રાગ ગરબો
પદ - ૧
આવ્યા સહજાનંદ સુખકારી. અમદાવાદમાં રે;
સરવે અવતારના અવતારી. અમદાવાદમાં રે. ૧
સુણીને સામા હરિજન આવ્યા. અમદાવાદમાં રે.
માઘે મોતીડે વધાવ્યા. અમદાવાદમાં રે. ૨
વાજે વાજાં હરિને આગે. અમદાવાદમાં રે.
સુણતાં જન તણાં દુઃખ ભાગે. અમદાવાદમાં રે. ૩
ભેરી ભુંગલ ને શરણાઈ. અમદાવાદમાં રે.
વાગે પડધમ ઊમંગ માંય. અમદાવાદમાં રે. ૪
મૃદંગ ઝાંઝનો ઝમકાર. અમદાવાદમાં રે.
ઢોલ ત્રાંસાનો નહિ પાર. અમદાવાદમાં રે. ૫
વાગે ડંકો ઊડે નિશાન. અમદાવાદમાં રે.
થાય ગવૈયાના ગાન. અમદાવાદમાં રે. ૬
ઘુમે ઘોડાની ઘમસાણ. અમદાવાદમાં રે.
થયું શહેરમાં સૌને જાણ. અમદાવાદમાં રે. ૭
ધાયા જન સૌ કરતા શોર. અમદાવાદમાં રે.
હેતે જોવા ધર્મકિશોર. અમદાવાદમાં રે. ૮
ગોખ ઝરૂખે બેસી નારી. અમદાવાદમાં રે.
નિરખે નેણેથી મોરારી. અમદાવાદમાં રે. ૯
મુરતિ મોહનની મન ભાવે. અમદાવાદમાં રે.
રૂડા પુષ્પેથી વધાવે. અમદાવાદમાં રે. ૧૦
રોઝે ઘોડે શોભે શ્યામ. અમદાવાદમાં રે.
જોઈને લાજે કોટિક કામ. અમદાવાદમાં રે. ૧૧
થાય બે બાજુ ચમર. અમદાવાદમાં રે.
શોભે સોનાનું છતર. અમદાવાદમાં રે. ૧૨
આગળ બોલે છે ચોપદાર. અમદાવાદમાં રે.
જય જય જન કરે ઊચ્ચાર. અમદાવાદમાં રે. ૧૩
સાહેબ બે આવ્યા છે સામા. અમદાવાદમાં રે.
એરણ દુર્લભ એવે નામા. અમદાવાદમાં રે. ૧૪
ટોપી ઉતારીને હાથ. અમદાવાદમાં રે.
નમ્યા ચરણે આવી માથ. અમદાવાદમાં રે. ૧૫
સૌને દેતા દર્શન દાન. અમદાવાદમાં રે.
આવ્યા મંદિરમાં ભગવાન. અમદાવાદમાં રે. ૧૬
દરવાજાની શોભા સારી. અમદાવાદમાં રે.
ગોખ ઝરૂખા શોભે ભારી. અમદાવાદમાં રે. ૧૭
જોઈને રાજી થયા અવિનાશ. અમદાવાદમાં રે.
તેના ઊપર કીધો વાસ. અમદાવાદમાં રે. ૧૮
ઘણું રહીને ત્યાં ઘનશ્યામ. અમદાવાદમાં રે.
કર્યા જનના પૂરણ કામ. અમદાવાદમાં રે. ૧૯
બદ્રિનાથ કહે બહુ વાર. અમદાવાદમાં રે.
કરી લીલા અપરમપાર. અમદાવાદમાં રે. ૨૦
પદ - ૨
સદગુરુ આનંદસ્વામી પાસે. શ્રીનગરમાં રે.
મંદિર કરાવ્યું ઊલાસે. શ્રીનગરમાં રે. ૧
સંવત અઢાર સુખકારી. શ્રીનગરમાં રે.
અઠોતેરની સાલ સારી. શ્રીનગરમાં રે. ૨
ફાગણ સુદની તૃતીયા ભાવિ. શ્રીનગરમાં રે.
તે દિ મૂરતિયું પધરાવી. શ્રીનગરમાં રે. ૩
જોઈને નરનારાયણ નાથ. શ્રીનગરમાં રે.
હેતે મલ્યા ભરીને બાથ. શ્રીનગરમાં રે. ૪
મધ્યના મંદિરમાં બેસારી. શ્રીનગરમાં રે.
પોતે આરતી ઉતારી. શ્રીનગરમાં રે. ૫
પૂર્વ મંદિરમાં મોરારી. શ્રીનગરમાં રે.
થાપ્યા કૃષ્ણ રાધા પ્યારી. શ્રીનગરમાં રે. ૬
પશ્ચિમ મંદિરમાં મન ભાવ્યા. શ્રીનગરમાં રે.
