"ઘન" નો અર્થ થાય મેઘ (વરસાદ) અને "શ્યામ" નો અર્થ થાય કાળો રંગ, ભગવાન ગૌર નથી પણ શ્યામ છે, ભીનેવાન છે. વરસાદ વરસે ત્યારે આકાશ ઘેરાઈ જાય અને વરસ્યા પછી આકાશનો રંગ જેવો શ્યામ હોય તેવા શ્યામ છે. આ "ઘનશ્યામ" નામ ભગવાનનું હુલામણાનું નામ છે, મૈયા ભક્તિદેવીએ પાડેલું આ લાડલું નામ છે. (ઘનશ્યામ)
-: અંતરનો કચરો ધોઈ નાખ્યો :-
મેઘનું કામ શું ? સૃષ્ટિમાં વરસવાનું. ભેદભાવ વગર બધેજ વરસે, ડુંગર ઊપર ન વરસે અને ખેતરમાં જ વરસે એમ નહિ, ભેદભાવ વગર બધેજ વરસે, સત્સંગીના ખેતરમાં વરસે અને કુસંગીના ખેતરમાં ન વરસે એમ નહિ, એ બધેજ વરસે, વરસે તો શું કરે ? ખેતરમાં વરસે તો મોલ ઉગી નીકળે. ડુંગરમાં વરસે તો કાંટા, કાંકરા ધોઈ નાખે. રોડ ઊપર વરેસે તો ગંદા મેલને ધોઈ નાખે. એમ ઘનશ્યામ આ જગતમાં વરસાદની જેમ વૃષ્ટિ કરી છે હો !!! કેવી વૃષ્ટિ કરી ? જે મુમુક્ષુ જીવાત્મા છે, તેના હૃદયમાં ભક્તિના છોડ ઉગી નીકળ્યા.
ડુંગર જેવા પાપીનાં કાંટા, કાંકરા રૂપી પાપને નષ્ટ કરી એના જીવનના મેલ ધોઈ નાખ્યા. જુઓ વાલિયો ભીલ. ડાકુ એવા કાળમીટ ડુંગરને ધોઈને ચોખ્ખો ચટ કરી, વાલિયામાંથી વાલ્મીકિ ઋષિ બનાવી દીધો. જુઓ રૂડિયો રખડુ. જંગલમાં ભટકનારો, હિંસક, માંસાહારી એવા પાપના પર્વતને ઘનશ્યામે ધોઈને રૂડા ભગત બનાવી દીધા. મુંજાસુરને મોક્ષને માર્ગે ચડાવી દીધો. જોબન લૂંટારો પર્વત જેટલાં પાપ, તે પાપને ઘનશ્યામે ધોઈ નાખી, અંતઃકરણ ચોખ્ખું ચટ કરી દીધું કેવા વરસી પડ્યા છે ઘનશ્યામ ?
ઊપલેટાનો વેરો લૂંટારો. ધોળે દિવસે જાન લૂંટનારો, પાકો ચોર, તેને સત્સંગના રંગે રંગી અંતરનો કચરો ધોઈ નાખ્યો. વનવિચરણ વખતે જે કોઈ રસ્તામાં જીજ્ઞાસુ, મુમુક્ષુ મળ્યા એના હૃદયમાંથી વાસના ને વિકારનો વિનાશ કરી નાખ્યો. અષાઢી મેઘની જેમ ઘનશ્યામ વરસી પડ્યા છે. સ્વામી નિષ્કુળાનંદજી ગાય છે.
અષાઢી મેઘે આવી કર્યાં રે, ઝાઝાં બિજાં ઝાકળ; પુરુષોત્તમ પ્રગટી રે.
પુર ચાલ્યાં તે પૃથવીયે રે, ધોયા ધરતીના મળ; પુરુષોત્તમ પ્રગટી રે.
ગાજ વીજ ને વર્ષવું રે, અગમ સુગમ કર્યું સોય; પુરુષોત્તમ પ્રગટી રે.
સહુજનને સુખ આપિયાં રે, દુઃખી રહ્યું નહિ કોય; પુરુષોત્તમ પ્રગટી રે.
ઘનશ્યામનું કામ શું ? વરસવાનું. ઘનશ્યામનું ધ્યાન ધરે, જપ કરે, માળા ફેરવે, પ્રદક્ષિણા કરે, દર્શન કરે તો ઘનશ્યામ એના પર વરસી પડે. વરસી પડે તો શું થાય ? તો તેને ઘનશ્યામ મહારાજ સારી તેજસ્વી બુધ્ધિયોગ આપે છે.
તેષાં સતતં યુકતાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્ । દદામિ બુધ્ધિયોગં તં યેત મામુપયાન્તિ તે ।।
ભગવાન કહે છે પ્રેમ પૂર્વક મારું ભજન ભક્તિ કરવાવાળાને હું બુધ્ધિયોગ આપું છું. જેથી મને પામવાને એ જલદીથી શકિતમાન થઈ શકે, જેથી તે કથા કીર્તનમાં રસ લેતો થાય છે. શતાનંદ સ્વામી કહે છે મારા ઈષ્ટદેવ એવા ઘનશ્યામમહારાજને હું વારંવાર નમસ્કાર કરું છું.