ગઢડા મઘ્ય ૨૪ : સાંખ્ય ને યોગનિષ્ઠાનું
સંવત્ ૧૮૭૯ ના શ્રાવણ શુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ ચઢીને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો, ને પાઘને વિષે મોગરાના પુષ્પનો તોરો ધારણ કર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી મુકતાનંદસ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! ભગવાનને વિષે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઇ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો યોગનિષ્ઠા છે ને બીજી સાંખ્યનિષ્ઠા છે. તેમાં યોગનિષ્ઠા-વાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડવૃત્તિ રાખે અને સાંખ્યનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યનાં સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેનાં જે સુખ તેને સમજી રાખે, તથા ચૌદ લોકની માંહિલી કોરે જે સુખ છે તે સર્વેનું પ્રમાણ કરી રાખે જે, ‘આ સુખ તે આટલું જ છે.’ અને એ સુખની કેડે જે દુ:ખ રહ્યું છે તેનું પણ પ્રમાણ કરી રાખે. પછી દુ:ખે સહિત એવાં જે એ સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિષે જ દૃઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્યનિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય. અને યોગનિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય, પણ કોઇક વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઇક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કયાંઇક બીજે પણ ચોટી જાય. કેમ જે, યોગનિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય માટે કાંઇક વિઘ્ન થઇ જાય ખરૂં. અને સાંખ્યનિષ્ઠા ને યોગનિષ્ઠા એ બે એકને વિષે હોય તો પછી કાંઇ વાંધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઇ પદાર્થમાં લોભાય જ નહિ. અને એમ સમજે જે, ‘ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે જે લોક છે, ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે. ને તે દેવના જે વૈભવ છે, તે સર્વે નાશવંત છે.’ એમ જાણીને એક ભગવાનને વિષે જ દૃઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઇ જાતનો વિક્ષેપ આવતો નથી. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૨૪|| ૧૫૭ ||