મારે મંદિર આવી મહારાજ રે, જમજો જીવનજી (૧)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:38pm

રાગ થાળ

પદ - ૧

મારે મંદિર આવી મહારાજ રે, જમજો જીવનજી

હરિ હેતે કરીને તમે આજ રે. જમજો. ૧

મેં તો ભોજન કર્યાં બહુભાવ રે. જમજો.

આવી બેસો બાજોઠીયે માવ રે. જમજો. ૨

લાવું કનક થાળ જીવન રે. જમજો.

માંહી પુર્યાં છે બહુ ભોજન રે. જમજો. ૩

દૂધપાકને પૂરણ પોળી રે. જમજો.

રસ રોટલી ઘીમાં ઝબોળી રે. જમજો. ૪

શીરો પૂરીને સેવ સુંવાળી રે. જમજો.

ચોળ્યાં ચુરમાં ઘી ઘણું ઘાલી રે. જમજો. ૫

માલપુવા ને મોતિયા લાડુ રે. જમજો.

જલેદાર જલેબી સ્વાદુ રે. જમજો. ૬

રૂડાં ઘેબરને મેસુબ રે. જમજો.

ઘાલ્યું કંસારમાં ઘી ખૂબ રે. જમજો. ૭

ગુંદવડાં ગુજાંને ખાજાં રે. જમજો.

વળી બિરંજમાં ઘી ઝાઝાં રે. જમજો. ૮

ગળ પાપડી પુડલા પ્યારા રે. જમજો.

સારા સાટાને સકરપારા રે. જમજો. ૯

કાજુ કેળાંને રોટલી ઝીણી રે. જમજો.

સેવદળને સુતરફેણી રે. જમજો. ૧૦

કર્યો શીખંડ મેં તો રૂડી રીતે રે. જમજો.

વળી ટોપરાપાક કર્યો પ્રિત રે. જમજો. ૧૧

બાસુંદીને બરફી શોભે રે. જમજો.

મગદળ મગજ મન લોભે રે. જમજો. ૧૨

મોરબા કેરી દ્રાક્ષ તણા રે. જમજો.

વળી વઘાર્યા લીલવા ચણા રે. જમજો. ૧૩

કર્યાં ભૂધર ભજીયાં ભારી રે. જમજો.

કઢી વડી સુંદર છમકારી રે. જમજો. ૧૪

ઘણે ઘીયે સુરણ વઘાર્યાં રે. જમજો.

કંકોડાં કોળાં છમકાર્યા રે. જમજો. ૧૫

પરવળ વાલોળ વંતાક રે. જમજો.

એહ આદિ કર્યાં બહુ શાક રે. જમજો. ૧૬

કર્યાં રાયતાં મેં પરિબ્રહ્મ રે. જમજો.

દાળ તુવેરની કરી નરમ રે. જમજો. ૧૭

કેરી કાચળી તળી આંથ્યુ આદુ રે. જમજો.

લીંબુ મરચાં કેરાં છે સ્વાદુ રે. જમજો. ૧૮

જમો ધીરે ધીરે વાલમ રે. જમજો.

શરમ રાખો તો મારા સમ રે. જમજો. ૧૯

તમે જમોને જાદવરાય રે. જમજો.

હું તો વિંજણે ઢોળું વાય રે. જમજો. ૨૦

સારુ સારુ જમો જીવન રે. જમજો.

જોઈ રાજી થાય મારું મન રે. જમજો. ૨૧

દૂધભાત જમો હરિરાય રે. જમજો.

નાખું સાકર ખોબા ભરી માંય રે. જમજો.૨૨

થઈ તૃપ્ત કરો ચળુ નાથ રે. જમજો.

રૂડો રૂમાલ લ્યો લુવો હાથ રે. જમજો. ૨૩

ઘેરા ગુલાબી હાર પેરાવું રે. જમજો.

તોરા બાજુને ગજરા ધરાવું રે. જમજો. ૨૪

લાવુ લવિંગ એલચી સારી રે. જમજો.

કાથો ચુનો ને પાન સોપારી રે. જમજો. ૨૫

કરી બીડાં લ્યો તમે હાથ રે. જમજો.

વારી જાય છે બદ્રિનાથ રે. જમજો. ૨૬

Facebook Comments