા નીકળ્યા.૭૮
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ વડતાલપુરમાં શ્રીલક્ષ્મીનારાયણાદિ દેવોની સ્થાપના કરી, એ નામે સત્તાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૭--