અધ્યાય ૨૨
વસ્ત્ર હરણની લીલા કરતા ભગવાન.
શુકદેવજી કહે છે- હેમંત ઋતુના માગશર મહિનામાં વ્રજની કુમરિકાઓ હવિષ્ય જમવાનો નિયમ રાખીને, કાત્યાયની દેવીના પૂજનનું વ્રત કરતી હતી.૧ હે રાજા ! યમુનાના જળમાં સ્નાન કરીને સૂરજ ઊગ્યા પછી રેતીથી દેવીની ર્મૂતિ કરીને પૂજાના પુષ્પાદિ સર્વ પદાર્થોવડે કાત્યાયની જગદંબાનું પૂજન કરતી હતી. ૨-૩ હે કાત્યાયનિ ! હે મહામાયા ! શ્રીકૃષ્ણને મારા પતિ કરજો. હું તમને નમન કરું છું. ૪ આ પ્રમાણે મંત્રનો જાપ કરીને દરેક કુમારિકાઓ કાત્યાયની દેવીનું પૂજન કરતી હતી. આ રીતે ભગવાનમાં ચિત્ત રાખીને ગોપબાલિકાઓ એક મહિના સુધી વ્રત કર્યું. ૫ શ્રીકૃષ્ણ અમારા પતિ હોજો, એવીે ઇચ્છાથી દેવીનું પૂજન કરતી હતી, એક બીજાએાને નામથી બેાલાવી, સવારમાં ઊઠી, એક બીજાઓના હાથ પકડીને ઊંચા સ્વરથી ભગવાનનું ગાયન કરતી કરતી દરરોજ યમુનાજીમાં નહાવા માટે જતી હતી. એક દિવસે યમુનાજીમાં આવી, પ્રથમની પેઠે પોતાનાં કપડાં કાંઠે મૂકી, ભગવાનનું ગાયન કરતી આનંદથી જળમાં વિહાર કરતી હતી. ત્યાં શ્રીકૃષ્ણ ભગવાન તે વાત જાણીને તેના વ્રતનું ફળ દેવા સારુ પોતાના મિત્રોની સાથે પધારી, તેઓનાં કપડાં લઇ તરત કદંબના ઝાડ ઉપર ચઢી જઇને હસવા લાગ્યા, અને તેમની સાથે બાળકો પણ હસવા લાગ્યા. પછી ભગવાને એ કુમારિકાઓને હાસ્યનું વચન કહ્યું કે
શ્રી ભગવાન કહે છે- હે સ્ત્રીઓ ! તમો અહીં આવીને પોતપોતાનાં કપડાં મારી પાસેથી લઇ જાઓ. ૬-૧૦ હું સાચું કહું છું, ગમ્મત કરતો નથી. કેમકે તમે વ્રત કરવાને લીધે થાકી ગયેલી છો. હું કોઇ દિવસ ખોટું બોલ્યો નથી તે આ ગોવાળો જાણે છે. ૧૧ હે સુંદરીઓ ! ઇચ્છા હોય તો એક એક જણ અહીં આવીને લો અથવા સર્વે સાથે લો.૧૨
શુકદેવજી કહે છે- આ પ્રમાણે ભગવાને હાંસી કરી તે જોઇને પ્રેમરસમાં ડૂબેલી અને એક બીજાની સામે જોઇને હસતી ગોપીઓ લાજને લીધે બહાર નીકળી નહીં. કૃષ્ણનું વચન સાંભળી મોહ પામેલી અને ઠંડા જળમાં કંઠ સુધી ડૂબવાને લીધે ધ્રૂજતી ગોપીઓએ કહ્યું કે હે કૃષ્ણ ! તમો અન્યાય ન કરો, તમે નંદરાજાના પ્યારા પુત્ર અને વ્રજમાં કેવા વખાણવાને યોગ્ય છો, એ અમો જાણીએ છીએ, અમને વસ્ત્ર આપો, કેમકે ટાઢને લીધે અમો ધ્રૂજીએ છીએ. ૧૩-૧૪ હે શ્યામસુંદર ! અમો તમારી દાસીઓ છીએ, તેથી જેમ કહેશો તેમ કરીશું. હે ધર્મને જાણનારા ! વસ્ત્ર આપો, નહીંતો અમે નંદરાજાને કહી દઇશું. ૧૫ ત્યારે કૃષ્ણે કહ્યું- સુંદર મંદ હાસ્યવાળી સ્ત્રીઓ ! તમે જો મારી દાસીઓ હો અને મારું કહ્યું કરવું હોય, તો અહીં આવીને પોતપોતાનાં વસ્ત્રો લઇ જાઓ. ૧૬
શુકદેવજી કહે છે- પછી ટાઢથી ધ્રૂજતી અને મુંઝાએલી સર્વે કુમારિકાઓ બે હાથવતે પોતાનાં ગુહ્ય અંગોને ઢાંકીને જળાશયમાંથી બહાર નીકળી. ૧૭ તેઓએ શુદ્ધ અંતઃકરણથી પ્રસન્ન કરેલા ભગવાન, બાલ્ય અને યુવાવસ્થાની મધ્યે રહેલી ગોપીઓને જોઇ રાજી થઇ, તેઓનાં વસ્ત્ર પોતાના ખભા પર મૂકી મંદમંદ હસીને બોલ્યા કે- વ્રતનું ધારણ કર્યા છતાં તમે નગ્ન થઇને જળમાં સ્નાન કર્યું એ વરુણ દેવનો અપરાધ કર્યો છે, માટે એ અપરાધને ટાળવા સારુ માથા ઉપર હાથજોડી પ્રણામ કરીને વસ્ત્રો લો. ૧૮-૧૯
