અધ્યાય - ૪ - બદરિકાશ્રમનું વર્ણન કર્યું

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:08pm

અધ્યાય - ૪ - બદરિકાશ્રમનું વર્ણન કર્યું

 

સુવ્રતમુનિ કથાનો પ્રારંભ કરતાં પ્રથમ શ્રીહરિનું સ્મરણ કરે છે, હિમાલય વર્ણન, બદરિકાશ્રમનું વર્ણન, મુનિઓની જીવનચર્યા, બદરીવિશાલાનું વર્ણન.

 

એકાંતિક ધર્મનું રક્ષણ કરવા અને અધર્મનો વિનાશ કરવા ઉત્તર કૌશલ દેશમાં ભગવદ્પ્રેમની શોભા ધરતા ધર્મદેવ અને ભક્તિદેવી થકી પ્રગટ થયેલા, યજ્ઞાની પ્રવૃત્તિ અને ધર્મની પ્રવૃત્તિદ્વારા દેવતાઓને આનંદિત કરનારા, એકાંતિક ધર્મનું પાલન અને રક્ષણ કરનારા, શ્રેષ્ઠ સુગંધીમાન ચંદન અને પુષ્પોના હારથી અતિશય શોભતા, અતિ ઉજ્જવલ શ્વેતવસ્ત્રધારી અને સર્વેના ગુરુસ્થાને બિરાજતા શ્રીહરિને હું નમસ્કાર કરું છું.૧

 

ભગવાન શ્રીહરિ બાલ્યાવસ્થામાં જ સમૃદ્ધિથી સભર પોતાના ભવનમાં અનાસક્ત ભાવથી રહેતા હતા. તેને નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રત અતિશય વહાલું હતું, તેથી તેમનું પોષણ કરવા માટે પિતા ધર્મદેવ થકી યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કરી તીવ્ર તપશ્ચર્યા કરવા સમૃદ્ધિ સભર ઘર અને કુટુંબ પરિવારનો તીવ્ર વૈરાગ્યના વેગે તત્કાળ ત્યાગ કરી મોટા મોટા યોગીજનોના આત્મવત્ પ્રિય ભગવાન શ્રીહરિ મહાવનમાં સિધાવ્યા.૨


ભગવાન શ્રીહરિ મનુષ્યભાવનું અનુકરણ કરતા હતા છતાં પોતાની બ્રહ્મસ્વરૂપમાં અખંડ સ્થિતિ મુમુક્ષુઓને સ્વાભાવિકપણે જણાઇ આવતી હતી. શ્રીહરિના હૃદયમાં જ્ઞાન, વૈરાગ્ય આદિક પોતાના પરિવારે સહિત ધર્મ અને ભક્તિનો અખંડ નિવાસ હતો. મોટા મોટા રાજા મહારાજાઓને માટે જે પંચવિષયો દુર્લભ છે, એવા ભારે ભારે પંચ વિષયો શ્રીહરિના મનને પોતા તરફ આકર્ષવા ક્યારેય પણ સમર્થ બનતા ન હતા. મોટા મોટા ત્યાગીઓને પણ જે ભારે પંચ વિષયો ભ્રષ્ટ કરી નાખવાનો ભય ઉપજાવે છે તે શ્રીહરિના મનને ક્યારેય સ્પર્શ પણ કરી શકતા ન હતા.૩

 

આ લોકમાં મહાન ઉદાર કીર્તિવાળા ભગવાન શ્રીહરિ પોતાના સમસ્ત આશ્રિત ભક્તજનોને બહુ પ્રકારની માનવલીલા કરી આનંદ ઉપજાવતા હતા, ઉદ્ધવાવતાર જગત્ગુરુ શ્રીરામાનંદ સ્વામી પાસેથી ભાગવતી મહાદિક્ષા પામી સહજાનંદ એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. અને પોતાના આશ્રિત ભક્તજનોના ગુરુ સ્થાને બિરાજીને જેમ પ્રચંડ મહાતેજથી ઝળહળાટ કરતો સૂર્ય પૃથ્વીપરના અંધકારનો નાશ કરે તેમ વૈદિક માર્ગના વિરોધી એવા શુષ્કવેદાંતી, શક્તિપંથી તેમજ નાસ્તિકોના મતરૂપી અંધકારનો વિનાશ કર્યો હતો.૪

 

