અધ્યાય - ૫૨ - ધર્મપુરનાં રાજરાણી કુશળ કુંવરબાઇના નિમંત્રણથી શ્રીહરિની ધર્મપુરમાં પધરામણી.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 10:10am

અધ્યાય - ૫૨ - ધર્મપુરનાં રાજરાણી કુશળ કુંવરબાઇના નિમંત્રણથી શ્રીહરિની ધર્મપુરમાં પધરામણી.

ધર્મપુરનાં રાજરાણી કુશળ કુંવરબાઇના નિમંત્રણથી શ્રીહરિની ધર્મપુરમાં પધરામણી. કુશળબાની અનુકરણીય સમજણ. દેવકીતીર્થમાં શ્રીહરિનું આગમન . શ્રીહરિનું ગઢપુર પ્રત્યાગમન. દ્વિતીયપ્રકરણ શ્રવણની ફલશ્રુતિ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિ હવે સુરત શહેરથી ધર્મપુર પધાર્યા છે તેની વાત હું તમને કરું છું. ધર્મપુરમાં વિધવા થયેલાં મહારાણી કુશળકુંવરબાઇ હતાં. ભગવાન શ્રીહરિની આજ્ઞાથી વિચરણ કરતા સંતો હરિઇચ્છાએ ત્યાં પધારેલા તેમના મુખથકી ભગવાન શ્રીહરિનો મહિમા સાંભળી તેમને વિષે રાણીને અતિશય દૃઢ ભક્તિ ઉત્પન્ન થઇ.૧

ત્યારથી તેને શ્રીહરિનાં દર્શન કરવાની અંતરમાં અતિશય ઉત્કંઠા જાગી, મહારાણી રાજ્ય વ્યવહાર ચલાવતાં હોવા છતાં સર્વે માયિક પંચવિષયોમાંથી મનની વૃત્તિને પાછી વાળીને ભગવાન શ્રીહરિના ધ્યાનપરાયણ રહી જીવન જીવતાં હતાં.૨

તેને પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિની પ્રાપ્તિની ઇચ્છા હતી. તેથી તેની પ્રાપ્તિને માટે કૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વ્રતોનાં અનુષ્ઠાનથી પોતાનું શરીર કૃશ કરી નાખ્યું હતું. જીતેન્દ્રિય અને સુશીલ સ્વભાવનાં મહારાણી અતિશય આદરપૂર્વક ભગવાન શ્રીહરિનું ભજન કરી રહ્યાં હતાં.૩

હે રાજન્ ! મહારાણી પોતાના બુદ્ધિશાળી દૂતોને સ્વયં શ્રીહરિને પોતાના પુરમાં પધરાવવા વારંવાર આમંત્રણ આપવા મોકલતાં. શ્રીહરિ પણ તે દૂતોને હું એક દિવસ ધર્મપુર આવીશ એવી પ્રતિજ્ઞા કરીને આશ્વાસન આપતા.૪

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ સુરતમાં છે એ અવસરે સર્વના અંતરના ભાવને જાણતા અને તેથી જ રાજરાણી કુશળ કુંવરબાઇ ઉપર અતિશય પ્રસન્ન થયેલા સંતોના સ્વામી શ્રીહરિ સંતમંડળની સાથે તેમને પોતાનું પ્રત્યક્ષ દર્શન આપવાની અંતરમાં ઇચ્છા કરી.૫

તેથી સંતમંડળે સહિત સર્વ ભક્તજનોની સાથે શ્રીહરિ ધર્મપુર પધાર્યા. તે સમયે સ્વધર્મ, ભક્તિ આદિ સદ્ગુણોથી સંપન્ન માતા દેવહૂતિ સમાન મહારાણી કુશળ કુંવરબાઇએ ભગવાન શ્રીહરિ અહીં ધર્મપુર પધાર્યા છે એવા સમાચાર સાંભળ્યા કે તરત જ તેમનાં દર્શનની અત્યંત ઉત્કંઠાવાળાં થઇ, વિવિધ અલંકારોથી શણગારેલા ગજેન્દ્રને આગળ કરી, પોતાના મંત્રીમંડળે સહિત પુરવાસી સર્વે જનોને સાથે લઇ અતિ હર્ષપૂર્વક ભગવાન શ્રીહરિની સન્મુખ ગયાં.૬-૭

