અધ્યાય - ૨૮ - ભગવાન શ્રીહરિએ નારાયણજી સુથાર પાસે પૂજાની પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 8:33pm

અધ્યાય - ૨૮ - ભગવાન શ્રીહરિએ નારાયણજી સુથાર પાસે પૂજાની પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું.

ભગવાન શ્રીહરિએ નારાયણજી સુથાર પાસે પૂજાની પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું. શ્રીહરિએ કહેલું તીર્થયાત્રાનું માહાત્મ્ય. અયોધ્યાવાસીઓને દ્વારિકાની યાત્રા કરવાની શ્રીહરિની પ્રેરણા. ભોમીયા તરીકે જવા સચ્ચિદાનંદ સ્વામીને પ્રેરણા.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! દુર્ગપુરમાં નિવાસ કરી રહેલા ભગવાન શ્રીનારાયણમુનિએ દરેક વ્યક્તિએ સર્વત્ર શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા-પ્રવૃત્તિ થાય તેવી મનમાં ઇચ્છા કરી.૧

જો શ્રીકૃષ્ણ ભગવાનની ચિત્રપ્રતિમા હોય તો જ દરેક ભક્તો તેની દર્શન પૂજનાદિકની પ્રવૃત્તિ કરી શકે. તેથી પ્રથમ હું ચિત્રપ્રતિમાઓ તૈયાર કરાવું.૨

હે રાજન્ ! આ પ્રમાણે મનમાં વિચારીને ભક્ત નારણજી સુથારને જુનાગઢથી દૂત મોકલીને બોલાવ્યા ને તેમને કહ્યું કે, હે નિષ્પાપ ભક્ત ! તમે ભગવાનની ચિત્રપ્રતિમાઓ આલેખવામાં બહુ જ ચતુર છો. અને તેથી જ તમને અહીં ગઢપુર બોલાવેલા છે. તમે રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની અને મારી પ્રતિમાની છાપ તૈયાર કરો.૩-૪

આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી ચિત્ર તૈયાર કરવામાં નિપુણ તે નારાયણજી સુથારે ભલે ! એ પ્રમાણે કહીને અતિશયે દર્શનીય અને મનોહર એવી બે છાપમુદ્રાઓ તૈયાર કરાવી. તે બે મુદ્રાઓમાં એક ભગવાન શ્રીનારાયણમુનિની સાથે રાસેશ્વરી રાધાએ સેવાયેલા વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ ભગવાનની ઉત્તમ પ્રતિમા તૈયાર કરી અને બીજી ધર્મભક્તિએ સહિત શ્રીનારાયણમુનિની છાપ કરી. પછી બન્ને પ્રતિમાની મુદ્રાઓ શ્રીહરિને દેખાડી, તેને જોઇ ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા.૬-૭

ત્યારપછી શ્રીહરિએ શ્રીનરનારાયણ ભગવાનની છાપમુદ્રા તૈયાર કરાવી. આ પ્રમાણે નારાયણજી સુથારે આ ત્રણે પ્રતિમાઓની મુદ્રાઓ બે મહિનામાં તૈયાર કરી આપી.૮

હે રાજન્ ! તેથી ભગવાન શ્રીહરિ તે નારાયણજી સુથારને પુષ્કળ ધન તથા બહુ મૂલ્યવાળાં અનેક વસ્ત્રો તેમજ સુવર્ણનાં કડાં પણ અર્પણ કર્યાં.૯

પછી શ્રીહરિએ આધારાનંદ સ્વામી પાસે તે ત્રણે પ્રતિમાઓની છાપો દ્વારા અનેક પત્રોના ખંડોમાં હજારો પ્રતિમાઓ તૈયાર કરાવીને દરેક ભક્તને પૂજવા માટે આપી.૧૦

પછી શ્રીહરિના બન્ને ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્છારામજીએ આજીવન ભગવાન શ્રીહરિની સમીપે જ રહેવાની ઇચ્છા કરી અને શ્રીહરિની અનુમતિ મેળવીને બન્ને ભાઇઓએ પોતાના બન્નેના મોટા પુત્રો નંદરામજી તથા ગોપાળજીને પોતાની અયોધ્યાનગરી પ્રત્યે પાછા જવાની આજ્ઞા કરી.૧૧-૧૨

