અધ્યાય - ૨૫ - ભગવાન શ્રીહરિના ગૂઢ સંકલ્પોથી અમદાવાદના ભક્તજનોએ મંદિર બાંધવાની કરેલી પ્રાર્થના.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 8:21pm

અધ્યાય - ૨૫ - ભગવાન શ્રીહરિના ગૂઢ સંકલ્પોથી અમદાવાદના ભક્તજનોએ મંદિર બાંધવાની કરેલી પ્રાર્થના.

ભગવાન શ્રીહરિના ગૂઢ સંકલ્પોથી અમદાવાદના ભક્તજનોએ મંદિર બાંધવાની કરેલી પ્રાર્થના. * અમદાવાદમાં મંદિર બાંધવા આનંદાનંદ સ્વામીનું આગમન. શ્રીહરિએ વાલ્મિકીરામાયણનું શ્રવણ કર્યું. નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરવા શ્રીહરિનું શ્રીનગરમાં આગમન. શ્રીહરિની ભવ્ય શોભાયાત્રા. શ્રીનરનારાયણ ભગવાનનો પ્રતિષ્ઠાવિધિ. શ્રીનરનારાયણ ભગવાનનો મહિમા.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિ શ્રાવણ મહિનાથી ગઢપુરથી ગયા પછી દેશાંતરમાં ફરી પાછા નવમે મહિને ચૈત્રમાસમાં ગઢપુર પધાર્યા છે. આવા સમાચાર સાંભળી દેશદેશાંતરથી હજારો ભક્તો ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા ગઢપુર આવવા લાગ્યા. સર્વે ચૈત્રવદ બારસને દિવસે શ્રીહરિનાં દર્શન કરી ખૂબજ આનંદ પામ્યા, ભગવાન શ્રીહરિએ તેઓનું સન્માન કર્યું, તેઓ આઠ દિવસ સુધી ગઢપુરમાં નિવાસ કરીને રહ્યા. શ્રીહરિએ વૈશાખસુદ અક્ષય તૃતીયાને દિવસે ચંદનયાત્રાનો મહોત્સવ પણ ઉજવ્યો.૧-૩

પછી સ્વસ્થ ચિત્તે પોતાના આસન ઉપર વિરાજમાન થયેલા ભગવાન શ્રીહરિની શ્રીનગરવાસી ભક્તજનોએ બે હાથ જોડી આદરથી પ્રાર્થના કરી કે, હે ભગવાન ! તમે કૃપા કરીને અમારા અમદાવાદ નગરમાં પધારો. કારણ કે ત્યાં મંદિર બાંધવાની અમારા સર્વે ભક્તજનોના મનમાં ઇચ્છા થઇ છે.૪-૫

અંગ્રેજ રાજાના ગવર્નરે અધિકાર આપેલા ગુજરાતના શાસનાધિકારી અને શ્રીનગરમાં નિવાસ કરતા શાસકે (કલેકટરે) મંદિર કરવાનું અનુમોદન કરેલું છે. અમે તેમની પાસે મંદિર બાંધવાની મંજૂરી માગી ત્યારે તેણે જલદીથી અહીં તમારૂં મંદિર કરો. એવું અનુમોદન આપ્યું છે. કારણ કે તે શાસકને તમારા ઉપર ખૂબજ પ્રેમ છે.૬

તેથી હે પ્રભુ ! શ્રીનગરમાં મંદિર બાંધવાનો અમારો મનોરથ છે તે તમે પૂર્ણ કરો. હે ભગવાન્ ! સંતોએ સહિત તમારી અમે ખૂબજ સેવા કરીશું.૭

હે રાજન્ ! આ પ્રમાણે શ્રીનગરનિવાસી ભક્તજનોએ પ્રાર્થના કરી તેથી ભક્તિધર્મનું પોષણ કરનારા સ્વયં શ્રીહરિએ તથાસ્તુ કહીને પ્રાર્થના સ્વીકારી તેથી સર્વે ભક્તજનો ખૂબજ હર્ષ પામવા લાગ્યા.૮

અને શ્રીહરિએ આનંદાનંદ મુનિને કહ્યું કે, હે મુનિ ! તમે અત્યારે આ ભક્તજનોની સાથે શ્રીનગર જાઓ.૯

ત્યાંના અંગ્રેજ નૃપતિ મંદિર કરવા માટે આપણને ભૂમિનું દાન કરશે. તે ભૂમિમાં શિલ્પશાસ્ત્રના નિયમાનુસાર મંદિર બંધાવજો.૧૦

મંદિર તૈયાર થઇ જાય ત્યારે અહીં દૂતને મોકલજો. હું ત્યાં આવીને શ્રીનરનારાયણ ભગવાનની સ્થાપના કરીશ.૧૧

અમદાવાદમાં મંદિર બાંધવા આનંદાનંદ સ્વામીનું આગમન :- હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું, ત્યારે સ્વામીએ કહ્યું કે, હે પ્રભુ ! તમે કહ્યું એ પ્રમાણે જ હું કરીશ. પછી શ્રીનગરના ભક્તજનો શ્રીહરિને પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે પ્રભુ તમે અવશ્ય પધારજો. એમ કહી આનંદાનંદ સ્વામી પોતાના મંડળની સાથે ગઢપુરથી શ્રીનગર જવા રવાના થયા.૧૨

