અધ્યાય ૨૩
વિપ્રપત્નીઓ ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને યજ્ઞમાં કરાવેલી અન્નની યાચના.
ગોવાળો કહે છે- હે બળભદ્ર ! હે પરાક્રમી કૃષ્ણ ! હે દુષ્ટોનો નાશ કરનાર ! આ ભૂખ અમને પીડા પમાડે છે, માટે આપ ભૂખની નિવૃત્તિ પમાડવાને માટે યોગ્ય છો.૧
શુકદેવજી કહે છે- આ પ્રમાણે ગોવાળો દ્વારા પ્રાર્થના કરાતા ભગવાન પોતાની ભક્ત બ્રાહ્મણની સ્ત્રીઓ ઉપર કૃપા કરવાનોે વિચાર કરી બોલ્યા કે હે ગોવાળો ! વેદ જાણનારા બ્રાહ્મણોએ સ્વર્ગ પામવાની ઇચ્છાથી આંગિરસ નામના સત્રનો પ્રારંભ કર્યો છે, તે યજ્ઞભૂમિમાં જાઓ અને ત્યાં જઇ આ મોટાભાઇ તથા મારું નામ લઇને તેની પાસે અન્નની માગણી કરજો. અમારા કહેવાથી ત્યાં જવાનું છે, માટે તમારે કશી શરમ રાખવી નહીં. ૨-૪ આ પ્રમાણે ભગવાને આજ્ઞા કરી તેથી સર્વે ગોવાળો ત્યાં જઇ બ્રાહ્મણોને દંડવત્ પ્રણામ કરી હાથ જોડીને માગ્યું કે હે બ્રાહ્મણો ! અમારી વિજ્ઞપ્તિ સાંભળો, ભગવાનની આજ્ઞાથી અને બળદેવજીની પ્રેરણાથી અમો તમારી પાસે આવ્યા છીએ. ૫-૬ ભગવાન અને બલરામ આ સ્થળથી થોડે દૂર ગાયોને ચારતા ચારતા આવ્યા છે, તેઓ ભૂખ્યા થવાને લીધે તમારી પાસેથી અન્ન લેવાની ઇચ્છા કરે છે, માટે હે ધર્મજ્ઞ બ્રાહ્મણો !શ્રદ્ધા હોય તો કેવળ ભાતની યાચના કરતા એ બન્ને ભાઇઓને માટે અન્ન આપો. ૭ હે ઉત્તમ બ્રાહ્મણો ! કદાચિત આપ કહેશો કે અમે દીક્ષિત છીએ. અમારું અન્ન ખાવું ન જોઇએ. તેથી એવો નિર્ણય છે કે જેમાં પશુનું મારણ છે એવી દીક્ષા, અને સૌત્રામણી યાગ, આ બન્ને યાગોને છોડીને બીજા યાગોમાં દીક્ષિતનું અન્ન ખાવામાં કોઇ દોષ નથી. ૮ સ્વર્ગાદિક તુચ્છ ફળની આશા રાખનારા, બહુ જ શ્રમ ભરેલાં વેદોક્ત કર્મો કરનારા અને મૂર્ખ છતાં પોતાને જ્ઞાની માનનારા, એ બ્રાહ્મણો ભગવાનની માંગણીને સાંભળી રહેલા હોવા છતાં પણ જાણે સાંભળી નહિ. ૯ દેશ, કાળ, ચરુપુરોડાશાદિક દ્રવ્ય, મંત્ર, તંત્ર, ઋત્વિજ, અગ્નિ, દેવતા, યજમાન, યજ્ઞ અને ધર્મ એ સર્વે જે શ્રીકૃષ્ણ ભગવાનમય છે, એવા તે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનને મનુષ્ય માની, એ દુર્બુદ્ધિવાળા અને અમે મોટા છીએ એમ અભિમાન ધરાવનારા બ્રાહ્મણોએ તે માગણીને માન આપ્યું નહિ. ૧૦-૧૧ હે રાજા ! એ બ્રાહ્મણો જયારે હા કે ના કાંઇ પણ બોલ્યા નહીં ત્યારે નિરાશ થયેલા ગોવાળો પાછા આવીને બળદેવ અને શ્રીકૃષ્ણની પાસે સર્વ વાત કહી સંભળાવી. ૧૨ ભગવાને તે