અધ્યાય - ૨૯ - સચ્ચિદાનંદ સ્વામીની સાથે અયોધ્યાવાસીઓનું ગોમતી તીર્થે આગમન.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 8:36pm

અધ્યાય - ૨૯ - સચ્ચિદાનંદ સ્વામીની સાથે અયોધ્યાવાસીઓનું ગોમતી તીર્થે આગમન.

સચ્ચિદાનંદ સ્વામીની સાથે અયોધ્યાવાસીઓનું ગોમતી તીર્થે આગમન. સચ્ચિદાનંદ સ્વામીને સમાધી. સ્વામીને બીજે દિવસે જ સમાધી ઉતરી ગઈ. જેવું ગણીયે ગોમતી, તેવુંજ આરંભડું ગામ.

 

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! શ્રીદ્વારિકાધીશ ભગવાનનાં દર્શન કરવાની અત્યંત ઉત્કંઠાવાળા એથી માર્ગમાં ઉતાવળી ગતિએ ચાલેલા તે નંદરામાદિ યાત્રીકો મહાવદ પડવાને દિવસે ગોમતીતીર્થમાં પહોંચ્યા.૧

ત્યાંના નિવાસી અને ધનલોલુપ ગૂગળી નામના બ્રાહ્મણોએ ધન લીધા વિના ગોમતીમાં સ્નાન કરવા દીધું નહિ.૨

સ્નાન કરવા જતા હતા ત્યારે રોક્યા, ત્યારે ગૃહસ્થાશ્રમી નંદરામાદિકે ગૂગળી બ્રાહ્મણોને માગ્યા પ્રમાણેનું ધન આપી આદરપૂર્વક ગોમતીમાં સ્નાન કરી લીધું.૩

દ્રવ્યનો સંગ્રહ નહીં કરતા નિષ્કિંચન સાધુઓને તીર્થમાં સ્નાનાદિકનો કોઇ પ્રતિબંધ હોતો નથી. એમ વિચારીને સચ્ચિદાનંદ સ્વામીને પૂછયા વિના જ સ્નાન કરી લીધું.૪

સચ્ચિદાનંદ સ્વામી ગોમતીતીર્થમાં આવ્યા ને શ્રીકૃષ્ણ ભગવાનની ક્રીડાનું સ્થાન ગોમતીનાં દર્શન કરતાંની સાથે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું સ્મરણ થયું. કે તરત જ મૂર્તિમાં મન લીન થઇ ગયું, તેથી તે ધીરે ધીરે ચાલતા ગોમતીમાં સ્નાન કરવા જતા હતા.૫

હે રાજન્ ! ત્યાગીઓમાં શિરોમણિ, અપરિગ્રહી, આત્મનિષ્ઠ એવા સ્વામી ઝુલતા ગજેન્દ્રની જેમ દેહનું ભાન ભૂલીને ગોમતીના કિનારા ઉપર ફરી રહ્યા હતા. તે સમયે અકિંચન એવા સચ્ચિદાનંદ સ્વામીને જોઇ, શ્રાદ્ધમાં પૃથ્વી પર મૂકેલા પીંડને જોઇ જેમ કાગડાઓ દોટ મૂકે તેમ ત્યાંના ગૂગળી બ્રાહ્મણોએ સ્વામી તરફ દોટ મૂકી ને સ્વામીને ઘેરી વળ્યા.૬

તેમાં બાળકો, યુવાનો અને વૃદ્ધો ચારે તરફથી સ્વામીના વસ્ત્રને ખેંચવા લાગ્યા. છતાં સ્વામી મૂર્તિમાં મગ્ન હોઇ લેશમાત્ર પણ હરકતને પામ્યા નહિ. ત્યારે કેટલાક ભિક્ષુકોએ તેને કપટી જાણ્યા, કેટલાકે ઉન્મત્ત જાણ્યા ને કેટલાકે ગાંજો ઘણો થઇ જવાથી વિક્ષિપ્ત મનવાળા જાણ્યા.૭