હે રાજન્ ! તે સમયે મહારાણી પોતાની મર્યાદા પ્રમાણે એક ડોલીમાં બેઠાં હતાં અને ચારે બાજુ વિવિધ વાજિંત્રનો સુમધુર નાદ થઇ રહ્યો હતો. સન્મુખ જતાં મહારાણી નગરની નજીકમાંજ પધારેલા શ્રીહરિનાં દર્શન કર્યાં કે તરત ડોલીમાંથી નીચે ઉતરી અતિશય ભક્તિભાવથી શ્રીહરિના ચરણમાં પંચાંગ પ્રણામ કર્યાં.૮

તેમજ મંત્રીઓ સહિત સમગ્ર પુરવાસીજનોએ પણ શ્રીહરિના ચરણમાં વંદન કર્યાં. ત્યારે પરમેશ્વર ભગવાન શ્રીહરિ પણ રાજરાણીને, મંત્રીઓને તથા નગરવાસીજનોને યથાયોગ્ય આદર આપી બહુ રાજી કર્યા. પછી રાજરાણીએ શ્રીહરિને હાથી ઉપર વિરાજમાન થવાની પ્રાર્થના કરી, તેથી ભગવાન શ્રીહરિ શણગારથી અલંકૃત ઉત્તમ મદોન્મત્ત ગજરાજ ઉપર સવાર થયા.૯

હે રાજન્ ! તે સમયે હજારો ભક્તજનોએ ભગવાન શ્રીહરિના નામનો ઉચ્ચે સ્વરે જયજયકારનો ધ્વનિ કર્યો. તે ધ્વનિ વાજિંત્રોના ધ્વનિ સાથે મિશ્ર થઇ દશે દિશાઓના દિગ્પાળો સુધી પહોંચ્યો, તે સમયે ઉત્તમ શરીરની કાંતિવાળા ભગવાન શ્રીહરિ, ભક્તજનો તથા પુરવાસી જનોની સાથે ધર્મપુરમાં પ્રવેશ કર્યો. ત્યારે શ્રીહરિનાં સ્વાગત માટે નગરના મોટા મોટા દ્વારોનાં બારણામાં આસોપાલવનાં તોરણો બાંધ્યા હતાં. દરેક દ્વારે જળથી ભરેલા મોટા મોટા કુંભોની સ્થાપના કરવામાં આવી હતી, અને ચંદનમિશ્રિત સુગંધીમાન જળના છંટકાવ કરી બજારો શણગારવામાં આવી હતી. આવી શોભાને ધારણ કરતા નગરમાં ભગવાન શ્રીહરિએ પ્રવેશ કર્યા.૧૦-૧૧

હે રાજન્ ! તે સમયે નગરનાં સર્વે નરનારીઓ પોતાનાં સર્વ કામકાજ છોડીને માર્ગમાં પંક્તિબદ્ધ ઊભા રહીને પ્રેમથી ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા લાગ્યાં. ભગવાન શ્રીહરિ પણ પોતાની અમીમય દૃષ્ટિથી સર્વને કૃતાર્થ કરતા અતિશય રમણીય રાજમહેલમાં પ્રવેશ કર્યો.૧૨

ત્યારે મહારાણી કુશળ કુંવરબાઇએ શ્રીહરિને અને સાથે રહેલા સર્વે સંતો-ભક્તોને પોતાના રાજમહેલમાં જ નિવાસ કરાવ્યો. ઉદાર મનનાં મહારાણીએ શ્રીહરિનો વિધિપૂર્વક આતિથ્ય સત્કાર કરી દાસીની માફક પ્રેમથી પરિચર્યા કરવા લાગ્યાં.૧૩

