૦૩ તૃતીયોધ્યાય: કર્મયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:11pm

અધ્યાય - ૩


श्रीपरमात्मने नमः
अथ तृतीयोऽध्यायः

 

अर्जुन उवाच
ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।
तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥३- १॥

અર્જુન પૂછે છે =
હે જનાર્દન-પ્રભુ ! જો તમોએ કર્મ કરતાં બુદ્ધિ એજ શ્રેષ્ઠ માની હોય, તો હે કેશવ ! આવા ઘોર યુદ્ધરૂપ કર્મને વિષે મને શા માટે પ્રેરો છો ? ।।૩- ૧।।

व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।
तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥३- २॥

આવા વ્યામિશ્ર-પરસ્પર વિરૂદ્ધ અર્થવાળા વાક્યથી આપ મારી બુદ્ધિને મોહિત કરતા હો ને શું ? એમ મને લાગે છે, માટે આપ નિશ્ચય કરીને મને એકજ વાત કહો ! કે જેથી હું મારૂં શ્રેય સાધી શકું. ।।૩- ૨।।

श्रीभगवानुवाच
लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।
ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥३- ३॥

શ્રી ભગવાન કહે છે = હે નિષ્પાપ- અર્જુન ! આ લોકમાં બે પ્રકારનીજ નિષ્ઠાઓ-જ્ઞાનયોગથી સાંખ્યોની-જ્ઞાનીઓની અને કર્મયોગથી યોગીઓની-કર્મયોગીઓની. એમ મેં પ્રથમથીજ કહી છે. ।।૩- ૩।।

न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते ।
न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ॥३- ४॥

વળી કર્મનો આદરજ ન કરે તેથી કાંઇ પુરૂષ નૈષ્કર્મ્યને-જ્ઞાનયોગની સિદ્ધિને પામતો નથી, તેમ કર્મ સમૂળગાં છોડી દેવાથી પણ સિદ્ધિને-મોક્ષમાર્ગની સિદ્ધિને નથીજ પામતો. ।।૩- ૪।।

न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥३- ५॥

કારણ કે કોઇ પણ મનુષ્ય-પ્રાણી ક્યારેય એક ક્ષણ વાર પણ કર્મ કર્યા સિવાયનો રહેતો નથી. પ્રકૃતિના ગુણો સર્વ પ્રાણીઓ પાસે પરવશતામાં રાખીને અવિરતપણે કર્મ કરાવે છેજ. ।।૩- ૫।।

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥३- ६॥

અને જે કર્મેન્દ્રિયોનો ઉપરથી સંયમ કરીને મનથી જો વિષયોનુંજ સ્મરણ કરતો વર્તે છે, તો તે મૂઢ બુદ્ધિવાળો માણસ મિથ્યાચાર-દાંભિકજ કહેવાય છે. ।।૩- ૬।।

यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन ।
कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥३- ७॥

પણ જે ઇન્દ્રિયોને મનથી નિયમમાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મયોગનો આરંભ કરે છે. અને ફળમાં અનાસક્ત રહે છે, તો હે અર્જુન ! તે સર્વથી શ્રેષ્ઠ મનાય છે. ।।૩- ૭।।

नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः ।
शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः ॥३- ८॥

માટે તારૂં જાતિ- ગુણ પ્રમાણે નિયત થયેલું અવશ્ય વિહિત કર્મ કર. કારણ કે કર્મ નહિ કરવા કરતાં કર્મ કરવું એ ઘણે દરજ્જે સારૂં છે. અને એમ જો તું કર્મ છોડી દઇશ, તો તારા શરીરનો નિર્વાહ પણ સિદ્ધ નહિજ થઇ શકે. ।।૩- ૮।।

यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः ।
तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर ॥३- ९॥

યજ્ઞને માટે કરાતાં કર્મ સિવાયનાં બાકીનાં કર્મ કરવામાંજ આ સઘળો લોક કર્મથી બન્ધન પામનારો થાય છે. માટે હે કૌન્તેય ! તું ફળમાં આસક્તિ છોડી દઇને કેવળ યજ્ઞને માટેજ કર્મ કરનારો થા. ।।૩- ૯।।

सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः ।
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥३- १०॥

પૂર્વે સૃષ્ટિ- સમયમાંજ બ્રહ્માએ યજ્ઞોએ સહિત પ્રજાઓને સર્જીને કહ્યું કે આ યજ્ઞ કરવાથી તમે વૃદ્ધિ પામો ! આ યજ્ઞજ તમારા ઇષ્ટ મનોરથો સિદ્ધ કરશે. ।।૩- ૧૦।।

देवान्भावयतानेन ते देवा भावयन्तु वः ।
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥३- ११॥

