અધ્યાય - ૫ - બદરિકાશ્રમમાં ઋષિઓનું આગમન.

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:09pm

અધ્યાય - ૫ - બદરિકાશ્રમમાં ઋષિઓનું આગમન.

બદરિકાશ્રમમાં ઋષિઓનું આગમન, મહિમા સાથે પ્રથમ ગંગાસ્નાન, સંત અને સત્સંગનો મહિમા.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! એક સમયને વિષે ''સર્વે મુનિઓ મારાં દર્શન કરવા અહીં પધારે.'' આ પ્રમાણે ભગવાન શ્રીનારાયણે હૃદયથી યાદ કરેલા મરીચિ આદિ મુનિઓ ભગવાન શ્રી નરનારાયણનાં દર્શન કરવાને અર્થે બદરિકાશ્રમમાં પધાર્યા.૧

પૃથ્વી પરનાં વિવિધ તીર્થોની યાત્રા કરી જગદ્ગુરુ ભગવાન શ્રીનારાયણનાં પ્રત્યક્ષ દર્શન કરી તીર્થયાત્રાનાં સંપૂર્ણ ફળને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી સર્વે મુનિઓ બદરિકાશ્રમને વિષે પધાર્યા.૨

મરીચિ, વસિષ્ઠ, અત્રિ, એકત, દ્વિત, ત્રિત, કશ્યપ, ભરદ્વાજ, શાકલ્ય, ભૃગુ, અંગિરા, હારિત, ગૌતમ, કણ્વ, યાજ્ઞાવલ્ક્ય, પરાશર, શિંશપાયન, ઔર્વ, વિશ્વામિત્ર, આસુરિ, સંવર્ત, બભ્રુ, મૈત્રેય, બૃહદશ્વ, લોમશ, ઉતથ્ય, ઇન્દ્રપ્રમિતિ, વૈશંપાયન, દેવલ, પુલસ્ત્ય, પુલહ, ગર્ગ, શક્રિ, વોઢુ, બૃહસ્પતિ, વામદેવ, પંચશિખ, પ્રચેતા, કર્દમ, ક્રતુ, જૈગીષવ્ય, સુમંતુ, વાલ્મીકિ, ચ્યવન, અરુણિ, કાત્યાયન, જરત્કારુ, આસ્તીક, વિભાંડક, ઋષ્યશૃંગ, શરદ્વાન, શમીક, જૈમિનિ, યતિ, અષ્ટાવક્ર, પાણિની, માણ્ડવ્ય, શાકટાયન, કૃષ્ણાત્રેય, સ્થૂલશિરા, શુનક, ગાર્ગ્ય, તિત્તરિ, કાલવૃક્ષીય, ઉત્તંક, નાચિકેત, માઠર, મૌંજાયન, પર્ણાદ, બૃહદગ્નિ, પર્વત, જાતૂકર્ણ્ય, ઋચીક, હરિશ્મશ્રુ, અંશુમાન, વૈતંડી, ક્ષારપાણી, કઠ, તાંડય, ગાલવ, અગ્નિવેશ્ય, કૌંડિન્ય, શાંડિલ્ય, ભાલુકી, શ્વેતકેતુ, વિપુલ, મંકિ, ગૌરશિરા, ભાંડાયનિ, જયંત, માંડૂકેય, શાર્કર, કણાદ, કવષ, પૈલ, પિપ્લાયન, ભાગુરિ, કક્ષીવાન્, ઇદ્મવાહ, વત્સ, ગૌરમુખ, જાબાલી, ઉપમન્યુ, શુક્ર, વેદશિરા, મેધાતિથિ, આર્ષ્ટિષેણ, અથર્વા, ઇન્દ્રપ્રમદ, કુશિક, નરદ, શંખ, લિખિત, સુતપા, શુક, પ્રાણ, દાલ્ભ્ય, વીતહવ્ય, સાવર્ણ્ય, ઉદ્દાલક, સાવેતસ, વૈતહવ્ય, સાવર્ણિ, ભાર્ગવ, ગોભિલ, જાજલિ, યાસ્ક, કાશ્યપ, વાત્સ્ય, નૈધ્રુવ, સૌભરી, શોનક, અગસ્ત્ય, મુદ્ગલ, સૈંધવાયન, સારસ્વત, ભૂરિષેણ, દેવરાત, અકૃતવ્રણ વિગેરે એકસો ઓગણચાલીસ મુનિઓ પોતાના શિષ્યમંડળને સાથે લઇ બદરિકાશ્રમમાં પધાર્યા. તથા બીજા પિપ્લાદ આદિ મુનિઓ પણ કૈલાસ પર્વતની સમીપે રહેલા બદરિકાશ્રમને વિષે ભગવાન શ્રીનરનારાયણના આશ્રમમાં પધાર્યા.૩-૧૮