શુકદેવજી કહે છે- આ પ્રમાણે ભગવાને કહ્યું એટલે ગોપીઓ નગ્ન સ્નાન, એ વ્રતનો ભંગ કરનાર છે એમ માની, તે વ્રતને પૂર્ણ કરવાની ઇચ્છાથી ગોપીઓ સર્વ કર્મોના ફળરૂપ ભગવાનને જ પગે લાગી, કેમકે તે સર્વ દોષને ટાળનાર છે. ૨૦ કૃપાળુ ભગવાને આ પ્રમાણે નમેલી ગોપીઓને જોઇ પ્રસન્ન થઇને વસ્ત્રો આપ્યાં. ૨૧ ભગવાને ગોપીઓને તેઓનાં વસ્ત્ર લઇ છેતરી લીધી, લાજ રહિત કરી, હાંસી કરી અને રમકડાંની પેઠે રમાડી, તો પણ તેઓએ શ્રીકૃષ્ણ પ્રત્યે દોષ દૃષ્ટિ કરી નહીં. . ૨૨ પોતપોતાનાં વસ્ત્ર પહેરી પ્રિયના સમાગમે વશ કરેલી અને લાજના વિલાસથી ભગવાનની સામું જોયા કરતી ગોપીઓ પોતાનાં ચિત્ત પકડાઇ જવાને લીધે ત્યાંથી ખસી નહીં. ૨૩ દામોદર ભગવાને પોતાના ચરણના સ્પર્શની ઇચ્છાથી જેઓએ વ્રત કર્યું હતું, એવી ગોપીઓનો સંકલ્પ જાણી લઇને તે સ્ત્રીઓને કહ્યું. ૨૪ શ્રી ભગવાન કહે છે- હે ભલી સ્ત્રીઓ ! મારું પૂજન કરવાનો જે તમારો મનોરથ છે તે તમે શરમથી બોલતી નથી તોપણ મેં જાણી લીધો છે, અને તેમાં મારી સંમતિ છે, માટે તે મનોરથ સફળ થવાને યોગ્ય છે. ૨૫ મારામાં મન રાખનારાઓની ઇચ્છા મારાથી પૂર્ણ થઇને પાછી શાંતિ જ આપે છે, પણ બીજી ઇચ્છાને ઉત્પન્ન થવા દેતી નથી. બળેલું અથવા રાંધેલું બીજ ઘણું કરીને બીજા બીજને ઉત્પન્ન કરે જ નહીં. ૨૬ હે સ્ત્રીઓ ! વ્રજમાં જાઓ તમારો મનોરથ સિદ્ધ થશે, આ આવતી રાત્રીઓમાં મારી સાથે રમણ કરશો. કેમ કે હે સતીઓ ! મારા ઉદેશથી આ જગદંબાના પૂજનરૂપ વ્રત તમે કર્યું છે. ૨૭
શુકદેવજી કહે છે- આ પ્રમાણે આજ્ઞા કરતાં જેના મનોરથ પૂર્ણ થયા છે એવી અને ભગવાનના ચરણારવિંદનું જ ધ્યાન કરતી ગોપીઓ માંડમાંડ વ્રજમાં ગઇ. ૨૮ પછી ગોવાળોથી વીંટાયેલા ભગવાન અને બલરામ ગાયો ચારતા ચારતા વૃંદાવનથી દૂર નીકળી ગયા. ૨૯ તીક્ષ્ણ સૂર્યના તડકામાં છાયાથી છત્રરૂપ થઇ રહેલાં વૃક્ષોને જોઇને ભગવાને ગોવાળોને કહ્યું કે- હે સ્તોકકૃષ્ણ ! હે અંશુ ! હે શ્રીદામા ! હે દેવપ્રસ્થ ! હે વૃષભ ! પારકાને માટે જ જેનું જીવન છે એવાં આ ભાગ્યશાળી વૃક્ષોને જુઓ. પોતે વાયુ, વરસાદ, તડકો અને ટાઢ સહન કરીને આપણી એ પીડાઓનું નિવારણ કરે છે. ૩૦-૩૨ અહો ! આ વૃક્ષો પાસેથી કોઇ નિરાશ થતું નથી. પ્રાણીઓના પ્રાણરૂપ એવાં આ વૃક્ષોને ધન્ય છે. ૩૩ પાંદડાં, ફૂલ, ફળ, છાયા, મૂળ, છાલ, લાકડાં, ગંધ, ગુંદર, ભસ્મ, ઠળિયા અને અંકુરોથી બીજાઓની ઇચ્છાને પરિપૂર્ણ કરે છે.૩૪ આ સંસારમાં પ્રાણીઓના જન્મની સફળતા એટલી જ છે કે પ્રાણથી, ધનથી, બુદ્ધિથી, અને વાણીથી સર્વદા પ્રાણીઓનું હિત કરવું. ૩૫
શુકદેવજી કહે છે- આ પ્રમાણે વૃક્ષોના વખાણ કરતા ભગવાન કૂંપળ, ગુચ્છ, ફળ, ફૂલ, અને પાંદડાંના સમૂહથી જેઓની શાખાઓ નમી ગઇ હતી, એવાં વૃક્ષોના મધ્યમાં થઇને યમુનાજીને કાંઠે પધાર્યા. ૩૬ હે રાજા ત્યાં ગાયોને સ્વચ્છ, શીતળ અને પવિત્ર યમુનાનું પાણી પાઇને પછી ગોવાળોએ પાણી પીધું. ૩૭ એ નદીના ઉપવનમાં યથેષ્ટ રીતે પશુઓને ચારતા ગોવાળો બહુ જ ભૂખ્યા થઇ જવાથી, બલરામ અને શ્રીકૃષ્ણ પાસે કહેવા લાગ્યા.૩૮
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો બાવીશમો અધ્યાય સંપૂર્ણ.