હે રાજન્ ! શ્રીહરિ પધાર્યા પછી ત્રીજે દિવસે સંવત ૧૮૬૬ ના વૈશાખ સુદ પૂર્ણિમાની તિથિએ અત્યંત રાજી થયેલાં રાજરાણીએ જનસમુદાયને આશ્ચર્ય ઉપજાવે એવા અનેક પ્રકારના મહા અમૂલ્ય ઉપચારોથી બહુ જ પ્રેમ ભરેલા હૃદયે ભગવાન શ્રીહરિનું પૂજન કર્યું.૧૪

હે રાજન્ ! તેમાં રાજા મહારાજાને શોભે તેવાં અનેક પ્રકારનાં નવીન વસ્ત્રો, સુવર્ણમાંથી બનાવેલાં અનેક પ્રકારનાં આભૂષણો, શ્રેષ્ઠ રત્નો અને મહામોઘાં મોતીઓના સુંદર હારો, સુગંધીમાન ચંદન, ચોખા અને પુષ્પમાળાઓથી શ્રીહરિનું પૂજન કર્યું.૧૫

અને ભાવપૂર્વક ભક્ષ્ય, ભોજ્ય અને લેહ્ય આદિ અનેક પ્રકારનાં ભોજનો વડે સંતમંડળની સાથે ભગવાન શ્રીહરિને જમાડીને તૃપ્ત કર્યા. અને પોતાના હાથી, ઘોડા, ગાય વિગેરે રાજ્યસમૃદ્ધિએ સહિત રાજકોશ અને સંપૂર્ણ રાજ્ય ભગવાન શ્રીહરિના ચરણમાં સમર્પણ કર્યું.૧૬

હે રાજન્ ! મહારાણીએ રાજસમૃદ્ધિએ સહિત સર્વસ્વનું સમર્પણ કર્યું છતાં પણ સમસ્ત ત્યાગીઓના સ્વામી ભગવાન શ્રીહરિએ તેનો સ્વીકાર કર્યો નહિ, પણ તેનો ભક્તિભાવ જોઇ અતિ પ્રસન્ન થયા.૧૭

હે રાજન્ ! રાજ્ય ન સ્વીકાર્યું તેથી રાણીએ ભગવાન શ્રીહરિની આગળ સુવર્ણ અને રૂપાંની મુદ્રાઓનો મોટો ઢગલો કર્યો, અને શ્રીહરિની સાથે પધારેલા સર્વે સંતો, પાર્ષદો અને બ્રહ્મચારીઓને વસ્ત્રો અને દ્રવ્ય અર્પણ કરી પૂજન કર્યું.૧૮

રાણીની આવી ઉત્તમ પ્રકારની ભક્તિ જોઇને નગરવાસીજનો અતિશય આશ્ચર્ય પામી ગયા. ભગવાન શ્રીહરિ પણ અત્યંત પ્રસન્ન થયા.૧૯

દૃઢ વૈરાગ્યવાળાં મહામતિ કુશળકુંવરબાઇને આત્મજ્ઞાનનો બોધ આપ્યો અને રાજ્યવ્યવહાર ફરી ચલાવવાનો આદેશ આપ્યો.૨૦

હે રાજન્ ! પૂર્ણકામ એવા ભગવાન શ્રીહરિએ રાણીએ સમર્પિત કરેલો સુવર્ણનો ઢગલો તેમજ સમસ્ત વસ્ત્રો અને આભૂષણો બ્રાહ્મણોને તથા સૂત, માગધ, બંદીજનો વગેરેને દાનમાં આપી દીધાં. પછી રાજદરબારમાં ભરાયેલી સભાને વિષે સુવર્ણના ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન શ્રીહરિ પોતાની આગળ મર્યાદા પ્રમાણે બેઠેલા સર્વ ભક્તજનોને પ્રેમભરી દૃષ્ટિથી નિહાળી રહ્યા હતા. અને સર્વે ભક્તજનો પણ ભગવાન શ્રીહરિનું દર્શન કરતા મૌન બેઠા હતા. તે સમયે મહારાણી બે હાથ જોડી શ્રીહરિને નમસ્કાર કરી સ્તુતિ કરતાં કહેવા લાગ્યાં.૨૧-૨૩