શ્રીનગર આવી આનંદાનંદ સ્વામી પોતાના નિવાસને ઉચિત ભવનમાં સંતોના મંડળે સહિત ઉતારો કર્યો.૧૩

પુરવાસી ભક્તજનો સંતમંડળે સહિત આનંદાનંદ સ્વામીની યથાયોગ્ય જરૂરી સેવા કરવા લાગ્યા. ત્યાંના શાસનાધિકારી પણ આનંદાનંદ સ્વામીનાં દર્શને આવ્યા.૧૪

અને કહ્યું કે, હે મુનિ ! મંદિર કરવા માટે તમને જેટલા પ્રમાણમાં ભૂમિની ઇચ્છા હોય તેટલી ભૂમિ હું તમને આપું છું. તમે સ્વીકારો. અત્યારે આ બાબતમાં કોઇ તમને રોકનારો નથી.૧૫

હે રાજન્ ! આ પ્રમાણે કહ્યા પછી આનંદાનંદ સ્વામીએ તેણે આપેલી અને મનને ગમે તેવી રમણીય ભૂમિમાં અતિશય મજબૂત રમણીય વિશાળ મંદિર બંધાવ્યું.૧૬

તે વિશાળ મંદિરને ચતુર શિલ્પીઓએ સારી કળાથી શણગાર્યું, તે સમયે શ્રીનગરના સર્વે ભક્તજનો જે જોઇએ તે આદરપૂર્વક લાવી આપતા હતા.૧૭

હે રાજન્ ! આમ કરતાં શ્રીનરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠાને યોગ્ય મંદિર તૈયાર થયું, ત્યારે શ્રેષ્ઠ જ્યોતિષને પ્રતિષ્ઠાનું મુહૂર્ત પૂછી તેના દિવસનો નિર્ણય કર્યો.૧૮

પછી આનંદાનંદ સ્વામીએ શ્રીહરિને બોલાવવા માટે તેમજ મંદિર રચનાનું સમગ્ર વૃત્તાંત નિવેદન કરવા માટે બે સંતોને ગઢપુર મોકલ્યા.૧૯

શ્રીહરિએ વાલ્મિકીરામાયણનું શ્રવણ કર્યું :- હે રાજન્ ! આ બાજુ ગઢપુરમાં શ્રીહરિ પોતાના બન્ને ભાઇઓની સાથે વાલ્મિકી રામાયણ સાંભળવાની ઇચ્છાથી દ્વારિકાની યાત્રાએ ગયેલા તે બન્નેની પુનરાગમનની પ્રતીક્ષા કરતા હતા.૨૦

જેઠસુદ દશમી-દશેરાની તિથિએ સૂર્ય જ્યારે આકાશના મધ્ય ભાગમાં આવ્યા ત્યારે શ્રીહરિએ ગંગાપૂજનનો મહોત્સવ ઉજવી બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં.૨૧

અને પોતે સુવાસિની ભાભીના નિવાસ સ્થાને ભોજન કરવા પધાર્યા. અને આ બાજુ બન્ને ભાઇઓ દ્વારિકાપુરીથી ગઢપુર પધાર્યા.૨૨

હે રાજન્ ! જે પુરુષો તીર્થ કરીને પાછા પધારે ત્યારે તેમની સન્મુખ જવામાં બહુજ મોટું પુણ્ય થાય છે. એ રીતને જાણતા હોવાથી શ્રીહરિ બન્ને ભાઇઓની સન્મુખ જઇ આદરપૂર્વક બાથમાં ઘાલીને ભેટયા.૨૩

શ્રીહરિએ મોટાભાઇ રામપ્રતાપજીને નમસ્કાર કર્યા અને નાનાભાઇ ઇચ્છારામજીએ શ્રીહરિને નમસ્કાર કર્યા. પછી તેમના સ્વાગત સમાચાર પૂછી બન્ને ભાઇઓને થોડી વિશ્રાંતિ લેવડાવી.૨૪

તે બન્નેની સાથે ભોજન લેવા શ્રીહરિએ સ્નાન કર્યું ને બન્ને ભાઇઓને વિનોદનાં વાક્યોથી આનંદ આપતા તેમની સાથે ભોજન કર્યું. પછી બીજે દિવસે એકાદશીના રામચરિત્ર સાંભળવાનો પ્રારંભ કર્યો.૨૫

હે રાજન્ ! શ્રીહરિએ સંવત ૧૮૭૭ ના જેઠસુદ નિર્જલા એકાદશીથી પ્રારંભ કરીને પ્રતિદિન બન્ને ભાઇઓની સાથે વાલ્મીકિ રામાયણનું વિધિ સહિત શ્રવણ કર્યું.૨૬

અને સંવત ૧૮૭૮ના પોષસુદી એકાદશીની તિથિએ તેની સમાપ્તિ કરી. વસ્ત્ર, આભૂષણો તેમજ ધન અર્પણ કરી વક્તા પ્રાગજી પુરાણીનું પૂજન કરી સંતોષ પમાડયા. આ પ્રમાણે આઠ માસ સુધી રામાયણનું શ્રવણ કર્યું.૨૭