લોભ, ઇર્ષ્યા, મદ, માન, મત્સર, કલહ, ક્રોધ અને કામરૂપી અધર્મસર્ગના સૈન્યથી પોતાના આશ્રિત ભક્તજનોને તત્કાળ મુક્ત કરી દેહાવસાને માયાના ગાઢ અંધકારથી પર તેજોમય અક્ષરબ્રહ્મધામને વિષે લઇ જનારા મહાપ્રતાપી ભગવાન શ્રીહરિ આ ભૂમંડલ પર સર્વત્ર જયકારી પ્રવર્તે છે.૫

 

કોઇ કોઇ સમયે જ્યારે શ્રીહરિ પર્ણકુટિમાં બિરાજતા હોય, ત્યારે તેમનાં દર્શનની પ્રતીક્ષા કરતાં મુનિમંડળો પર્ણકુટિની ચારે બાજુ વિટાઇને ઊભા હોય છે. તે સમયે ઋષિગણ દર્શને પધાર્યા છે, એમ જાણી તરત જ પર્ણકુટિની બહાર આવી દર્શન આપતા શ્રીહરિના સ્વરૂપમાં મારું મન સદૈવ મગ્ન રહો.૬

 

કોઇ સમયે મુનિમંડળો દેશાંતરોમાંથી પોતાને દર્શને આવી રહ્યા છે એવું સાંભળતાંની સાથે જ તત્કાળ તેઓની સામા જવાની ઉતાવળમાં ઉપરના વસ્ત્રને પણ ધારવાનું ભૂલી જતા અને એક માત્ર ધોતી પહેરીને સામે જઇ નવીન કમળ સરીખી પ્રેમ ભરેલી દૃષ્ટિથી ચારે તરફ નિહાળી દર્શન કરતા મુનિમંડળોને આનંદ ઉપજાવતા આ ભગવાન શ્રીહરિમાં મારું મન સદૈવ સ્થિર રહો.૭


કોઇ સમયે સભામાં મહામૂલા ઊંચા આસન ઉપર વિરાજમાન થઇ જમણા હાથમાં તુલસીની માળા ફેરવી ઇશ્વરનો જપ કરતા, તારામંડળમાં ચંદ્રમાની જેમ સંતમંડળમાં શોભતા અને મુનિઓના નેત્રોના એકમાત્ર આધાર સ્વરૂપ ભગવાન શ્રીહરિમાં મારું મન સદાય લાગી રહો.૮

 

કોઇ સમયે મુનિઓએ પૂજન કરેલ હોવાથી શ્વેત વસ્ત્ર, ભાલમાં ચોખાએ સહિત તિલક અને કંઠમાં રંગબેરંગી પુષ્પોની માળાથી અતિશય શોભી રહેલા અને ચરણમાં પાદુકા પહેરી ડાબા હાથને કેડ ઉપર ટેકવીને ઊભા રહેલા ભગવાન શ્રીહરિમાં મારી ચિત્તવૃત્તિ સદૈવ સ્થિર રહો.૯

 

ક્યારેક અજન્મા ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી આદિક મહોત્સવને વિષે દેશ દેશાંતરમાંથી આવતા ઘણા બધા ભક્તોના સંઘોએ અનેક પ્રકારનાં વસ્ત્ર, આભૂષણ, અલંકાર તથા સુગંધીમાન શીતળ ચંદનથી પૂજેલા આ ભગવાન શ્રીહરિ મારા ગ્રંથ નિર્માણમાં અતિ ઉત્સાહ પ્રેરનારા થાઓ.૧૦

 

કોઇ સમયે મુનિજનોનો આતિથ્ય સત્કાર કરવા પોતાના ખેસને ડાબા ખભા ઉપરથી લઇ કેડ સંગાથે દૃઢ કછોટો બાંધી વારંવાર પિરસી મુનિજનોને અતિ તૃપ્ત કરનારા ભગવાન શ્રીહરિ આ ગ્રંથ સમાપ્તિની સિદ્ધિરૂપ મારો મનોરથ પરિપૂર્ણ કરો.૧૧

 

ધ્વજ, જવ, કમળ, અંકુશ અને ઉર્ધ્વરેખા આદિ સોળ ચિહ્નોથી અતિશય શોભતાં શ્રીચરણનાં પગલાં મૂકવાથી આ ધરતીને સ્વર્ગ કરતાં પણ અધિક સૌભાગ્યશાળી કરનારા તથા પોતાના સખા ભક્તોની સાથે હાસ્ય વિનોદને કરનારા ધર્મપુત્ર ભગવાન શ્રીહરિ મને આ ગ્રંથ રચવામાં નિપુણબુદ્ધિ અર્પણ કરો.૧૨