હેતે હરિકૃષ્ણ પધરાવ્યા. શ્રીનગરમાં રે. ૭
પિતા ધર્મને ભક્તિમાત. શ્રીનગરમાં રે.
પોતે પધરાવ્યા સાક્ષાત. શ્રીનગરમાં રે. ૮
રૂડા ગણપતિ ને કપિનાથ. શ્રીનગરમાં રે.
તે પણ સ્થાપ્યા પોતે હાથ. શ્રીનગરમાં રે. ૯
થયો સમૈયો તે ભારી. શ્રીનગરમાં રે.
આવ્યા લાખું નર ને નારી. શ્રીનગરમાં રે. ૧૦
જોઈને બોલ્યા હરિ તે વાર. શ્રીનગરમાં રે.
ચાલો સરવે શહેરની બાર. શ્રીનગરમાં રે. ૧૧
સંત હરિજન સંગે લીધા. શ્રીનગરમાં રે.
ડેરાં કાંકરીયે જઈ દીધા. શ્રીનગરમાં રે. ૧૨
તેની શોભા શી કહી દાખું. શ્રીનગરમાં રે.
તિહાં વિપ્ર જમાડ્યા લાખું. શ્રીનગરમાં રે. ૧૩
આપી દક્ષિણા બહુ ઝાઝી. શ્રીનગરમાં રે.
લઈને દ્વિજ થયા બહુ રાજી. શ્રીનગરમાં રે. ૧૪
કરી લીલા અનંત અપાર. શ્રીનગરમાં રે.
કેતાં શેષ ન પામે પાર. શ્રીનગરમાં રે. ૧૫
ધન ધન કહીએ નવો વાસ. શ્રીનગરમાં રે.
જેમાં રહ્યા ઘણું અવિનાશ. શ્રીનગરમાં રે. ૧૬
તેમાં લીંબ વૃક્ષ એક ભારી. શ્રીનગરમાં રે.
તિહાં સભા કરે સુખકારી. શ્રીનગરમાં રે. ૧૭
ઘરોઘર જઈને શ્રી ભગવાન. શ્રીનગરમાં રે.
જમતા વિધવિધના પકવાન. શ્રીનગરમાં રે. ૧૮
જેવું કહીએ ગોકુલ ગામ. શ્રીનગરમાં રે.
તેવો નવો વાસ સુખધામ. શ્રીનગરમાં રે. ૧૯
તેની ધૂળ ચઢાવું માથ. શ્રીનગરમાં રે.
દાસ કહે છે બદ્રિનાથ. શ્રીનગરમાં રે. ૨૦
પદ - ૩
આવ્યા મંદિરમાં મોરારિ. રમવા રંગમાં રે.
બેઠા ઓટા પર ગીરધારી. રમવા રંગમાં રે. ૧
કેસર કસુંબો પતંગ. રમવા રંગમાં રે.
તેનો ચઢાવ્યો બહુ રંગ. રમવા રંગમાં રે. ૨
ગાડે ગુલાલ મંગાવ્યો. રમવા રંગમાં રે.
ઝીણો અતિશે મન ભાવ્યો. રમવા રંગમાં રે. ૩
પછી બોલ્યા બહુ કરી પ્યાર. રમવા રંગમાં રે.
સંતો થાવો રમવા તૈયાર. રમવા રંગમાં રે. ૪
લાવો પાટ મોટી પ્રીતે. રમવા રંગમાં રે.
તે પર રમીયે રૂડી રીતે. રમવા રંગમાં રે. ૫
હરિજન લાવ્યા કેતાં વાત. રમવા રંગમાં રે.
સૌને રમવાની બહુ ખાંત રમવા રંગમાં રે. ૬
તે પર જઈ ઊભા અલબેલ. રમવા રંગમાં રે.
ખાંતે કરવાને હરિ ખેલ. રમવા રંગમાં રે. ૭
કસી કમર કરુણા કીધી. રમવા રંગમાં રે.
કનક પીચકારી કર લીધી. રમવા રંગમાં રે. ૮
લાવ્યા રંગ તણા બહુ માટ. રમવા રંગમાં રે.
જન સૌ જોઈ રહ્યા છે વાટ. રમવા રંગમાં રે. ૯
હરિજન સંત રહ્યા છે ઘેરી. રમવા રંગમાં રે.
જીવન જુએ છે ચો ફેરી. રમવા રંગમાં રે. ૧૦
સારા શોભે છે મુનિ જન. રમવા રંગમાં રે.
જાણે ફુલ્યું કમળ વન. રમવા રંગમાં રે. ૧૧
આણિ અંતરમાં ઊમંગ. રમવા રંગમાં રે.
અલબેલો ઊડાડે રંગ. રમવા રંગમાં રે. ૧૨
ઘણા ઘડા માથે ઢોળી. રમવા રંગમાં રે.
નાખ્યા સૌને રંગમાં રોળી. રમવા રંગમાં રે. ૧૩
અતિ ઊડાડે ગુલાલ. રમવા રંગમાં રે.