હે રાજન્ ! ત્યાર પછી ભગવાન શ્રીહરિએ પોષમાસની પૂર્ણિમાથી ચાંદ્રાયણ વ્રતનો પ્રારંભ કરી માઘમાસની પૂર્ણિમા સુધી પ્રતિદિન ભક્તજનોની સાથે ઉન્મત્તગંગામાં પ્રાતઃકાળે માઘસ્નાન કરવા જતા.૨૮

તે વ્રતને અંતે હજારો બ્રાહ્મણો તેમજ સંતોને ભોજન કરાવી તૃપ્ત કરી સ્વયં શ્રીહરિએ પારણાં કરી પોતાના આસન ઉપર આવીને બેઠા.૨૯

તે સમયે બન્ને સંતો શ્રીનગરથી આવીને શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને તેમની આગળ બેઠા. ત્યારે ભગવાન શ્રીહરિએ તે બન્ને સંતોને સ્વાગતાદિ પ્રશ્નો કરી સત્કાર કર્યો.૩૦

તેમાં પ્રથમ શ્રીહરિએ સંતોને ભોજન જમાડી પછી શ્રીનગરનું વૃત્તાંત પૂછયું. ત્યારે સંતોએ પણ સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું. સંતોનું વચન સાંભળી શ્રીહરિ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી શ્રીનગર જવાનો નિર્ણય કર્યો.૩૧

નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરવા શ્રીહરિનું શ્રીનગરમાં આગમન :- હે રાજન્ ! સંવત ૧૮૭૮ ના ફાગણસુદ તૃતીયાને દિવસે શ્રીનરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જાણી શ્રીહરિએ શ્રીનગર જવા માટે પોતાના સોમલાખાચર આદિ પાર્ષદોને તૈયાર થવાની આજ્ઞા કરી.૩૨

પોતાની સાથે શ્રીનગર આવવા તૈયાર થયેલી તેમજ અષ્ટપ્રકારે પુરુષના પ્રસંગનો ત્યાગ કરવારૂપ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી રહેલી જયાબા, લલિતાબા આદિ સ્ત્રીઓને શ્રીનગરમાં મનુષ્યોની ભીડને કારણે ત્યાં આવવું ઠીક નથી. એમ કહીને તેઓને ગઢપુરમાં રહેવાનું કહ્યું.૩૩

અને અમે સર્વે અહીં જલદી પાછા ફરીશું. એવું વચન આપી ભગવાન શ્રીહરિ મયારામભટ્ટ આદિ જ્યોતિષકારોએ બતાવેલા માઘવદ સાતમની તિથિના મુહૂર્તમાં દુર્ગપુરથી ચાલી નીકળ્યા.૩૪

હે રાજન્ ! શ્રીહરિએ સૂર્ય શુભ લગ્નમાં હતા ત્યારે જવા પ્રયાણ કર્યું. તે સમયે પૃથ્વીપતિ ઉત્તમરાજા, પોતાના રતનજી, ભગુજી આદિ બીજા હજારો પાર્ષદો તેમજ ક્ષત્રિય શ્રેષ્ઠ સોમ, સુરાદિ ઘોડેસ્વારોથી વીંટળાઇને વેગવાન ઘોડા ઉપર આરુઢ થઇ શ્રીહરિ પોતાના બન્ને ભાઇઓ તથા સર્વે સંતોની સાથે દુર્ગપુરથી શ્રીનગર જવા નીકળ્યા.૩૫-૩૬

માર્ગમાં આવતાં ગામોના ભક્તજનોના પૂજનનો સ્વીકાર કરતા શ્રીહરિ પોતાના પાર્ષદોની સાથે પાંચમે દિવસે શુભ એકાદશીની તિથિએ શ્રીનગર પધાર્યા.૩૭

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ નગરની સમીપના જ પ્રદેશમાં રહેલા કાંકરીયા તળાવની ચારે બાજુ ફરતે પોતાનો નિવાસ કર્યો. તે સમયે નગરવાસી ભક્તજનો તત્કાળ ત્યાં આવ્યા ને શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૩૮

તે ભક્તોમાં નથુરામ, હેમંતરામ, ગણપતભાઇ આદિ બ્રાહ્મણ ભક્તો હતા. તે અતિશય હર્ષ પામતા શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૩૯

તેમજ હીરાચંદ, બેચરભાઇ, લાલદાસ, માણેકલાલ, દામોદર આદિ વૈશ્ય ભક્તજનો હતા તે પણ શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૪૦

અને બહેનોમાં ગંગા, રેવતી, દીવાળી, લક્ષ્મી, શ્યામા, શિવા આદિ ભક્તિવાળાં બહેનો હતાં તે પણ શ્રીહરિની યથાયોગ્ય સેવા કરવા લાગ્યાં.૪૧

હે રાજન્ ! શહેરના અન્ય હજારો ભક્તજનો શ્રીહરિનાં દર્શન કરવાની અતિ ઉત્કંઠાવાળા થઇ પુરની બહારના ભાગે કાંકરીયા તળાવે વિરાજતા ભગવાન શ્રીહરિના નિવાસસ્થાને આવ્યા ને દર્શન કરી પરમ આનંદ પામ્યા.૪૨

