ગઢડા અંત્ય ૩૩ : ચાર વાનાંથી બુદ્ધિમાં ફેર ન પડે તેનું
સંવત્ ૧૮૮૫ના ફાગણ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ આગળ એમ વાર્તા કરી જે, “ધન, દોલત, સ્ત્રી અને પુત્ર આદિક જે પદાર્થ તેણેકરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહિ અને એને અર્થે કોઈને વિષે આસ્તા આવે નહિ, એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય પણ ઝાઝા હોય નહિ.” એમ કહીને વળી બોલ્યા જે, “એવા તો આ મુકતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. તે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહિ. અને કેવો હોય તેને કોઈનો ભાર ન આવે તો, જે એમ સમજતો હોય જે, આ દેહથી નોખો જે આત્મા તે હું છું, ને તે હું પ્રકાશમાન સત્તારૂપ છું ને તે મારા સ્વરૂપને વિષે પ્રત્યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે. ને તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકારમાત્ર તે અસત્ય છે, ને અનંત દોષે યુક્ત છે. એવો વૈરાગ્ય હોય ને ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહિ, પણ એ વાર્તા અતિ કઠણ છે. કેમજે એ એવા મોટા છે તો પણ એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા ને સોનામહોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીયો તેનો યોગ થાય તો. એ ત્યાગી છે તો પણ એણે કરીને એમનું ઠેકાણું રહે નહિ. અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઉતરતો હશે, તે જેવા પણ રહે કે ન રહે, એમાં પણ સંશય છે કેમ જે એ પદાર્થનો તો યોગ જ એવો છે. જેમ આ આપણ સર્વ બેઠા છીએ તે કેવા ડાહ્યા છીએ, પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કોઈ ઠા રહે નહિ, તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહિ. માટે એ પદાર્થનો યોગ જો ન થવા દે તો એ એથી બચે ને એનો યોગ થયા મોર એનો ભય રાખે જે, રખે મને એનો યોગ થાય. અને એ વાર્તા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જે, એનો સંગ તો એક ભગવાનને ન લાગે. તે કહ્યું છે.”
‘ઋષિં નારાયણમૃતે’ તથા ‘યેડન્યે સ્વત: પરિહૃતાદપિ બિભ્યતિ સ્મ’
પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ તો જેને વિષે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને માહાત્મ્ય યુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભકિત એટલાં વાનાં હોય તેને એકાંતિક ભક્ત કહીએ અને એની ગતિ એમ કહી છે જે, એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય. તે પ્રવેશ તે શું ? તો તેજના મંડળને વિષે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એ ભક્તને સ્નેહ હોય, તે સ્નેહે કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિષે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આસક્ત થકો વર્તે ને એવી રીતે રહ્યો થકો એ વાસુદેવભગવાનની સેવાને વિષે પણ બહાર થકી રહે. જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિષે ચિહ્નરૂપે સ્નેહના આધિકયપણે કરીને રહ્યાં છે ને બહારથકી સ્ત્રીરૂપે કરીને સેવામાં પણ રહ્યાં છે, તેમ એ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ જાણવો. અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા, કીર્તન,નામસ્મરણ ઈત્યાદિક જે દશ પ્રકારની ભકિત તથા ભગવાનનું માહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય તે એવું હોય જે, તે વિના કોઈ રીતે ચાલે જ નહિ. જેમ અફીણ આદિકનો બંધાણી હોય તેને તે વિના ચાલે નહિ, ને તે અફીણ તો કડવું ઝેર છે, તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહિ. તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીવે ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહિ. ને એને ઘણાક રૂપિયા આપે તો પણ બંધાણથી તે વહાલા ન થાય ને ન લે. કેમજે, એ વ્યસન એના જીવ સંગાથે જડાઈ ગયું છે, તેમ જેને ભગવદ્ભકિત આદિક ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના ચાલે જ નહિ, ને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહિ, ને ભગવદ્ભકિત આદિક ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને અતિ ઈશક હોય એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ છે એમ જાણવું, અને તે ભગવદ્ભક્ત કેવો હોય તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુકિતને પણ ન ઈચ્છે તો બીજાની શી વાર્તા ? એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો ને એનો કોઈ પદાર્થમાં ઈશક ન હોય અને એવો ન હોય ને કયારેક ભગવાનની ભકિતમાં સુવાણ થાય ને જો કુસંગનો યોગ થાય તો ભકિતને ભુલી જાય ને તે ચાળે ચઢી જાય એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ, પણ એ ભક્ત ખરો નહિ ને એનો વિશ્વાસ નહિ.”
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનના ભક્તને સ્ત્રી, ધન, દેહાભિમાન અને સ્વભાવ એ ચાર વાનામાં કાચપ હોય ને તે ભગવાનની ભકિત કરતો હોય તોપણ એની ભકિતનો વિશ્વાસ નહિ, એની ભકિતમાં જરૂર વિઘ્ન આવે, કેમ જે કયારેક એને સ્ત્રી ધનનો યોગ થાય તો ભકિતનો ઠા રહે નહિ ને તેમાં આસક્ત થઈ જાય, તથા દેહાઘ્યાસ હોય તો જ્યારે દેહમાં રોગાદિક કષ્ટ પ્રાપ્ત થાય તથા અન્નવસ્ત્રાદિક ન મળે અથવા કોઈક કઠણ વર્તમાન પાળવાની આજ્ઞા થાય ત્યારે પણ તેને ભકિતમાં ભંગ થાય ને વિકળ થઈ જાય ને કાંઈ વિચાર ન રહે ને ચાળા ચુંથવા લાગે તથા કોઈક રીતનો સ્વભાવ હોય તેને સંત ટોકવા માંડે ને તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે બીજી રીતે વર્તાવે ત્યારે પણ એ મુંઝાય ને એને સંતના સમાગમમાં રહેવાય નહિ, ત્યારે ભકિત તે કયાંથી રહે? માટે જેને દ્રઢ ભકિત ઈચ્છવી હોય તેને એ ચાર વાનામાં કાચપ રાખવી નહિ, ને એ ચારની કાચપ હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી તો વાસુદેવ ભગવાનની નિશ્વળ ભકિત થાય. આ વાર્તા તે આમ જ છે પણ એમાં કાંઈસંશય નથી.” ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૩૩|| ૨૬૭ ||