૦૪ ચતુર્થોધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:14pm

અધ્યાય - ૪


श्रीपरमात्मने नमः
अथ चतुर्थोऽध्यायः

श्रीभगवानुवाच
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥४-१॥

શ્રી ભગવાન કહે છે =
કયારેય પણ ક્ષય નહિ પામનારો આ અવિનાશી કર્મયોગનો માર્ગ મેં પૂર્વે સૂર્યદેવને કહ્યો હતો, તે પછી સૂર્યદેવે પોતાના પુત્ર મનુને કહ્યો હતો. અને એ મનુએ સ્વપુત્ર ઇક્ષ્વાકુને કહ્યો હતો. ।।૪- ૧।।

एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।
स कालेनेह महता योगो नष्टः परन्तप ॥४-२॥

આમ પરમ્પરાથી પ્રાપ્ત થતા આ કર્મયોગને પૂર્વેના સઘળા રાજર્ષિઓ જાણતા હતા, પરન્તુ ઘણા લાંબા કાળે કરીને તે કર્મયોગનો માર્ગ હે શત્રુતાપન ? અર્જુન આ લોકમાં નષ્ટપ્રાય થઇ ગયો છે. ।।૪- ૨।।

स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥४-३॥

તે જ આ પુરાતન કર્મયોગનો માર્ગ મેં તને આજ હમણાં કહી બતાવ્યો, કારણ કે તું મારો પરમ ભક્ત અને વળી મારો પ્રિય સખા છે, માટે આ અતિ ઉત્તમ રહસ્યરૂપ કર્મયોગ મેં તને કહ્યો છે એમ જાણ ।।૪- ૩।।

अर्जुन उवाच
अपरं भवतो जन्म परं जन्म विवस्वतः ।
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ॥४-४॥

અર્જુન પૂછે છે =
આપનો જન્મ હમણાં વર્તમાન કાળમાં છે અને વિવસ્વાનનો-સૂર્યદેવનો જન્મ તો પૂર્વે થયો હતો. તો એ હું કેમ સમઝી શકું કે આપેજ પૂર્વે એ કર્મયોગ કહ્યો હતો ?. ।।૪- ૪।।

श्रीभगवानुवाच
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥४-५॥

શ્રી ભગવાન કહે છે =
હે અર્જુન ! મારાં અને તારાં ઘણાંક જન્મ વીતી ગયાં છે, તે સઘળાં જન્મને હું જાણું છું, પણ હે પરન્તપ ! તું નથી જાણતો. ।।૪- ૫।।

अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।
प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ॥४-६॥

કમે કે - હું તો કર્માર્ધધીન જન્મથી રહિત, સ્વરૂપ અને સ્વભાવથી પણ વ્યયરહિત- અવિનાશીસ્વરૂપ ભૂત-પ્રાણીમાત્રનો નિયામક હોવા છતાં પણ મારા પરમ વાત્સલ્યાદિક અસાધારણ સ્વભાવને અનુસરીને મારી પોતાની ઇચ્છાથીજ પ્રગટ થાઉં છું. ।।૪- ૬।।

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥

અને એ રીતે જ્યારે જ્યારે મેં પ્રવર્તાવેલા એકાન્તિક ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મની ચઢતી-પ્રબળતા થાય છે, ત્યારે હું મારા સ્વરૂપને સર્જુ છું--આવિર્ભાવ પામું છું. ।।૪- ૭।।

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥

અને મારા ભક્ત એવા સાધુજનોના પરિત્રાણ-રક્ષણ માટે અને તેમના દ્રોહી દુષ્કર્મી અસુરોના વિનાશ માટે તથા એકાન્તિક ધર્મના સમ્યક્‌-સ્થાપન માટે હું યુગો યુગ અવતાર લઉં છું. ।।૪- ૮।।

जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥४-९॥

આ મારાં જન્મ અને કર્મ તેને દિવ્ય છે એમ જે તાત્ત્વિક ભાવથી જાણેછે. તો તે પણ પોતાના શરીરનો ત્યાગ કરીને ફરીથી જન્મ નથી પામતો, પણ હે અર્જુન ! મનેજ પામે છે. ।।૪- ૯।।

वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः ।
बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥४-१०॥

રાગ, ભય અને ક્રોધ વિગેરે વિકારોથી રહિત થયેલા, મારામાં અનન્ય ભાવથી એકચિત્ત થયેલા અને મનેજ આશરેલા એવા ઘણાક પુરૂષો મારા સ્વરૂપના પરમજ્ઞાનરૂપ તપથી પવિત્ર થઇને મારા સ્વરૂપને પામેલા છે. ।।૪- ૧૦।।