તે સમયે નથુરામ આદિ સમસ્ત ભક્તજનોએ સંતો પાર્ષદોએ સહિત શ્રીહરિનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો ને આનંદાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની સમીપે આવી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પોતાનું મંદિર કરવા સંબંધી સમગ્ર વૃત્તાંત શ્રીહરિના પૂછવાથી કહેવા લાગ્યા.૪૩

શ્રીહરિની ભવ્ય શોભાયાત્રા :- હે રાજન્ ! બારસને દિવસે સકલજનોના ચિત્તને પોતાની મૂર્તિમાં આકર્ષી લેતા શ્રીહરિએ ઉપવાસનાં પારણાં કરી પુરવાસી ભક્તોની પ્રાર્થનાથી અનેક શણગારોથી અલંકૃત કરેલા અશ્વ ઉપર આરુઢ થઇ ગુજરાતની રાજધાની શ્રીનગરમાં પ્રવેશ કર્યો.૪૪

હે રાજન્ ! તે સમયે સેંકડો અને હજારો ભક્તજનો ભગવાન શ્રીહરિની આગળપાછળ તેમજ બન્ને બાજુએ સમૂહમાં ચાલવા લાગ્યા.૪૫

એ સમયે દુંદુભિ આદિક વિવિધ પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. ગાયકવૃંદ અતિ પ્રસન્ન થઇ સુમધુર સ્વરે શ્રીહરિના ગુણોનું ગાન કરવા લાગ્યા.૪૬

હજારો બંદૂકધારીઓ પોતાના શરીર પર અનેક પ્રકારનાં આયુધો બાંધી વારંવાર બંદૂકોના અવાજ કરતા કરતા શ્રીહરિની આગળ ચાલવા લાગ્યા.૪૭

હે રાજન્ ! હજારો ભક્તજનોની સાથે શ્રીહરિ અમદાવાદપુરમાં પ્રવેશ કરી રહ્યા છે, આવા સમાચાર સાંભળીને પુરવાસી જનો બેબાકળા થઇ પોતાનાં સમસ્ત સાંસારિક કાર્યોનો ત્યાગ કરી તત્કાળ ઘરની બહાર નીકળવા લાગ્યા.૪૮

હે નરેશ ! ભગવાન શ્રીહરિનાં દર્શન કરવામાં અતિશય ઉત્કંઠાવાળા પુરવાસી જનો માર્ગમાં શ્રીહરિને ચાલવાની જગ્યા છોડીને માર્ગની બન્ને બાજુએ પંક્તિબદ્ધ ઊભા રહી એક બીજાના ખભા ઉપર હાથ ટેકવીને શ્રીહરિના દર્શનની પ્રતીક્ષા કરવા લાગ્યા.૪૯

ઊંચેથી વાગી રહેલાં વાજિંત્રોનો નાદ સાંભળીને શ્રીહરિના આગમનની દિશામાં જ નેત્રોને સ્થિર કરી દૂરથી જ હાથ વડે શ્રીહરિને અરસપરસ દેખાડી બે હાથ જોડી પ્રણામ કરવા લાગ્યા.૫૦

હે રાજન્ ! રાજચિહ્નોવાળાં શ્વેત છત્રથી અને બન્ને બાજુ ઢોળાઇ રહેલા ચામરોથી વિરાજમાન તથા નગરવાસીજનોને પોતાની મૂર્તિમાં આકર્ષણ કરી રહેલા શ્રીહરિ બહુ પ્રકારની શોભાએ યુક્ત શ્રીનગરને નિહાળવા લાગ્યા.૫૧

તે સમયે શેરીઓમાં સુગંધીમાન જળના છંટકાવ કરવામાં આવ્યા હતા. રાજમાર્ગ તથા ચોતરાઓમાં ગજમદના જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પાંચ પ્રકારના મંગલ દ્રવ્યોની સાથે સુવર્ણના કુંભ તથા કેળાના સ્તંભ તેમજ શેરડીના દંડથી ઘરનાં આંગણાંઓ શણગારવામાં આવ્યાં હતાં.૫૨

સૂર્યની કિરણોથી શોભતા વિશાળ મહેલોની પંક્તિબદ્ધ શોભાથી દર્શને આવેલા દેવતાઓને પણ આ આપણું સ્વર્ગ છે કે શું ? એવો ભ્રમ પેદા થતો હતો. અગરુધૂપ, દીપોથી અને ધજા પતાકાથી જાણે પોતાને બોલાવતું હોયને શું ? તેમ એ શ્રીનગર શોભી રહ્યું હતું.૫૩

હે રાજન્ ! શ્રીનગરમાં પ્રવેશ કરી રહેલા શ્રીહરિનાં સર્વજનો દર્શન કરવા લાગ્યાં. તે સમયે પૂર્ણિમાના ચંદ્રમાની સમાન શોભી રહેલા અને મંદમંદ હાસ્ય કરતા શ્રીહરિ સુવર્ણના દંડવાળાં છત્ર ચામરોથી યુક્ત કોઇ રાજા મહારાજા જાણે પધારી રહ્યા હોય તેવી શોભાને ધરી રહ્યા હતા.૫૪