 

કોઇ સમયે પોતાના ભક્તજનોથી ભરપૂર સભામાં દેશના વિભાગ કરી પોતાના બંધુઓના પુત્રોને ગાદિ અર્પણ કરી તેના દ્વારા આ પૃથ્વી પર એક ધર્મનું રક્ષણ કરવાની જ અંતરમાં ઇચ્છા ધરાવતા ધર્મતનય ભગવાન શ્રીહરિનું મારી હરિચરિત્ર સ્મરણથી પ્રભાવી બનેલી બુદ્ધિથી હું સ્મરણ કરું છું.૧૩

 

આ ભૂતલમાં અનેક જડમતિ પાપીજીવો પણ જે શ્રીહરિના ઉદાર સંતોનો એક સમાશ્રય કરવા માત્રથી તત્કાળ દુષ્ટ સ્વભાવનો ત્યાગ કરી મહા પૂણ્યશાળી બને છે તે આ ભગવાન શ્રીહરિ મારા ઉપર પ્રસન્ન થાઓ.૧૪

 

કોઇ સમયે શ્રુતિ, સ્મૃતિએ પ્રતિપાદન કરેલા ભગવાનની ભક્તિએ સહિતના સ્વધર્મનો પોતપોતાના અધિકાર અનુસાર ભક્તજનોને બોધ આપનારા અને સ્વયં ઇશ્વર હોવા છતાં પણ ભક્તજનોના શિક્ષણને અર્થે સ્વધર્મનું પાલન કરતા આ ભગવાન શ્રીહરિ મારા ઉપર પ્રસન્ન થાઓ.૧૫


કોઇ સમયે આ પૃથ્વી પર શુદ્ધ અહિંસામય યજ્ઞા તથા અન્નક્ષેત્રાદિક ઇષ્ટ કર્મનું પ્રવર્તન કરતા, કોઇ સમયે વાવ, કૂવા ગળાવવા, તળાવ બંધાવવાં, ધર્મશાળા તથા મંદિરોનાં નિર્માણ કરવાં વિગેરે પૂર્તકર્મનું પ્રવર્તન કરતા, તેમજ ચાર પ્રકારનાં ઇચ્છિત ભોજન જમાડી અગણિત ભૂદેવોને તૃપ્ત કરતા પરમેશ્વર શ્રીહરિ મારી પર કૃપા વરસાવો.૧૬

 

ક્યારેક રાત્રી સભામાં મુનિઓની વચ્ચે વિરાજમાન થઇ અનેક પ્રકારના સંશયયુક્ત પ્રશ્નો કરતા અને તે પ્રશ્નોના ઉત્તર જ્યારે કોઇથી ન થાય ત્યારે દરેક પ્રશ્નનું બહુપ્રકારે સરળ તેમજ સર્વેને બોધ થાય એ રીતે સુંદર સમાધાન કરતા ધર્મનંદન શ્રીહરિ મારું સર્વપ્રકારે મંગળ વિસ્તારો.૧૭

 

આ પૃથ્વી પર અનેક ભક્તો અષ્ટાંગયોગની સાધના કર્યા વિના પણ જેમની દૃષ્ટિ માત્રથી પણ નિશ્ચે સમગ્ર સમાધિસિદ્ધિમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરેલી છે, એવા મહા સામર્થી સભર ભગવાન શ્રીહરિ મારું સમગ્ર મંગલ વિસ્તારો.૧૮

 

(આ પ્રમાણે કથાના પ્રારંભ પૂર્વે શ્રીહરિનાં ચરિત્રોનાં સ્મરણ પૂર્વકનું મંગલાચરણ કરી સુવ્રતમુનિ પ્રતાપસિંહ રાજાને હવે આ સત્સંગિજીવનની સંપૂર્ણ કથા સંભળાવવાનો પ્રારંભ કરે છે.)


