૬૪. ડભાણ - વડતાલ થઇ વિસનગર - ઉંઝા વગેરે સ્થળોએ વિચરણ સારંગપુરમાં હુતાશનીનો સમૈયો કરી ભકતોને ફગવાર

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:51pm

ચોપાઇ-

પછી પોતે ગયા ગુજરાત, રહ્યા ડભાણમાં દોય રાત ।

હતી સંતની મંડળી સાથ, વળતાં વરતાલે આવિયા નાથ ।।૧।।

તિયાં રહ્યા હરિ સંત સહુ, કરી લીળા આપ્યાં સુખ બહુ ।

રહ્યા પંચ રાત્ય પોતે તિયાં, પછી યાંથી બુધેજે આવિયા ।।૨।।

ત્યાંથી ચાલીયા સમર્થ સ્વામી, આવ્યા બોચાસણે બહુનામી ।

બામણ ગામને એકલબારે, પોતા સરસવણિ મહીપારે ।।૩।।

જઇ પાદરે પાછા વળીયા, આવી વરતાલે સંતને મળીયા ।

ત્યાંથી ચાલી ઉમરેઠે ગયા, દેવા દર્શન પ્રસન્ન થયા ।।૪।।

વાજાં વાજતે પધાર્યા શ્યામ, આવ્યું સામૈયે સઘળું ગામ ।

દીધાં દાસને દર્શન દાન, રહી રાત્ય ચાલ્યા ભગવાન ।।૫।।

ભાવ ગામના લોકને બહુ, આવ્યાં પુરબારાં મળી સહુ ।

તેને દર્શન દઇ દયાળ, કરી કલ્યાણ ચાલ્યા કૃપાળ ।।૬।।

સંગે આપ્યો તો ભોજન થાળ, યથાયોગ્ય જમ્યા તે દયાળ ।

પછી આવ્યા ડડુસર ગામ, કર્યો કઠલાલ્યે વિશરામ ।।૭।।

આંતરોળી ઉંટડિયે મહાદેવ, તિયાં પધાર્યા દેવાધિદેવ ।

તિયાં શિવનાં દર્શન કીધાં, વસ્ત્ર સવેર્સેવકને દીધાં ।।૮।।

આપ્યા રૂપૈયા મુઠડી ભરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।

આવ્યા લુવાંગ્ય સલકી ગામ, પછી પ્રાંતિયે પધાર્યા શ્યામ ।।૯।।

ત્યાંથી ચાલિયા શ્યામ સુંદર, આવ્યા વાલ્યમજી વિજાપર ।

ત્યાંથી ગેરિતે ગયા ગોપાળ, વિશનગ્ર પધાર્યા દયાળ ।।૧૦।।

તિયાં જમાડ્યા બ્રાહ્મણ ઘણા, કરી મોદક મિસરિતણા ।

ત્યાંથી ગયા ઉંઝે મહેસાણે, તિયાં જનને જમાડ્યા પરાણે ।।૧૧।।

પછી આવ્યા ર્કિજસણ નાથ, સખા સાંખ્યયોગી હતા સાથ ।

પછી મહારાજ મોટેરે આવ્યા, શહેરના સતસંગી બોલાવ્યા ।।૧૨।।

ત્યાંથી જેતલપુર પધાર્યા, જનને હૈયે હર્ષ વધાર્યા ।

એમ ફરી હરિ સર્વે ગામ, કર્યાં છે નિજજનનાં કામ ।।૧૩।।

દાસ અથેર્ફર્યા સવેર્દેશ, પછી કર્યો પંચાળે પ્રવેશ ।

તિયાં દાસને દર્શન દીધાં, મળી નાથ કૃતારથ કીધાં ।।૧૪।।

પછી આવ્યો છે ફાગણ માસ, થયા હોળી રમવા હુલાસ ।

તિયાં હરિજનને તેડાવ્યા, દશવિશ સંત પણ આવ્યા ।।૧૫।।

પછી સુંદર આણ્યો સમાજ, રંગ કેશર રમવા કાજ ।

તેલ ફુલેલ ગુલાલ ઘણા, મેલ્યો સમાજ ન રાખી મણા ।।૧૬।।

સખા તાકી રહ્યા છે તૈયાર, જમે જીવન એટલી વાર ।

જયારે જમી લીધું છે જીવન, તિયાં આવીને ઘેરીયા જન ।।૧૭।।

લાવ્યા રંગ સુરંગ ગુલાલ, ઘેરીલીધા છે ઘરમાં લાલ ।

છાંટે રંગ ઉડે છોળ્યું ઘણી, ચડી ગરદી ગુલાલતણી ।।૧૮।।

રંગ સોરંગે રંગ્યા રંગીલો, રસબસ થયા છે છબીલો ।

પછી નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપિયે અમે ।।૧૯।।

એમ કરી અલબેલે વાત, સુણી જન થયા રળિયાત ।

વારૂં માગશું અમે મહારાજ, દેજયો રાજી થઇ તમે રાજ ।।૨૦।।

ત્યારે રાજ કહે રાજી છૈયે, માગો મનમાન્યું અમે દૈયે ।

ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માગીયે નાથ ।।૨૧।।