આ યજ્ઞથી તમે દેવોની સંભાવના કરો ! અને તે દેવો તમને સંભાવના કરીને વૃદ્ધિ પમાડે ! એમ પરસ્પર સંભાવના કરતાં તમે સર્વ પ્રજાઓ ઉત્તરોત્તર પરમ શ્રેય પામશો. ।।૩- ૧૧।।

इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः ।
तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥३- १२॥

યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશે. પરંતુ તે દેવોએ આપેલા ભોગોને તેમને આપ્યા સિવાય જે ભોગવે છે તે તો ચોરજ છે. ।।૩- ૧૨।।

यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥३- १३॥

યજ્ઞ કરતાં અવશેષ રહેલું અન્ન જમનારા સત્પુરૂષો સર્વ પાપથી મુકાઇ જાય છે. અને જે પાપી જનો કેવળ પોતાનેજ માટે રાંધે છે - રાંધીને ખાય છે, તે તો કેવળ પાપનુંજ ભક્ષણ કરે છે. ।।૩- ૧૩।।

अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः ।
यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥३- १४॥
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् ।
तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ॥३- १५॥

ભૂત-પ્રાણીમાત્ર અન્નથીજ ઉત્પન્ન થાય છે. અન્નની ઊત્પત્તિ પર્જન્યથી થાય છે. પર્જન્ય-મેઘ યજ્ઞથી થાયછે. અને તે યજ્ઞ ક્રિયાસાધ્ય હોવાથી કર્મથીજ તેનો સર્મુંઈ્‌ભવ સિદ્ધિ છે. કર્મ બ્રહ્મથી- કર્તાનું શરીર અને પ્રેરક વેદ એ બન્નેથી સિદ્ધ થાય છે. અને તે બ્રહ્મ અક્ષરસ્વરૂપ પરબ્રહ્મથીજ ઉદભવેલું છે. માટે સર્વવ્યાપી પરંબ્રહ્મ નિત્ય નિરન્તર યજ્ઞમાં પ્રતિષ્ઠા પામેલુંજ છે. ।।૩- ૧૪-૧૫।।

एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः ।
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ॥३- १६॥

આમ અનાદિ કાળથી આ લોકમાં ભગવાને પ્રવર્તાવેલા ચક્રને જે માણસ નથી અનુસરતો તે પુરૂષ પાપરૂપ આયુષ્યવાળો અને ઇન્દ્રિયારામ હોવાથી હે પાર્થ ! આ લોકમાં નિષ્ફળ જીવે છે. ।।૩- ૧૬।।

यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥३- १७॥
नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ।
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥३- १८॥
तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर ।
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः ॥३- १९॥

અને જે માણસ તો આત્મસ્વરૂપમાંજ પ્રીતિવાળો હોય અને આત્માનન્દમાંજ સદાય તૃપ્ત હોય અને આત્માનન્દના લાભથીજ સદાય સન્તુષ્ટ રહેતો હોય તે પુરૂષને કાંઇ કરવાનું હોતું નથી. કેમ કે - આ લોકમાં તેને કર્મ કરવાથી કાંઇ અર્થ-પ્રયોજન નથી હોતું, તેમ - ન કરવાથી કાંઇ અનર્થ જેવું પણ નથી હોતું, તેમ તેને તો સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં કોઇ જાતનો અર્થસમ્બન્ધ પણ હોતો નથી. માટે તું પણ ફળાસક્તિથી રહિત થઇને તારે કરવા યોગ્ય કર્મ કર્યા કર ! અને એમ આસક્તિએ રહિત થકો કર્મ કરતાં કરતાં પુરૂષ પોતે પરને-આત્મસ્વરૂપને અથવા-પરમાત્મસ્વરૂપને પામે છે. ।।૩- ૧૭-૧૯।।

कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि ॥३- २०॥

પૂર્વે થયેલા જનકાદિક જ્ઞાનીઓ પણ કર્મથીજ સમ્પૂર્ણપણે સિદ્ધિને પામી ગયા છે. માટે લોકસંગ્રહને પણ જોતાં-વિચારતાં તારે કર્મ કરવું એજ યોગ્ય-સારૂં છે. ।।૩- ૨૦।।

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥३- २१॥

શ્રેષ્ઠ માણસ જે જે જેવું જેવું આચરણ કરે છે, તે જોઇને બીજા સામાન્ય માણસ પણ તેજ તેવુંજ આચરણ કરે છે. અને તે શ્રેષ્ઠ માણસ જેને પ્રમાણ કરે છે, તેનેજ લોકો પણ અનુસરે છે. ।।૩- ૨૧।।

न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥३- २२॥

હે પૃથાપુત્ર-અર્જુન ! મારે આ સમગ્ર ત્રિલોકીમાં કાંઇ કરવા યોગ્ય કર્મ છેજ નહિ, તેમ કાંઇ નહિ પામેલું પણ નથી, તેમ કાંઇ પામવા જેવું પણ નથી, તો પણ હું કર્મમાં વર્તુ છું જ. ।।૩- ૨૨।।

यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥३- २३॥
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् ।
संकरस्य च कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः ॥३- २४॥

જો કદાચ હું કર્મ કરવામાં સાવધાન થકો ન વર્તું, તો હે પાર્થ ? સર્વ મનુષ્યો મારા માર્ગનેજ અનુસરે. અને જો હું કર્મ ન કરૂં, તો આ સઘળા લોકો કર્મ- માર્ગથી ભ્રષ્ટ થઇ જાય અને વર્ણસંકરનો કર્તા પણ હુંજ થાઉં અને એમ થવાથી આ સર્વ પ્રજાઓને અવળે માર્ગે  પ્રવર્તાવીને નાશ કરનારો હું જ થાઉં ।।૩- ૨૩-૨૪।।

सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत ।
कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम् ॥३- २५॥

માટે હે ભારત ! અજ્ઞાની માણસો જેમ કર્મમાં આસક્ત થઇને કર્મ કરે છે, તેમ વિદ્વાન્‌ જ્ઞાની જન લોકોને સનમાર્ગે દોરવાને ઇચ્છતો થકો અનાસક્ત રહીને વિહિત કર્મ કર્યા કરે. ।।૩- ૨૫।।

न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम् ।
जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन् ॥३- २६॥

અને કર્મમાં જોડાયેલા અજ્ઞાની જનોને કર્મથી પડી જાય એવો બુદ્ધિભેદ ન ઉપજાવે, પરન્તુ પોતે સમઝુ હોઇને બુદ્ધિયોગયુક્ત થઇને સર્વ કર્મનું સમ્યક્‌ રીતે આચરણ કરતો થકો સર્વ લોકોને તે કર્મમાર્ગમાં પ્રીતિ ઉપજાવે. ।।૩- ૨૬।।

प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥३- २७॥
तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः ।
गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते ॥३- २८॥

પ્રકૃતિના સત્ત્વાદિક ગુણોને લીધેજ સર્વ કર્મો પ્રવર્તે છે એમ નહિ સમઝનારો અહંકારને લીધેજ વિમૂઢ બુદ્ધિવાળો પુરૂષ એ સર્વ કર્મનો કર્તા હુંજ છું એમ માને છે- માનીને બન્ધાય છે. । અને હે મહાબાહો ! ગુણ-કર્મના વિભાગના તત્ત્વને જાણનારો જ્ઞાની જન તો પ્રકૃતિના ગુણો સત્ત્વાદિક, ગુણોમાં-ગુણનાં પરિણામરૂપ કર્મોમાં પ્રવર્તે છે, એમ માનીને તેમાં અભિમાનથી બન્ધાતો નથી. ।।૩- ૨૭-૨૮।।

प्रकृतेर्गुणसंमूढाः सज्जन्ते गुणकर्मसु ।
तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत् ॥३- २९॥

પ્રકૃતિના ગુણોથી સર્વથા મૂઢ બની ગયેલા માણસો ગુણથી પ્રવર્તતાં કર્મોને વિષે આસક્તિપૂર્વક જોડાય છે, તેવા કર્મનું રહસ્ય નહિ સમઝનારા, મન્દ-બુદ્ધિના માણસોને, કર્મના તત્ત્વને યથાર્થ જાણનાર જ્ઞાની જન કર્મથી ચળાયમાન ન કરે. ।।૩- ૨૯।।

मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा ।
निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ॥३- ३०॥

માટે તું પણ સર્વ કર્મ સર્વેશ્વર એવા મારે વિષે અર્પણ કરીને આત્મસ્વરૂપમાં સ્થિરતા પામેલા ચિત્ત વડે નિરાશી અને નિર્મમત્વ થઇને, તેમજ શોક- સન્તાપથી પણ રહિત થઇને યુદ્ધ કર ! ।।૩- ૩૦।।

ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः ।
श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ॥३- ३१॥

જે મનુષ્યો આ મારા મતને નિરન્તર અનુસરીને વર્તે છે, તેમજ આ મતમાં જે શ્રદ્ધાવાળા છે અને અસૂયા નથી કરતા, તે પણ શુભ- અશુભ કર્મ-બન્ધનથી મુકાય છે. ।।૩- ૩૧।।

ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ।
सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः ॥३- ३२॥

અને જે મનુષ્યો તો અભ્યસૂયા કરતા થકા આ મારા મતને નથી અનુસરતા, તેમને તો સર્વ જ્ઞાનમાં વિમૂઢ ભાવને પામેલા અને વિવેકશૂન્ય હોવાથી મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થયેલા જાણવા. ।।૩- ૩૨।।

सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥३- ३३॥

આત્મા-અનાત્માના વિવેકને પામેલો જ્ઞાની જન પણ પોતાની પ્રકૃતિને અનુરૂપજ આચરણ કરે છે, માટે ભૂત-પ્રાણીમાત્ર પોત-પોતાની પ્રકૃતિનેજ અનુસરે છે, માટે શાસ્ત્રકૃત નિગ્રહ શું કરશે ? ।।૩- ૩૩।।

इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ॥३- ३४॥

વિષયોમાં રાગ અને દ્વેષ વિભાગપૂર્વક વ્યવસ્થાથી રહેલાજ છે, માટે તે રાગદ્વેષના વશમાં ન સપડાવું, કારણકે - તે રાગ અને દ્વેષ એ બેજ આ પુરૂષના કટ્ટા વિરોધી છે. ।।૩- ૩૪।।

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥३- ३५॥

સારી રીતે અનુષ્ઠાન કરેલા પર ધર્મ કરતાં ન્યૂન ગુણવાળોય સ્વધર્મ શ્રેયને આપનારો છે. માટે સ્વધર્મમાં રહીને મરવું એ સારૂં છે, પણ પર ધર્મ તો આખરે ભય ઉપજાવનારોજ થાય છે. ।।૩- ૩૫।।

अर्जुन उवाच
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः ।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः ॥३- ३६॥

અર્જુન પૂછે છે =
હે વૃષ્ણિકુળનન્દન ! જ્ઞાનયોગમાં પ્રવર્તેલો આ પુરૂષ કોણે પ્રેર્યો થકો ઇચ્છા ન હોય તો પણ જેમ બળત્કારે પ્રેરાયેલો હોય તેમ પાપ-કર્મનું આચરણ કરે છે ? ।।૩- ૩૬।।

श्रीभगवानुवाच
काम एष क्रोध एष रजोगुणसमुद्भवः ।
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ॥३- ३७॥

શ્રીભગવાન કહે છે =
રજોગુણમાંથી સમુદ્ભવ જેનો છે એવો એ કામ અને એજ ક્રોધ મહાભૂખાળવો અને મહાપાપરૂપ છે, માટે એનેજ આ મોક્ષમાર્ગમાં મોટો શત્રુ જાણ ! ।।૩- ૩૭।।

धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च ।
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् ॥३- ३८॥

ધૂમાડાથી જેમ અગ્નિ આવરણ પામે છે, દર્પણ જેમ મેલથી મલિનતા પામેછે. અને વળી જેમ ઉલ્બથી ગર્ભ આવરણ પામેલો હોય છે, તેજ પ્રમાણે તે કામથી આ પ્રાણીમાત્ર આવરણ પામેલા છે. ।।૩- ૩૮।।

आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥३- ३९॥

હે કુન્તીપુત્ર-અર્જુન ! પૂરી ન શકાય એવા અને અગ્નિ જેવા અપારભક્ષી આ કામરૂપી નિરન્તરના શત્રુએ જ્ઞાનયોગમાં પ્રવર્તેલા જ્ઞાનીનું જ્ઞાન આવરી લીધેલું છે. ।।૩- ૩૯।।

इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ॥३- ४०॥

ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ, એ આ કામનું અધિષ્ઠાન-આશ્રયસ્થાન છે. અને એ સાધનોથી એ કામ દેહી-જીવાત્માને જ્ઞાન આવરી લઇને મોહ પમાડે છે. ।।૩- ૪૦।।

तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ।
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ॥३- ४१॥

માટે હે ભરતર્ષભ ! તું પ્રથમ એ ઇન્દ્રિયોને નિયમમાં-વશમાં કરીને જ્ઞાન-વિજ્ઞાનને નાશ કરનારા એ મહાપાપરૂપ કામને સમૂળગો નાશ કરી નાખ ! ।।૩- ૪૧।।

इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥३- ४२॥
एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना ।
जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ॥३- ४३॥

(જ્ઞાનમાં વિરોધીઓમાં પણ એજ પ્રધાન છે એમ કહી બતાવે છે-) શરીરની અપેક્ષાએ ઇન્દ્રિયો પ્રધાન છે, ઇન્દ્રિયો કરતાં મન પ્રધાન છે. અને મન કરતાં તો બુદ્ધિ પ્રધાન છે. અને જે કામ છે તે તો સર્વથી પર જે બુદ્ધિ તે કરતાંય પર-પ્રધાન છે. માટે હે મહાબાહો ! એ પ્રમાણે એ કામને બુદ્ધિથી પણ પરબળવાન જાણીને પોતાના મનને બુદ્ધિરૂપી અંકુશથી દબાવીને એ કામરૂપી દુરાસદ શત્રુને સમૂળગોજ નાશ કરી નાખ ! ।।૪૨-૪૩।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः ॥ ३ ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મયોગો નામ તૃતીયોઽધ્યાયઃ ।।૩।।