મહિમા સાથે પ્રથમ ગંગાસ્નાનઃ- બદરિકાશ્રમમાં પધારેલા મુનિઓએ તે આશ્રમની સમીપમાં જ વહેતી ભાગીરથી ગંગાનાં દર્શન કર્યાં. શ્વેત જળવાળી, આ ગંગાના તરંગો પ્રાતઃકાળે સૂર્યનાં કિરણોથી ચળકે છે. આ ગંગા ઊંચે ઉછળતા તરંગોના ઘોષથી દશે દિશાઓને ગજાવે છે, તથા આ ગંગાજી સગર રાજાના ભસ્મીભૂત થયેલા સાઠહજાર પુત્રોને મુક્તિ આપનારી છે.૧૯


ભગવાન શ્રીનારાયણનાં નિત્ય સ્નાનથી આ ગંગાજી અતિ પવિત્ર છે, એટલા જ માટે આ ગંગાનું દર્શન અને સ્મરણ કરવા માત્રથી જન્માંતરોનાં સમગ્ર પાપના સમૂહનો વિનાશ થાય છે, તો પ્રત્યક્ષ જલસ્પર્શ કરવાથી પાપ દૂર થાય તેમાં શું કહેવું ? ગંગાજીના નામનું ઉચારણ કરવા માત્રથી દૂર વસતા મનુષ્યોનાં પણ પાપ નાશ પામે છે.૨૦

ગંગાજીના સંબંધ માત્રથી કીકટ આદિ અનાર્ય દેશો પણ તાત્કાલિક સાધુજનોને સેવવા યોગ્ય અને પાવનકારી પુણ્યક્ષેત્ર થયા છે. અને ગંગાજીના સંબંધ વિનાના પ્રદેશો તો મહાસંપત્તિથી ભરપૂર હોવા છતાં પણ પાણી વગરની નદીની સમાન નક્કી ઘૃણાને પાત્ર જણાય છે.૨૧


આવાં ગંગાજીના સેવનથી આલોકમાંથી મનુષ્યને જેવી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. તેવી નાના પ્રકારનાં વ્રત તપ અને યજ્ઞાયાગાદિકે કરીને પણ થતી નથી. તેમજ ચાંદ્રાયણ વ્રત, મંત્ર પુરશ્ચરણ તથા તીર્થાટન વગેરે સાધનોના અનુષ્ઠાનથી જેવી શરીરની શુદ્ધિ થાય છે, તેવી શુદ્ધિ તો આ ગંગાજીનાં પવિત્ર જળના માત્ર એક બુંદ આચમની લેવાથી થાય છે.૨૨

અનેકવિધ યજ્ઞાયાગાદિ પૂણ્યકર્મ કરવાના પરિશ્રમ વિના પણ પાપાત્મા મનુષ્યો એકવારના આ ગંગાજીના સેવનથી જ સૂર્યની કાંતિ સરખા પ્રકાશમાન વિમાનમાં બેસી તત્કાળ સ્વર્ગે સીધાવે છે. અને તેથી જ આ ગંગાજી સમાન અન્ય કોઇ પણ શ્રેષ્ઠ નદી નથી.૨૩