તેવા ભગવાનનાં દર્શન કરવાની અતિ ઉત્કંઠાવાળી નારીઓ ઘરકામનો ત્યાગ કરી ઉતાવળમાં વસ્ત્રો તથા આભૂષણો ઉલટાસૂલટા ધારણ કરી મહેલના ઝરૂખા ઉપર ચડી બારીવાટે સુસ્થિરનેત્રોથી આદરપૂર્વક નમસ્કાર કરવા લાગી.૫૫

હે રાજન્ ! બજારોમાં રહેલા વેપારીઓ પોતાના વેપારના કામકાજનો ત્યાગ કરી શ્રીહરિ ઉપર ભક્તિભાવ પ્રગટ થવાથી ભક્તોની જેમ નમ્ર થઇ અનેકવિધ ઉપચારોથી શ્રીહરિનું સન્માન કરવા લાગ્યા.૫૬

બ્રાહ્મણો પણ ચોખા, ચંદન તથા પુષ્પના હારો અર્પણ કરી તથા પ્રણામ કરીને શ્રીહરિની પૂજા કરવા લાગ્યા, જે મધુરકંઠવાળા વિપ્રો હતા તે ઉચ્ચસ્વરે સામવેદના મંત્રોનું ગાન કરવા લાગ્યા.૫૭

અને શ્રીહરિ પણ દર્શનાર્થી અને પૂજા કરતા સર્વે પુરવાસી ભક્તજનોનું સન્માન કરતા નવાવાસની પોળમાં પધારી ધીરેથી અશ્વ ઉપરથી નીચે ઉતર્યા.૫૮

હે રાજન્ ! પછી શ્રીહરિ આનંદાનંદ સ્વામીનો હાથ પકડીને નૂતન મંદિરને ચારે તરફથી નિહાળી શિલ્પીઓની પ્રશંસા કરવા લાગ્યા ને મંદિરની સમીપમાં ભક્તજનોની સભાને મધ્યે બેઘડી સુધી પાટ ઉપર વિરાજમાન થયા ને કહેવા લાગ્યા કે, આ શ્રીનગરમાં આટલું મોટું સુંદર નવ્ય ભવ્ય મંદિર શ્રીનરનારાયણદેવની ઇચ્છાથી જ થયું છે.૫૯-૬૦

પછી પ્રતિષ્ઠાવિધિ કરવામાં નિષ્ણાત પ્રાણગોવિંદાદિ બ્રાહ્મણોને પૂછી પ્રતિષ્ઠાવિધિના સર્વે શુભ ઉપચારો નગરવાસી ભક્તજનોની પાસે ભેળા કરાવ્યા.૬૧

પછી ભગવાન શ્રીહરિ નગરથી બહાર પોતાના નિવાસસ્થાને પધારી ઊંચા સિંહાસન ઉપર આવીને બિરાજમાન થયા. સાંજનો સમય થયો ત્યારે પુરવાસીજનો શ્રીહરિનાં દર્શન કરવા આવ્યા.૬૨

અને નગરના શાસનાધીકારી પણ પ્રતિદિન શ્રીહરિનાં દર્શન કરવા માટે આવતા ને તેમની આગળ દાસની જેમ બે હાથજોડી ઊભા રહેતા.૬૩

શ્રીહરિ તેમને યથાયોગ્ય સન્માન આપી આનંદ પમાડતા અને તે પણ ભગવાન શ્રીહરિને યથાયોગ્ય બહુ માન આપીને સત્કારતા. શ્રીહરિ પહેલે દિવસે તેના ભૂમિદાનની ખૂબજ પ્રશંસા કરી તેથી તે કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! તમને જે કાંઇ પણ કામ પડે તે મને કહેજો. હું તમારો સેવક છું. એમ કહીને તે પોતાના નિવાસસ્થાને ગયા.૬૪-૬૫

હે રાજન્ ! પછી સંતોના શ્યામ શ્રીહરિ ભગવાનનું નામ સંકીર્તન કરાવી નગરવાસી જનોને પાછા નગરમાં જવાની આજ્ઞા આપી. પોતાના ઉતારામાં આવી સંધ્યાવિધિનું અનુષ્ઠાન કર્યું.૬૬

હે રાજન્ ! પ્રતિદિન ભક્તજનોની સભામાં હરિમંદિર કરવારૂપ પૂર્તકર્મનો મહિમા કહેતા શ્રીહરિને ત્યાં કાંકરીયાની પાળે છ દિવસ પસાર થઇ ગયા.૬૭

તે છ દિવસ દરમ્યાન અનેક ચરિત્રો કર્યાં. તેમાં પુરવાસી ભક્તજનોએ ભગવાન શ્રીહરિને ગીત-વાજિંત્રોના મધુર ધ્વનીનિ સાથે અતિશય હર્ષ પૂર્વક પોતપોતાને ઘેર પધરામણી કરાવી પૂર્ણકામ મનોરથવાળા થઇ વિવિધ ઉપચારોથી તેમની પૂજા કરી.૬૮