હે રાજન્ ! તે સમયે તે બન્ને જણ પોતાના પિતાઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, અમે વસંતોત્સવનાં દર્શન કરીને પછી અયોધ્યા પાછા ફરીશું.૧૩

ત્યારપછી ૧૮૮૧ ના મહાસુદ પાંચમને દિવસે શ્રીહરિએ વસંતઋતુના પ્રારંભમાં કરવા યોગ્ય શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા વિધિપૂર્વક કરી.૧૪

તે વસંતોત્સવની પૂજામાં ત્યાગી સંતો તથા ગૃહસ્થ સર્વે નરનારીઓ દેશદેશાંતરથી આવ્યા અને શ્રીહરિએ અનેક પ્રકારને ચંદન, પુષ્પ, ચોખા, આંબાના ફૂલ, અબીલ, ગુલાલ તથા કેસરી રંગના સુંદર વસ્ત્રોથી શ્રીરાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કર્યું.૧૫-૧૬

પછી મહાનૈવેદ્ય અર્પણ કરી આરતી ઉતારીને પોતાના ભક્તજનો સાથે અનેક પ્રકારના રંગ તથા ગુલાલ ઉડાવી રંગક્રીડા કરી.૧૭

સર્વે સંતો, વિપ્રો અને પાર્ષદોને પણ ખૂબજ ઘી-સાકરે યુક્ત અનેક પ્રકારનાં ભોજનો જમાડી તૃપ્ત કર્યા. અને સ્વયં શ્રીહરિએ પણ પોતાના ભાઇને ઘેર ભોજન ગ્રહણ કર્યું.૧૮

બપોર પછીના સમયે શ્રીવાસુદેવનારાયણના મંદિરની સમીપે વસંતોત્સવ રમવા તૈયાર કરેલા વિશાળ મંડપમાં સભાની રચના કરી, તે સભાની મધ્યે મહા સિંહાસન ઉપર મુનિપતિ શ્રીસ્વામિનારાયણ ભગવાન વિરાજમાન થયા.૧૯

નિર્મળ અંતઃકરણવાળા ત્યાગી સંતો પણ તેમની આગળ બેઠા અને વૈદિકો, શાસ્ત્રીઓ, પુરાણીઓ આદિ અનેક ભૂદેવો પણ તે સભામાં બેઠા.૨૦

નૈષ્ઠિક વ્રતનું ગ્રહણ કરનારા બ્રહ્મચારીઓ તેમજ હજારો ગૃહસ્થભક્તજનો પણ તે સભામાં બેઠા. તે સર્વે સભાસદો ભગવાન શ્રીહરિના મુખકમળ ઉપર જ પોતાની દૃષ્ટિ સ્થિર રાખી યથાયોગ્ય સ્થાને બેઠા હતા.૨૧

શ્રીહરિના અયોધ્યાવાસી ભાઇઓ અને તેમના પુત્રો વગેરે, તથા સંબંધીજનો શ્રીહરિના સિંહાસનની સમીપે બેઠા.૨૨ આ રીતે તે સભાને મધ્યે તારામંડળની મધ્યે શોભતા ચંદ્રમાની જેમ સંતોની મધ્યે શ્રીહરિ શોભતા હતા.૨૩

શ્રીહરિએ કહેલું તીર્થયાત્રાનું માહાત્મ્ય :- હે રાજન્ ! તે સમયે સર્વે શાસ્ત્રોના રહસ્યને જાણતા શ્રીહરિ કરૂણામૃત દૃષ્ટિથી સભાસદોને જોતા આનંદ ઉપજાવતા કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! આપણા આ ઉદ્ધવ સંપ્રદાયને વિષે રહેલા સર્વે વૈષ્ણવ ભક્તજનોએ આ પૃથ્વી પર તીર્થયાત્રા અવશ્ય કરવી.૨૪-૨૫

