ગઢડા અંત્ય ૧૫ : પાટો ગોઠયાનું
સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુકતાનંદસ્વામીને શ્રીજીમહારાજે કહ્યું જે, “આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી,” ત્યારે મુકતાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! કેવી રીતે વાત કરી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાત તો એમ કરી જે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ઘ્યાન કરવા બેસે તે સમે એનો જીવ પ્રથમ જે જે ભૂંડા દેશ કાળાદિકને યોગે કરીને પંચવિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય, તે સર્વની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ધાયે આવ્યો હોય, ને તે ધાયલ થઈને પાછો ખાટલામાં આવીને સુવે, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહિ ત્યાં સુધી ધાની વેદના ટળે નહિ ને નિદ્રા પણ આવે નહિ. અને જ્યારે પાટો ગોઠે ત્યારે ધાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે; તેમ ભૂંડા દેશ, કાળ, સંગ અને ક્રિયા, તેને યોગે કરીને જીવને પંચ વિષયના જે ધા લાગ્યા છે તે જ્યારે નવધા ભકિત માંહેલી જે ભકિત કરતાં થકાં એ પંચ વિષયના ધાની પીડા ન રહે ને વિષયનું સ્મરણ ન થાય એજ એને પાટો ગોઠયો જાણવો, અને એ જ એને ભજનસ્મરણનું અંગ દ્રઢ જાણવું. પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી નામસ્મરણ કરવું, જે કરવું તે એ પોતાના અંગમાં રહીને કરવું તો એને અતિશય સમાસ થાય. અને જો પોતાના અંગને ઓળખે નહિ તો જેમ ધાયલને પાટો ગોઠે નહિ ને સુખ ન થાય, તેમ એને ભજન સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય. ને પંચવિષયના જે ધા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહિ. માટે એ નવધા ભકિતમાંથી જે ભકિત કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોટે અને ભગવાન વિના બીજા ઘાટ કરે નહિ ત્યારે તે હરિભક્તને એમ જાણવું જે, મારૂં તો એજ અંગ છે.’ પછી તે જાતની ભકિત એને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૧૫||૨૪૯||