આ ગંગાજી જગદંબા પાર્વતી દેવીની સાથે બિરાજતા મહેશ્વર ભગવાન શિવજીના જટામુકુટના આભૂષણરૂપ છે. શિવજી પણ પોતાની પવિત્રતા માટે સદાયને માટે પોતાના મસ્તક ઉપર ધારી રાખે છે, તેમજ ઇન્દ્રે સહિત દેવતાઓ અને દેવગણો નિરંતર આ ગંગાજીનું સેવન કરે છે. અને મુક્તભાવને પામેલા મુનિજનો અને મુક્તિની ઇચ્છાવાળા મુમુક્ષુઓને પણ સેવવા યોગ્ય છે. વળી આ ગંગાજી સકલ મનોરથને સિદ્ધ કરનારી હોવાથી સાંસારિક સમગ્ર ભોગની ઇચ્છાવાળા સકામી મનુષ્યોએ પણ નિરંતર સેવવા યોગ્ય છે.૨૪

અરે !!! કોઇ અન્ય સ્થળને વિષે મૃત્યુ પામેલા પુરુષનું અસ્થિ માંસભક્ષી પક્ષીના મુખમાંથી આ ગંગાજીના પવિત્ર જળને વિષે પડે તો પણ તેનો જીવ તે જ ક્ષણે દેવલોકની પદવીને પ્રાપ્ત કરે છે. તો પછી આ ગંગાજીના જળનું પ્રત્યક્ષ સેવન કરનારા મનુષ્યો સ્વર્ગના સુખને પ્રાપ્ત કરે તેમાં તો કહેવું જ શું ? ૨૫ કારણ કે સકલ પુણ્યના નિધિ ભગવાન શ્રીનારાયણ તનુ આદિ મુનિઓની સાથે આ ગંગાજીના જળને વિષે હમેશાં જળક્રિડા કરે છે, માટે આવાં ગંગાજીનાં મહિમાનું વર્ણન કરવા આ ધરતીપર કોણ સમર્થ થઇ શકે ?.૨૬

માટે જ મરીચ્યાદિક મુનિઓએ શાસ્ત્રોક્ત વિધિથી આ ગંગા નદીમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કર્યું, ત્યારબાદ પ્રાતઃકાલીન સંધ્યાવંદન આદિ નિત્ય કર્મની સમાપ્તિ કરી ભગવાન શ્રીનારાયણનાં દર્શન કરવા તે વિશાલા નામની બોરડીની સમીપે આવ્યા છે.૨૭

મરિચ્યાદિ મુનિઓને ગગનચુંબી વિશાલા નામથી પ્રસિદ્ધ બોરડીના વૃક્ષ નીચે વેદિકા ઉપર વિરાજમાન થયેલા ભગવાન નરઋષિનાં પ્રથમ દર્શન થયાં.૨૮

તે ભગવાન નરની સુવર્ણ સમાન ઉજ્જવલ કાંતિ હતી. તેમના મસ્તક ઉપર જટાજૂટનો મુકુટ શોભતો હતો. આશ્રમ નિવાસી મુનિઓએ પૂજામાં અર્પણ કરેલા પુષ્પના તોરાઓ ધારણ કર્યા હતા, ભાલને વિષે શ્વેત ઉર્ધ્વપુંડ્ર તિલક શોભતું હતું, કંઠમાં તુલસીની માળા ધારી હતી, આ રીતે શ્વેતવસ્ત્રધારી શ્રીનર ભગવાન શોભી રહ્યા હતા.૨૯

તથા કવિ, હરિ, અંતરિક્ષ, પિપ્લાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ, કરભાજન આ નવ મહાયોગેશ્વરો તથા કલાપગ્રામવાસી તનુઆદિ મુનિઓની સાથે શ્રીનરભગવાન બેઠા હતા.૩૦-૩૧