વાત સાંભળી હસીને ‘‘કાર્ય સાધવું હોય તો થાકી જવું નહીં, અને માગવા જનારનું અપમાન થયા વગર રહે જ નહીં’’ એવી લોકરીતિ દેખાડીને ગોવાળોને ફરીવાર કહ્યું- ‘‘કાર્ય સાધનાર હોય તેમણે ક્યારેય પણ કંટાળવું નહિ. તરણા કરતાં હલકો કપાસ હોય છે, અને કપાસ કરતાં પણ હલકો યાચક કહેવાય છે. માટે કયો યાચક અનાદર પામતો નથી ? સર્વે યાચકો અનાદર પામે જ છે.’’ ત્યારે ભગવાન કહે છે- હવે તમો તેમની સ્ત્રીઓ પાસે જઇ પૂર્વવત્ જણાવો, કેવળ દેહથી ઘરમાં રહેતી પણ સ્નેહ ભરેલી બુદ્ધિથી મારામાં રહેનારી તે સ્ત્રીઓ તમને સારી પેઠે અન્ન આપશે. ૧૩-૧૪ પછી ગોવાળો, બ્રાહ્મણ સ્ત્રીઓ પાસે ગયા, ત્યાં બેઠેલી અને સારી રીતે શણગારેલી બ્રાહ્મણીઓને પ્રણામ કરી નમ્રતાથી બોલ્યા કે- હે બ્રાહ્મણીઓ ! તમોને નમન કરીએ છીએ. અમારી વાત સાંભળો. અહીંથી થોડેક છેટે આવેલા શ્રીકૃષ્ણે અમને અહીં મોકલ્યા છે. ૧૫-૧૬ ગાયો ચારતા ભગવાન, ગોવાળો અને બલરામની સાથે વ્રજથી દૂર આવ્યા છેે. અને પોતાના અનુચરો સહિત ભૂખ્યા થયા છે, તેમને માટે ખાવાનું આપો. ૧૭ ભગવાનના ગુણો જેણે સાંભળેલા છે એવી અને નિરંતર દર્શનની ઇચ્છા ધરાવનારી તે સ્ત્રીઓ ભગવાનને સમીપે આવ્યા સાંભળી, ત્યાં જવાને સારુ બહુ જ હર્ષઘેલી થઇ. ૧૮ ભક્ષ્યાદિ ચાર પ્રકારનાં અન્નનાં પાત્રો લઇને તેઓ સર્વે પોતાને પ્રિય એવા ભગવાનની પાસે ચાલી, લાંબા દિવસના શ્રવણને લીધે જેનું ચિત્ત ઉત્તમશ્લોક ભગવાનમાં જ લાગી રહ્યું હતું, એવી સ્ત્રીઓને તેઓના પતિ, ભાઇઓ આદિ સંબંધીઓ રોકવા લાગ્યા તોપણ તેઓને નહીં ગણકારીને, નદીઓ જેમ સમુદ્રને જ મળે તેમ ભગવાનની પાસે ગઇ. ૧૯-૨૦ આસોપાલવના નવીન પલ્લવોથી શોભી રહેલા યમુનાજીના ઉપવનમાં બલરામ સહિત અને ગોવાળોથી વીંટાએલા ભગવાનના બ્રાહ્મણીઓએ દર્શન કર્યાં. ૨૧ ભગવાને સુવર્ણ જેવાં પીળાં વસ્ત્ર પહેર્યાં હતાં, વર્ણ શ્યામ હતો, મોરપીંછ ધાતુ અને કૂંપળોથી ટવરવેષ ધારી રહેલા, એક હાથ મિત્રના ખભા ઉપર અને બીજા હાથથી કમળ હલાવતા અને મંદમંદ હસતા એવા ભગવાનને જોયા. ૨૨ કાનને કૃતાર્થ કરનારા ગુણો સાંભળવાને લીધે પોતાનાં મન જેમાં લાગી રહ્યાં હતાં તે ભગવાનને નેત્રરૂપ દ્વારથી, પોતાના હૃદયમાં પધરાવી, ઘણીવાર સુધી આલિંગન કરી સર્વ તાપથી મુક્ત થઇ. ૨૩ પોતાનાં દર્શનની ઇચ્છાથી જ આવેલી સર્વે ગોપીઓ પ્રત્યે ભગવાન હસીને કહેવા લાગ્યા કે- હે ભાગ્યશાળી બ્રાહ્મણીઓ ! તમે ભલે આવી બેસો, અમે તમારું