હિમાલય વર્ણનઃ- આ પૃથ્વી પર તેમાં પણ આ ભારત દેશની ઉત્તરદિશામાં નગાધિરાજ હિમાલય નામનો મહાન પર્વત આવેલો છે. તે હિમાલય વિશાળ અને ઊંચા રાજમહેલ સરખી ગુફાઓ તથા ઊંચા ચાંદીના ઢગલા જેવી શ્વેત કાંતિથી શોભે છે.૧૯

 

આ હિમાલય કોઇ ભાગમાં કાજળના ઢગલા જેવો કાળો તો કોઇ ભાગમાં સુવર્ણ જેવી સોનેરી શિખરોવાળો છે. તેમજ અનેક પ્રકારની રંગબેરંગી ચિત્રવિચિત્ર શોભાને ધારી રહ્યો છે.૨૦

 

આ હિમાલયમાંથી નિર્મળ જળવાળી, કલકલ કરતાં અનેક ઝરણાંઓમાંથી ઉદ્ભવેલી તેમજ ઉછળતા તરંગોથી શબ્દ ધ્વનિ કરતી સેંકડો નદીઓ વહી રહી છે. એ નદીઓના કિનારા રાજહંસ અને સારસ પક્ષીઓથી શોભી રહ્યા છે.૨૧

 

આ હિમાલય ચારે બાજુ ઊભેલાં ધાવડો, કેવડો, ગુલગુલા, રાતો રોહિડો, અર્જુન, મોગરો, કદમ્બ, નાળિયેરી, વડ, બીલીપત્ર, પીપળો, દાડમી, તાડ, તમાલ, સાગ, બપોરીયા આદિક અનેક વૃક્ષોથી શોભી રહ્યો છે.૨૨

 

તેમજ ચારે તરફ ઊભેલાં દેવદારુ, વરણો, આસોપાલવ, બોરસળી, આંબા, ચંપા, ફણસ, કેળ વિગેરે ફળપ્રધાન અને કેટલા પુષ્પ પ્રધાન વૃક્ષોથી પણ આ હિમાલય અતિ રમણીય ભાસે છે.૨૩

 

વળી આ હિમાલય ખીલેલાં પુષ્પોરૂપી નેત્રથી પૂજનીય અતિથિઓને જાણે નિહાળતો હોય ને શું ! વાયુના વેગથી ચાલતી વૃક્ષની ડાળીઓરૂપી હાથના હેલકારાથી અને ટહુકા કરતી કોયલોના મધુર શબ્દોથી જાણે અતિથિ પુરુષોને પોતાની સમીપે બોલાવતો હોયને શું ! તથા દર્ભવડે અતિથિઓને આસન આપતો હોયને શું ! તથા ફળમૂળ આદિ ભક્ષ્ય પદાર્થો વડે અતિથિઓને તૃપ્ત કરતો હોયને શું ! તેમ ભાસે છે.૨૪


આ હિમાલયમાં રુરુ નામનાં મૃગલાંઓ, પાડાઓ, વાનરો, વરાહો, શેઢાઇઓ, રીંછો, ગેંડાઓ, તેમજ કુકડાઓ, મોર અને ચાતક આદિક ભાતભાતનાં રંગબેરંગી ચિત્રવિચિત્ર પશુ પક્ષીઓના સમૂહો નિવાસ કરીને રહે છે.૨૫

 

આ હિમાલય હાથીઓના શબ્દધ્વનિ, ખળખળ વહેતાં ઝરણાઓનો ધ્વનિ, ગંધર્વોની વીણાવાદનનો ધ્વનિ, મુનિઓના મુખમાંથી નિકળતા વેદમંત્રોનો ધ્વનિ, ઘુઘવાટા કરતી ગંગાના પ્રવાહનો ધ્વનિ અને પક્ષીઓના કલરવના ધ્વનિથી અતિશય ગુંજી રહ્યો છે.૨૬


બ્રહ્માજીએ આ હિમાલયની પહેલાંથી જ સર્વ પર્વતોના રાજાધિરાજ પર્વતરાજ તરીકે નિમણુંક કરી છે. આ હિમાલયના પેટાળમાંથી અમૂલ્ય રત્નો નિપજે છે, આ હિમાલય ભગવાન ભોળાનાથ આદિ અનેક યોગીઓનો આવાસભૂત છે.૨૭

 