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥४-११॥

હે પાર્થ ! જે મનુષ્યો મને જેવા જેવા ભાવથી ભજે છે, તેઓને હું પણ તેમજ ભજું છું--ફળદાનદ્વારા અનુકૂળ થાઉં છું, અને આખરે એ સર્વ મનુષ્યો મારા માર્ગનેજ અનુસરે છે-મુક્તિમાર્ગમાં આવે છે. ।।૪- ૧૧।।

काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः ।
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥४-१२॥

કરેલાં કર્મની ફળસિદ્ધિને ઇચ્છતા થકા આ લોકમાં જે મનુષ્યો દેવતાઓનું યજન-પૂજન કરે છે, તો તેમને આ માનુષ લોકમાં કર્મથી થનારી ફળસિદ્ધિ વહેલી પ્રાપ્ત થાય છે. ।।૪- ૧૨।।

चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः ।
तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥४-१३॥

ગુણ-કર્મના વિભાગ પ્રમાણે બ્રાહ્મણાદિક ચારેય વર્ણો મેં રચ્યા છે. માટે તેનો કર્તા પણ મને જાણ ! અને કર્તા છતાં અકર્તા અવિકારી પણ મનેજ જાણ ! ।।૪- ૧૩।।

न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा ।
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ॥४-१४॥

કેમ કે મને કર્મો લેપ-આવરણ કરી શક્તાં નથી, તેમ મને કર્મના ફળમાં સ્પૃહા પણ નથી. વળી-આમ મને જે જાણે છે તે પણ કર્મથી બન્ધાતો નથી. ।।૪- ૧૪।।

एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः ।
कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ॥४-१५॥

પૂર્વે થયેલા મુમુક્ષુઓએ પણ એમ જાણી-સમઝીને કર્મ કરેલાં છે, માટે તું પણ પૂર્વ કાળના પુરૂષોએ પરા-પૂર્વથી કરેલાં કર્મજ કર્યા કર ! ।।૪- ૧૫।।

किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ।
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥४-१६॥

કર્મ શું ? અને અકર્મ શું ? એ બાબતમાં મોટા મોટા કવિ-જ્ઞાનીઓ પણ મોહ પામી જાય છે. તો તે કર્મ હું તને કહી સમઝાવીશ, કે જે જાણ્યા-સમઝયા પછી કર્મના અશુભ બન્ધનથી તું મુકાઇ જઇશ. ।।૪- ૧૬।।

कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥४-१७॥

કર્મની બાબતમાં પણ જાણવા જેવું છે. અને વિકર્મની એટલે વેદોક્ત વિવિધ કર્મની બાબતમાં પણ જાણવા જેવું છે. તેમજ અકર્મની બાબતમાં પણ જાણવા જેવું છે. કેમ કે કર્મની બાબત અતિ ગહન-વિચિત્ર ગુંચવણોથી ભરેલી છે. ।।૪- ૧૭।।

कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥४-१८॥

માટે કર્મમાં અકર્મ જે જુએ છે, અને અકર્મમાં કર્મ જે જુએ છે, તો તે જોનારો પુરૂષ સર્વ મનુષ્યોમાં બહુ બુદ્ધિમાન છે. અને તેજ યુક્ત-કર્મયોગયુક્ત છે. અને એજ સમગ્ર સત્કર્મ કરનારો છે. ।।૪- ૧૮।।

यस्य सर्वे समारम्भाः कामसंकल्पवर्जिताः ।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥४-१९॥

જે પુરૂષના સર્વ સમારંભો કામ-ઇચ્છા અને સંકલ્પે રહિત હોય છે. અને જેણે જ્ઞાનરૂપ અગ્નિથી સર્વ કર્મ ભસ્મસાત્‌ કરેલાં છે, તેવા જ્ઞાનસિદ્ધિ પામેલા કર્મયોગીને જ્ઞાનીજનો પંડિત એમ કહે છે. ।।૪- ૧૯।।

त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः ।
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित्करोति सः ॥४-२०॥

વળી કર્મફળમાં આસક્તિ છોડી દઇને સદાય સન્તુષ્ટ રહેનારો. અને સર્વાધાર પ્રભુ સિવાય બીજા કોઇમાં આશ્રય બુદ્ધિ નહિ રાખનારો એવો જ્ઞાની જન કર્મમાં પૂરે પૂરો પ્રવર્તેલો હોય તો પણ તે કાંઇ કરતોજ નથી એમ જાણવું. ।।૪- ૨૦।।

निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः ।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥४-२१॥

ફળની ઇચ્છા વિનાનો, જેનું ચિત્ત આત્મસ્વરૂપમાંજ નિયત-સ્થિર કરેલું છે, અને સર્વ પરિગ્રહ-સંગ્રહની ઉપાધિ જેણે છોડી દીધી છે, એવો પુરૂષ કેવળ શરીરથીજ થતું કર્મ કરતો સતો પણ કોઇ પ્રકારના દોષને નથી પામતો. ।।૪- ૨૧।।