મહારાણી કુશળબાની અનુકરણીય સમજણ :-- મહારાણી કહે છે, હે નારાયણ ! મારા હૃદયમાં ઘણા સમયથી ઉદ્ભવેલું મનોરથરૂપી વૃક્ષ આપના દુર્લભ દિવ્ય દર્શનથી સફળ થયું છે. કારણ કે, બ્રહ્માદિ દેવતાઓ પણ આપનાં દિવ્ય દર્શનની નિરંતર ઇચ્છા રાખે છે. છતાં પણ તેમને આપનાં દર્શન દુર્લભ છે. આપ દયા કરીને દર્શનનું દાન મને આપ્યું, તેથી મારું જીવન સફળ થયું. હે પ્રભુ ! દર્શન કરનારા દેવતાઓ અને મનુષ્યોનું પણ સદાય મંગલ કરનારાં કરચરણાદિક અંગોવાળું આપનું આ અતિશય મનોહર દિવ્ય માનવ શરીર છે. તેમનું જેણે પોતાનાં નેત્રોથી દર્શન નથી કર્યું તેનાં કમળની પાંખડી સમાન નેત્રો હોય છતાં પણ મોરના પીછાંમાં રહેલાં નેત્રોની સમાન નિરર્થક છે.૨૪-૨૫

હે નારાયણ ! આપના ઉદાર ચરિત્રોની કથા, સાંભળનારા જનોના અનેક પ્રકારના પાપના પૂંજોનો વિનાશ કરી ભક્તિની વૃદ્ધિ પમાડનારી છે. આવી કથાનું શ્રવણ જે જનોએ નથી કર્યું, તેના કાન જલેબીના ગૂંચડાં જેવા સુંદર જણાતા હોય, છતાં સર્પને રહેવાના રાફડાની સમાન નિરર્થક છે. માત્ર નિરર્થક નહિ, પરંતુ પંચવિષયની વાર્તારૂપી ઝેરને સંઘરનારા હોવાથી અનર્થકારી પણ છે.૨૬

હે નારાયણ ! આપની કથા આ સંસારરૂપી સાગરને પાર કરવામાં નૌકા સમાન છે. એ કથાનું જે જનોએ પોતાની જીભથી ગાન-કીર્તન નથી કર્યું તેની જીભ માત્ર ગ્રામ્યગીતો ગાવામાં નિપુણ હોવા છતાં દેડકાંની જીભ સમાન નિરર્થક છે. કારણ કે બહુ ઘોષ કરતી દેડકાંની જીભ જેવી ભગવાનનાં ચરિત્રો સિવાયનું જે કાંઇ બોલે છે તે માથાનો દુઃખાવો કરતો નર્યો કકડાટ જ છે.૨૭

હે નારાયણ ! સર્વનું મંગલ કરનારા આપ પરમેશ્વરની તથા દર્શનમાત્રથી પાપને બાળી નાખનારા આપના સંતોની જે મનુષ્યે પોતાના હાથ વડે સેવા પરિચર્યા નથી કરી તે માનવના હાથ અમૂલ્ય વેઢ વીંટી અને કડાંથી સુશોભિત કરેલા હોય છતાં તે શબના હાથ જેવા નિંદનીય છે. કારણ કે શબના હાથને શણગારવા તે બુદ્ધિહીનતા છે. ૨૮

હે નારાયણ ! જે મનુષ્યોનાં ચરણ આપના મંદિરે કે સંતોની સમીપે જવામાં ડગલું ભરતા નથી. તે ચરણ ભલેને કમળ જેવા કોમળ અને સુંદર હોય, છતાં પણ તે સ્મશાનમાં ઊભેલાં વૃક્ષ સમાન છે. કારણ કે તે રાહદારીને કદાપિ કામ લાગતાં નથી. માટે આલોકમાં જે મનુષ્યો આપની કે આપના સંતની સેવાપરાયણ છે તેજ ધન્ય ભાગ્યશાળી છે.૨૯

માટે હે સર્વજ્ઞા ! હે સ્વામી ! હે પ્રભુ ! મારાં સર્વે અંગો તમારી સેવામાં આજે ઉપયોગી થયાં તેથી તથા આપની કરુણાથી આજ મારો માનવજન્મ સફળ થયો છે.૩૦