સત્યલોકમાંથી નીચે ઊતરી આવેલી, વિરાટ બનેલા ભગવાન વામન નારાયણના શ્રીચરણોના સ્પર્શથી દિવ્ય બનેલી અને ત્રણ માર્ગે વહેતી પાવનકારી નદી ગંગાજી, એક વસ્વૌકસારા, બીજી નલિની, ત્રીજી પાવની, ચોથી સરસ્વતી, પાંચમી જમ્બુ, છઠ્ઠી અલકનંદા અને સાતમી સીતા આ પ્રમાણેની સાત ધારાઓ આ હિમાલયમાંથી વહી રહી છે.૨૮-૨૯


બદરિકાશ્રમનું વર્ણનઃ- આવા પાવનકારી પર્વતરાજ હિમાલયમાં સાક્ષાત્ શ્રીપુરુષોત્તમ ભગવાનના અવતારરૂપ, સંસારી જીવો ઉપર દયા કરીને ઋષિરૂપ ધારી રહેલા ભગવાન શ્રીનરનારાયણનો આશ્રમ આવેલો છે. સ્વયં અક્ષરધામ જ પોતાનું મૂળ સ્વરૂપ ઢાંકીને પોતાના પ્રિયતમ ભગવાન શ્રીહરિની સેવા કરવા માટે જાણે બદરિકાશ્રમ સ્વરૂપે પ્રગટ થયું હોય તેમ ભાસે છે, અને દર્શનમાત્રથી આ આશ્રમ ત્યાં આવેલા સર્વને અતિશય સુખ આપે છે.૩૦

 

આ દિવ્ય બદરિકાશ્રમમાં બોરડીના વૃક્ષોમાં લટકતાં સુમધુર રસભરેલ સ્વાદિષ્ટ ફળોનાં ઝુમખાંઓ ભગવાનનાં દર્શન કરવા આવતા મુક્તોના હૃદયકમળમાં કમંડલોની ભ્રાંતિ ઉપજાવે છે.૩૧

 

આ આશ્રમમાં અનેક વૃક્ષોના નીચે એકાંતસ્થળમાં બેઠેલા મહર્ષિઓ ભગવાન નારાયણઋષિના મુખેથી સાંભળેલા વેદના રહસ્યનું પોતાના મનમાં વારંવાર મંથન કરે છે.૩૨


આ આશ્રમમાં વસતાં સસલાં, ઉંદર, હરણાં અને પક્ષીઓ દયા સાથે મુક્તાત્માઓથી સુંદર શિક્ષણ પામેલાં ઋષિમુનિઓનાં જાણે બાળકો હોય ને શું, તેમ અચળપણે ભગવાન નારાયણનું ચિંતવન કરે છે.૩૩

 

જેમ સિંહ થકી ભય પામેલા હાથીઓ સિંહ રહેતા હોય ત્યાં જવાને સંકલ્પ પણ કરતા નથી, તેમ મનુષ્યોના મનને તપાવનારા કામ, ક્રોધાદિ અંતઃશત્રુઓ રૂપી મદોન્મત્ત હાથીઓ ભગવાન નારાયણથી ભયપામી મુક્ત પુરુષોના ધામરૂપ આ બદરિકાશ્રમમાં મનથી પણ પ્રવેશ કરવા સમર્થ થતા નથી.૩૪

 

મનમાં રહેલા ત્રિવિધ તાપની શાંતિ માટે, ચારે બાજુના અન્ય આશ્રમોમાં વસતા મુમુક્ષુઓ જ્યારે આ આશ્રમમાં આવે છે ત્યારે ભગવાન શ્રીનારાયણના મુખમાંથી વરસતા વચનામૃતના પાનથી ત્રિવિધ તાપથી મુક્ત થઇ બ્રહ્માનંદના સુખે સુખીયા થઇ વિચરણ કરે છે.૩૫

 

જ્યારે સિંહ આદિ હિંસક પશુઓ પ્રવેશ કરે છે ત્યારે પોતાની પરસ્પરની સહજ વૈરવૃત્તિને છોડી નિષ્કામી મુનિઓની જેમ ઋષિવૃત્તિ ધારણ કરી સર્પ નોળિયાની સાથે, હાથીઓ સિંહની સાથે, ઉંદર બિલાડાની સાથે અને શિયાળ વરુઓની સાથે, તેમજ ઘુવડ કાગડાની સાથે અને હરણાં દીપડાની સાથે કામ ક્રોધાદિ દોષોથી રહિત થઇ વિચરણ કરે છે. કારણ કે આ આશ્રમમાં તે દોષોનો પ્રવેશ નથી.૩૬-૩૭


