ગઢડા અંત્ય ૧૧ : સીતાજીના જેવી સમજણનું
સંવત્ ૧૮૮૪ના અષાઢ શુદિ તૃતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ર્ન પુછીએ જે, ઈન્દ્રિયો ને મન એ બેને જીત્યાનું એક સાધન છે, કે ઈન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે, મન ને જીત્યાનું જુદું સાધન છે ? એ પ્રશ્ર્ન છે.” પછી મોટા મોટા પરમહંસ હતા તેમણે જેવું જેને ભાસ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ, એ ચાર સાધને કરીને ઈન્દ્રિયો જીતાય છે, અને ભગવાનની માહાત્મ્યે સહિત જે નવધા ભકિત તેણે કરીને મન જીતાય છે.”
પછી મુકતાનંદસ્વામીએ પુછયું જે, “જેવી નિર્વિકલ્પ સમાધિને વિષે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે, એજ એનો ઉત્તર છે.”
પછી શ્રીજીમહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ર્ન પુછયો જે,”ગમે તેવા ભૂંડા દેશકાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહિ. એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય જે, જે સમજણે કરીને એવી રીતની એની દ્રઢતા આવે છે જે તેને વિષે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી ?” પછી મોટા મોટા સંત હતા તેમાં જેવું જેને ભાસ્યું તેવો તેણે ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, જીવને જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહિ. અને ગમે તેવા દેશકાળાદિક ભૂંડા આવે તેણે કરીને એ ભગવાન ને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહિ.”
પછી વળી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ર્ન પુછયો જે, ‘જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડયો. ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યાં જે’, “હું મારા દુ:ખ સારૂં નથી રોતી, હું તો રામચંદ્રજીના દુ:ખ સારૂં રોઉ છું. શા માટે જે રધુનાથજી અતિ કૃપાળુ છે તે લોકાપવાદ સારૂં મને વનમાં મુકી, પણ હવે એમ વિચારતા હશે જે ‘સીતાને મેં વગર વાંકે વનમાં મુકી છે.’ એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુ:ખ પામતા હશે. માટે રામચંદ્રજીને કહેજ્યો જે, સીતાને તો કાંઈ દુ:ખ નથી ને વાલ્મીકઋષિના આશ્રમમાં જઈને સુખે તમારૂં ભજન કરશે. માટે તમે સીતાને દુ:ખે કરીને કાંઈ દુ:ખ પામશો માં.” એમ સીતાજીએ લક્ષ્મણજી સંધાથે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહિ. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહિ અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્ય પણે હોય, એક હરિભક્ત તો એવો છે અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય ને ધર્મ તો અતિ આકરાં છે, પણ સીતાજીના જેવી સમજણ નથી, એ બે પ્રકારના હરિભક્ત છે તેમાં કયા સંધાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી ?” પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું જે, ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિએ કરીને સમાગમ કરવો, પણ અતિશય વૈરાગ્ય ને ધર્મવાળો હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “યથાર્થ ઉત્તર થયો.” ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૧૧|| ૨૪૫ ||