ભગવાન શ્રીહરિ પણ સર્વે મનુષ્યોને સંતોષ પમાડી તેઓએ અર્પણ કરેલા પત્ર અને જળને પણ પોતાના હસ્તકમળથી ગ્રહણ કરીને સર્વે જનોને ધર્મમાર્ગમાં સ્થાપન કરતા હતા.૬૯

હે રાજન્ ! નરનારીઓના મોટા મોટા સમુદાયો શ્રીહરિનાં દર્શન કરવા માટે સર્વે ગામો તેમજ નગરોમાંથી પ્રતિદિન ત્યાં આવવા લાગ્યા.૭૦

શ્રીહરિએ છેક ફાગણસુદ બીજને દિવસે પ્રતિષ્ઠા વિધિમાં આગલે દિવસે કરવા યોગ્ય વિધિની સિદ્ધિને માટે નગરની મધ્યે પૂર્વે જ્યાં નવાવાસમાં પોતાનો ઉતારો કરેલો હતો ત્યાં જ ફરી ઉતારો કર્યો.૭૧

શ્રીનરનારાયણ ભગવાનનો પ્રતિષ્ઠાવિધિ :- હે રાજન્ ! વિધિને જાણતા વિપ્રોએ પ્રતિષ્ઠા વિધિમાં સ્વસ્તિવાચન પૂર્વક ગ્રહયજ્ઞા કરી પહેલે દિવસે જ અધિવાસનું અનુષ્ઠાન કર્યું.૭૨

ત્યારપછી બીજે દિવસે સંવત ૧૮૭૮ ના ફાગણસુદ ત્રીજના દિવસે પ્રતિષ્ઠાના વેદોક્ત વિધિમાં નિષ્ણાંત પ્રાણગોવિંદાદિ બ્રાહ્મણોએ રમણીય સર્વતોભદ્રમંડળને મધ્યે અંગદેવતાઓએ સહિત પ્રધાન દેવતાનું શ્રીહરિ પાસે પૂજન કરાવ્યું.૭૩

અને શ્રીનરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠાવિધિ પણ વૈદિક વિપ્રોએ શ્રીહરિ પાસે પૂર્ણ કરાવી. પછી વૈદિક મંત્રોથી શ્રીહરિ પાસે શ્રીનરનારાયણ ભગવાનની મહાપૂજા સંપન્ન કરાવી.૭૪

તે સમયે તાલિકાઓના ધ્વનિની સાથે બ્રાહ્મણોના વેદમંત્રનો ઉચ્ચારણનો ધ્વનિ ગીત વાજિંત્રોના ધ્વનિની સાથે એક થઇ સમગ્ર દિશાઓમાં વ્યાપી ગયો.૭૫

શ્રીહરિ શ્રીનરનારાયણ ભગવાનની મહાઆરતી કરીને તેમની સામે દૃષ્ટિને સ્થિર કરીને બેઘડી પ્રર્યંત એમને એમ ઊભા રહ્યા.૭૬

તે સમયે દર્શન કરનારા જનો શ્રીનરનારાયણ ભગવાનની બન્ને મૂર્તિઓને અતિશય મહાતેજોમય જોઇને પરમ વિસ્મય પામી ગયા.૭૭

ત્યારપછી શ્રીહરિએ ભગવાનની બન્ને પ્રકાશિત મૂર્તિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા ને મંદિર બહાર મંડપમાં પધારી વરુણીમાં વરેલા બ્રાહ્મણો પાસે હુતદ્રવ્યથી સમગ્ર દેવતાઓને આહુતિ આપી તર્પણ કર્યું ને પૂર્ણાહુતિનો હોમ કરાવ્યો.૭૮

શ્રીનરનારાયણભગવાનનો મહિમા :- હે રાજન્ ! ત્યારપછી શ્રીહરિએ પ્રતિષ્ઠાવિધિમાં જોડાએલા પ્રાણગોવિંદાદિ સમગ્ર વિપ્રોને ગમતી અને જોઇતી દક્ષિણાઓ આપી તેમજ અન્ય દક્ષિણા માટે જ પધારેલા સર્વે વિપ્રોને પણ ખૂબજ દક્ષિણા આપી રાજી કર્યા.૭૯

ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થઇ દર્શન માટે ઉમટેલા સર્વે ભક્તજનોને કંઇક કહેવાની ઇચ્છાથી ભગવાન શ્રીહરિએ તે સર્વે જનોને હાથની સંજ્ઞાથી મૌન કર્યા.૮૦

તે સમયે મૌનભાવનો આશ્રય કરી પોતાના મુખકમળ સામે દૃષ્ટિ બાંધીને બેસી રહેલા સર્વે જનોને શ્રીહરિ ઊંચો હાથ કરી કહેવા લાગ્યા.૮૧

હે સર્વે ભક્તજનો ! તમે સર્વે મારૂં વચન સાંભળો. હું તમારૂં હિત થાય તેવી વાત કરૂં છું. હે ભક્તજનો ! પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાન આપણા ઇષ્ટદેવ છે તે અક્ષરબ્રહ્મધામના તેજને વિષે રહેલા છે. તે જ ભગવાન આ પૃથ્વી પર સર્વ જીવપ્રાણી માત્રના કલ્યાણને વાસ્તે પ્રગટ થયા છે.૮૨-૮૩