તે દ્વિભુજ નવીન મેઘની સમાન શ્યામ, વર્ણિવેશને ધરી રહેલા, તપશ્ચર્યાથી શરીરને કૃશ કરનારા તથા પ્રસન્ન મુખકમળવાળા નરભગવાનનાં દર્શન કરી મરિચ્યાદિ મુનિઓ અતિ હર્ષને પામ્યા.૩૨

ત્યારપછી જગતના ગુરુ અને બ્રહ્મવાદીઓમાં અગ્રેસર એવા નરઋષિએ પોતાને અત્યંત વ્હાલા આવા સંતોનાં દર્શન થતાંની સાથેજ સહર્ષ ઊભા થઇ સન્મુખ જઇ સંતોને નમસ્કાર કર્યા અને તે મરિચ્યાદિ મુનિઓ પણ અતિ હર્ષભેર સામે દોડી નરભગવાનને બાથમાં ઘાલી ભેટીને તેમના સત્કારનો પણ આદર કર્યો.૩૩

મુનિઓના સત્કારમાં નરભગવાને અર્પણ કરેલાં દર્ભ અને તૃણનાં આસન ઉપર મરીચ્યાદિ મુનિઓ બિરાજમાન થયા, ત્યારપછી પોતે સત્પુરુષોના પૂજ્ય હોવા છતાં નરભગવાને પાદ્ય અર્ઘ્ય વગેરે યથાયોગ્ય પૂજા સામગ્રીથી મુનિઓનું પૂજન કર્યું.૩૪

આ પ્રમાણે નરભગવાને દેશકાળને અનુસારે ઋષિઆનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો અને વિનયથી નમ્રભાવે મુનિઓની સમીપે પધારી તેઓને આ પ્રમાણે કહેવા લાગ્યા.૩૫


સંત અને સત્સંગનો મહિમાઃ- નરઋષિ કહે છે, હે સંતો ! આપનાં દર્શનથી આજ મને બહુજ આનંદ થયો. આ સંસારમાં સકલ પદાર્થો સુખેથી પ્રાપ્ત થઇ શકેછે પણ તમારા જેવા પવિત્ર સંતોનો સમાગમ મળવો અતિ દુર્લભ છે.૩૬

પવિત્ર સંતોમાં પણ તમે અતિ શ્રેષ્ઠ છો, કારણ કે તપોનિધિ ઋષિસ્વરૂપ આ પ્રગટ શ્રીનારાયણ ભગવાનને વિષે તમારી મતિ સ્થિર વર્તે છે. ભગવાનપણું ગુપ્ત રાખેલ હોવા છતાં તમે તેને ઓળખો છો.૩૭

મહા ઐશ્વર્ય સંપન્ન તેમજ બદરિવનવલ્લભ ભગવાન નારાયણ જેમના હૃદયમાં સદાય સાક્ષાત્ વિરાજતા હોય તેવા સત્પુરુષોને જ અમે સૌથી શ્રેષ્ઠ માનીએ છીએ.૩૮

તમે સર્વે મુક્ત પુરુષો દૃષ્ટિમાત્રથી જ મનુષ્યોને પાવન કરો છો. એટલાજ માટે આ સંસારને વિષે આસક્ત પુરુષોને તમારો સમાગમ પ્રાપ્ત થવો અતિશય દુર્લભ છે.૩૯

હે સંતો ! જેને આ ભવબંધન થકી છૂટવાનો સમય નજીક આવ્યો હોય તેને જ તમારા જેવા સત્પુરુષોનો સમાગમ પ્રાપ્ત થાય છે, અને તમારા સમાગમરૂપ સત્સંગથી શ્રીમન્નારાયણ ભગવાનના સ્વરૂપને વિષે મનુષ્યને ગાઢ પ્રીતિ થાય છે.૪૦

