પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૩૪ ધોલેરામાં મંદિર કરાવ્યું

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:13pm

દોહા

વળી શ્રીહરિ કે સંત સાંભળો, મોટાં કરાવિયાં મંદિર ।

તેમાં બેસારિ મૂરતિયો, અતિ સારી સુંદિર ।।૧।।

જેજે દેશે મંદિર કર્યાં, તેતે દેશને આવ્યાં કામ ।

હવે સરવે દેશને અરથે, એક બંધાવિયે સારું ધામ ।।૨।।

દેશી પ્રદેશી દર્શન કરે, તેનાં પ્રજાળવા વળી પાપ ।

એવું મંદિર એક કરવું, એમ બોલ્યા શ્રીહરિ આપ ।।૩।।

ભાગ્ય જગાડવા ભાલનાં, ધોલેરે બાંધિએ ધામ ।

તેમાં બેસારિયે મૂરતિ, અતિ શોભિત સુંદર શ્યામ ।।૪।।

 

ચોપાઇ

એહ બંદર સુંદર સારુંરે, જીયાં આવેછે લોક હજારુંરે ।

તિયાં મંદિર કરવું એકરે, સારું સહુથી વળી વિશેકરે ।।૫।।

એમ નાથે કરી નિરધારરે, પૂછ્યું પુંજાભાઇને તે વારરે ।

સુણો પુણ્યવાન પુંજાભાઇરે, કરિયે મંદિર ધોલેરા માંઇરે ।।૬।।

વળી સતસંગિને કહે શ્યામરે, કો’તો ધોલેરે બાંધિયે ધામરે ।

સહુ બોલો શુદ્ધભાવે કરીરે, એમ હરિજનને કહે હરિરે ।।૭।।

ત્યારે હરિજને જોડયા હાથરે, ધન્ય ધન્ય કહે સહુ સાથરે ।

જાગે ભાગ્ય મોટું જો અમારુંરે, કરો મંદિર તો બહુ સારુંરે ।।૮।।

મંદિરને જોગે મહારાજરે, રહે સંતનો સહુ સમાજરે ।

હરતાં ફરતાં દર્શન થાયરે, અતિ મોટો એ લાભ કે’વાયરે ।।૯।।

નથી એથી બીજું કાંઇ સારુંરે, એમાં અતિ રૂડું છે અમારુંરે ।

એમ બોલ્યા સતસંગી સહુરે, સુણી નાથ રાજી થયા બહુરે ।।૧૦।।

પછી આપ્યાં છાતિમાં ચરણરે, જેહ ચરણ ભવભય હરણરે ।

કર્યા નિરભય છાપી છાતીરે, કહ્યે વાત એ નથી કે’વાતીરે ।।૧૧।।

કર્યા બ્રહ્મમો’લના નિવાસીરે, રાજી થઇ આપે અવિનાશીરે ।

પછી કહ્યું સહુ બાઇ ભાઇરે, રે’જો મંદિરની સેવા માંઇરે ।।૧૨।।

પછી પુંજોભાઇ જે પવિત્રરે, અતિ ડાહ્યા છે સહુના મિત્રરે ।

જેને જક્તસુખ લાગ્યું ઝેરરે, પંચ વિષય સાથે રાખ્યું વેરરે ।।૧૩।।

અન્ન ધન ને આયુષ જેહરે, કર્યું હરિપરાયણ તેહરે ।

એવાં અતિ ઉદાર દંપતિરે, કરી હરિને અર્પણ સંપતિરે ।।૧૪।।

ધન્ય ધન્ય ભક્તિ ભાઇયોનીરે, તેથી અતિ અધિક બાઇયોનીરે ।

એવા જન જોઇ શ્રદ્ધાવાનરે, બહુ રાજી થયા ભગવાનરે ।।૧૫।।

દીઠા હરિજન ઠાઉકા ઠીકરે, એક એક થકી જો અધિકરે ।

પછી બોલ્યા શ્યામ સુખદાઇરે, કરશું મંદિર જરુર આંઇરે ।।૧૬।।

સહુ સેવામાંઇ તમે રે’જોરે, આ તો મોટો પરમાર્થ છેજોરે ।

યાંથી ઉદ્ધરશે લાખું ક્રોડિરે, એ તો નથી કમાણી કાંઇ થોડીરે ।।૧૭।।

બીજાં કોટિકોટિ કરે દાનરે, ના’વે જીવ ઉદ્ધાર્યા સમાનરે ।

જેથી જનમ મરણ દુઃખ જાયરે, પામે અભયપદ સુખી થાયરે ।।૧૮।।

એ તો પરમારથ મોટો ભારીરે, સહુ જુવો મનમાં વિચારીરે ।

એમ પોતે બોલ્યા પરબ્રહ્મરે, પૂર્ણકામ જે પુરુષોત્તમરે ।।૧૯।।

તમે સાંભળો સૌ નર નારરે, અમે કર્યો છે જે આ વિચારરે ।

એવું સુણી હરખ્યા સહુજનરે, સુખદાયક સ્વામી ધન્ય ધન્યરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુસ્ત્રિંશઃ પ્રકારઃ ।।૩૪।।