૫૫. શ્રીહરિ કચ્છ જતા લાલજી સુતારને સાથે લઇ આધોઇમાં પરમહંસ બનાવ્યા, ભૂજથી નવા પરમહંસોને સમજાવી પા

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:40pm

ચોપાઇ-

પછી યાંથકી ચાલીયા નાથ, લીધા સેવક પોતે બે સાથ ।

ત્યાંથી આવ્યા કોઠારિયામાંઇ, રહે ભક્ત ત્યાં આણદિબાઇ ।।૧।।

તેના અંતરમાં સુખ અતિ, દેખે અખંડ પ્રભુની મૂરતિ ।

તોય અંતરમાં રહી તાણ, મળવા મૂરતિ પ્રકટ પ્રમાણ ।।૨।।

તેને સમજાવી સવેર્રીત, પછી યાં થકી ચાલ્યા અજીત ।

લીધો સેવક એકને સંગે, ચાલ્યા અલબેલો ઉછરંગે ।।૩।।

ત્યાંથી પધારીયા ગામ ભેલે, આપ્યાં વિપ્રને વસ્ત્ર છબીલે ।

દીધાં દુધ પેંડા ફાંટ ભરી, પછી ત્યાં થકી ચાલીયા હરિ ।।૪।।

મળે વાટ માંહિ જે જે જન, તેને નાથ દિયે દરશન ।

ત્યાંથી ચાલિયા સુંદરશ્યામ, આવ્યા માળીએ પૂરણકામ ।।૫।।

તિયાં દિન રહ્યો ઘડી ચાર, કહે રાજ જાશું રણપાર ।

આવ્યા રણમધ્યે અવિનાશ, ત્યાંતો કહે લાગી ભૂખ પ્યાસ ।।૬।।

આવ્યો એક પુરૂષ અકળ, તેણે જાચ્યું છે આવીને જળ ।

હતું પાસે પાણી પળી એક, તે પણ આપવું એવી છે ટેક ।।૭।।

પછી નાથ બોલ્યા એમ વાણી, આવો ઓરા પીવું હોય પાણી ।

પોતાની તો પીડાને ન જોઇ, હરિ વિના ન કહે બીજું કોઇ ।।૮।।

પોતાના તો પિડાતાતા પ્રાણ, તોય ન કરી નકારની વાણ ।

તિયાં મીઠાં થયાં સિંધુજળ, સુંદર સ્વાદુ નીર નિરમળ ।।૯।।

પિધાં પોતે ને પોતાને દાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ ।

વાંસે રહ્યો સેવક એ સારૂં, ચાખ્યું જળ ત્યાં નિસર્યું ખારૂં ।।૧૦।।

એવી લીલા કરતા મોરાર, પછી આવિયા છે રણબાર ।

દિવ્યદેહે રામાનંદ સ્વામી, મળ્યા તેને ચાલ્યા શિશ નામી ।।૧૧।।

રહ્યા અરણ્યમાંહિ રાત્ય એવા, ચાલે વાટમાં ઉન્મત જેવા ।

પછી આવ્યું ત્યાં જળનું તાળ, નાયા દાસ ને પોતે દયાળ ।।૧૨।।

ત્યાંથી ચાલીયા પૂરણબ્રહ્મ, પડ્યો પોતાને બહુ પરિશ્રમ ।

પછી સેવકને કહે શ્યામ, ચાંપો કળતર પહોંચીએ ગામ ।।૧૩।।

પછી ત્યાંથી ચાલીયા દયાળ, આવ્યું અરણ્યમાં એક તાળ ।

તિયાં બેઠી હતી બેઉ નારી, થઇ સમાધિ જોઇ સુખકારી ।।૧૪।।

ત્યાંથી ચાલ્યા પોતે તતકાળ, વાટે જાતાં દિઠા બેઉ બાળ ।

પછી પરસ્પર બોલ્યા બાળ, આ જો ચાલ્યા જાય છે દયાળ ।।૧૫।।

પછી ત્યાં થકી આધુઇ આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા ।

દિન દોય પોતે તિયાં વશ્યા, સંગે દાસ તેને જોઇ હસ્યા ।।૧૬।।

હવે પરમહંસદશા ગ્રહો, શીદ દુઃખના દરિયામાં વહો ।

એમ કહી મુનિદશા દીધી, પોતે કચ્છ જાવા ઇચ્છા કીધી ।।૧૭।।

ચાલ્યા આધુઇથી અવિનાશ, કીધાં સુખી દરશને દાસ ।

પછી આવીયા ભુજનગર, જને નિરખ્યા શ્યામ સુંદર ।।૧૮।।

ઇયાં રહ્યા પોતે બહુ દિન, તિયાં તેડાવિયા મુનિજન ।

આવ્યા સંત તે સર્વે મળી, નવા પરમહંસની મંડળી ।।૧૯।।

ઘણે હેતે મળ્યા સામા જઇ, દીધાં દર્શન પ્રસન્ન થઇ ।

બહુ દિવસ રાખીયા પાસ, પછી એમ બોલ્યા અવિનાશ ।।૨૦।।

જેમ મોરે માન્યું તું વચન, તેવું જાણજયો બીજું આ જન ।

જેમ વચને થયા વૈરાગી, સુખસંપત્તિ સરવે ત્યાગી ।।૨૧।।

હવે વચને પાછા વળી જાઓ, ઘેર બેઠા હરિગુણ ગાઓ ।