શું કામ કરીએ ? કોઇ પણ બંધનને નહીં ગણકારી અમારાં દર્શને તમે આવી છો એ તમને ઘટે છે. ૨૪-૨૫ કુશળ અને પોતાના પુરુષાર્થ ઉપર લક્ષ રાખનારા લોકો આત્માઓને પણ અતિ પ્રિય એવો જે હું, તે મારે વિષે નિષ્કામ અને ર્નિવિઘ્ન ભક્તિ યથાર્થ રીતે કરે છે. ૨૬ પ્રાણ, બુદ્ધિ, મન, જ્ઞાતિજનો, દેહ, સ્ત્રી, પુરુષ અને ધનાદિક પદાર્થો જે અંતર્યામી આત્માના સંબંધને લીધે જ પ્રિય લાગે છે, તે અંતર્યામી એવો જે હું તે મારાથી વધારે પ્રિય બીજો કોણ હોય ?. ૨૭ તમો મારા દર્શનથી જ કૃતાર્થ થયાં છો તો હવે તમો યજ્ઞના સ્થાનકે જાઓ, કારણ કે તમે જશો ત્યારેજ તમારા પતિ યજ્ઞને પૂર્ણ કરી શકશે.’’ ૨૮
બ્રાહ્મણીઓ કહે છે- હે પ્રભુ ! તમારે આવું કઠણ વચન ન કહેવું જોઇએ. ‘મારો ભક્ત કોઇ રીતે દુઃખી ન જ થાય’ એવી જે આપની પ્રતિજ્ઞા છે તેને અથવા તમને પામેલો પાછો ફરેજ નહીં, એવું જે વેદ વચન છે તેને આપ સત્ય કરો. અમો સર્વે બંધુઓનો ત્યાગ કરીને આપની દાસી થવા આવેલી છીએ. ૨૯ અમારા પતિ, મા-બાપ આદિક બંધુઓ અને સ્નેહીઓ હવે અમોને ગ્રહણ કરશે નહીં, ત્યારે બીજા તો કેમ ગ્રહણ કરે ? હે પ્રભુ ! અમે આપના ચરણમાં સર્મિપત થયેલી છીએ. તેથી હવે અમારી બીજી કોઇ ગતિ નથી. એક જ આપ ગતિરૂપ છો, માટે અમોને આપ પોતાની દાસી તરીકે રાખો. ૩૦
ભગવાન કહે છે- હવે મારી આજ્ઞાને લીધે પતિ, મા, બાપ, ભાઇઓ અને પુત્રાદિક કોઇ પણ તમારો દોષ નહીં ગણે. જુઓ આ દેવતાઓ પણ સંમતિ આપે છે. ૩૧ શુકદેવજી કહે છે- આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળી બ્રાહ્મણ પત્નીઓ પાછી યજ્ઞસ્થાનકમાં ગઇ, ત્યારે તેઓના પતિઓએ પણ દોષ દૃષ્ટિ નહીં રાખતાં તેમની સાથે રહી પોતાનો યજ્ઞ પૂર્ણ કર્યો. ૩૩ એ સર્વે સ્ત્રીઓ ભગવાનની પાસે જતી હતી તે સમયે એક સ્ત્રીને તેમના પતિએ રોકી રાખી. તે સ્ત્રી પોતાના સાંભળ્યા પ્રમાણે ભગવાનનું હૃદયથી આલિંગન કરી, કર્મથી બંધાએલો દેહ છોડી દીધો. (મૃત્યુ પામી ગઇ) ૩૪ આ બાજુ ગોવિંદ ભગવાન પણ ચારપ્રકારના તે અન્નથી ગોવાળોને જમાડી પોતે પણ જમ્યા.૩૫ આ પ્રમાણે લીલાથી મનુષ્યરૂપે થયેલા, મનુષ્ય રીતિનું અનુકરણ કરતા, અને રૂપ, વાણી તથા કર્મોથી ગાયો, ગોવાળો અને ગોપીઓને આનંદ આપતા ક્રીડા કરતા હતા. ૩૬ પછી મનુષ્યોનું અનુકરણ કરતા અને જગતના ઇશ્વર શ્રીકૃષ્ણ અને બળભદ્રની માગણીને માન આપ્યું નહીં, એ વાતને સંભારી પોતાને અપરાધી ગણતા તે બ્રાહ્મણો પશ્ચાતાપ કરવા