તેથી સૌ મુનિને મૂકીને ધન મેળવવાની ઇચ્છાથી તે તીર્થમાં રહેનારા ભિક્ષુકો સ્નાન કરી રહેલા અયોધ્યાવાસીઓને દૂરથી જોઇ ત્યાં તત્કાળ દોડીને આવ્યા ને ભિક્ષા માંગવા લાગ્યા.૮

સચ્ચિદાનંદ સ્વામીને સમાધી :- હે રાજન્ ! તે સમયે સચ્ચિદાનંદ સ્વામી મૂર્તિમાં અતિશય મગ્ન થવાથી ચાલવા સમર્થ થયા નહિ. ત્યારે ગોમતીના માર્ગમાં જ બેસી રહ્યા ને ત્રણ અવસ્થાથી પર થઇ પરબ્રહ્મના સ્વરૂપમાં સમાધિની સ્થિતિ પામ્યા.૯

કૌશલદેશવાસી નંદરામાદિકે સ્નાન કરીને ગૂગળી બ્રાહ્મણોને તથા ભિક્ષુકોને દક્ષિણા આપીને સમાધિની સ્થિતિ પામેલા સચ્ચિદાનંદ સ્વામી પાસે તત્કાળ આવ્યા ને સ્વામીને જોયા તો તે સમાધિમાં ઉતરી ગયા હતા. તેમની સમાધિની સ્થિતિને જાણતા તે અયોધ્યાવાસીઓએ ક્ષણવારનો વિચાર કરી મુનિને મસ્તક, હાથ, પગ આદિથી ઉપાડીને ગોમતીના રાજમાર્ગથી દૂર બીજા સ્થળે લઇ જઇને બેસાડયા.૧૦-૧૧

ત્યારે ગોપાળજી નંદરામભાઇને કહેવા લાગ્યા કે, હે ભાઇ ! આપણે તીર્થવાસીઓ હવે શું કરશું ?૧૨

ત્યારે વળી મંછારામ પણ કહેવા લાગ્યા કે, આ સમાધિની સ્થિતિ પામેલા સંતને આપણે કેમ લઇ જઇશું ? અથવા અહીં એમને છોડીને આપણે કેમ જઇશું ?૧૩

તેથી આપણે અહીંજ રહીએ એવું મને લાગે છે. તે સાંભળી ગોપાળજી તેમને કહેવા લાગ્યા કે, આ સંતની સ્થિતિ હું જાણું છું.૧૪

આ સંત મહાસમાધિનિષ્ઠ છે. એમની સમાધિ બહુજ ગાઢ હોય છે. એ ક્યારેક ત્રણ દિવસ, ક્યારેક પાંચ દિવસ, ક્યારેક દશ દિવસ સમાધિમાં રહે છે, અને ક્યારેક તો પંદર દિવસ સુધી સમાધિમાં બેસી રહે છે. એ સંતની સ્થિતિને હું જાણું છું.૧૫-૧૬

હે રાજન્ ! તે સમયે નંદરામ કહેવા લાગ્યા કે, આપણે યાત્રા કરીને આઠ કે નવ દિવસે તત્કાળ પાછા ફરીશું.૧૭

પૃથ્વી પર કોઇ પણ તીર્થોમાં સાધુઓને ચિંતા હોતી નથી. તેથી જ પ્રાચીન મહર્ષિઓએ તીર્થોને સાધુનું ઘર કહેલું છે.૧૮

હે રાજન્ ! આ પ્રમાણેનું નંદરામનું વચન સાંભળી ગોપાળજી અને મંછારામે કહ્યું કે, ભલે, આપણે એ પ્રમાણે કરશું, એમ કહી તે દિવસે ગોમતીજીના કાંઠે જ રાત્રી વાસો કરી બીજે દિવસે ત્રણે જણા ત્યાંથી ચાલતા થયા.૧૯