આ આશ્રમમાં સ્વચ્છ જળવાળી, દર્શન માત્રથી સમગ્ર પાપના સમૂહોને ધોનારી, ચંદ્રના સરખી શ્વેત કાન્તિવાળી અને પહોળા પટવાળી પવિત્ર વિષ્ણુપદી ગંગા નદી વહે છે. આ આશ્રમમાં ગંગાના નિર્મળ જળથી ધોઇ વૃક્ષોની શાખાઓ પર સૂકવેલાં મુનિઓનાં કૌપીન, કંથા અને વલ્કલોને વાયુ પણ 'આ મારાથી અપવિત્ર તો નહિં થઇ જાય ને ?' એવી શંકા સાથે સ્પર્શ કરે છે.૩૮-૩૯

 

રાત્રી દિવસ આ બદરિકાશ્રમનું સેવન કરતા બ્રહ્મસ્થિતિને પામેલા પરમહંસો સૂર્ય અને અગ્નિ સરખા ઉજ્જવળ કાંતિવાળા છે, જિતેન્દ્રિય અને તપોનિષ્ઠ છે, રુરુ નામના મૃગચર્મને ધારણ કરનારા તે ત્રિકાળદર્શી છે.૪૦


અનંત જન્મના પુણ્ય રહિત પુરુષોને આ આશ્રમની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. જે બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને જ એક આશ્રય માટે પ્રાપ્ય છે. અહીં રહેનારના પોતે ઇચ્છેલા સર્વ મનોરથો પૂર્ણ થાય છે. આ આશ્રમ શીકાઓમાં લટકાવેલ જળકઠારી અને ઘડાઓથી અતિશય શોભી રહ્યો છે, આવા આ આશ્રમનાં દર્શન માત્રથી મુનિઓના પરિશ્રમને હરી લે છે.૪૧

 

આ આશ્રમમાં ભગવદ્ પૂજન કરનારા મુનિઓ દ્વારા ઠેકઠેકાણે મૂકી રાખેલી સુગંધીમાન પુષ્પોની ઢગલીઓ નજરે પડે છે. સ્વતઃસિદ્ધ અતિશય પ્રકાશમાન આ આશ્રમમાં વસતા મુનિઓને રાત્રીનો અંધકાર પણ બાધ કરી શકતો નથી.૪૨

 

આ આશ્રમમાં અંગે સહિત ચાર વેદને જાણનારા, જટાધારી અને તપથી શરીરને કૃશ કરી નાખનારા વલ્કલ વસ્ત્રધારી પવિત્ર મુનિઓની પવિત્ર ભસ્મોથી ભરપૂર એવી અસંખ્ય અગ્નિશાળાઓ આવેલી છે.૪૩

 

મુનિઓની જીવનચર્યાઃ- આ આશ્રમમાં કેટલાક વાનપ્રસ્થ મુનિઓ એકવાર જ વાયુભક્ષણ કરીને રહે છે. કોઇ માત્ર જળપાન કરીને, તો કોઇ વરાળનું પાન કરીને તપ કરે છે, કોઇ ફીણનું ભક્ષણ કરીને તો કોઇ ચંદ્રના કિરણોનું પાન કરી તપ કરે છે, અને કેટલાક માત્ર ધૂમનું પાન કરી તપ કરે છે.૪૪

 

આ આશ્રમમાં તપ કરતા કેટલાક ઋષિમુનિઓ જીર્ણ વસ્ત્રો, મૃગચર્મ, વૃક્ષનાં પત્રો અને વલ્કલ વસ્ત્રોને ધારણ કરે છે. તો કેટલાક મુનિ ઘાસમાંથી બનાવેલી કંથા ધારણ કરે છે, કોઇ મુનિ પથ્થરથી કૂટેલાં અન્ન તથા ફળનું ભક્ષણ કરે છે. તો કોઇ મજબૂત દાંતવાળા મુનિઓ માત્ર દાંતથી ચાવીને જ ભોજન કરવાના આગ્રહવાળા છે.૪૫

 

આ આશ્રમમાં રહી તપ કરતા કેટલાક ઋષિમુનિઓ પીપળાની પીપરીનો આહાર કરે છે, કોઇ મુનિ પાણીમાં બેસી જપ કરે છે, તો કોઇ પંચવિષયોનો ત્યાગ કરી ઉપર આકાશવાળી ખુલ્લી જગ્યામાં બેસવારૂપ અભ્રાવકાશવ્રતને આચરી જપ ને તપ કરે છે.૪૬

