વરતાલ ૧૦ : જીવનું કલ્યાણ થાય, તેનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 2:41am

વરતાલ ૧૦ : જીવનું કલ્યાણ થાય, તેનું

સંવત્ ૧૮૮૨ના પોષ શુદિ ૧૧એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્‍યા. તેણે શ્રીજી મહારાજ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જીવનું કલ્‍યાણ કેમ થાય ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “આ પૃથ્‍વીને વિષે રાજારૂપ ને સાધુરૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે તેમાં રાજારૂપે જ્યારે પૃથ્‍વી ઉપર પ્રગટ થાય ત્‍યારે તો તે ઓગણચાળીસ લક્ષણે યુક્ત હોય અને જ્યારે સાધુરૂપે પૃથ્‍વી ઉપર પ્રકટ થાય ત્‍યારે તો ત્રીસ પ્રકારને લક્ષણે યુક્ત હોય. અને જે રાજારૂપે ભગવાન હોય તે તો ચોસઠ પ્રકારની કળાએ યુક્ત હોય, તથા સામ, દામ, ભેદ, દંડ એ ચાર પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય, તથા શૃંગાર આદિક જે નવ રસ તેણે યુક્ત હોય; અને તે ભગવાન જ્યારે સાધુરૂપે હોય ત્‍યારે તેમાં એ લક્ષણ હોય નહિ. અને જે રાજારૂપે ભગવાન હોય તેને જો આપત્‍કાળ આવ્‍યો હોય તો મૃગયા કરીને પણ જીવે, અને ચોર હોય તેને ગર્દન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે; અને સાધુરૂપે ભગવાન હોયે ૨તો અતિશે અહિંસા પર વર્તે તે લીલાતૃણને પણ તોડે નહિ, અને કાષ્‍ઠની તથા ચિત્રામણની સ્‍ત્રીનો પણ સ્‍પર્શ કરે નહિ. માટે સાધુરૂપ જે ભગવાનની જે મૂર્તિ ને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ એ બેયની રીતિ એક હોય નહિ. અને શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્‍કંધને વિષે પૃથ્‍વી ને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેનાં ઓગણચાળીશ લક્ષણ કહ્યાં છે અને એકાદશસ્‍કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાન ને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય, કપિલઆદિક ભગવાનના અવતાર તેનાં ત્રીશ લક્ષણ કહ્યાં છે. માટે જેને પોતાનું કલ્‍યાણ ઈચ્‍છવું તેને તે તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું અને તેનો દ્રઢવિશ્વાસ રાખવો, ને તેની આજ્ઞામાં રહીને તેની ભકિત કરવી, એજ કલ્‍યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે  પૃથ્‍વીને વિષે પ્રત્‍યક્ષ ન હોય ત્‍યારે તે ભગવાનને મળેલ જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવનું કલ્‍યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્‍યારે ભગવાનની પ્રતિમાને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્‍વધર્મમાં  રહીને ભકિત કરવી તે થકી પણ જીવનું કલ્‍યાણ થાય છે.” ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૧૦|| ૨૧૦ ||