પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૧૪ નખશિખ રૂપ વર્ણન

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 11:51am

દોહા

એમ અનેક ઊત્સવ કર્યા, ફર્યા વળી ગામોગામ ।

આપી દરશન આપનું, જન કર્યા પૂરણકામ ।।૧।।

દેશ પ્રદેશે પધારિયા, જનહેતે જીવન પ્રાણ ।

પરમારથ અર્થે કરી, પ્રગટયા શ્યામ સુજાણ ।।૨।।

દયાળે દયા કરી, ધરી મૂરતિ મંગળરૂપ ।

જેજે પ્રસંગ જન પામિયા, તે થયા શુધ્ધ સ્વરૂપ ।।૩।।

નખશિખ રુપ નાથનું, જાણો કલ્યાણના છે કોટ ।

જેણે નિરખ્યા નયણે ભરી, તેને ના રહી કંઈ ખોટ ।।૪।।

ચોપાઈ –

જેણે જોયાં ચરણ રૂપાળાંરે, સોળે ચિહ્ન સહિત શોભાળાંરે ।

પગ જમણા અંગુઠામાં રેખરે, જોઈ મિટે તે મેષોનમેષરે ।।૫।।

જેણે પગ આંગળી વળી પેખીરે, પામ્યા ધામ ધન્ય કમાઈ લેખીરે ।

નખ જોયા છે જેણે નિહાળીરે, જોઈ ફણાની શોભા રુપાળીરે ।।૬।।

ઘુંટી પેની પડી પેખી હામેરે, તેતો પો’તા છે અક્ષર ધામેરે ।

જાનુ ઊરૂ જોયા જેણે ઝાંખીરે, દુંદ ફાંદ જોઈ રૂદે રાખીરે ।।૭।।

કટિ જોઈ મોહ્યું મન જેનુંરે, થયું અક્ષરમાં ઘર તેનુંરે ।

જોઈ નાભિને નયણાં ભરીરે, વળી પેટ જોયું પ્રેમે કરીરે ।।૮।।

નળ સ્તન નિરખિયા જેણેરે, કર્યો વાસ અક્ષરમાં તેણેરે ।

છાતિ હૈયું જોયું જેણે હેરીરે, પામ્યા પ્રાપ્તિ તે ધામ કેરીરે ।।૯।।

કુખ પડખાં બે જે બગલુંરે, તે જોઈ કરી લીધું છે ભલુંરે ।

ખભા ભુજા જોઈ જેણે દ્રગેરે, તેહ પામ્યા ધામ ઊછરંગેરે ।।૧૦।।

બેઊ ડેડરિયો બહુ રુપાળી રે, કોણી કલાઈ જેણે નિહાળીરે ।

કાંડાં કરભ જોઈ મન મોહ્યુંરે, હાથ હથેળીયે ચિત્ત પ્રોયુંરે ।।૧૧।।

જોઈ જે જને રેખા રુપાળીરે, પામ્યા બ્રહ્મમોલ ભાગ્યશાળીરે ।

પોંચેપાંચ આંગળી પ્રવરરે, નિરખિ તસુ ટેરવાં સુંદરરે ।।૧૨।।

નખ નિરખિ હરખશે ઊરરે, જાશે બ્રહ્મમો’લે જરૂરરે ।

કર સુંદર જોશે બે સારરે, નિરખે પરમ સુખ દેનારરે ।।૧૩।।

કંઠ ખાડા વચ્ચે એક તિલરે, દાઢિ હોઠ દાંત જે અવલરે ।

જિહ્વાં નાસિકા કપોળ સારરે, જોયે પરમ સુખ દેનારરે ।।૧૪।।

ડાબા કાનમાં બિંદુ જે શ્યામરે, જે જુવે તે પામે સુખધામરે ।

વાંસે તિલ મોટો જોયો જેણેરે, ખરૂં કર્યું ધામે જાવા તેણેરે ।।૧૫।।

આંખો પાંપણો ભ્રકુટિ ભાળીરે, ભાલ વચ્ચે રેખા જે રુપાળીરે ।

નલવટ તાળુ છે રુપાળું રે, જેણે જોયું મુખ મરમાળુંરે ।।૧૬।।

વળી કેશ જોયા શ્વેત શ્યામરે, તે સહુ પામીયાં પરમ ધામરે ।

જેણે નખશિખ નિરખ્યા નાથરે, તે તો સહુ જન થયાં સનાથરે ।।૧૭।।

એવા સર્વે અંગે સુખકારીરે, જેણે જોયા તેનાં ભાગ્ય ભારીરે ।

એવી મૂરતિ મંગળરુપરે, નખશિખા લગી સુખ સ્વરુપરે ।।૧૮।।

નથી એમાં અમંગળ અણુંરે, શું હું કહી દેખાડું ઘણુંઘણુંરે ।

મૂર્તિ મનોહર છે મરમાળીરે, બ્રહ્મ’મોલ જવાય એને ભાળીરે ।।૧૯।।

અતિ અનુપમ છે જો અકળરે, બહુ સહુથી છે જો સબળ રે ।

એ તો સર્વના કારણ આવ્યારે, જે કોઈ સ્વામી સહજાનંદ કા’વ્યારે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્દશઃ પ્રકારઃ ।।૧૪।।