પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૩૨ જુનાગઢમાં મુર્તિ પ્રતિષ્ઠા

Submitted by swaminarayanworld on Tue, 19/04/2016 - 9:22pm

 

દોહા

પછી મંદિરમાંહી મૂરતિયો, પધરાવી કરી બહુ પ્રીત ।

સુખકારી તે મૂરતિ, અતિ સારી સુંદર શોભિત ।।૧।।

મધ્યના મંદિરમાં મનોહર, જોયા જેવી જે જોડ ।

પ્રેમે કરી પધરાવિયા, ત્રિકમરાય રણછોડ ।।૨।।

પૂર્વ દે’રે પધરાવિયા, રાધારમણ કૃષ્ણ કૃપાળ ।

આવી બેઠા ગરુડાસન, અતિ દયા કરીને દયાળ ।।૩।।

પશ્ચિમ દે’રે પધરાવિયાં, શિવ પારવતી સુખરૂપ ।

ગણપતિ વૃષભ વળી, મળી શોભે છે અતિ અનૂપ ।।૪।।

 

ચોપાઇ

સુંદર મૂરતિયો સરખી સારીરે, તે તો મંદિરમાંય બેસારીરે ।

જોયા જેવી મૂર્તિ જુનેગઢરે, જેજે જુવે તેને લાગે રઢરે ।।૫।।

એવી પોતે મૂર્તિ પધરાવીરે, ગઢડેથી જુનેગઢ આવીરે ।

કરવા અનેક જીવનું કલ્યાણરે, કર્યું કામ શ્યામ સુજાણરે ।।૬।।

કર્યો ઉત્સવ અતિ ત્યાં ભારીરે, આવ્યાં દર્શને સૌ નર નારીરે ।

તેને ભોજન કરાવ્યાં ભાવતાંરે, પછી નાહી નાથ જમ્યા હતારે ।।૭।।

જમી પોતે જમાડિયા જનરે, ભાવે પીરશિયું ભગવનરે ।

ફરિ ફરિ ફેરવે મોદકરે, દિયે દોય માગે કોઇ એકરે ।।૮।।

અતિ હેત છે હરિજન માથેરે, માટે જમાડેછે જન હાથેરે ।

એમ જમાડિ રહ્યા જન જ્યારેરે, મળ્યા સહુ સંતને તે વારેરે ।।૯।।

મળી વળી સંત પાયે પડ્યારે, વળતા નાથ રૈવતાચળ ચડ્યારે ।

એમ હરે ફરે કરે કાંઇરે, સહુ જનને છે સુખદાઇરે ।।૧૦।।

મંદિર કરાવ્યું જે મહારાજેરે, સહુ જીવના કલ્યાણ કાજેરે ।

કોઇ આવી દર્શન કરશેરે, તે તો અપાર સંસાર તરશેરે ।।૧૧।।

એહ મોટો કર્યો ઉપકારરે, બહુ જીવ તારવા આવારરે ।

પશ્ચિમ દેશિ કરવા પુનિતરે, કર્યું મંદિર સારું શોભિતરે ।।૧૨।।

વળી સંતને આપી આગન્યારે, રે’વું નહિ આંહિ આવ્યા વિનારે ।

વરષો વરષ એક માસરે, કરવો આ મંદિરમાંહિ વાસરે ।।૧૩।।

એવી આગન્યા આપી દયાળેરે, તે તો માની લિધિછે મરાળેરે ।

વળી કરી છે હેતની વાતરે, તેણે સહુ થયા રળિયાતરે ।।૧૪।।

કહે આ દેશ છે બહુ સારોરે, સહુ જન મનમાં વિચારોરે ।

ઈયાં રામાનંદ સ્વામી રે’તારે, જીવ બહુને અભયદાન દેતારે ।।૧૫।।

સોરઠ દેશનાં સર્વે ગામરે, તેમાં વસેછે પુરુષ ને વામરે ।

તે સહુને દરશન થયાંરે, કોઈ દરશન વિના ન રહ્યાંરે ।।૧૬।।

વળી અમે પણ જો સોરઠેરે, સરવે ફર્યા છીએ સારી પેઠેરે ।

સહુ જાણે છે અમને જનરે, વળી થયાંછે સહુને દર્શનરે ।।૧૭।।

જેજે જપેછે અમારું નામરે, તે તો પામશે પરમ ધામરે ।

વળી આ મૂરતિ જે બેસારીરે, તે નિરખશે જે નર નારીરે ।।૧૮।।

તેને શીદ રાખી જોઈએ શંકારે, જાશે બ્રહ્મમો’લે દઇ ડંકારે ।

એમ ધારીને આવ્યાછીએ અમેરે, સત્ય માનજ્યો સહુજન તમેરે૧૯

આ વારનો જે અવતારરે, એવો ન થાયે વારમ વારરે ।

નથી આવ્યા ને આવશું ક્યાંથીરે, જન જાણજ્યો સૌ મનમાંથીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વાત્રિંશઃ પ્રકારઃ ।।૩૨।।