મંત્ર (૮) ૐ શ્રી નારાયણાય નમઃ

Submitted by Dharmesh Patel on Sat, 30/01/2010 - 10:15pm

નારા એટલે જળ, અનય એટલે શયન. જે ક્ષીર સમુદ્રના જળ ઊપર શેષનાગની શય્યામાં શયન કરે છે તેવા નારાયણને શતાનંદસ્વામી કહે છે, હું નમસ્કાર કરું છું. વેદમાં નારાયણને જ પ્રતિપાદન કર્યા છે. "નારાયણ" નામ પરાત્પર પરબ્રહ્મનો પ્રભાવશાળી મંત્ર છે.

ચોર ધનની ચોરી કરે અને નારાયણનું નામ પાપની ચોરી કરે. નારાયણના નામનો જપ કરે તેનાં અનંત પાપ નાશ થઈ જાય છે. હરિના નામ વિના આ જીવની ગતિ નથી. આ નારાયણ મંત્ર એવો શકિતશાળી મંત્ર છે કે, નારાયણ નારાયણ જપવાથી અનેકનો ઊધ્ધાર થઈ ગયો છે, ને થાય છે. એવું આ ભગવાનનું નામ છે, ચાર વેદ પણ આ મંત્રનો જપ કરે છે, પરાત્પર બ્રહ્મનું મૂળ નામ છે નારાયણ. તુલસી દાસજી કહે છે-

લેને કો હરિ નામ હે, દેને કો અન્ન દાન તરન કો આધીનતા, ડૂબનકો અભિમાન ।।

નારાયણ સમ કાંઈ નહિ, તપ તીરથ વળી યોગ નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ ।।

નારાયણ નામ જપવાથી જન્મ મરણના રોગ મરી જાય છે. ભવસાગરના ફેરા ટળી જાય છે.

-: પ્રભુ અમે ધણીયાતા છીએ :-

ગઢપુરમાં લીલુડા લીંબડા નીચે શ્રીજીમહારાજ ઢોલિયા ઊપર બિરાજમાન છે. સામે સંતો અને હરિભકતો બેઠા છે. મંદિરના ચોકમાં પંખીઓ દાણા ચણે છે, કલબલ કલબલ કરે છે, પ્રભુએ પૂછ્યું, "આ પંખીઓ રાત્રે કયાં રહેતાં હશે ?" ભકતોએ કહ્યું, "એમના માળામાં." પ્રભુએ કહ્યું, "અત્યારે માળો છોડીને કેમ અહીં આવ્યાં હશે ?" "મહારાજ ! ચણ ચણવા આવ્યાં છે." મહારાજે કહ્યું, "ચણ ન ચણે તો ન ચાલે ?" "મહારાજ ! ચણ ન ચણે તો ભૂખે મરી જાય." મહારાજે કહ્યું, "ચણ ચણીને કયાં જાશે ?" "પાછા એના માળામાં જશે." મહારાજે પૂછ્યુ, "એ ભૂલાં ન પડે ?" "ના મહારાજ ! સૌ પોતપોતાના માળા શોધી લે, પણ પારકા માળામાં કોઈ ન જાય." પછી શ્રીજીમહારાજે પૂછ્યું. "ઢોર હોય તે શું કરે ?" "મહારાજ ! ઢોર સીમમાં ચરવા જાય, ચરીને પોતાના ખીલે ઉભું રહે."

પ્રભુએ સ્પષ્ટીકરણ કર્યું, "ધણીયાતું ઢોર ખીલે આવે પણ હરાયું ઢોર ?" ભકતોએ કહ્યું, "હરાયું ઢોર ખીલે આવે નહિ." પ્રભુ બોલ્યા, "ધણીયાતું એટલે શું ? અને હરાયું એટલે શું ?" "જેનો માલિક હોય તેને ધણીયાતું કહેવાય, અને રખડુ હોય તેને હરાયું ઢોર કહેવાય."

શ્રીજીમહારાજે કહ્યું, "તમે બધા સભમાં બેઠા છો તે ધણીયાતા છો ? કે હરાયા ઢોર જેવા છો ? બીજું પક્ષી જેમ પોતાના માળામાં જ જાય કયારેય ભૂલે નહિ. તેમ તમે માળામાં આવો છો કે ભૂલા પડો છો ?"

બધા ચૂપ થઈ ગયા, શું જવાબ દેવો ? બે હાથ જોડી કહ્યું, "મહારાજ ! અમે સમજયા નહિ તમે સરખી રીતે સમજાવો." ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, "જે ભગવાનનું ભજન કીર્તન કરે, પૂજા પાઠ કરે, દાન ધર્માદા કરે, સત્સંગ સામૈયા કરે, જપ ને તપ કરે, સતત ભગવાનનું સ્મરણ કરે, તેને ધણીયાતા કહેવાય. અને જે ભગવાનનું કાંઈ ન કરે, જે કાંઈ કરે તે માયા રાજી થાય તેવું જ કરે, પૂજા પાઠ કાંઈ ન કરે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, જયાં ત્યાં રખડે પણ મંદિરે દેવ દર્શન કરવા ન જાય, સાધુ સંતોનો દ્રોહ કરે તે બધાં ન ધણીયાતાં છે, રખડુ છે ને હરાયાં ઢોર જેવા છે. તમે કેવા છો ?" ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ તરત સુંદર મજાનું સમર્થ ધણીનું કીર્તન ગાવાનું શરૂ કર્યું.

ધન્ય ધન્ય ધન્ય મારા સમરથ ધણી રે, અઢળક ઢળ્યા છે આ વાર,

શરણાગત પોતાના સંતની રે, વાલા મારા વેગે કરો છો વાર. ધન્ય૦

રાજી રહી છું જોઈ રાવલી રે, અંતરમાં વર્તે છે આનંદ;

નથી ડગમગ મારા દિલમાં રે, નિશ્ચય કહે છે નિષ્કુળાનંદ. ધન્ય૦

ભકતજનોએ કહ્યું- "પ્રભુ અમે ધણીયાતા છીએ, અમારાં ભાગ્ય કે તમે સાક્ષાત અમને મળ્યા છો, દેહ કે જીવ જે કહો તે તમે જ અમારું સર્વસ્વ છો. તમે અમારા જીવના ધણી છો."

ત્રણ વખત નારાયણ, નારાયણ, નારાયણ નામ લીધું તો મહાપાપી અજામિલ યમદૂતોથી બચી ગયો, ભવસાગરથી તારે એવું આ નામ છે. પૈસાની શુધ્ધિ દાનથી થાય, દેહની શુધ્ધિ સ્નાનથી થાય અને મનની શુધ્ધિ નારાયણનું નામ જપવાથી થાય, પ્રકાશિત મંત્ર છે. જનમંગળનાં પરાત્પર નારાયણને શતાનંદસ્વામી નમસ્કાર કરીને નવમા મંત્રનો ઊચ્ચાર કરે છે.