ધર્મપ્રજાપતિ અને પત્ની મૂર્તિદેવીએ અતિશય ભક્તિભાવની સાથે તેનું ધ્યાન કર્યું. ત્યારે તેના ધ્યાનના પ્રભાવથી તેમના ઉપર પ્રસન્ન થઇ ભગવાન વર્ણીવેષ ધારણ કરેલા નર અને નારાયણ આવાં બે સ્વરૂપે ભક્તિના અંગથી પ્રગટ થયા.૮૪

તે નરનારાયણ ભગવાન ધર્મ અને મૂર્તિ બન્નેને તેઓએ માગેલા ઇચ્છિત વરદાનનું પ્રદાન કરી, બન્નેને સંતોષ પમાડી, મનુષ્યોના કલ્યાણને વાસ્તે બદરિકાશ્રમમાં ચાલ્યા ગયા.૮૫

પોતાની કર્મભૂમિ એવા એ બદરિકાશ્રમને વિષે ભારતદેશમાં પોતાનું શરણું લેનાર મનુષ્યોની ભુક્તિ અને મુક્તિને માટે તપનું આચરણ કરનારા તે બદરિકાશ્રમને શોભાવી રહ્યા છે.૮૬

હે ભક્તજનો ! આ પૃથ્વીનો ભાર ઉતારવા બ્રહ્માદિ દેવતાઓની પ્રાર્થનાથી તે બદરિપતિ શ્રીનારાયણ ભગવાન, કૃષ્ણ સ્વરૂપે યાદવકુળમાં પ્રગટ થયા હતા.૮૭

હરિના સખા એવા નર તે કુરુવંશમાં અર્જુન નામે પ્રગટ થયા હતા. તેથી જ અર્જુનની સાથે વિરાજતા શ્રીકૃષ્ણ ભગવાનને ''શ્રીનરનારાયણ'' કહેવાય છે.૮૮

તે શ્રીનરનારાયણ ભગવાનની મેં આ મંદિરમાં પ્રતિષ્ઠા કરી છે. આ શ્રીનરનારાયણ ભગવાનનું કાયા, મન, વાણીથી જે મનુષ્યો સેવન કરશે તેનું ચોક્કસ કલ્યાણ થશે, તેમાં કોઇ સંશય કરવો નહિ.૮૯

જે મનુષ્યો પ્રતિદિન નિયમપૂર્વક આ શ્રીનરનારાયણ ભગવાનનાં દર્શન કરશે તેઓ મનોવાંછિત ભુક્તિ અને મુક્તિને નિશ્ચે પામશે. ૯૦

કોઇ શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરશે તો તે પુત્રાર્થી પુત્ર પામશે, ધનાર્થી ધનને પામશે અને વિદ્યાર્થી વિદ્યાને પામશે. ઉપરાંત જેને જે ઇચ્છા હશે તે તેને પ્રાપ્ત થશે, તેમાં કોઇ સંશય નથી.૯૧

હે ભક્તજનો આ શ્રીનરનારાયણ ભગવાનની આરાધના કરવાથી સર્વ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ થશે. નિષ્કામી ભક્તો આ શ્રીનરનારાયણ ભગવાનની સેવા કરવાથી સંસારસાગરને તરી જશે.૯૨

જે બુદ્ધિમાન જનો શ્રીમદ્ભાગવત આદિ સત્શાસ્ત્રોનું પુરશ્ચરણ કે ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ અહીં શ્રીનરનારાયણ ભગવાનની સમીપે બેસીને કરશે, તે સર્વે જનોના સર્વે મનોરથો સફળ થશે. આ રીતે પૂર્વોક્ત સર્વે જનોની આલોકની કે પરલોકની કોઇ પણ ઇચ્છા હશે તે ચોક્કસ પૂર્ણ થશે, તેમાં કોઇ સંશય નથી.૯૩-૯૪

હે ભક્તજનો ! ઉપરોક્ત સર્વે મનોરથો પૂર્ણ કરવા માટે દેશાંતરવાસી મનુષ્યોએ પણ ફાગણમાસમાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ફૂલડોલને દિવસે એકવાર પણ અહીં સર્વ મનોરથોને પૂર્ણ કરનાર શ્રીનરનારાયણ ભગવાનનાં અવશ્ય દર્શન કરવાં.૯૫

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિનાં આવાં અમૃતની સમાન વચનો સાંભળી સર્વે ભક્તજનો બે હાથ જોડી તમે જેમ કહ્યું તે પ્રમાણે જ અમો કરશું, એમ કહી શ્રીહરિનાં વચનને માથે ચડાવ્યું. પછી સર્વે ભક્તજનોએ શ્રીનરનારાયણ ભગવાનનાં અતિ હર્ષથી દર્શન કર્યાં.૯૬

બ્રાહ્મણોને હમેશાં દેવ માનીને પૂજન કરનારા ભગવાન શ્રીહરિએ પ્રતિષ્ઠાને દિવસે હજારો બ્રાહ્મણોને ઇચ્છિત ભોજનો જમાડી તૃપ્ત કર્યા ને અનેક પ્રકારની ગાયો તથા ધનની દક્ષિણા આપી સંતોષ પમાડયા.૯૭

