અધ્યાય - ૩૦ - સચ્ચિદાનંદ સ્વામીની બેટ દ્વારિકામાં પણ અસહ્ય અવદશા.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 8:39pm

અધ્યાય - ૩૦ - સચ્ચિદાનંદ સ્વામીની બેટ દ્વારિકામાં પણ અસહ્ય અવદશા.

સચ્ચિદાનંદ સ્વામીની બેટ દ્વારિકામાં પણ અસહ્ય અવદશા.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! સચ્ચિદાનંદ સ્વામી જ્યારે દ્વારિકાધીશના મંદિરે આવ્યા ત્યારે કૌશલદેશવાસી નંદરામાદિ ત્યાંથી નીકળી ગોમતી તીરે પાછા આવ્યા.૧

શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શનની અતિશય ઉત્કંઠા ધરાવતા સચ્ચિદાનંદ સ્વામી મંદિરના દરવાજા પાસે આવી જ્યાં અંદર પ્રવેશ કરવા જાય છે, ત્યાં દરવાજે ઊભેલા દ્વારપાળોએ બહાર કાઢયા ને પૂછવા લાગ્યા કે, તું કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? અમારી મંજૂરી વિના અને ચક્રાંકિત થયા વિના અને ધન આપ્યા વિના આમ દોડતો ક્યાં જઇ રહ્યો છે ? જલદી અહીંથી દૂર થા.૨-૩

આ રીતે તિરસ્કાર કરીને દ્વારપાળોએ લાલ નેત્રો કરીને સ્વામીને બહાર કાઢયા. તે સમયે સ્વામી મંદિરના દ્વારની સમીપે જ એકલા એક દુકાનની વેદિકા ઉપર જઇને બેઠા.૪

હે રાજન્ ! એ અવસરે મંદિરના દરવાજામાંથી બહાર આવી રહેલા ગૂગળી વિપ્રોને સ્વામીએ કહ્યું કે, હે ભૂદેવો ! આજ મને દ્વારિકાધીશનું દર્શન કરાવો.૫ હે શ્રેષ્ઠ વિપ્રો ! શાસ્ત્રોમાં બ્રાહ્મણોના હૃદયને કોમળ કહ્યું છે. તેથી તમે મારા ઉપર કૃપા કરો.૬ ત્યારે તે બ્રાહ્મણો કહેવા લાગ્યા કે, તારી પાસે કંથા ને કૌપીનમાં સંઘરેલું ધન, સુવર્ણ કે રૂપું કેટલું છે ?૭

ત્યારે સચ્ચિદાનંદ સ્વામી તેઓને કહેવા લાગ્યા કે, હે ભૂદેવો ! મારી પાસે કોઇ પણ પ્રકારનું ધન સાચે જ નથી. કારણ કે હું ત્યાગી સાધુ છું. તેથી ત્યાગી પાસે ધન ક્યાંથી હોય ?૮

હે બ્રાહ્મણો ! તેમાં પણ હું તો સહજાનંદ સ્વામીનો શિષ્ય છું. એથી સ્ત્રી અને ધનનો દૂરથી ત્યાગ કરનાર મારી પાસે દ્રવ્ય ક્યાંથી હોય ?૯

ત્યારે તે વિપ્રો કહેવા લાગ્યા કે, દ્રવ્યના અભાવે તું અહીં મરી જઇશ છતાં પણ દ્વારિકાધીશનાં દર્શન તને નહીં થાય.૧૦

અને અમે તો સહજાનંદ સ્વામીના શિષ્યોના શત્રુ છીએ, તેને દેખીએ ને મારીએ એવા છીએ, તેને નગરમાં પ્રવેશ પણ કરવા દેતા નથી. તો પછી દ્વારિકાધીશનાં દર્શનની તો વાત જ દૂર રહી. તને દર્શન ક્યાંથી હોય ?૧૧

તારા ગુરુ સહજાનંદ સ્વામી જ સ્વયં કૃષ્ણ છે. તો પછી પૃથ્વી પર બીજે ભટકે શા માટે છે ? આ તો દ્વારિકાવાસી ગૂગળી બ્રાહ્મણો એવા અમને જ્યાં સુધી સહજાનંદ સ્વામીનો ભેટો નથી થયો ત્યાં સુધી જ તે ભલે ''હું શ્રીકૃષ્ણ છું'' એવી ગર્જના કર્યા કરે.૧૨