કારણ કે, ભગવાનના એકાંતિક ભક્ત સંતપુરુષોનું મિલન ઘણે ભાગે તીર્થયાત્રામાં જ થાય છે. તેમજ તે તીર્થોમાં શ્રીરામકૃષ્ણાદિક ભગવાનના અર્ચા સ્વરૂપોનાં પણ દર્શન થાય છે.૨૬

તે તીર્થોનું સેવન માર્કંડેય, ધૌમ્ય તથા લોમસ આદિ અનેક બ્રહ્મર્ષિઓ પરમ આદરથી કરે છે.૨૭

તેમજ ધર્મનિષ્ઠ યુધિષ્ઠિર આદિક રાજર્ષિઓએ પણ ભગવાનને પ્રસન્ન કરવા આ ભૂમિ પર ઘણા તીર્થોનું સેવન કરેલું છે.૨૮

તેથી હે ભક્તજનો ! મારા શિષ્યો એવા તમારે પણ આ પૃથ્વી પર રહેલાં ગંગા આદિક તીર્થોનું ભક્તિભાવપૂર્વક સદાય પોતાની શક્તિને અનુસાર સેવન કરવું.૨૯

જે મનુષ્યો તીર્થમાં સ્નાન, દાન અને ભગવાનની પૂજા તથા વૈષ્ણવ વિપ્રો અને સત્પુરુષોને અનેક પ્રકારનાં ભોજન જમાડી તૃપ્ત કરે છે, તે મનુષ્યો સર્વપ્રકારના પાપ થકી તત્કાળ મુક્ત થાય છે.૩૦

આ દેશમાં અન્ય સર્વે તીર્થોની મધ્યે ઉત્તમ અને ઇચ્છિત ફળને આપનારૂં દ્વારિકા નામનું તીર્થ આવેલું છે.૩૧

આ તીર્થમાં સ્વયં વિશ્વકર્માએ રચેલા અતિશય સુંદર સુવર્ણમય મંદિરમાં શ્રીરૂક્મિણીના પતિ શ્રીકૃષ્ણ ભગવાન નિત્ય બિરાજે છે.૩૨

અચ્યુત ભગવાન જ્યારે એકસો ને એક યાદવોના કુળનો સંહાર કરાવી પ્રભાસતીર્થમાં અંતર્ધાન થઇ ગયા ત્યારે સમુદ્રે વિશ્વકર્માએ રચેલા તે શ્રીકૃષ્ણ ભગવાનના મંદિર સિવાય આખી દ્વારિકાપુરીને ડૂબાડી દીધી છે.૩૩

સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીકૃષ્ણ ભગવાન પ્રભાસતીર્થમાં પોતાના યદુકુળનો સંહાર કરાવી લોકો જોઇ ન શકે તે રીતે અદૃશ્યપણે આપણા સૌ જનોના હિતને માટે તત્કાળ સમુદ્રે નહીં ડુબાડેલા પોતાના એ મંદિરમાં આવી સદાય રહેવા લાગ્યા.૩૪

માટે આ દ્વારિકાપુરીને મુક્તિપુરી પણ કહેલી છે. એમ તમે જાણો. કલિયુગમાં આના જેવું કલ્યાણકારી બીજું કોઇ તીર્થ નથી.૩૫

માટે હે ભક્તજનો ! ગૃહસ્થ તથા ત્યાગીએ પણ આ દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી. તેમજ પોતાના અધિકાર પ્રમાણે તે તીર્થનો સમગ્ર વિધિ પણ કરવો.૩૬

કારણ કે, હે ભક્તજનો ! આવા પુણ્યક્ષેત્રોમાં ગૃહસ્થજનોએ ન્યાયનીતિથી કમાયેલા ધનનો વિશેષપણે વ્યય કરવાનું કહેલું છે. તેમજ ત્યાગી સંતોને પણ આવાં તીર્થનું વિશેષપણે સેવન કરવાનું કહેલું છે.૩૭

