બોલો બોલોરે જોગી બાલુડા, કયાંથી આવીયા આપજી (૧)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 6:39pm

રાગ - જંગલો

( હરિલીલામૃત કળશ-૪ વિશ્રામ-૧)

બોલો બોલોરે જોગી બાલુડા, કયાંથી આવીયા આપજી;

દેહ ધર્યો કિયા દેશમાં, કોણ માય ને બાપજી. બોલો૦ ૧

બાળપણમાં બટુક  તમે, કેમ લીધો વૈરાગ્યજી;

સગાં ને સંબંધી તણો તમે, કહો કેમ કર્યો ત્યાગજી. બોલો૦ ૨

માતા પિતાએ પ્રેમે કરી, ન લડાવ્યા શું લાડજી;

કે ભાઈથી ને ભોજાઈથી, રીસાયા કરી રાડજી. બોલો૦ ૩

કાયા  તમારી છે કોમળી, પાદુકા નથી પાયજી;

વાટમાં કાંટા ને કાંકરા,  તેમાં કેમ ચલાયજી. બોલો૦ ૪

ટાઢ ને  તડકો બહુ પડે, કેમ સહન કરાયજી;

ઝડીઓ પડે વરસાદની, કહો કેમ ખમાયજી. બોલો૦ ૫

પૃથ્વી ઊપર પોઢતા  હશો, પાથર્યો નહીં પલંગજી;

ખરેખરૂં ખુંચતું હશે, આવું કોમળ અંગજી. બોલો૦ ૬

કોણ સેવા કરતા હશે, સાચો રાખી સ્નેહજી;

ભૂખ  તરસ વેઠતા હશો, દીસે દુર્બળ દેહજી. બોલો૦ ૭

કમળ કે પુષ્પ ગુલાબનું, એવું શોભે શરીરજી;

દેખી દયા અમને ઊપજે, આવે નયનમાં નીરજી. બોલો૦ ૮

ચંદ્ર કે ઈન્દ્ર દિનેશ છો, કે શું શંભુ સ્વરૂપજી;

કાંતો અક્ષરપતિ આપ છો, કોટી ભુવનના ભુપજી. બોલો૦ ૯

છત્ર ચમર ધરવા યોગ્ય છો, ભાગ્યવંત છો ભરાતજી;

તે જોગી થઈ જગમાં ફરો, એ  તો આશ્ચર્ય વાતજી. બોલો૦ ૧૦

હાથી ઘોડા રથ પાલખી ,તમને વાહન હોયજી;

તે તમે વિચરો છો એકલા, કેમ કળી શકે કોયજી. બોલો૦ ૧૧

જે તન ઊપર જોઈએ, હીરા મોતીના હારજી;

તે તન ઢાંકયું મૃગચર્મથી, નથી સજયા શણગારજી. બોલો૦ ૧૨

જે શિર ઊપર જોઈએ, મણિ-જડીત મુગટજી;

તે શિર ઊપર જણાય છે, જોતાં આજ જટાજુટજી. બોલો૦ ૧૩

કંચન કેરી કટોરીએ, જળ પીવાને જોગજી;

તે તમે રાખી છે તુંબડી, તેવા ભોગવો ભોગજી. બોલો૦ ૧૪

વર્ણી લાગો છો વહાલા ઘણા, આવો અમારે ઘેરજી;

જુગતે કરીને જમાડીએ, રસોઈઓ રૂડી પેરજી. બોલો૦ ૧૫

આશિષ અમને આપીએ, ધરી ઊરમાં વહાલજી;

નિત્ય અમારું રક્ષણ કરો, વિશ્વવિહારીલાલજી. બોલો૦ ૧૬

Facebook Comments