તે સમયે અનેક દેશમાંથી આવેલા નરનારીઓ ગીત વાજિંત્રોનો મધુર ધ્વનિ કરીને દશે દિશાઓને ગજાવવા લાગ્યા. આવા જનસમૂહોથી આખું શ્રીનગર મનુષ્યોથી ઊભરાયું હતું.૯૮

પછી ભગવાન શ્રીહરિ નગરથી બહાર કાંકરીયાની પાળ ઉપર રાખેલા પોતાના નિવાસસ્થાને પધાર્યા. સ્નાન કરી રાત્રે પોતાના ભાઇને ઘેર ભોજન કર્યું, પછી બ્રાહ્મણોની ચોર્યાસી કરવાનો મનમાં સંકલ્પ કર્યો.૯૯

ને રાતોરાત સામગ્રી ભેળી કરાવી તત્કાળ કાર્યને સિદ્ધ કરી શકનાર ભગવાન શ્રીહરિ બીજે દિવસે નગરથી બહાર કાંકરીયા સરોવરને કિનારે ચારે બાજુ ફરતે સમગ્ર પુરવાસી તથા અન્ય દેશોથી આવેલા સમગ્ર બ્રાહ્મણોનાં મંડળોને ભોજન જમાડી તૃપ્ત કર્યા.૧૦૦

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ ઇચ્છા પ્રમાણે ઘી, સાકર લેવાની પ્રેરણા કરી તેથી પુષ્કળ ઘીપ્રિય ભૂદેવો અતિશય આનંદ પામી પોતાની સ્ત્રીઓની સાથે હર્ષથી કંઠ સુધી બહુ ભોજન કર્યું. આ રીતે આખો દિવસ ભોજન કરી રહેલા ગુજરાતવાસી સર્વે બ્રાહ્મણોનો ત્યાં મોટો ઉત્સવ થયો.૧૦૧

આ રીતે સર્વેને ભોજન કરાવી મનગમતી દક્ષિણાઓ આપી, પોતપોતાને ઘેર જવાની રજા આપી. ત્યારપછી શ્રીહરિ આંબલીઓના વૃક્ષની પંક્તિઓથી શોભતા સ્થાને સ્થાપન કરેલા ઊંચા સિંહાસન ઉપર સુખપૂર્વક બેઠા.૧૦૨

શ્રીસ્વામિનારાયણ ભગવાને પુરવાસી તેમજ દેશાંતરવાસી હજારો બ્રાહ્મણોને એકજ દિવસમાં સંકલ્પ કરી તત્કાળ સામગ્રી ભેળી કરી જમાડી દીધા. તેથી સર્વે મનુષ્યોને અતિશય આશ્ચર્ય થયું. કારણ કે આથી પહેલાં આવું કોઇ પણ કરી શક્યું ન હતું.૧૦૩

હે રાજન્ ! તે સમયે આબાલવૃદ્ધ સર્વે મનુષ્યોને એટલો બધો આનંદ થયો કે રાત્રી દિવસ શ્રીનરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા સમયે જમાડવામાં આવેલા બ્રાહ્મણચોર્યાસીની જ વાતો કરતા હતા.૧૦૪

શ્રીહરિએ ફાગણસુદ પાંચમને દિવસે પોતાના ઉદ્ધવસંપ્રદાયની રીતને અનુસારે શ્રીનરનારાયણ ભગવાનની પૂજા તથા ઉત્સવો ઉજવવા માટે વ્યવસ્થાની ગોઠવણી કરી.૧૦૫

પછી શ્રીહરિ તે જ દિવસે પોતાના ભાઇને ઘેર ભોજન કરી, બપોર પછી શ્રીનરનારાયણ ભગવાનનાં દર્શન કરી, નમસ્કાર કરી, સંતો પાર્ષદોની સાથે શ્રીનગરથી ચાલી નીકળ્યા.૧૦૬

હે નરેશ ! શ્રીહરિએ પોતાનાથી અતિશય પ્રસન્ન થયેલા અને હર્ષથી પાછળ આવતા સર્વે પુરવાસી ભક્તજનોને પાછા વાળ્યા અને પોતાના પાર્ષદોની સાથે ગઢપુર પધાર્યા.૧૦૭

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ગઢપુરને વિષે ફૂલડોલનાં દર્શન કરવા પધારેલા સર્વે ભક્તજનોને દર્શનનું સુખ આપ્યું. ને પોતાના નિવાસસ્થાન અક્ષર ઓરડીએ આવી પલંગ ઉપર વિરાજમાન થયા.૧૦૮

તે જ સમયે જયાબા અને લલિતાબા આદિ સ્ત્રી ભક્તોએ આદરપૂર્વક ભગવાન શ્રીહરિનાં દર્શન કરી બહુ દિવસના વિરહની વેદના દૂર કરી, એકદમ શ્રીહરિની નજીક આવી પંચાંગ પ્રણામ કરી અતિશય આનંદ પામ્યાં.૧૦૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીનગરને વિષે પ્રથમ મંદિર કરીને શ્રીનરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી એ નામે પચીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૫--