હે રાજન્ ! આ પ્રમાણે કહીને તે ગૂગળી બ્રાહ્મણો ગયા, પછી અન્યજનો પણ સચ્ચિદાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે, દ્રવ્ય આપીને દ્વારિકાધીશનાં દર્શન કરી લ્યો. શા માટે લાંઘો છો ?૧૩

આ રીતે કોઇ મનુષ્યો સ્વામીને તીખાં વચનો બોલી તિરસ્કાર કરવા લાગ્યાં. કોઇ આ મૂર્ખ છે એમ કહેવા લાગ્યાં. તો કોઇ આ ધૂર્ત છે એમ કહેવા લાગ્યા.૧૪

અરે સ્વામીનો અતિથ્ય સત્કાર તો દૂર રહ્યો, પરંતુ કોઇ પણ પુરુષે સ્વામિનારાયણીયા ઉપર ઇર્ષ્યા હોવાના કારણે માત્ર શુભ વાણીથી પણ સ્વામીનો સત્કાર ન કર્યો.૧૫

ઉપવાસી સ્વામી દ્વારિકાધીશના દરવાજાને જોતાં જોતાં સ્થિર આસને તે ઓટલા ઉપર બેસી રહ્યા.૧૬

તેમજ દ્રવ્ય આપી મંદિરમાં પ્રવેશ કરતાં નરનારીઓની ભીડમાં પરસ્પર અંગમર્દન રૂપ અધર્મ જોઇ સ્વામીને ખૂબજ ત્રાસ થયો.૧૭

હે રાજન્ ! સચ્ચિદાનંદ સ્વામીએ પહેલા આરંભડા ગામ કરતાં પણ અહીં બેટદ્વારકાવાળાનું વધુ નિર્દયપણું જોઇ તેઓને અધિક સંપત્તિના મદવાળા જાણ્યા.૧૮

આ પ્રમાણે સ્વામી વિચારી રહ્યા હતા તેવામાં સૂર્યાસ્ત થયો. રાત્રી થતાં સ્વામી મનમાં વિચાર કરવા લાગ્યા કે, અરે !!! આશ્ચર્યની વાત છે ને ? કે હું આવા અતિશય નિર્દય સ્થાનમાં ઇશ્વરની કેવી ઇચ્છાથી આવ્યો છું ? હવે મારે શું કરવું ? શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન કેમ થશે ?૧૯-૨૦

જો શ્રીહરિની આજ્ઞાથી મારા ગુરુભાઇઓ એવા મુક્તાનંદ સ્વામી જેવા ત્યાગી સંતો આ તીર્થમાં આવશે તો તે મહાત્માઓની શું દશા થશે ?૨૧

''દ્વારિકાધીશનાં દર્શન કરીને આવો'' આવી શ્રીહરિની આજ્ઞા છે તે આજ્ઞાનું પાલન કર્યા વિના તેમની પાસે મારે કઇ રીતે જવું ?૨૨

સાક્ષાત્ પ્રગટ શ્રીકૃષ્ણ ભગવાન ગઢપુરમાં બિરાજે છે. તે જ ભગવાન શ્રીકૃષ્ણ અહીં દ્વારિકામાં ચતુર્ભુજ સ્વરૂપે વિરાજે છે. તેમની આજ્ઞાથી અહીં આવ્યો છું.૨૩

માટે ભક્તપ્રિય અને સર્વે અભિપ્રાયને જાણનારા દ્વારિકાધીશ ભગવાન મને પોતાનું અવશ્ય દર્શન આપશે જ.૨૪

હે રાજન્ ! આ પ્રમાણે વિચારીને મનમાં નિશ્ચય કરી, યોગી સચ્ચિદાનંદ સ્વામી પોતાના ગુરુ એવા શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરીને તેમને નમસ્કાર કરી, અન્નશનવ્રત લઇ જળનો પણ ત્યાગ કરી ત્યાં જ બેસી ગયા. ત્યાં ને ત્યાં બીજા ચાર દિવસ પસાર થઇ ગયા.૨૫-૨૬

હે રાજન્ ! સમાધિમાં શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન હમેશાં કરતા હોવા છતાં પ્રત્યક્ષ દર્શનની ઇચ્છા રાખી સચ્ચિદાનંદ સ્વામી અતિ ધીરજ ધારણ કરી પાંચમે દિવસે આગળ કહ્યું એ સ્તોત્રથી તેમની સ્તુતિ કરવા લાગ્યા.૨૭

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકાનાથનાં દર્શન કરવાની મનાઇ કરવામાં આવી એ નામે ત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૦--