પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૩૫ ધોલેરામાં મદનમોહનજી મહારાજ પધરાવ્યાં

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:15pm

 

દોહા

પછી અલબેલે આગન્યા કરી, મંદિર કરવા માટ ।

ઇયાં મંદિર કરવું, જીયાં અમે ઢાળી છે પાટ ।।૧।।

અતિ ઉત્તમ છે આ ભૂમિકા, મોટાં ભાગ્યવાળી ભરપુર ।

ઓછું માહાત્મ્ય આનું નથી, જન મને જાણજો જરુર ।।૨।।

જીયાં બેસી અમે જમિયા, વળી ઢાળ્યો ઢોલિયો અમૂલ્ય ।

જુવો વિચારી જીવમાં, કોણ આવે આ ભૂમિને તુલ્ય ।।૩।।

માટે મંદિર આંહિ આરંભો, અતિ ઉરે આણી આનંદ ।

થાશે સરસ સહુથી, એમ બોલિયા સહજાનંદ ।।૪।।

 

ચોપાઇ

પછી આદરિયું છે મંદિરરે, અતિ ઉતાવળું તે અચિરરે ।

ખાત મુહૂર્ત ખાંત્યેશું કીધુંરે, પછી મંદિરનું કામ લીધુંરે ।।૫।।

થાય અહોનિશ કામ એહરે, કરે જન કરીને સનેહરે ।

થયું તૈયાર વાર ન લાગીરે, ત્યાંતો પધાર્યા શ્યામ સુહાગીરે ।।૬।।

જોઇ મંદિર મગન થયારે, સારું સારું કર્યું કે’છે રહ્યારે ।

હવે બેસારિયે જો મૂરતિરે, રાધાકૃષ્ણની સારી શોભતિરે ।।૭।।

પછી સમે સિંહાસન માથેરે, મદનમોહન પધરાવ્યા હાથેરે ।

કરી પૂજા આરતી ઉતારીરે, થયો જયજય શબ્દ ભારીરે ।।૮।।

મદનમોહનની જે મૂરતિરે, તે તો સુંદર શોભેછે અતિરે ।

જેજે નિરખે નયણાં ભરીરે, તેનું મન ચિત્ત લિયે હરિરે ।।૯।।

એવી મૂરતિયો છે અતિ સારીરે, પ્રતિપક્ષીને પણ લાગે પ્યારીરે ।

મદનનું પણ મોહે મનરે, ત્યારે બીજા ન મોહે કેમ જનરે ।।૧૦।।

શોભાસાગર સુખની ખાણીરે, છબી જાતિ નથી જો વખાણીરે ।

જોઇ જોઇ જન મન લોભેરે, એવા મદનમોહન શોભેરે ।।૧૧।।

મહા મનોહર જે મૂરતિરે, તે તો બેસારી કરી હેત અતિરે ।

કર્યો મોટો ઉત્સવ એહ દનરે, સહુને કરાવ્યાં ભોજનરે ।।૧૨।।

કર્યો સમૈયો બહુ સારોરે, લાગ્યો પ્રેમી જનને પ્યારોરે ।

જમ્યા રમ્યા સંત રૂડી રીતેરે, પરિપૂરણ થયા સહુ પ્રીતેરે ।।૧૩।।

જાણો જમ્યા તે હરિને હાથેરે, સંત સર્વે સતસંગી સાથેરે ।

જે કોઇ ઉત્સવપર આવિયુંરે, તે તો જમ્યા વિના નહિ રહ્યુંરે ।।૧૪।।

જમ્યા સહુ ઉત્સવનું અન્નરે, એવો સમૈયો કર્યો ભગવનરે ।

જેજે જમિયા જન અન્ન એહરે, થયા મોક્ષભાગી સહુ તેહરે ।।૧૫।।

વળી કર્યાં જેને દરશનરે, તે તો થયા પરમ પાવનરે ।

એવો કર્યો મોટો ઉપકારરે, જગજીવ તારવા આ વારરે ।।૧૬।।

મૂરતિ બેસારી સારી સુંદરરે, અતિશોભિત મહા મનોહરરે ।

નિજભક્તની પુરવા આશરે, મૂર્તિ બેસારી ધોલેરે વાસરે ।।૧૭।।

કરવા અનેક જીવનું કલ્યાણરે, આપે ઉઘાડી મોક્ષની ખાણરે ।

આવે દેશી પરદેશી દર્શનેરે, નિરખે હરખિ હરખિ મનેરે ।।૧૮।।

જેણે જેણે જોયા નયણે નાથરે, વળી પાયે લાગ્યા જોડી હાથરે ।

તેનાં સરી ગયાં સર્વે કામરે, વળી પામશે પરમ ધામરે ।।૧૯।।

એમ ઇચ્છા કરી છે હરિ આપરે, જીવ તારવા આપ પ્રતાપરે ।

બહુ જનની કરવી છે સારરે, એવો કરી આવ્યા છે નિરધારરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચત્રિંશઃ પ્રકારઃ ।।૩૫।।