તેઓએ આરંભડા ગામે ધન આપીને તપ્તમુદ્રાઓ ગ્રહણ કરી તત્કાળ આગળ ચાલ્યા. તે ખાડી ઉતરીને ભગવાનને પ્રિય એવા શંખોદ્વાર નામે બેટદ્વારિકા આવ્યા.૨૦

ત્યાંના તીર્થવાસી બ્રાહ્મણોને ધન આપીને શ્રી દ્વારિકાધીશનાં દર્શન કર્યાં ને ભક્તિભાવની સાથે પોતાની શક્તિ પ્રમાણે તેમની મહાપૂજા પણ કરાવી.૨૧

ત્યારપછી તે નંદરામાદિક ત્રણે ધનની સગવડના આધારે સમગ્ર તીર્થવિધિને કરતા કરતા બેટ દ્વારિકામાં પાંચ દિવસ સુધી રોકાયા.૧૭-૨૨

સ્વામીને બીજે દિવસે જ સમાધી ઉતરી ગઈ :- ત્યાર પછી કૌશલવાસી ત્રણે વિપ્રો રાત્રીદિવસ સચ્ચિદાનંદ સ્વામીનું સ્મરણ કરતા કરતા તત્કાળ ગોમતીતીરે આવ્યા.૨૩

હે રાજન્ ! અયોધ્યાવાસીઓ ગોમતી તીરેથી જે દિવસે શંખોદ્વાર ગયા તે જ દિવસે અહીં સચ્ચિદાનંદ સ્વામીને સમાધિ ઉતરી.૨૪

અયોધ્યાવાસીઓ તો સર્વે બેટદ્વારિકા ગયા છે એવું જાણીને ગોમતીતીર્થમાં સ્નાન કરવા ગયા. પરંતુ ધનના અભાવે ત્યાંના ગૂગળી બ્રાહ્મણોએ સ્નાન કરવા દીધું નહિ.૨૫

ધનનો સ્વીકાર કરતો નથી, ને સ્ત્રીનો સ્પર્શ કરતો નથી, એવો આ સાધુ સ્વામિનારાયણનો શિષ્ય છે. આટલું જાણ્યા પછી ઇર્ષ્યાવસાત્ તીર્થમાં રહેનારા કોઇ પણ પુરુષે તેમને ભોજન માટે અન્ન પણ આપ્યું નહિ.૨૬

શરીરનો અનાદર કરીને વર્તતા તેમજ પાછી વૃત્તિવાળી શ્રીહરિના ધ્યાન પરાયણ રહેતા સચ્ચિદાનંદ સ્વામીએ તે ગોમતીતીરે ભોજન માટે કોઇની પણ પાસે અન્નની માગણી જ કરી નહિ.૨૭

તેથી ગોમતીતીરે જ તેમને ત્રણ દિવસના ઉપવાસ થયા. છતાં પણ તે તીર્થમાં રહેનારા નિર્દય જનોએ સ્વામીને ગોમતીમાં સ્નાન કરવા પણ આપ્યું નહિ.૨૮

જેવું ગણીયે ગોમતી, તેવુંજ આરંભડું ગામ :- હે રાજન્ ! ત્યાર પછી ક્રોધ અને આહાર ઉપર જેણે વિજય મેળવ્યો છે એવા સચ્ચિદાનંદ સ્વામી, જેવી હરિની ઇચ્છા, એમ જાણી ત્યાંથી ચાલી નીકળ્યા તે આરંભડા ગામે આવ્યા.૨૯

