ફૂલની બની રે શોભા ફૂલની બની (૪)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 7:57pm

 

રાગ : ગોડી

 

પદ-૧

ફૂલની બની રે શોભા ફૂલની બની,

સખી શામળીયાને અંગે શોભા ફૂલની બની. ટેક૦

ફૂલપાઘમાં તોરાકેરી શોભા અતિઘણી,

ફૂલાતણા બે ગુચ્છ જાણે, ઊગ્યા છે તરણી. ફૂલની૦ ૧

ફૂલહારની શોભા હૈડે ન જાયે ભણી,

ફૂલાતણી ઉર અલફી, ચાદર ફૂલડા તણી. ફૂલની૦ ૨

ફૂલના બાજુ બાંધ્યા બાંયે ડાબી જમણી,

ફૂલાતણા ગજરા જોઈ મોહ્યો, રતિનો ધણી. ફૂલની૦ ૩

ફૂલડાની સુંદર હરિએ પહેરી સુંથણી,

પ્રેમાનંદ કહે ફૂલ મોજડી પહેરી ચરણી. ફૂલની૦ ૪

 

પદ-૨

ફૂલની ઘણીરે શોભા ફૂલની ઘણી,

નખશિખ શોભા હરિની નીરખી ફૂલની ઘણી. ટેક૦

ફૂલડામાં ફુલ્યા આવે બની રે ઠણી,

સુંદરવર શોભે છે જાણીયે, રૂપની મણી. ફૂલની૦ ૧

સુંદર નીલ કલેવર ચરચ્યું નખશિખ ચંદણી,

હસતાં વદનચંદ્રથી વરસે, અમૃતકણી. ફૂલની૦ ૨

મુનિવર નીરકે એકટક મટકું તજી પાંપણી,

તન મન પ્રાણ વારે સાંભળતા, મીઠી બોલણી. ફૂલની૦ ૩

નખશિખ શોભા વરણવતાં થાક્યા સહસ્રફણી,

પ્રેમાનંદ બલિહારી ચંચલ, નિરખી ચિતવણી. ફૂલની૦ ૪

 

પદ-૩

ફૂલની જોઈરે શોભા ફૂલની જોઈ,

હરિની નખશિખ શોભા સુંદર ફૂલની જોઈ. ટેક૦

માલતીનો મુગટ કુંડલ કુંદતણાં દોઈ,

ગુલછડી ગુચ્છ કાને શોભે છે સોઈ ફૂલની૦ ૧

બોલસરીના બાજુ ગજરા ગુલાબી હોઈ,

ચંપા ચમેલીના હાર જોઈ, હું મોઈ. ફૂલની૦ ૨

ગુલદાવદીના દુપટામાં જાયી જુઈ પ્રોઈ,

દુપટાની ફરતી કોરે, કેસરની તોઈ. ફૂલની૦ ૩

માધવી મલ્લિકા કમળ કેતકી કોઈ,

પ્રેમાનંદકે સુંથણલીયે, રાખ્યું મન ઠોઈ. ફૂલની૦ ૪

 

પદ-૪

ધર્મતણા કુમાર શોભે ધર્મતણા કુમાર,

ફૂલડામાં ફૂલી રહ્યા ધર્મતણા કુમાર. ટેક૦

ફુલાતણું મોલડીયું માથે શોભાનો ભંડાર,

ફુલાતણા તોરા પર મોહ્યા, મધુકર કરે ગુંજાર. ધર્મ૦ ૧

કેશરની કલગી સુંદર કરણે કરણીકાર,

પોપફૂલના બાજુ હૈડે, ડોલરીયાના હાર. ધર્મ૦ ૨

પારિજાત ને પાડલ કેરા ગજરા કરે અપાર,

ગુલછડીની છડી કરમાં, શોભે સરસ સાર. ધર્મ૦ ૩

ફૂલદડો ઉછાળતા આવે મંદિરીએ મોરાર,

પ્રેમાનંદ લઈ તન મન હરિ પર વારે વારંવાર. ધર્મ૦ ૪

Facebook Comments