થયો અંબર આખો લાલ. રમવા રંગમાં રે. ૧૪
તેજ તરણિનું નવ ભાસે. રમવા રંગમાં રે.
છાયાં વિમાન આકાશે. રમવા રંગમાં રે. ૧૫
વાગે ઢોલ નગારાં તૂર. રમવા રંગમાં રે.
સુણતાં ચડે સૌને સુર. રમવા રંગમાં રે. ૧૬
દેવ દુદુંભિ વજાવે. રમવા રંગમાં રે.
હરિને પુષ્પેથી વધાવે. રમવા રંગમાં રે. ૧૭
મંડપ મધ્યે જગજીવન. રમવા રંગમાં રે.
ઊછવીયા પર થયા પરસન. રમવા રંગમાં રે. ૧૮
રંગે કર્યા સૌ ચકચૂર. રમવા રંગમાં રે.
ભર્યરા ગુલાલે ભરપૂર. રમવા રંગમાં રે. ૧૯
સ્થંભે સ્થાપ્યા રંગના હાથ. રમવા રંગમાં રે.
દાસ કહે છે બદ્રિનાથ. રમવા રંગમાં રે. ૨૦
પદ - ૪
ચાલ્યા નારાયણને ઘાટ. નાવા નિરમાં રે.
સૌને દરશન દેવા માટ. નાવા નિરમાં રે. ૧
હરિવર ઘોડે થયા અસવાર. નાવા નિરમાં રે.
સંગે સંત તણો નહિ પાર. નાવા નિરમાં રે. ૨
હરિજન હેતે હરિગુણ ગાય. નાવા નિરમાં રે.
આગળ ઊચ્છવ કરતા જાય. નાવા નિરમાં રે. ૩
રસ્તે જાતાં ડાબે હાથ. નાવા નિરમાં રે.
ઊભા વડ હેઠે જઈ નાથ. નાવા નિરમાં રે. ૪
પછી પધાર્યા ભગવાન. નાવા નિરમાં રે.
આવ્યો દોડી દરિયાખાન. નાવા નિરમાં રે. ૫
હરિને ચરણે નામ્યું માથ. નાવા નિરમાં રે.
જોડ્યા વજીરે પણ હાથ. નાવા નિરમાં રે. ૬
બેયે વિનતિ અતિશે કીધી. નાવા નિરમાં રે.
હરિયે સરવે સુણી લીધી. નાવા નિરમાં રે. ૭
કરી કૃપા બહુ જીવન. નાવા નિરમાં રે.
બેઊને મેલ્યા બદરિવન. નાવા નિરમાં રે. ૮
વેગે ગયા સામે તીર. નાવા નિરમાં રે.
પેઠા નાવા નિર્મળ નિર. નાવા નિરમાં રે. ૯
રંગે ભર્યા ભુધર નાય. નાવા નિરમાં રે.
સંત હરિજન ફરતા ગાય. નાવા નિરમાં રે.૧૦
આવ્યાં ગંગા થઈ ગુલતાન. નાવા નિરમાં રે.
સહુએ દીઠાં મૂરતિમાન. નાવા નિરમાં રે. ૧૧
માગ્યું કરજોડી હરિ પાસ. નાવા નિરમાં રે.
મુજને રાખો આહ અવિનાશ. નાવા નિરમાં . ૧૨
રાખ્યાં ગંગાને તેહ ગામ. નાવા નિરમાં રે.
પછી બોલ્યા સુંદરશ્યામ. નાવા નિરમાં રે. ૧૩
જેહ પ્રીતેથી અહીયાં ન્હાશે. નાવા નિરમાં રે.
સર્વે તિર્થનું ફળ થાશે. નાવા નિરમાં રે. ૧૪
અહીયાં જેનું શ્રાદ્ધ સરાવે. નાવા નિરમાં રે.
તેની તુરત મુક્તિ થાવે. નાવા નિરમાં રે. ૧૫
એમ કહીને પૂરણચંદ. નાવા નિરમાં રે.
પાદશાહવાડી ગયા ગોવિંદ. નાવા નિરમાં રે. ૧૬
તેમાં આંબલો એક ભારી. નાવા નિરમાં રે.
તીહાં સભા કરી ગિરધારી. નાવા નિરમાં રે. ૧૭
ત્યાંથી ચાલ્યા પૂરણકામ. નાવા નિરમાં રે.
આવ્યા મંદિરમાં ઘનશ્યામ. નાવા નિરમાં રે. ૧૮
પ્રિત કરી જે ગરબો ગાશે. નાવા નિરમાં રે.
તેનાં પાતક પરલે થાશે. નાવા નિરમાં રે. ૧૯
બદ્રિનાથ કહે કર જોડ. નાવા નિરમાં રે.
રાજી રેજો શ્રી રણછોડ. નાવા નિરમાં રે. ૨૦
Disqus
Facebook Comments