અને તે પ્રીતિના કારણે શરીર, ઘર, પુત્ર, સ્ત્રી આદિ પદાર્થોમાંથી આસક્તિનાં બંધનો તૂટે છે. પંચવિષયમાંથી બુદ્ધિ પાછી વડે છે. અને બ્રહ્માદિ દેવતાઓને પણ દુર્લભ એવા ભગવાનના અક્ષરધામને મનુષ્ય પામે છે.૪૧


આ પૃથ્વીપર તીર્થાટનના મિષથી વિચરણ કરનારા અને જીવાત્માઓને અભયદાન આપવારૂપ પરોપકાર કરનારા તેમજ ભગવાનના સ્વરૂપને વિષે મનની અખંડવૃત્તિ રાખનારા આપ જેવા સત્પુરુષોને હું કોની સાથે ઉપમા આપી શકું ?.૪૨

દયાળુ સ્વભાવના સંતો સહેજે પરોપકારી હોય છે, અને તેમાં પણ તમારા જેવા સાક્ષાત્ ભગવાનના ભક્તો તો નિશ્ચય અતિશય પરોપકારી છે.૪૩

હે ભગવાનને વહાલા સંતો ! તમે અત્યારે ઉત્તમ વેળાએ પધાર્યા છો. કારણ કે હમણાંજ અનંત જીવોનું કલ્યાણ કરનારા મહા ઐશ્વર્યશાળી ભગવાન નારાયણ ઋષિ તમને દર્શન આપશે.૪૪

કારણ કે પોતાના દર્શને પધારતા મુનિઓ અને દેવતાઓને હરહમેશાં ભગવાન નારાયણઋષિ આ અવસરે પોતાનાં દર્શનનો લ્હાવો આપે છે.૪૫

નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ નિત્ય કરવા યોગ્ય દેવપૂજા આદિ કર્મ સમાપ્ત કરી ભગવાન શ્રીનારાયણઋષિ આ સમયેજ અહીં દર્શન આપવા પધારે છે.૪૬ આ પ્રમાણે મધુરવાણીથી પોતાનો સત્કાર કરતા નરભગવાન પ્રત્યે તેમનો મહિમા જાણનારા મરિચ્યાદિ મુનિઓ પ્રસન્ન મને કહેવા લાગ્યા. હે ભગવાન નરોત્તમ ! અમે સર્વે ઋષિઓ તમને જગતના સ્વામી અને અનેક બ્રહ્માંડોના નિયંતા જાણીએ છીએ. ભગવાન નારાયણની સેવામાં સદાય તત્પર બની તપશ્ચર્યા કરનારા તમે ભગવાન શ્રીનારાયણની માફક જ ઇશ્વર છો, એ પ્રમાણે અમે તમને સમજીએ છીએ.૪૭-૪૯

સર્વેશ્વર તમે સર્વે દેવતાઓ અને મુનિઓને માનનીય, વંદનીય અને પૂજનીય છો. મૂળ એક સ્વરૂપ હોવા છતાં નર અને નારાયણ એમ બે સ્વરૂપે ભાસો છો.૫૦


હે નરભગવાન !મત્સ્ય, જવ, અંકુશ, વજ્ર, કળશ, કમળ, ઊર્ધ્વરેખા આદિ ચિહ્નોથી વિશિષ્ઠ એવાં ભગવાન શ્રીનારાયણનાં ચરણકમળવડે અંકિત થયેલી આ ભારતભૂમિના ભાગ્યનો કોઇ પાર નથી, પ્રતિદિન ભગવાન નારાયણની દૃષ્ટિ પામેલી આ વૃક્ષની પંક્તિઓને પણ ધન્ય છે. તેમજ અમે પણ ભક્તપ્રિય ભગવાનના આ બદરિકાશ્રમનાં દર્શન થવાથી મહાભાગ્યશાળી થયા છીએ.૫૧


આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં બદરિકાશ્રમમાં મરીચ્યાદિ મુનિઓનું આગમન અને નરભગવાનનાં દર્શનનું નિરૂપણ કર્યું એ નામે પાંચમો અધ્યાય પૂર્ણ થયો. --૫--