ત્યાં ભૂખનું દુઃખ સહન ન થવાથી રુદન કરી રહેલા કેટલાક સ્વભાવે ગરીબ, કેટલાક ધનથી ગરીબ, કેટલાકનું ધન ચોરે લૂંટી લીધું હોવાથી નિર્ધન એવા લોકો છાપો લેવા માટે ચારે તરફ આક્રંદ કરી રહ્યા હતા. તે જોઇ સ્વામીએ એ ગામનું નામ ''આરંભડા'' સાર્થક જાણ્યું. અર્થાત્ ''આ'' એટલે ચોતરફ સર્વત્ર ''રંભડા'' એટલે આક્રંદ- રૂદન થતું હોય તેને આરંભડા કહેવાય.૩૦

હે રાજન્ ! સ્વામીએ તે ગામમાં કેટલાક જનોને બે દિવસના કેટલાકને ત્રણ દિવસના કેટલાકને પાંચ કે છ દિવસના ઉપવાસી પણ જોયા.૩૧

ભૂખના દુઃખથી કૃશ પેટવાળા અને અતિશય કરમાયેલા મુખવાળા રાંક અને રૂદન કરતા વૃદ્ધો અને બાળકોને તેમજ ભૂખથી જેના પેટ ચોટી ગયાં છે અને હવે તો શ્વાસમાત્ર બાકી રહ્યા છે. એવી પૃથ્વી પર ચેષ્ટારહિત પડેલી ઘણી બધી સ્ત્રીઓને પણ સ્વામીએ દૂરથી નિહાળી.૩૨

હે રાજન્ ! વનના માર્ગે આવતાં ચોર લોકોએ બલાત્કારે ધન લૂંટી લીધું હોવાથી ભૂખથી કૃશ શરીરવાળા થયેલા કેટલાક વિપ્રો અને વૈરાગી સાધુઓને તપ્તમુદ્રા આપવાનો અધિકાર લઇ બેઠેલા જનોએ ધન પ્રાપ્તિ માટે જ બહુ બહુ પીડા અપાયેલા સ્વામીએ જોયા.૩૩

ઉપવાસના દુઃખથી અસ્પષ્ટ વાણી બોલી શકતા ગામના અન્યજનો દ્વારા ગાળો ભાંડવાના કારણે તિરસ્કાર પામતા ને વારંવાર સોગન ખાતા કે ''હે ભાઇ ! મારી પાસે સાચે જ ધન નથી. જો હોય તો મારો પુત્ર મરી જાય'' ઇત્યાદિ અનેક પ્રકારના સોગન ખાતા ને છાપો માટે કરગરતા નિર્ધન જનોને તપ્તમુદ્રા આપવાના અધિકારી સિવાયના બીજા મનુષ્યો પણ અતિશય ગાળોથી તિરસ્કાર કરી અપમાન કરતા હતા, તેને પણ સ્વામીએ નિહાળ્યા.૩૪

ત્યાંજ વળી એક અલગ દૃશ્ય જોયું કે, મરવા પડેલા શરીરવાળા, ભૂખથી પેટમાં બળતા અગ્નિવાળા કોઇ વૈરાગી સાધુને દ્રવ્ય રહિત જાણીને અતિશય કોપાયમાન થયેલા છાપો આપવાવાળા અધિકારીઓએ અતિશય ધગધગતી તપ્તમુદ્રાઓથી શરીર પર બહુજ દાહ ઉપજાવ્યો. આવા ગૂગળીઓને પણ સ્વામીએ જોયા. તેથી સ્વામીનું શરીર કંપવા લાગ્યું.૩૫

છતાં પણ આરંભડામાં તપ્તમુદ્રાઓ માટે ફરી રહેલા સચ્ચિદાનંદ સ્વામી મુદ્રાઓ આપનારની સમીપે જઇ કહેવા લાગ્યા કે, હે શ્રીકૃષ્ણના ભક્તો ! અત્યારે મને તપ્તમુદ્રા અંકન કરી આપો.૩૬