यदृच्छालाभसंतुष्टो द्वन्द्वातीतो विमत्सरः ।
समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ॥४-२२॥

દૈવ ઇચ્છાથી પ્રાપ્ત થતા લાભથી સદાય સન્તુષ્ટ રહેનારો, શોક-મોહાદિક દ્વન્દ્વને દબાવીને વર્તનારો, મત્સરે રહિત અને સિદ્ધિઅસિદ્ધિમાં પણ સમ ભાવ રાખનારો, આવો પુરૂષ કર્મ કરીને પણ બન્ધાતો નથી. ।।૪- ૨૨।।

गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः ।
यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ॥४-२३॥

આસક્તિએ રહિત, ફળેચ્છામાં મુક્ત ભાવે વર્તનારો, જ્ઞાનથી સ્થિરચિત્ત બનેલો અને યજ્ઞને-ભગવદારાધનને માટે કર્મ કરનારો, એવા પુરૂષનું સમગ્ર કર્મ વિલીન ભાવને પામી જાય છે. ।।૪- ૨૩।।

ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥४-२४॥

અર્પણ કરવાનું સાધન તે પણ બ્રહ્મ, હોમવાનું દ્રવ્ય તે પણ બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્માત્મક જ્ઞાનીએ હોમ્યું, એ રીતે સર્વમાં બ્રહ્મદૃષ્ટિ રાખવાથી સર્વ કર્મ બ્રહ્મમાંજ અર્પણ કરનાર પુરૂષે બ્રહ્મ-પરબ્રહ્મજ પામવા યોગ્ય છે. ।।૪- ૨૪।।

दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ।
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ॥४-२५॥

બીજા કેટલાક કર્મયોગીઓ દેવસમ્બન્ધીજ યજ્ઞનું પર્યુપાસન કરે છે. બીજા કેટલાક બ્રહ્મરૂપ અગ્નિમાં યજ્ઞસ્વરૂપ ભગવાનનું યજ્ઞથીજ હોમાર્ચનરૂપ ઊપાસન કરે છે. ।।૪- ૨૫।।

श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति ।
शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ॥४-२६॥

બીજા વળી શ્રોત્રાદિક ઇન્દ્રિયોને સંયમરૂપ અગ્નિમાં હોમે છે, બીજા કેટલાક શબ્દાદિક વિષયોને ઇન્દ્રિયોરૂપ અગ્નિમાં હોમે છે. ।।૪- ૨૬।।

सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे ।
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ॥४- २७॥

વળી બીજા કેટલાક જ્ઞાનથી સુપ્રકાશિત મનઃસંયમરૂપ યોગાગ્નિમાં સર્વ ઇન્દ્રિયકર્મો અને પ્રાણકર્મો પણ હોમે છે-મનઃસંયમદ્વારા સ્વવશમાં રાખે છે. ।।૪- ૨૭।।

द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे ।
स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः ॥४-२८॥

તીક્ષ્ણ વ્રતધારી સંયમશીલ યતિ-પુરૂષો કોઇક દ્રવ્યયજ્ઞ, કોઇક તપોયજ્ઞ, તથા કોઇક યોગયજ્ઞ, કોઇક સ્વાધ્યાયયજ્ઞ અને કોઇક જ્ઞાનયજ્ઞ કરનારા હોય છે. ।।૪- ૨૮।।

अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे ।
प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः ॥४-२९॥

કેટલાક પ્રાણને અપાનમાં હોમે છે, તથા બીજા કેટલાક અપાનને પ્રાણમાં હોમે છે. અને કેટલાક પ્રાણઅપાનની ગતિ રોકીને પ્રાણાયામપરાયણ વર્તનારા હોય છે. ।।૪- ૨૯।।

अपरे नियताहाराः प्राणान्प्राणेषु जुह्वति ।
सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः ॥४-३०॥

વળી-બીજા કેટલાક નિયત-મિત આહારવાળા હોઇને પ્રાણોને પ્રાણોમાં હોમે છે. આ ઉપર કહ્યા એ સર્વે પણ યજ્ઞસ્વરૂપને જાણનારા સમઝનારા છે. અને યજ્ઞથીજ ક્ષીણ થઇ ગયાં છે પાપ જેમનાં એવા છે. ।।૪- ૩૦।।

यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ।
नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥४-३१॥

યજ્ઞનું શેષભૂત અમૃત જમનારા સનાતન બ્રહ્મને-સાક્ષાત્‌ પરબ્રહ્મને પામે છે. અને યજ્ઞ નહિ કરનારાને હે કુરૂસત્તમ ! આ લોકનુંજ સુખ નથી તો પરલોકનું-જન્માન્તરનું સુખ તો હોયજ કયાંથી ? ।।૪- ૩૧।।

एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे ।
कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥४-३२॥