 

આ રીતે ભગવાન નારાયણઋષિને વિષે પ્રેમની અભિવૃદ્ધિ કરવા સાંસારિક વિષયોના આસ્વાદ છોડી તપથી શરીરને દુર્બળ કરનારા નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતને ધરી રહેલા સમસ્ત ઋષિમુનિઓ આ આશ્રમમાં વિલસતા ભગવાન નારાયણઋષિનું હૃદયમાં હમેશાં ચિંતવન કરે છે.૪૭


આ બદરિકાશ્રમમાં નિવાસ કરતા ઋષિમુનિઓ અતિ ઉત્સાહપૂર્વક આકાશમાર્ગે કૌંચ પક્ષીઓના સમુદાયની પેઠે ભેળા થઇ ધનુષમાંથી નીકળેલા બાણથી પણ અધિક વેગવાળા થઇ ઉચ્ચે સ્વરે ભગવાન શ્રીનરનારાયણના મંત્રનો જાપ કરતા થકા સત્યસ્વરૂપ, અમૃતસ્વરૂપ અને અતિશય પ્રકાશમાન એવા શ્વેતદ્વિપધામમાં રહેલા ભગવાન શ્રીવાસુદેવ નારાયણનાં દર્શન કરવા માટે પ્રતિદિન જાય છે.૪૮

 

અને તેવી જ રીતે શ્વેતદ્વિપ ધામવાસી નિરન્નમુક્તો પણ કૌંચ પક્ષીઓના સમુદાયની જેમ ભેળા મળીને આકાશમાર્ગે સામા મળતા બદરિકાશ્રમવાસી મુક્તોને નમસ્કાર કરી, જય શ્રીવાસુદેવ! જય શ્રીવાસુદેવ! કહીને શ્રીનરનારાયણ ભગવાનનાં દર્શન કરવા નિત્યે બદરિકાશ્રમ પ્રત્યે આવે છે.૪૯

 

બદરીવિશાલાનું વર્ણનઃ-આ બદરિકાશ્રમમાં નિવાસ કરતાં પશુ, પક્ષી, સર્પ અને ભીલ આદિ મનુષ્યો પ્રાતઃકાળે ભગવાનનાં દર્શન સિવાયની બધી ક્રિયાનો ત્યાગ કરી, હમણાં જ આપણા ભગવાન શ્રીનારાયણ અહીંથી પ્રસાર થશે, એવી અતિ ઉત્કંઠાવાળા થઇ આગમનના માર્ગમાં ઊંચાં મુખ રાખી પંક્તિબદ્ધ ઊભી પતિતપાવની ગંગાજી તરફ જતા ભગવાન શ્રીનારાયણનાં દર્શન કરે છે. અને સ્નાન કરી ભગવાન પાછા પધારે ત્યારે પુનઃ દર્શન કરી પરમ સુખનો અનુભવ કરે છે.૫૦

 

આ બદરિકાશ્રમમાં મચ્છર આદિ ઉપદ્રવી જંતુઓ રહિત, હરિયાળી અને સમતળ એવી મૃદુભૂમિમાં વિશાલા નામની બોરડી ઉગેલી છે. તેની આસપાસ પંક્તિબદ્ધ ઉગેલાં વૃક્ષોથી, ચીંકણાં ચળકતાં કોમળ પાંદડાંઓથી અને લટકતાં સુમધુર પાકેલાં બદરીફળોથી વિશેષ શોભી રહી છે.૫૧

 

ચારેબાજુ રહેલાં નિત્ય પુષ્પ, ફળ અને દળવાળાં પારિજાતનાં વૃક્ષોથી વિંટાયેલી આ બદરીવિશાલા નીચે બેસનારા સાધકને ક્યારેય ભૂખ, તરસ, ટાઢ, તડકો આદિ શારીરિક દોષો સ્પર્શ કરી શકતા નથી. ભગવાનના નિવાસને કારણે સર્વશ્રેષ્ઠપણાને પામેલી આ બોરડીનું પણ સાધકો ચંદન પુષ્પ અને હોમાદિક ક્રિયાથી પૂજન અર્ચન કરે છે.૫૨

 