અયોધ્યાવાસીઓને દ્વારિકાની યાત્રા કરવાની શ્રીહરિની પ્રેરણા :- આ પ્રમાણે સર્વે ભક્તજનોને તીર્થનો મહિમા કહીને સદ્ગુરુના સ્વરૂપમાં વિરાજતા ભગવાન શ્રીહરિએ કોશલદેશ જવા તત્પર થયેલા પોતાના સંબંધીની સામે જોવા લાગ્યા.૩૮

મોટાભાઇના પુત્ર નંદરામજી તથા નાનાભાઇના પુત્ર ગોપાળજીને તેમજ મામાના પુત્ર મનછારામને શ્રીહરિ કહેવા લાગ્યા કે, તમો ત્રણે જણ દ્વારિકાની યાત્રા કરીને પછી પોતાના નગર અયોધ્યો જાઓ.૩૯

ઉદ્ધવ સંપ્રદાયના દરેક આશ્રિતોએ દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી જોઇએ. ત્યાં રૂક્મિણીએ સહિત દ્વારિકાનાથનાં દર્શન કરવાં, ગોમતીમાં સ્નાન કરવું. પોતાની શક્તિ પ્રમાણે દાન અને શ્રીકૃષ્ણ ભગવાનના આયુધ સુદર્શનાદિકની તપ્તમુદ્રાઓનો બન્ને બાહુમાં સ્વીકાર અવશ્ય કરવો જોઇએ.૪૦-૪૧

તે તીર્થમાં રહેલા વિપ્રો તથા સંતોને શક્તિ પ્રમાણે જમાડવા. હે રાજન ! આ પ્રમાણેનું ભગવાન શ્રીહરિનું વચન સાંભળી નંદરામ, ગોપાળજી અને મનછારામ તેમને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! અમે દ્વારિકાપુર નક્કી જશું, અને ત્યાંનો તીર્થવિધિ પણ અમારી શક્તિ પ્રમાણે આચરશું.૪૨-૪૩

હે શ્રીહરિ ! પરંતુ અમે દૂર દેશમાંથી આવીએ છીએ એથી દ્વારિકા જવાના માર્ગથી અજાણ્યા છીએ, તેમજ માર્ગમાં નિવાસ કરવા યોગ્ય ગામ કે નગરથી પણ અજાણ્યા છીએ.૪૪

તો જો કોઇ માર્ગનો ભોમીયો અમારી સાથે હોય તો તેમની સાથે અમે આજે જ તમારી આજ્ઞાને અનુસરીએ અને દ્વારાકાની યાત્રાએ જઈએ.૪૫

હે રાજન્ ! આ પ્રમાણે નંદરામાદિકનાં વચન સાંભળી સર્વના સ્વામી શ્રીહરિએ એ સમયે ભવિષ્યમાં ઘટનારી ઘટનાને ધ્યાનમાં રાખી સભામાં બેઠેલા સંતો-ભક્તોની મધ્યે દ્વારિકાના માર્ગના જાણકાર સંતની સામે દૃષ્ટિ કરી.૪૬

ભોમીયા તરીકે જવા સચ્ચિદાનંદ સ્વામીને પ્રેરણા :- હે રાજન્ ! તે સમયે શ્રીહરિએ સમાધિનિષ્ઠ, નિર્ભય તેમજ ઋષભદેવના પુત્ર જડભરતના જેવી સ્થિતિવાળા સચ્ચિદાનંદ સ્વામીને જોયા ને કહ્યું કે, હે સંતવર્ય ! તમે શ્રીકૃષ્ણ ભગવાનના એકાંતિક સંત છો. એથી આપણા સર્વે સંતોમાં તમે પૂજ્ય છો. તેમજ દ્વારિકાપુરીના માર્ગના તમે જાણકાર પણ છો. એથી નંદરામાદિકને દ્વારિકાની યાત્રા કરાવો.૪૭-૪૮

અહીં દ્વારિકાની યાત્રા કરવા જવાની ઇચ્છાવાળા અન્ય ઘણા બધા સંતો રહેલા છે. તે સંતો શિયાળો પૂરો થશે ત્યારે નક્કી દ્વારિકાની યાત્રાએ આવશે.૪૯