ત્યારે સંત કહે સુણો શ્યામ, એવું કરવું નહિ હવે કામ ।।૨૨।।

પ્રથમ બેસારી હરિ કરીએ, હવે બેસારવા ન ખરીએ ।

સોંપી સુંદર સારો સુવાગ, તેનો કેમ કરાવો છો ત્યાગ ।।૨૩।।

પણ હશે અમમાં કચાઇ, એવું જાણ્યું તમે મનમાંઇ ।

નહિ તો એવું વચન ન દાખો, નિસર્યા કૂપમાં કેમ નાખો ।।૨૪।।

બેડી હેડ્ય ને બળે બંધાય, પડે કોટડી ભાગસીમાંય ।

છુટે તે પણ કોઇક દને, ન છુટાય જે બાંધ્યા ભવને ।।૨૫।।

તેમાંથી કાઢિયા ગ્રહિ હાથ, હવે શીદને નાખો છો નાથ ।

પછી બોલીયા છે ભગવંત, એમ સમજશો માં તમે સંત ।।૨૬।।

આજ કરવાં છે કૈક કાજ, નિશ્ચે માનો તમે મુનિરાજ ।

તમે પુરા છો પરમહંસ, નથી તમમાં જક્તનો અંશ ।।૨૭।।

એમ સમઝાવિયા બહુવિધિ, પછી સવેર્ ને શીખજ દીધી ।

પોતે નાથ રહ્યા ભુજમાંય, નિત્યે આનંદ ઉત્સવ થાય ।।૨૮।।

જાય જમવા જનને ઘેર, કરી મનમોહનજી મેર ।

એક ભક્તજન જીવરામ, તેની માતાનું હરબાઇ નામ ।।૨૯।।

તેને પ્રેમમાંહિ ટેવ પડી, જમાડે બરફી પેંડા સુખડી ।

જો મનમાન્યું ન જમે જીવન, તો તજે સપ્તદિન લગી અન્ન ।।૩૦।।

એવું જોઇ હેત જનતણું, રહે ભુજનગરમાં ઘણું ।

એકએકથી અધિક અંગે, બહુ રાચીયાં હરિને રંગે ।।૩૧।।

ભાવ ભજનમાં સાવધાન, બીજી વાતને ન દિયે કાન ।

એવા જનને દર્શન દઇ, ચાલ્યા નાથ સાધુ સાથે લઇ ।।૩૨।।

ફરે કચ્છદેશમાં કૃપાળ, દિયે દર્શન સહુને દયાળ ।

પછી નાથ માંડવીએ આવ્યા, તિયાં સર્વે સંતને બોલાવ્યા ।।૩૩।।

આવ્યા મુનિજન સહુ મળી, નાથે તેડાવ્યા એવું સાંભળી ।

આવી ઉતર્યા તળાવ તટે, મુખે સ્વામિનારાયણ રટે ।।૩૪।।

કરે વાત વાલો ઘણીઘણી, ચડે ખરી ખુમારી તે તણી ।

વળી ત્યાગ વૈરાગ્ય બતાવે, કાચું પોચું પ્રભુને ન ભાવે ।।૩૫।।

જેમ જેમ વાત કરે નાથ, તેમ ધારી લીયે સહુ સાથ ।

વળી નિત્ય પ્રત્યે દર્શન થાય, તેની મસ્તિ અતિ મનમાંય ।।૩૬।।

દીધાં દર્શન તે બહુ દન, થયા જન સરવે મગન ।

પછી એમ બોલ્યા મહારાજ, તમે સાંભળો સહુ મુનિરાજ ।।૩૭।।

હવે જાઓ સંત સર્વે વૃંદ, કરો અમદાવાદમાં આનંદ ।

ઉતરજયો સહુ શહેરબાર, કરજયો કથા કીર્તન ઉચ્ચાર ।।૩૮।।

ભણો સચ્છાસ્ત્ર સંતને પાસે, રહેજયો સર્વે મળી ત્યાં ચોમાસે ।

થાશે જેતલપુરે જગન, ત્યાં જમશે ઘણા વિપ્રજન ।।૩૯।।

આવે તેડવા તો તમે જાજયો, નહિતો બેઠા હરિગુણ ગાજયો ।

એમ કહીને સંત ચલાવ્યા, પોતે શ્રીહરિ શહેરમાં આવ્યા ।।૪૦।।

સંત પોત્યા છે અમદાવાદ, થાય નિત્ય ત્યાં બ્રહ્મસંવાદ ।

એમ કરતાં વિત્યા કઇ દન, થયો જેતલપુરે જગન ।।૪૧।।

કરે ગોવિંદમુનિ મોરે થઇ, નામ નાનાભાઇનું તે લઇ ।

જમે બ્રાહ્મણ ન આવે પાર, થઇ રહ્યો છે જયજયકાર ।।૪૨।।

જમ્યા બ્રાહ્મણ ભાવ કરીને, સુંદર મોદક પેટ ભરીને ।

પછી પૂરો કરાવ્યો જગન, નરનારી કરે ધન્ય ધન્ય ।।૪૩।।

પામ્યા આશ્ચર્ય મનમોઝાર, થયો નિરવિઘન નિરધાર ।

એમ પૂરો થયો છે જગન, પોતે પધાર્યા નોતા જીવન ।।૪૪।।

પછી સંતને તિયાં તેડાવ્યા, સંત સહુ જેતલપુર આવ્યા ।

તે પણ જમ્યાતા જગનમાંયે, સ્વામી સહજાનંદની આજ્ઞાયે ।।૪૫।।

ઇતિ શ્રીમદેકાંતિકધમપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે પ્રથમ યજ્ઞ કરાવ્યો એ નામે પંચાવનમું પ્રકરણમ્ ।।૫૫।।