શતાનંદ સ્વામી કહે છે :- હે પ્રભુ ! તમે સર્વ શકિતમાન છો, જે ધારો તે કરી શકો છો. વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે અમે જે ધારીએ તે થાય છે ખરું. અમે ધારીએ અહીં વરસાદ થાઓ તો થાય છે. અમે ધારીએ અહીં ન થાઓ તો નથી થતો. અમે ધારીએ એને ઘેર દીકરો આવો તો આવે છે. એને ઘેર ન આવો તો આવતો નથી. અમે ધારીએ એને રોગ થાઓ તો થાય છે. અને રોગ ન થાઓ તો થતો નથી. અમારું ધાર્યું થાય છે. ભગવાનની મરજી પ્રમાણે થાય છે. અને સદાકાળ થયા કરશે.
મારી મરજી વિના રે, કોઈથી તરણું ન તોડાય,
એમ મુને જાણજો રે, મારા આશ્રિત સૌ નરનારી.
એનો અર્થ એ થાય કે જીવ-પ્રાણી માત્રની દોરી ભગવાનના હાથમાં છે. જેમ મદારી માંકડાંને નચાવે તેમ માંકડું નાચે છે તેમ જેટલું ભગવાન કરાવે તેટલું જ થાય છે. એ જેટલાં પગલાં ભરાવે તેટલું જ ચલાય. એ જેટલું ખાવા આપે તેટલું જ ખવાય, બાકી હાથમાં રોટલો હોય તે રોટલો હાથમાં જ રહી જાય ને પોતે લાંબે રસ્તે ચાલતા થઈ જાય. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ મળશે. ભગવાનની ઈચ્છાથી જ સઘળું શકય છે.
ભગવાનની શકિત ગજબની છે. એક રાતમાં સુદામાને ત્યાં સમૃદ્ધિનો ધોધ વહેતો મૂકી દીધો. સોનાના મહેલ એક જ રાતમાં ખડા કરી દીધા. એની કળા કોઈ કળી ન શકે. શ્રીજીમહારાજે ઊદયપુરના રાજાની રાણી ઝમકુબાઈને એક જ રાતમાં ગઢપુર પહાચાડી દીધાં. જગતની ઊત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા ભગવાન છે, રંકને રાય બનાવે છે અને રાયને રંક બનાવે છે. જંગલ હોય ત્યાં મંગલ કરે છે અને મંગલ હોય ત્યાં જંગલ કરે છે. પ્રભુનું જ ધાર્યું થાય, મનુષ્યનું ધાર્યું કાંઈ થતું નથી. આપણે પ્રયત્ન કરીએ સફળતા એ અપાવે. જગતના જીવ-પ્રાણીમાત્રમાં ભગવાનની શકિત રહેલી છે. મનુષ્ય તો પામર જીવ છે. ભગવાન જ બધું કરે છે.
ભગવાન કેવા શકિતમાન છે ? પથ્થરને પાણીમાં તરતો કરે અને પથ્થરમાં પ્રાણ પણ પૂરે. ભગવાને વડતાલમાં મંદિર ખાતે પથ્થરમાં પ્રાણ પૂરી પૂતળાં નચાવ્યાં, એક પગલામાં બધા લોક ભરી લે. એક પગલું સ્વર્ગલોકમાં અને એક પગલું પાતાળમાં આવું વિશાળ રૂપ ધારણ કરી શકે. આદ્યશકિત, કાળશકિત, ક્રિયાશકિત વગેરે શકિતઓ સર્વશકિતમાન પ્રભુની શકિતથી કાર્ય કરે છે.
પ્રભુ કેવા શકિતમાન ! ચોવીસ અવતારો પોતાના સ્વરૂપમાં લીન કરીદે. વળી એ કેવા સમર્થ છે ? તો સતી દ્રૌપદીજીના અક્ષયપાત્રમાં ભાજીનું પાંદડું પોતે જ ઊત્પન્ન કર્યું ને પછી મોઢામાં મૂકતાં સંકલ્પ કર્યો કે આખી ત્રિલોકી તૃપ્ત થાય. તો સ્વર્ગ મૃત્યુલોક અને પાતાળમાં જેટલા જીવ-પ્રાણીમાત્ર હતા તે બધા તૃપ્ત થઈ ગયા. આ રીતે દુર્વાસા થકી પાંડવોને બચાવી લીધા.
કેવા શકિતમાન છે સ્વામિનારાયણ ભગવાન ! શતાનંદજી કહે છે અષ્ટાંગ યોગ સાધ્યા સિવાય પણ અક્ષરધામ, ગોલોક અને વૈકુંઠનાં દર્શન કરાવે. આ સંસારમાં જગતના જીવનું ગાડું ભગવાન ચલાવે છે. માટે કોઈ દિવસ અભિમાન ન રાખવું કે, હું કરું છું. હું હોશિયાર છું.
હું ધનવાન છું. આવો અહંકાર આવવા દેવો નહિ. ખોટો ભાર લઈને ફરવું નહિ. કર્તાહર્તા ભગવાન છે. શતાનંદજી સ્વામી કહે છે કે, સર્વ શકિતમાન એવા સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.