આવા બહુપ્રકારના યજ્ઞો વેદના મુખમાં-વેદદ્વારા વિસ્તાર પામેલા છે. તે સર્વ યજ્ઞો કર્મથીજ સિદ્ધ થાય છે એમ તું જાણ ! અને એમ જાણીને-જાણવાથી તું સંસારના કર્મબન્ધનથી મુકાઇ જઇશ. ।।૪- ૩૨।।

श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप ।
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥४-३३॥

અને હે પરન્તપ ! દ્રવ્યથી સિદ્ધ થતા યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ અતિ શ્રેષ્ઠ છે. કેમ કે હે પાર્થ ! સઘળું કર્મ સર્વ પ્રકારે જ્ઞામમાંજ પરિસમાપ્ત થઇ જાય છે. ।।૪- ૩૩।।

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥४-३४॥
यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव ।
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ॥४-३५॥

તત્ત્વદર્શી જ્ઞાની જનો તને તે જ્ઞાનનો ઉપદેશ કરશે. અને તે તું પ્રણિપાત કરીને અનુક્રમે યથાસમય પ્રશ્ન પૂછવાથી અને તે મહાપુરૂષોની સેવા-શુશ્રૂષા કરવાથી જાણજે. કે જે જ્ઞાનને જાણી સમઝીને હે પાંડુપુત્ર-અર્જુન ! તું ફરીથી આવો મોહ નહિ પામે. અને વળી-જે જ્ઞાનના પ્રભાવથી સર્વ ભૂતોને સમગ્રપણે આત્મસ્વરૂપમાં જોઇશ અને તે પછી તે બધુંય તું મારામાં જોઇશ. ।।૪- ૩૪-૩૫।।

अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः ।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥४-३६॥

સર્વ પાપ કરનારાઓ કરતાં પણ જો તું અધિક પાપ કરનારો હોઇશ, તો પણ તે સર્વ પાપરૂપ સમુદ્રને જ્ઞાનરૂપ નૌકાથી તું સુખેથી તરી જઇશ. ।।૪- ૩૬।।

यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ।
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥४-३७॥

હે અર્જુન ! સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ જેમ કાષ્ટોને બાળીને ભસ્મ રૂપ કરી દેછે, તેજ પ્રમાણે સુદૃઢ થયેલો જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મજાળને બાળીને ભસ્મસાત્‌ કરી દે છે. ।।૪- ૩૭।।

न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ॥४-३८॥

આ લોકમાં જ્ઞાનને તુલ્ય બીજું કોઇ પદાર્થ પવિત્ર છેજ નહિ, અને તે વાત કાળે કરીને યોગથી સંસિદ્ધ થયેલો પુરૂષ આત્મસ્વરૂપમાં પોતાની મેળેજ જાણે છે. ।।૪- ૩૮।।

श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥४-३९॥

સારી પેઠે નિયમમાં રાખ્યાં છે ઇન્દ્રિયો જેણે અને શ્રદ્ધાવાન્‌ થઇને તત્પર થકો વર્તનારોજ પુરૂષ આ જ્ઞાનને પામે છે. અને એવા જ્ઞાનને પામીને થોડાજ સમયમાં પરમ-સર્વોત્કૃષ્ટ શાન્તિને પામે છે. ।।૪- ૩૯।।

अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥४-४०॥

આવા જ્ઞાન સિવાયનો, ગુરૂ અને શાસ્ત્રવાક્યમાં શ્રદ્ધા વિનાનો અને તેથીજ સંશયે યુક્ત મનવાળો પુરૂષ નાશ પામે છે. અને સંશયે યુક્ત મનવાળા પુરૂષને આ લોકેય નથી અને પરલોકેય નથી, તેમ તેને કયાંઇ સુખ પણ નથીજ. ।।૪- ૪૦।।

योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनंजय ॥४-४१॥

યોગથી-કર્મયોગથી પરમેશ્વરમાં જેણે પોતાનાં સઘળાં કર્મ અર્પણ કરેલાં છે અને તત્ત્વજ્ઞાનથી સમૂળ છેદાઇ ગયેલા છે સંશયો જેના એવા આત્મજ્ઞાનીને હે ધનંજ્ય? કર્મ બન્ધન કરતાં નથી. ।।૪- ૪૧।।

तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः ।
छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ॥४-४२॥

માટે હે ભારત ! અજ્ઞાનથીજ સમુદ્ભવ પામેલા મનમાં રહેલા એ સંશયને જ્ઞાનરૂપ તલવારથી તું તારી પોતાની મેળેજ છેદી નાખીને કર્મયોગનો આશ્રય કર ! અને યુદ્ધ માટે ઉઠ-તૈયાર થઇ જા ! ।।૪- ૪૨।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः ॥ ४ ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મસંન્યાસયોગો નામ ચતુર્થોઽધ્યાયઃ ।।૪।।