પરંતુ તમે તો અત્યારે જ આ અયોધ્યાવાસીઓની સાથે દ્વારિકા સિધાવો. કારણ કે આ વેર્ષે જ તેઓને પોતાના અયોધ્યાપુર પાછા મોકલવાના છે.૫૦

હે મહાબુદ્ધિશાળી સ્વામી ! તમે આ નંદરામાદિકને માર્ગમાં જેમ સુખ થાય તેમ કરજો, ને તેમને દ્વારિકાની યાત્રા કરાવજો. તેમજ તમે પણ દ્વારિકાની યાત્રા કરજો. યાત્રા કરી તત્કાળ મારી પાસે પાછા આવો.૫૧

હે મુનિ ! જ્યારે શ્રીવાસુદેવ ભગવાનની ઇચ્છા થાશે ત્યારે હું પણ આ સંતોને સાથે લઇ યાત્રા કરવા આવીશ.૫૨

હે રાજન્ ! શ્રીહરિએ આ પ્રમાણે આજ્ઞા કરી, એટલે તેમની આજ્ઞાનું હરહમેશ પાલન કરતા મહાયોગી સચ્ચિદાનંદ સ્વામી બે હાથ જોડીને નમસ્કાર કરી વિનયપૂર્વક કહેવા લાગ્યા, હે પ્રભુ ! તમે જે પ્રમાણે મને આદેશ કર્યો છે, તે આદેશનું પાલન કરી એક તમારી પ્રસન્નતાર્થે જ હું એકલો હોવા છતાં પણ યાત્રા કરવા જઇશ. આ નંદરામાદિ સર્વે માર્ગમાં ઉપયોગી ભાતું કરાવી જવા માટે તૈયાર થાય.૫૩-૫૪

હે રાજન્ ! સચ્ચિદાનંદ સ્વામીએ આ પ્રમાણે કહ્યું, તેથી શ્રીહરિએ પોતાની સમીપે બેઠેલા મયારામ વિપ્રને કહ્યું, આ લોકોને યાત્રાએ જવાનું મુહૂર્ત જોઇ આપો.૫૫

ત્યારે વૃદ્ધ મયારામ વિપ્ર તત્કાળ પોતાની પાઘડીમાંથી લાંબુ પંચાગ બહાર કાઢયું. તેમાં યાત્રાને યોગ્ય લગ્ન શુદ્ધિ અને લગ્નનું બળ જોઇને શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! સંવત ૧૮૮૧ ના મહાસુદી નવમીની તિથિએ શુભ મુહૂર્ત છે.૫૬-૫૭

પછી શ્રીહરિ સભામાં બેઠેલા સર્વે જનોને પોતપોતાના સ્થાને જવાની આજ્ઞા કરી, અને દ્વારિકાની યાત્રા કરવાનું શ્રીહરિનું વચન માથે ચડાવી સૌ પોતાના સ્થાને ગયા. સ્વયં શ્રીહરિ પણ પોતાના સ્થાને આવ્યા.૫૮

હે રાજન્ ત્યારપછી શ્રીહરિની આજ્ઞા થતાં નંદરામાદિ સર્વે શ્રીહરિને નમસ્કાર કરી દ્વારિકાપતિ શ્રીકૃષ્ણ ભગવાનનું હૃદયમાં સ્મરણ કરતા કરતા મહાસુદ નવમી તિથિને દિવસે દ્વારિકા જવા તૈયાર થયા.૫૯

તેને શ્રીહરિએ ધન, વાહન, તેમજ ભાર ઉપાડવા ગાડાં અને રક્ષણ માટે સશસ્ત્ર પાર્ષદોની વ્યવસ્થા કરી આપીને નંદરામાદિકને શુભ મુહૂર્તમાં દ્વારિકા જવા વળાવ્યા.૬૦

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પૂજાની ચિત્ર પ્રતિમાઓ તૈયાર કરાવી નંદરામાદિકને દ્વારિકાની યાત્રાએ મોકલ્યાનું નિરૂપણ કર્યું એ નામે અઠ્ઠાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૮--