આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ; પુરુષોત્તમ પ્રગટી રે (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 18/03/2016 - 9:53pm

રાગ ધોળ

( પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર – ૫૫)

 

આનંદ આપ્યો અતિ ઘણો રે,

આ સમામાં અલબેલ; પુરુષોત્તમ પ્રગટી રે ।

અમૃતના સિંધુ ઊલટ્યા રે, રંગડાની વાળી છે રેલ; પુરુષોત્તમ૦ ૧

નિર્ભયની નોબત્યો વાગિયો રે, મળીયા મોહનરાય; પુરુષોત્તમ૦ ૨

વિધવિધ થયાં વધામણાં રે, કસર ન રહી કાંય; પુરુષોત્તમ૦ ૩

ખોટ્ય ગઈ છે ખોવાઈને રે, જિત્યનાં જાંગિર ઢોલ; પુરુષોત્તમ૦ ૪

દુઃખ ગયું બહુ દનનું રે, આવિયું સુખ અતોલ; પુરુષોત્તમ૦ ૫

કળશ ચઢાવ્યો કલ્યાણનો રે, સહુના મસ્તક પર મોડ; પુરુષોત્તમ૦ ૬

ધન્ય ધન્ય આ અવતારને રે, જોવા રાખી નહી જોડ; પુરુષોત્તમ૦ ૭

સહુને પાર સહુ ઊપરે રે, એવી ચલાવી છે રીત; પુરુષોત્તમ૦ ૮

નો’તી દિઠી નો’તી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત; પુરુષોત્તમ૦ ૯

સર્વના સ્વામી જે શ્રીહરિ રે, સર્વના કાવિયા શ્યામ; પુરુષોત્તમ૦ ૧૦

સર્વેના નિયંતા નાથજી રે, સર્વેનાં કરિયાં કામ; પુરુષોત્તમ૦ ૧૧

સ્વામિનારાયણ નામનો રે, શક્કો બેસારિયો આપ; પુરુષોત્તમ૦ ૧૨

એ નામને જે આશર્યા રે,  તેના તે ટાળિયા  તાપ; પુરુષોત્તમ૦ ૧૩

ધામી જે અક્ષરધામના રે,  તેણે આપ્યો છે આનંદ; પુરુષોત્તમ૦ ૧૪

અખંડ આનંદ આપી જીવને રે, કાપ્યાં ભારે ભવફંદ; પુરુષોત્તમ૦ ૧૫

ખાતાં વળાવ્યાં છે ખોટ્યનાં રે, ખરી કરાવી છે ખાટ્ય; પુરુષોત્તમ૦૧૬

બંધ કિધાં બીજાં બારણાં રે, વે’તી કિધી અક્ષર વાટ્ય; પુરુષોત્તમ૦ ૧૭

તમ ટાળ્યું ત્રિલોકનું રે, પ્રકાશી પૂરણબ્રહ્મ; પુરુષોત્તમ૦ ૧૮

અંધારું રહ્યું  તું આવરી રે, તે ગયું થયું સુગમ; પુરુષોત્તમ૦ ૧૯

સૂરજ સહજાનંદજી રે, આપે થયા છે ઉદ્યોત; પુરુષોત્તમ૦ ૨૦

પૂર્વની દિશાયે પ્રગટી રે, ખોટા મોટા  તે કર્યા ખદ્યોત; પુરુષોત્તમ૦ ૨૧

અષાડિ મેઘે આવી કર્યાં રે, ઝાઝાં બીજાં ઝાકળ; પુરુષોત્તમ૦ ૨૨

પુર ચાલ્યાં  તે પૃથવીયે રે, ધોયા ધરતીના મળ; પુરુષોત્તમ૦ ૨૩

ગાજ વીજ ને વર્ષવું રે, અગમ સુગમ કર્યું સોય; પુરુષોત્તમ૦ ૨૪

સહુ જનને સુખ આપિયાં રે, દુઃખી રહ્યું નહિ કોય; પુરુષોત્તમ૦ ૨૫

શર્મનો ઢોલ સુણાવિયો રે, દેવા લાગ્યા પોતે દાત પુરુષોત્તમ૦ ૨૬

દુર્બળનાં દુઃખ કાપીયાં રે, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ૦ ૨૭

ધન્ય ધન્ય મારા નાથજી રે, ધન્ય ઊદ્ધારિયા જન પુરુષોત્તમ૦ ૨૮

ધન્ય ધન્ય આ અવતારને રે, ભલે મળ્યા ભગવાન; પુરુષોત્તમ૦ ૨૯

વારે વારે જાઉં વારણે રે, કર્યાં અમારાં કાજ; પુરુષોત્તમ૦ ૩૦

ઘણે હેતે ઘનશ્યામજી રે, મળ્યા અલબેલો આજ; પુરુષોત્તમ૦ ૩૧

કહીયે મુખેથી કેટલું રે, આપિયો છે જે આનંદ; પુરુષોત્તમ૦ ૩૨

નિષ્કુલાનંદ જાય વારણેરે, સે’જે મળ્યા સહજાનંદ; પુરુષોત્તમ૦ ૩૩

Facebook Comments