પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૩૧ જુનાગઢમાં મંદિર બનાવ્યું

Submitted by swaminarayanworld on Tue, 19/04/2016 - 9:21pm

 

દોહા

ગણ્યો ન જાયે ગઢપુરનો, માનો મા’ત્મ્ય ને મહિમાય ।

જીયાં સંત હરિજન સહુ મળી, વળી નિરખે નાથ સદાય ।।૧।।

સતસંગી બાઇ ભાઇને, થયાં દર્શન ગઢડે ગામ ।

દર્શન વિના કોય દેશનાં, નથી રહ્યાં પુરુષ ને વામ ।।૨।।

અઢળક ઢળ્યા મળ્યા જીયાં, વળી આપ્યાં છાતીમાં ચર્ણ ।

તે ચરણ ચિત્તે ચિંતવતાં, જાણો જાય જન્મ ને મર્ણ ।।૩।।

બહુપેર પરસાદિયો, વળિ ઇયાં મળી છે જરુર ।

તેનું ઘસાતુ બોલવું, એથી બીજો કોણ અસુર ।।૪।।

 

ચોપાઇ

એ તો ભોગવશે એનું પાપરે, તેનો આપણે શો સંતાપરે ।

વળી જેજે કર્યું જગતાતરે, કહું સાંભળજો તેની વાતરે ।।૫।।

સોરઠ દેશવાસી જન કાજેરે, કરાવિયું મંદિર મહારાજેરે ।

જોઈ જીરણગઢ માંઈ જાગ્યરે, દિઠી દેવળ કરવા લાગ્યરે ।।૬।।

જાણ્યું આ જાગ્યે મંદિર થાયરે, તેનો મોટો વધે મહિમાયરે ।

મોટું શેહર તીરથ વળી મોટુંરે, જીયાં આવે મનુષ્ય કોટાનકોટુંરે ।।૭।।

તેહ સહુને થાય દરશનરે, તેણે કરી તરે બહુ જનરે ।

વળી દેશમાં સારા સતસંગીરે, જેની પ્રીત પ્રભુમાં અભંગીરે ।।૮।।

સ્વામી રામાનંદજીના શિષ્યરે, હેતે હરિ ભજેછે હમેશરે ।

સહુ સિદ્ધ સમાધિ સંપન્નરે, અતિ અનઘ જાણો એ જનરે ।।૯।।

વળી આવી અમે એહ દેશરે, રહી ગયા વરણિને વેષરે ।

જોઈ પવિત્ર દેશ પાવનરે, ઘણું ઘણું માની ગયું મનરે ।।૧૦।।

પછી લોભી રહ્યા લોજ ગામરે, કરવા અનેક જીવનાં કામરે ।

કરતા બહુ બહુ અમે વાતરે, સુણી સહુ થાતા રળિયાતરે ।।૧૧।।

વળી દેખાડતા પરતાપરે, થાય સમાધિ ટળે સંતાપરે ।

સમાધિયે સુખી નર નારરે, ના’વે સમાધિથી કોઈ બા’રરે ।।૧૨।।

કોઇ સુરપુર અવલોકેરે, કોઇ રહી જાય સત્યલોકેરે ।

દેખે કૈલાશ ને બદ્રિવનરે, કોઇ દેખેછે મુક્ત નિરન્નરે ।।૧૩।।

દેખે સ્વર્ગ મૃત્યુ ને પાતાળરે, એવું દેખાડતા તતકાળરે ।

કોઇ દેખેછે ગોલોકધામરે, જોઇ માનેછે પૂરણકામરે ।।૧૪।।

કોઇ અક્ષરધામ અવલોકેરે, જોઇ મીટ થકી તે ન મૂકેરે ।

દેખે પર ને પોતાનું મનરે, દેખે ઘાટ પરસ્પર જનરે ।।૧૫।।

એવો પ્રગટ કર્યો’તો પ્રતાપરે, સૌ જન કરવા નિષ્પાપરે ।

રહ્યા એ દેશમાં અમે ઘણુંરે, સહુને દર્શન થયું અમ તણુંરે ।।૧૬।।

તેહ દેશમાંહી હવે દાસરે, અમ વિના થયા છે ઉદાસરે ।

માટે મંદિર થાય એક સારુંરે, એમાં બહુ છે ગમતું અમારુંરે ।।૧૭।।

માટે જીરણગઢમાં જઇરે, કરાવું મંદિર સુંદર સઇરે ।

પછી મંદિર કરવા કાજરે, મોકલ્યા છે મોટા મુનિરાજરે ।।૧૮।।

કર્યો આદર થાવા દેવળરે, અતિ સરસ અનુપ અકળરે ।

થયું થોડાક દિનમાં તૈયારરે, ત્યાંતો પધાર્યા પ્રાણ આધારરે ।।૧૯।।

સંતો મૂર્તિયો સારી સારીરે, મારે હાથે હું દિયું બેસારીરે ।

એહ મૂર્તિનો મહિમાયરે, કે’તા કેડ્યે કેણે ન કે’વાયરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકત્રિંશઃ પ્રકારઃ ।।૩૧।।