હે રાજન્ ! સચ્ચિદાનંદ સ્વામીએ આ પ્રમાણે જ્યારે છાપોની માગણી કરી ત્યારે એક જણ હાસ્ય કરીને કહેવા લાગ્યો કે, આ શ્રેષ્ઠ સાધુ છે તેને તો તપ્તમુદ્રા આપો. ત્યારે તરત જ બીજો અધિકારી કહે, આ ધૂતારો ક્યાંથી આવ્યો છે ?૩૭

વળી ત્રીજાએ કહ્યું કે, હે સ્વામીજી ! ધન આપીને મુદ્રાઓ ગ્રહણ કરો. ત્યારે સ્વામી કહેવા લાગ્યા કે, અમે ધન અને નારીનો સ્પર્શ કરતા નથી.૩૮

તે સાંભળી તપ્તમુદ્રા આપનારો કહેવા લાગ્યો કે તારી કંથામાં રૂપિયા છે. ત્યારે સ્વામીએ તેઓને કંથા આપી દીધી, તેથી તેઓ કંથામાં ધન શોધવા લાગ્યા.૩૯

જ્યારે કંથામાં ધન જોયું નહિ, ત્યારે તેને એક બાજુ ફેંકી દીધી. તે સમયે બાજુમાં બેઠેલો ચારણ અધિકારી બોલ્યો કે, આ સાધુની કૌપીનમાં ધન રાખેલું હોવું જોઇએ.૪૦

કારણ કે ઘણું કરીને વૈરાગીઓની કૌપીનમાં કે જટામાં ધન રાખેલું હોય છે. મેં ગઇ કાલે જ એક સાધુની સીવેલી કૌપીનમાંથી ધન બહાર કાઢયું હતું.૪૧

હે રાજન્ ! આ પ્રમાણે બોલીને પછી તેઓ જ્યારે સ્વામીની કૌપીન બહાર ખેંચવા લાગ્યા ત્યારે સ્વામી તેઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! હું તો સ્વામિનારાયણનો સાધુ છું. તેથી મારી કૌપીનમાં પણ ધન ન હોય.૪૨

એ સમયે તેઓ જ્યાં ''સ્વામિનારાયણ'' એવું નામ સાંભળ્યું, ત્યાં અતિશય ક્રોધ કરી અધિકારીઓ કહેવા લાગ્યા કે, હે મુનિ ! તારા ગુરુ સ્વામિનારાયણ પાસે તો લાખો રૂપિયા છે.૪૩

જો તારે છાપો લેવી જ હોય તો તારા ગુરુ પાસે પાછો જા ને બહુ ધન લઇ આવ. જો અમારી ઇચ્છા પ્રમાણેનું ધન નહીં લાવે તો તને સ્વામિનારાયણીયો હોવાથી તપ્તમુદ્રાઓ તો નહીં જ આપીએ.૪૪

માટે તું અહીંથી તત્કાળ દૂર ચાલ્યો જા. હે રાજન્ ! આ પ્રમાણે તેઓએ કહ્યું તેથી યોગીરાટ સચ્ચિદાનંદ સ્વામી તે સમયે ત્યાંથી અતિ વિશાળ લાંઘણચોરે આવીને બેઠા.૪૫

આજે અથવા કાલે અથવા પરમ દિવસે આ લોકો મને તપ્તમુદ્રા ચોક્કસ આપશે. એવું નક્કી કરીને સ્વામી લાંઘણચોરામાં જ રહેવા લાગ્યા.૪૬

હે રાજન્ ! તે લાંઘણચોરામાં ઉપવાસના કારણે લાંઘતા રંકજનો અતિ દુઃખી થઇ આક્રોશ કરી રડી રહ્યા હતા. તે જોઇને આ ગામમાં માણસોની નિર્દયતા ભયંકર હિંસક ક્રૂર પ્રાણીઓ કરતાં પણ અધિક છે. એમ સ્વામીએ જાણ્યું.૪૭

અહીં જે પુરુષ ધન આપે તેને જ તપ્તમુદ્રાઓ મળે છે. એવું જોઇ રહેલા સ્વામીને એક અદ્ભૂત આશ્ચર્ય દેખાણું.૪૮