આ બોરડીની વિશાળ શાખાઓ અતિસુંદર અને ચળકતી છે. આ બોરડીમાં એક પણ કાંટો નથી, તેથી અતિ સુંદર મનોહર લાગે છે. આ બોરડી સતત ઝરતા મધુર રસવાળી અને દર્શનમાત્રથી પાપીઓનાં પાપને સમાવનારી દિવ્ય છે.૫૩

 

જેની શાખાઓ ઉપર બેસી પક્ષીઓ મધુર કલરવ કરે છે, ઇન્દ્રાદિ દેવતાઓ આનું નિત્ય સેવન કરે છે. આ બોરડીની ઘાટી છાયા આશ્રય કરવા યોગ્ય હોવાથી નારદ આદિક ઋષિમુનિઓ એમને વિશાલા નામથી સંબોધે છે.૫૪


આવા બદરિકાશ્રમને વિષે જ્ઞાનવિજ્ઞાન સંપન્ન, ભક્તોમાં અગ્રેસર અને સિદ્ધદશાને પામેલા ઉદ્ધવજી ભગવાન શ્રીકૃષ્ણના આદેશથી નિત્ય નિવાસ કરીને રહે છે.૫૫

 

આ આશ્રમમાં વૈહાયસ નામનો ધરો આવેલો છે. આ આશ્રમમાં મરુત આદિ રાજર્ષિ દેવતાઓ પણ નિવાસ કરે છે. તેમજ અશ્વશિરા નામના ઋષિ શાશ્વત વેદોનો નિત્ય પાઠ કરે છે.૫૬

 

પૂર્વે વેદપારંગત વૃત્રાસુરનો વધ કરવાથી લાગેલી બ્રહ્મહત્યાના નિવારણને માટે ઇન્દ્ર મહારાજાએ દશહજાર વર્ષ પર્યંત આ આશ્રમને વિષે તીવ્ર તપશ્ચર્યા કરી હતી.૫૭

 

દેવર્ષિ નારદજી થકી સાંખ્યયોગ અને પંચરાત્રનો ઉપદેશ પામેલા સૂર્યપુત્ર સાવર્ણિમનુ આ આશ્રમમાં રહી ભાગવતધર્મનું અનુષ્ઠાન કરે છે અને સાક્ષાત્ નારાયણ ભગવાનનું પ્રેમ પૂર્વક ભજન કરતા થકા તપ કરે છે.૫૮

 

આ આશ્રમમાં સ્વયં ભગવાન શ્રીનરનારાયણદેવ પણ ભરતખંડવાસી ભક્તજનોના આત્યંતિક કલ્યાણને અર્થે નિત્ય દુષ્કર તપ કરે છે.૫૯

 

કલ્યાણમૂર્તિ તેમજ સમસ્ત જગતના સ્વામી એવા સાક્ષાત્ ભગવાન શ્રીનારાયણનો આ આશ્રમ હોવાથી કળિયુગ પોતાનું સામર્થ દેખાડવા ક્યારેય પણ સમર્થ થતો નથી.૬૦

 

ભગવાનના અખંડ ધ્યાનથી ઉત્પન્ન થયેલા આનંદથી મનમાં પરમ સુખને પામેલા અને ભગવાન શ્રીનરનારાયણની અખંડ સેવાપરાયણ એવા નારદમુનિ પણ આ આશ્રમમાં નિવાસ કરીને રહે છે.૬૧

 

ભગવદ્ રસને માણનારા રસજ્ઞા ભક્તો બ્રહ્મપદ કે ઇન્દ્રપદના મહાસુખને પણ આ બદરિકાશ્રમના એક અલ્પ સુખની તોલે પણ ગણતા નથી.૬૨


એવા આ બદરિકાશ્રમમાં ભગવાનના ભક્તિરસને માણનારા અસંખ્યાત મુક્તો અને મુમુક્ષુઓના સમૂહો તથા દેવતાઓ નિવાસ કરીને રહે છે. તેમજ દૃષ્ટિમાત્રથી આ આશ્રમ દર્શન કરનારા મનુષ્યોનાં પાપને હરે છે, એવો આ બદરિકાશ્રમ સમગ્ર ધરતીને શોભાવે છે, અર્થાત્ આ આશ્રમના કારણે ધરતી પોતાને કૃતાર્થ માને છે.૬૩


આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં બદરિકાશ્રમનું વર્ણન કર્યું એ નામે ચોથો અધ્યાય પૂર્ણ થયો. --૪--