તરંગઃ - ૭૪ - શ્રીહરિ ગઢપુરથી વરતાલ પધાર્યા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:35am

પૂર્વછાયો

એકાદશીનું જાગ્રણ કર્યું, સંત સાથે ભગવાન । મનોહર ત્યાં મેર કરી, લીલા કરે છે તે સ્થાન ।।૧।। 

સંતને ત્યાં પોતપોતાનાં, કરાવ્યાં દિવ્ય દર્શન । નિજ સ્વરૂપ નિરખતાં, પામ્યા છે આનંદ મન ।।૨।।

 

ચોપાઇ

 

દ્વાદશીનો થયો છે સવાર, વેલા ઉઠ્યા છે તે સર્વાધાર । નિત્ય વિધિ કર્યો તેહ ઠાર, અક્ષરપતિ થયા તૈયાર ।।૩।। 

મોહોલ ઉપર અગાશી જ્યાંય, તેના ઉપર છત્રી છે ત્યાંય । તે મધ્યે બિરાજ્યા અલબેલ, સર્વાંતર્યામી સુંદર છેલ ।।૪।। 

સંત સહિત શોભે છે શ્યામ, સુખકારી સદા સુખધામ । તે સમે એક જીવણદાસ, શ્રીજીનો ભક્ત છે તે પ્રકાશ ।।૫।। 

તે દુર્બળ ઘરનો જરૂર, તેણે રૂડી ઇચ્છા કરી ઉર । શ્રીહરિને કરાવા ભોજન, મઠના રોટલા બે પાવન ।।૬।। 

પોતે પ્રેમે કરીને કરાવ્યા, કિંચિત ઘૃતેથી ચોપડાવ્યા । પછે ડોડીની ભાજી કરાવી, એક રોટલામાંહી ધરાવી ।।૭।। 

બીજો રોટલો ઢાંક્યો ઉપર, ધર્યો થાળીમાંહી પ્રેમભર । શુદ્ધ વસ્ત્ર કર્યું આચ્છાદન, લેઇ ચાલ્યા છે નિર્મળ મન ।।૮।। 

લાવ્યા પવિત્ર તે મોહોલમાંય, મુકતપતિ બિરાજ્યા છે જ્યાંય । પછે જીવણદાસને નિરખી, બોલ્યા શ્રીહરિજી મન હરખી ।।૯।। 

ભાવ દેખીને બોલાવ્યા પાસ, કેમ આવ્યા છો જીવણદાસ । અમ માટે શું લાવ્યા છો આજ, કો તમે શું ધારેલું છે કાજ ।।૧૦।। 

જે લાવ્યા હો તે લાવો આંય, સંકોચાશો નહિ મનમાંય । ત્યારે ભક્ત તે જીવણદાસે, ભોજન આપ્યાં પ્રભુને હુલ્લાસે ।।૧૧।। 

લીધો જમવા પ્રભુયે હાથ, પ્રેમેથી જમવા લાગ્યા નાથ । જમતા થકા જીવનપ્રાણ, વારે વારે કરેછે વખાણ ।।૧૨।। 

એમ અરધું જમ્યા અવિનાશ, બ્રહ્મમુનિ બોલ્યા પ્રભુ પાસ । એકલા કેમ જમો છો આજ, નિજ દાસને મુકીને રાજ ।।૧૩।। 

તે તો ઠીક નથી મહારાજ, એમ કૈને જુવો કર્યું કાજ । વાલો જમતાતા રોટલો જેહ, ઉઠીને સ્વામીયે લીધો તેહ ।।૧૪।। 

મુળજી વર્ણિયે દઇ માન, પ્રભુને કરાવ્યું જળપાન । મુક્તાનંદ સ્વામી બોલ્યા વાણ, બ્રહ્માનંદ સ્વામી પર જાણ ।।૧૫।। 

મોટા છે બ્રહ્મમુનિ વિશેક, પ્રસાદી ન જમે એેકાએક । એવો મર્મ સુણ્યો જેણીવાર, બ્રહ્મમુનિયે કર્યો વિચાર ।।૧૬।। 

પ્રસાદી આપી સહુને ત્યાંય, પછે પોતે જમ્યા સુખદાય । એમ કરે છે લીલા અપાર, પ્રભુ જેતલપુર મોઝાર ।।૧૭।। 

પછે ગંગામાયે કર્યો થાળ, જમવા પધાર્યા છે દયાળ । જમ્યા સંત પાર્ષદ સહિત, સર્વે ભક્તનું કરવા હિત ।।૧૮।। 

આવ્યા જમીને ઉતારે શ્યામ, સંત પાર્ષદ સાથે તે ઠામ । સાંઝના પોરે શ્રીભગવાન, દેવસરે તે જગજીવન ।।૧૯।। 

સ્નાન કરીને દેવ મુરાર, વસ્ત્ર પેરીને થયા તૈયાર । આસોપાલવતણી જે છાંય, તેના હેઠે કરી છે સભાય ।।૨૦।। 

પછે બિરાજ્યા પૂરણકામ, શોભી રહ્યા છે સુંદરશ્યામ । તે સમે એક વાનર જાત, વૃક્ષ ઉપર બેઠો છે ખ્યાત ।।૨૧।। 

મારે ડોકીયાં જાતિ સ્વભાવ, આસજીયે દેખ્યો તે બનાવ । બોલ્યા શ્રીહરિ પ્રત્યે વચન, હે દયાળુ સુણો ભગવન ।।૨૨।। 