ત્યાં એક ખાખી સાધુ તપ્તમુદ્રા લેવા આવ્યો. તેમણે પોતાના મસ્તક ઉપર અતિશય શોભતી લાંબી અને ભૂખરી એવી જટાનો જૂટ ગુંથ્યો હતો. લાલ વિશાળ અને વિકરાળ નેત્રોથી ભાંગ ચડયાનો મદ પણ સ્પષ્ટ દેખાતો હતો. આંજણ જેવા કાળા અને મોટા પર્વત જેવા પ્રૌઢ શરીર ઉપર શ્વેત ભસ્મનું લેપન કર્યું હતું, ઉપડતી પહોળી છાતીવાળા તે ખાખીએ હાથમાં લોખંડનો ચીપિયો ધારણ કર્યો હતો.૪૯

અતિશય ઊંચા ને ઘોઘરા અવાજે જય શ્રીદ્વારિકાધીશ, દ્વારિકાધીશની જય હો... એમ બોલતો હતો. ત્રણ વળવાળી મુંજની મેખલા ધારણ કરી હતી. લિંગ ઉપર કૌપીન ધારણ કર્યું હતું. લોખંડની સાંકળ કેડમાં બાંધી હતી. વક્રદૃષ્ટિથી આમ તેમ જોતો હોવાથી નાનાં બાળકો તેનાથી ડરી રહ્યા હતાં. ઉતાવળી ચાલે ચાલતો અને લાંબી દાઢીવાળો એ ખાખી તપ્તમુદ્રા આપતા અધિકારીઓ પાસે આવીને નિર્ભયપણે કહેવા લાગ્યો કે, અત્યારે જ મને તપ્તમુદ્રા આપો.૫૦

હે રાજન્ ! આ પ્રમાણે નિર્ભયપણે બોલતા તે ખાખીને અહીંથી દૂર ખસી જા. એ પ્રમાણે કહીને તપ્તમુદ્રા આપનારા રાજપુરુષોએ તેનો ખૂબ તિરસ્કાર કર્યો. છતાં એ ખાખી ત્યાંથી ખસ્યો નહિ.૫૧

તપ્તમુદ્રા લેનારા લોકોની મધ્યે મુદ્રા આપી રહેલા રાજપુરુષોએ પોતાનો અનાદર કરી રહેલા ખાખીને પકડયો.૫૨

બહુ બળવાન હોવાથી બીજાઓથી પકડી ન શકાય તેવા એ ખાખીને બળાત્કારે પકડી મુઠ્ઠીઓનો માર મારી તત્કાળ ત્યાંથી દૂર ખસેડયો.૫૩

પોતે બળવાન હોવા છતાં સામે ઘણા બધા રાજકીય પુરુષોનો પરાભવ કરવા તે ખાખી સમર્થ થઇ શક્યો નહિ. તેથી તેઓના પ્રત્યે કહેવા લાગ્યો કે હું મહાત્યાગી છું. તેથી ધનનો સંગ્રહ કરતો નથી.૫૪

હું તમારી પાસે તપ્તમુદ્રા લેવા આવ્યો છું. તો તમે મને કેમ બહાર કાઢો છો ? તેથી તે કહેવા લાગ્યા કે, ખાખી ! ધન દઇને પછી તપ્તમુદ્રા ગ્રહણ કરો. ત્યારે ખાખી કહે, મારી પાસે કાંઇ પણ દ્રવ્ય નથી, પરંતુ કેડમાં બાંધેલી લાંબી આ લોખંડની સાંકળ છે.૫૫-૫૬

હે રાજન્ ! તે સમયે કોઇ ચારણે ધીરેક રહીને તે ખાખીની બાંધેલી જટાને ખેંચી. તેવામાં એક સોનાની મુદ્રા જટામાંથી બહાર પૃથ્વી પર પડી.૫૭

