પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૫૪

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:28pm

 

દોહા

આજ લે’રી આવ્યા છે લે’રમાં, મે’ર કરીછે મહારાજ ।

અઢળ ઢળયા અલબેલડો, કર્યાં કઇકનાં કાજ ।।૧।।

દુઃખ કાપ્યાં દુઃખી દાસનાં, સુખી કર્યા સહુ જન ।

બ્રહ્મમો’લે તેને મોકલ્યા, પોતે થઇ પરસન ।।૨।।

પૂરણ બ્રહ્મ પધારીને, ભાંગી છે સર્વેની ભૂખ ।

આ સમામાં જે આવિયા, ટાળિયાં તેહનાં દુઃખ ।।૩।।

ધન્ય ધન્ય પાવન પૃથવી, જેપર વિચર્યા નાથ ।

ચરણ અંકિત જે અવની, સદા માને છે સનાથ ।।૪।।

 

રાગ સામેરી

ધન્ય દેશ સોઈ શે’રને, જીયાં રહ્યા અવિનાશ ।

ધન્ય ધન્ય ગામ નગરને, જીયાં કર્યો વાલે વાસ ।।૫।।

ધન્ય ધન્ય વારિ વહનિ, ના’યા તાપ્યા પ્રભુ પંડ ।

ધન્ય ધન્ય શૂન્ય સમીરને, ભાગ્યશાળી આ બ્રહ્માંડ ।।૬।।

ધન્ય ધન્ય બ્રહ્મા ભવને, જેણે જોયા જીવન ।

ધન્ય ધન્ય મઘવા મેઘને, ભીંજ્યા ભાળ્યા ભગવન ।।૭।।

ધન્ય ધન્ય શશિ સૂરને, ઉડુ પામિયા આનંદ ।

દેવ દાનવ મુનિ માનવી, સુખી કર્યા સહુ વૃંદ ।।૮।।

સ્થાવર જંગમ ચરાચર, સહુની લીધી છે સાર ।

સ્થૂળ સૂક્ષ્મ જીવ જગમાં, ઉતારિયા ભવપાર ।।૯।।

ભોગી કર્યા બ્રહ્મમો’લના, આપિયું અક્ષરધામ ।

આપ પ્રતાપે ઉદ્ધારિયા, કરિયા પૂરણકામ ।।૧૦।।

વેરો ન કર્યો વર્ષતાં, ઘન પઠ્યે ઘનશ્યામ ।

શુદ્ધ કરી સહુ જીવને, આપિયું ધામ ઇનામ ।।૧૧।।

કોટ ઉઘાડ્યા કલ્યાણના, ભાગ્યના ખોલ્યા ભંડાર ।

ભૂખ ભાંગી ભૂખ્યા જનની, જગે કર્યો જેજેકાર ।।૧૨।।

ડંકા દિધા જગે જીતના, શ્યામે સહુને ઉપર ।

પ્રબળ પ્રતાપ જણાવિયો, દેશ ગામ ને ઘરોઘર ।।૧૩।।

બૃહદ રીત આ વિશ્વમાં, વરતાવી છે બહુવિધ ।

ચાલી વાતો ચારે દેશમાં, પ્રભુપણાની પ્રસિદ્ધ ।।૧૪।।

સ્વામિનારાયણ સહુને, નકિ લેવરાવ્યું નામ ।

ભજન કરાવી આ ભવમાં, આપિયું અક્ષરધામ ।।૧૫।।

સંભળાવ્યું વળી શ્રવણે, સહજાનંદ નામ સોય ।

કે’શે સુણશે એ નામને, તેને દુઃખ કોય નો’ય ।।૧૬।।

એમ અનેક અભય કર્યાં, પોતાતણે પરસંગ ।

અખંડ ધામ તેને આપિયું, સહુ કરી શુદ્ધ અંગ ।।૧૭।।

અણતોળ્યાં સુખ આપિયાં, આશ્રિતને આ વાર ।

અનેક પ્રકારે અંતરે, સુખી કર્યાં નર નાર ।।૧૮।।

રૂડી મુડી પામ્યાં રોકડી, નહિ ઉધારાની વાત ।

અમલ ભર્યાં સહુ ઉચ્ચરે, પ્રભુ મળ્યા છે સાક્ષાત ।।૧૯।।

ઓશિયાળું શીદ ઓચરે, બોલે મગન થઈને મુખ ।

જન્મ મરણનું જીવમાં, રહ્યું નહિ જરા કેને દુઃખ ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુ:પંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૪।।