આવા વાનર લંકા મોઝાર, રામે ભેગા કર્યાતા અપાર । વશ કર્યા હશે કેવી રીત, વાત સમઝાવો તે અજીત ।।૨૩।। 

ત્યારે શ્રીહરિયે કરી સાન, તર્જની આંગળીથી નિદાન । કપિને બોલાવેછે દયાળ, આવ્યો વાનર ત્યાં તત્કાળ ।।૨૪।। 

કરજોડીને નમાવ્યું શિર, બેઠો આગળ થઇને ધીર । ત્યારે વાલમ બોલ્યા વચન, સુણો આસજીભાઇ પાવન ।।૨૫।। 

જુવો લાગીછે કેટલી વાર, કપિને વશ કરતાં આ ઠાર । એમ સર્વેની દોરીસંચાર, અમારે હાથ છે નિરધાર ।।૨૬।। 

અમારી મરજી વિના કોઇ, કાંઇ કરવા સમર્થ નથી સોઇ । અમારૂં જ કર્યું સહુ થાય, એમાં નથી બીજાનો ઉપાય ।।૨૭।। 

વળી અમ પ્રતાપે કેવાય, તમારૂં કર્યું પણ કાંઇ થાય । આ સમામાં છે સંત આ જેહ, તેમનું કર્યું થાયછે તેહ ।।૨૮।। 

પછે આજ્ઞા કરી જગદીશ, ગયો પાછો ફરીને તે ૧કીશ । સંત સર્વે મળ્યા શુભમન, પ્રેમે વાલાનું કર્યું પૂજન ।।૨૯।। 

એમ લીલા કરી ઘણાદિન, જેતલપુર વિષે નવીન । વળી વાલે કર્યોછે વિચાર, ત્યાંથી ચાલવાનો નિરધાર ।।૩૦।। 

પધાર્યા પોતે જીવનપ્રાણ, વડતાલે થઇને ડભાણ । ત્યાં થકી પધાર્યા ગઢપુર, ઘણો ઉમંગ ધારીને ઉર ।।૩૧।। 

ત્યાં રહ્યા થકા દેવ મુરાર, આપે છે સૌને સુખ અપાર । પ્રાગજી દવેને તેડાવ્યા પાસ, ભાગવત્ વંચાવાને ખાસ ।।૩૨।। 

ઘેલા નદીમાં કરે છે સ્નાન, નિત્ય કથા સુણે ભગવાન । એક દિન ખિજડીયા તીર, સંત હરિજન સાથે ધીર ।।૩૩।। 

એમ લીલા કરેછે અપાર, ઘણા દન રહ્યા તેહ ઠાર । પછે વાલિડે મન વિચાર્યું, વરતાલે જાવાનું તે ધાર્યું ।।૩૪।। 

ચાલ્યા સંતોને લઇને સંગ, પીપળાવે પોચ્યા છે ઉમંગ । ગામની ભાગોળે બેઠા નાથ સર્વે, મુનિના મંડળ સાથ ।।૩૫।। 

તેસમે વટેમાર્ગુ કોઇ, વીસ વાડવ આવ્યા ત્યાં જોઇ । તે દેખી બ્રાહ્મણ અન્યોઅન્ય, એક એકને કેછે વચન ।।૩૬।। 

આ જે સર્વેયે લીધો છે જોગ, બેઠા બ્રહ્મરસ લઇભોગ । એમ સર્વે છોડે જો સંસાર, કેમ સૃષ્ટિ ચાલે આણે ઠાર ।।૩૭।। 

ત્યારે મહારાજ બોલ્યા વાણ, સુણો ભૂદેવ તમે પ્રમાણ । તમે કેટલા જન છો સાક્ષાત, અમે કૈયે તે સુણીલ્યો વાત ।।૩૮।। 

ત્યારે બ્રાહ્મણ કે મહારાજ, અમો વીસ જણા છૈયે આજ । વળી શ્રીહરિ કે સુણો ભાઇ, વીસે જણા સાધુ થાઓ આંઇ ।।૩૯।। 

એવા ને એટલાજ પ્રત્યક્ષ, વૃક્ષથી ઉતારીયે સમક્ષ । ઉઠો શીદ લગાડોછો વાર, અમે તો છૈયે જગઆધાર ।।૪૦।। 

પ્રભુતાની પરીક્ષા લ્યો એહ, ટળે તમારો સૌનો સંદેહ । વીસે જણા જો ન કરો ત્યાગ, દશજણા તો છોડી દ્યો રાગ ।।૪૧।। 

તેમ ન બને તો થાઓ પાંચ, જુવો તો ખરા અમારું સાચ । એમ ન બને તો થાઓ એક, પરીક્ષાતો જડશે વિશેક ।।૪૨।। 

સાધુ થાઓ જેટલા સુજાણ, તરૂથી ઉતારું એ પ્રમાણ । પછે વિપ્રે વિચાર્યું છે ત્યાંય, આમને કોયથી ન જીતાય ।।૪૩।। 

એમ કૈને ચાલ્યા નિરધાર, પછે શ્રીહરિ થયા તૈયાર । ત્યાંથી ગોંડલ થૈને દયાળ, વડતાલે ગયા તતકાળ ।।૪૪।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગઢપુરથી વરતાલ પધાર્યા એ નામે ચુંમોતેરમો તરંગઃ ।।૭૪।।