તે જોઇ ઉન્મત્ત ચારણ આદિ રાજકીય પુરુષો તે ખાખીની ચારે બાજુએથી વળગી પડયા ને પૃથ્વી પર નીચે પછાડયો. તેમની જટાને ચૂંથી નાખી.૫૮

તે સમયે ફરી બીજી ચાર સોનાની મુદ્રાઓ જટામાંથી નીકળી. તે મુદ્રાઓ રાજકીય પુરુષોએ લઇ લીધી ને તે ખાખીને છોડી મૂક્યો.૫૯

તે સમયે મૃતપ્રાય થયેલો ખાખી તપ્તમુદ્રા ગ્રહણ કર્યા વિના જ તે તીર્થવાસી રાજકીય અધિકારીઓને વારંવાર ગાળો આપતો આપતો શરીરમાં બહુ કળતર થતી હોવાથી ધીરે ધીરે ત્યાંથી પોતાના નિવાસસ્થાને ચાલ્યો ગયો.૬૦

પહેલાં ક્યારેય પણ નહીં જોયેલું આવું અદ્ભૂત આશ્ચર્ય નિહાળી સચ્ચિદાનંદ સ્વામી અહીં શ્રીકૃષ્ણ ભગવાનના આયુધોનું અંકન માત્ર ધનથી જ પ્રાપ્ત થઇ શકે એમ છે એવું માનવા લાગ્યા.૬૧

તે સમયે ધનલોલુપ કેટલાક ચારણો હસતાં હસતાં સચ્ચિદાનંદ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સાધુપુરુષ ! જોયું ? સાધુની પાસે પણ ધન હોય છે તેમાં કોઇ સંશય નથી. આ કોઇ મશ્કરી નથી સત્ય વાત છે.૬૨

રાજકીય પુરુષોએ એ ખાખી પાસેથી ધન કાઢયું ને તમે નજરે જોયું, તમારી દશા પણ તે ખાખી જેવી થશે.૬૩

તે સમયે સ્વામી કહેવા લાગ્યા કે, મારા મસ્તક પર જટા નથી અને જુની થયેલી આ કંથાને માર્ગમાં કોઇ ચોર પણ સ્વીકારતા નથી.૬૪

બાર આંગળની નવીન કૌપીન માત્ર એક મારી પાસે છે. એનો સ્વીકાર કરીને કોઇ મને મુદ્રા આપે તો ભલે અત્યારે જ તે લઇ જાય.૬૫

હે રાજન્ ! આ પ્રમાણે સ્વામીએ કહ્યું ત્યારે તે ચારણો હસતા હસતા સ્વામીની અવજ્ઞા કરી અન્યત્ર ચાલ્યા ગયા. ઉપવાસી સ્વામી પણ નિર્ભય થઇ ભગવાન શ્રીહરિનું સ્મરણ કરતા કરતા ત્યાંને ત્યાંજ બેસી રહ્યા.૬૬

પોતાના ભૂખની પીડાને નહીં ગણકારતા પણ બીજાના દુખની પીડા જોવા અસમર્થ સ્વામી ત્યાં પણ ત્રણ ઉપવાસ કરી ત્યાંથી બેટદ્વારિકા ગયા.૬૭

હે રાજન્ ! આ લોકમાં સંતો અન્યની પીડા જોઇ શક્વા ક્યારેય પણ સમર્થ થતા નથી. કારણ કે કરૂણાથી ભરેલું તેનું હૃદય પુરાણ ગ્રંથમાં નવનીત સમાન કોમળ કહેલું છે.૬૮

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં સચ્ચિદાનંદ સ્વામીએ આરંભડા ગામમાં તપ્તમુદ્રા આપનારાઓનું નિર્દયપણું નિહાળ્યું તેનું નિરૂપણ કર્યું એ નામે ઓગણત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૯--