લાગ્યા. ૩૭ શ્રીકૃષ્ણ ભગવાનમાં સ્ત્રીઓની અલૌકિક ભક્તિ જોઇને પસ્તાએલા બ્રાહ્મણો ભક્તિ વિનાના પોતાના આત્માને ધિક્કારવા લાગ્યા. ૩૮ ‘‘આપણે ભગવાનથી વિમુખ છીએ, તેથી ત્રણ પ્રકારના જન્મને, બ્રહ્મચર્યને, ઘણું જાણનારપણાને, કુળને, ક્રિયાઓને અને ચાતુરીને ધિક્કાર છે. ૩૯ ભગવાનની માયા જ્ઞાનીઓને પણ મોહ પમાડનારી છે, કેમકે આપણે મનુષ્યોના ઉપદેશક જ્ઞાની છીએ, છતાં પણ પોતાના હિતના વિષયમાં મોહ પામેલા છીએ. ૪૦ અહો !!! આ સ્ત્રીઓને પણ જગતના ગુરુ ભગવાનમાં કેવો અપાર ભાવ છે ! કે જેઓએ ઘરરૂપ મૃત્યુના પાશ કાપી નાખ્યા. ૪૧ આ સ્ત્રીઓને ઉપનયન સંસ્કાર, ગુરુને ઘેર નિવાસ, તપ, આત્મવિચાર, પવિત્રતા કે શુભ ક્રિયાઓ એમાંનું કાંઇ પણ થયું નથી, છતાં મોટી ર્કીતિવાળા ભગવાનમાં દૃઢ ભક્તિ ઉત્પન્ન થઇ, અને આપણને સંસ્કારાદિક થયા છતાં પણ ભક્તિ ઉત્પન્ન થઇ નથી. ૪૨-૪૩ અહો ! સ્વાર્થમાં મૂઢ અને ઘરના કામકાજને લીધે પ્રમત્ત એવા આપણા ઉપર અનુગ્રહ કરવા માટે ગોવાળોનાં વચનોથી ભગવાને પોતાનું સ્મરણ જ આપ્યું. ૪૪ નહિતર પૂર્ણકામ અને મોક્ષ આપનાર ભગવાનને પામર એવા આપણું શું કામ હોય ? છતાં અન્નની યાચના કરી, એતો ભગવાને મનુષ્ય લીલાની ચેષ્ટા જ કરી છે. ૪૫ વારંવાર જેના ચરણસ્પર્શની આશાથી લક્ષ્મી પણ બીજાઓનો ત્યાગ અને પોતાનો ચંચળપણાદિક દોષ છોડી દઇને જેને ભજે છે, તે ભગવાન બીજાની પાસે માંગણી કરે તે તો કેવળ લોકોને મોહ ઉત્પન્ન કરનાર છે. ૪૬ દેશ, કાળ, અનેક પ્રકારનાં પદાર્થો, મંત્ર, તંત્ર, ઋત્વિજ, અગ્નિઓ, દેવતા, યજમાન, યજ્ઞ અને ધર્મ એ સર્વે જેના મય છે તે સાક્ષાત્ ઇશ્વર વિષ્ણુ યાદવોમાં જન્મ્યા છે એમ આપણે સાંભળ્યું છે, તોપણ આપણે મૂઢપણાથી ચેત્યા નહિ. ૪૭-૪૮ અહો ! આપણે બહુ જ ભાગ્યશાળી છીએ કે- આપણી બુદ્ધિને ભગવાનમાં નિશ્ચળ કરાવનારી સ્ત્રીઓ આપણા ઘરમાં છે. ૪૯ અમે જેની માયાથી મોહ પામીને કર્મોના માર્ગોમાં ભમ્યા કરીએ છીએ, તે અખંડ જ્ઞાનવાળા શ્રીકૃષ્ણને અમો પ્રણામ કરીએ છીએ. ૫૦ પોતાની માયાએ મોહ પમાડેલા અને પ્રભાવને નહીં જાણનારા આપણા અપરાધને તે આદિપુરુષ ભગવાન ક્ષમા કરવાને યોગ્ય છે.’’ ૫૧ ભગવાનનું અપમાન કરનારા તે બ્રાહ્મણોને આ પ્રમાણે પોતાના અપરાધનું સ્મરણ આવવાથી, શ્રીકૃષ્ણ અને બળભદ્રનું દર્શન કરવાની ઇચ્છા થઇ, તોપણ કંસની બીકથી તેઓ ગયા નહીં. ૫૨
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ત્રેવીશમો અધ્યાય સંપૂર્ણ.