મહાબળવંત માયા તમારી, જેણે આવરીયાં નરનારી ।

એવું વરદાન દિજીયે આપે, એહ માયા અમને ન વ્યાપે ।।૨૨।।

વળી તમારે વિષે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઇ દન ।

જેજે લીળા કરો તમે લાલ, તેને સમઝુ અલૌકિક ખ્યાલ ।।૨૩।।

સતસંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે ।

દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદિ તમને ન ભુલીયે હરિ ।।૨૪।।

કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ ।

તમને ભજતાં આડું જે પડે, માગીયે એ અમને ન નડે ।।૨૫।।

એટલું માગીયે છૈયે અમે, દેજયો દયા કરી હરિ તમે ।

વળી ન માગીએ અમે જેહ, તમે સુણી લેજયો હરિ તેહ ।।૨૬।।

કેદિ દેશો માં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન ।

કેદિ કુસંગનો સંગ મ દેજયો, અધર્મ થકી ઉગારી લેજયો ।।૨૭।।

કેદિ દેશોમાં સંસારી સુખ, દેશો માં પ્રભુ વાસ વિમુખ ।

દેશો માં પ્રભુ જક્ત મોટાઇ, મદ મત્સર ઇરષા કાંઇ ।।૨૮।।

દેશો માં દેહ સુખ સંયોગ, દેશો માં હરિજનનો વિયોગ ।

દેશો માં હરિજનનો અભાવ, દેશો માં અહંકારી સ્વભાવ ।।૨૯।।

દેશો માં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય ।

એ આદિ નથી માગતા અમે, દેશો માં દયા કરીને તમે ।।૩૦।।

પછી બોલિયા શ્યામસુંદર, જાઓ આપ્યો તમને એ વર ।

મારી માયામાં નહિ મુંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ ।।૩૧।।

મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમઝશો સદા અદોષ ।

એમ કહ્યું થઇ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત ।।૩૨।।

દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા ।

એમ રમ્યા રંગભર હોળી, હરિસાથે હરિજન ટોળી ।।૩૩।।

થયા રસબસ રંગભીનો, ચાલો નાવા કહે નાથ દીનો ।

પછી પોતે થયા અસવાર, સંગે ચાલીયા સખા અપાર ।।૩૪।।

ગાતા વાતા નાવા નાથ ગયા, કરી લીળા નાતાંનાતાં તિયાં ।

નાહિ નાથ ચાલ્યા સખા સંગે, અતિ આનંદ ભર્યા છે અંગે ।।૩૫।।

આવ્યા સંત બે નાથે બોલાવ્યા, કહો અમ સારૂં ભેટ શું લાવ્યા ।

કહે સંત લાવ્યા ફુલહાર, નાથ કહે આવો લાવો આ વાર ।।૩૬।।

પછી અશ્વથી હેઠા ઉતર્યા, સંતે પુષ્પના શણગાર કર્યા ।

કંઠે આરોપ્યા ફુલના હાર, બાંધ્યા બાજુ તે શોભે અપાર ।।૩૭।।

તોરા ગજરા ફુલના ધર્યા, કાને ગુચ્છ તે ફુલના કર્યા ।

બાંયે બેરખા કંકણ સાર, કર્યા ફુલતણા શણગાર ।।૩૮।।

ધુપ દીપ ઉતારી આરતી, કરી કરજોડીને વિનતિ ।

કરી પૂજા ને લાગીયા પાય, નિર્ખિ નાથ ત્રપત ન થાય ।।૩૯।।

શ્યામ સલુણો શોભે છે અતિ, મનોહર સુંદર મૂરતિ ।

નયણાં ભરીને નિખેર્છે જન, જોઇ જીવન થયા મગન ।।૪૦।।

જયજય કહે નિજદાસ, લીધું સુખ દીધું અવિનાશ ।

કરી લીળા અલૌકિક શ્યામે, શોભાવંત સારંગપુર ગામે ।।૪૧।।

કર્યો સમૈયો સુંદર જાણો, ફાગણશુદી પુન્યમ પ્રમાણો ।

તે દિવસે નાથે લીળા કિધી, પછી સર્વને શીખજ દિધી ।।૪૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજ સારંગપુર પધાર્યા એ નામે ચોસઠમું પ્રકરણમ્ ।।૬૪।।