હે હરિ ! તમે સ્વતંત્ર છો, સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છો. આ પૃથ્વીપર એકાંતિક ધર્મનું રક્ષણ કરવા માટે અને અધર્મનો વિનાશ કરવા માટે મનુષ્યાકૃતિ ધારણ કરીને વિચરો છો.૩૧

હે જગદ્ગુરુ ! આપ પુરુષોત્તમ નારાયણ જ એકાંતિક ભાગવતધર્મનું આચરણ કરનારા છો અને તેનો ઉપદેશ પણ તમે જ કરો છો, તેથી તમારા થકી સનાતન એકાંતિક ભાગવતધર્મનું સ્વરૂપ સાંભળવાની મને ઇચ્છા છે.૩૨

હે વિભુ ! હે ધર્માત્મા ! તમે ધર્મમાર્ગના પ્રવર્તક છો. તેથી આપના થકી મનુષ્યોના સાધારણ ધર્મો અને વિશેષ ધર્મો મને સંભળાવાની ઇચ્છા છે. માટે તમે સંભળાવો.૩૩

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભક્તિભાવની સાથે અતિ આદરપૂર્વક મહારાણીએ પ્રશ્ન કર્યો. તે સાંભળી ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા ને સભામાં બેઠેલા સર્વ ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા મહારાણી કુશળકુંવરબાઇને કહેવા લાગ્યા.૩૪

શ્રીનારાયણમુનિ કહે છે, હે મહાબુદ્ધિશાળી રાણી ! તમે તો સર્વના હિતની ઇચ્છા રાખીને ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો છે. તમે મારી નિષ્કપટ ભક્તિ કરો છો, તેથી તમારી આગળ છુપાવીને ન કહેવાય તેવું કાંઇ નથી.૩૫

હે મહારાણી ! મનુષ્યોને માટે જે સનાતન ધર્મો શાસ્ત્રમાં કહ્યા છે. તે ધર્મો દેવર્ષિ નારદે પૂર્વે ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવ્યા હતા. તે શ્રીમદ્ભાગવતમાં વર્ણવેલા છે. તે તમને સંભળાવું છું.૩૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિ આ પ્રમાણે કહીને શ્રીમદ્ભાગવતના સપ્તમ સ્કંધમાં વર્ણવેલા સમસ્ત ધર્મો કુશળકુંવરબાઇને સંભળાવ્યા, અને પછી કહેવા લાગ્યા કે, હે રાણી ! મેં તમને મનુષ્યોનું કલ્યાણ કરનારા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ સહિત સનાતન ધર્મોનું સ્વરૂપ સમજાવ્યું, હે મહારાણી ! આ સનાતન ધર્મનું મુમુક્ષુજનોએ પોતાના અધિકારને અનુસારે પ્રયત્નપૂર્વક આચરણ કરવું.૩૭-૩૯

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિનું આ પ્રમાણેનું વચન સાંભળી અત્યંત રાજી થયેલાં મહારાણી પોતાના ધર્મમાં દૃઢપણે વર્તી ભગવાન શ્રીહરિની પરમ પ્રીતિથી સેવા કરવા લાગ્યાં.૪૦

ભગવાન શ્રીહરિ પણ આ જ પ્રમાણે એકાંતિક ધર્મના સંબંધવાળા પ્રશ્નોત્તરથી પ્રતિદિન મહારાણી કુશળકુંવરબા આદિક સર્વે ભક્તજનોને આનંદ ઉપજાવતા ધર્મપુરમાં સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા.૪૧

હે રાજન્ ! પાંચ દિવસ પર્યંત ત્યાં નિવાસ કર્યા પછી ભગવાન શ્રીહરિએ ધર્મપુરથી જવાની ઇચ્છા કરી, છતાં પણ રાજરાણીની રોકાવાની અતિશય પ્રાર્થનાને વશ થઇ ભગવાન શ્રીહરિ એક માસ પર્યંત ત્યાં નિવાસ કરીને રહ્યા.૪૨

હે રાજન્ ! ધર્મપુરમાં રહીને ભગવાન શ્રીહરિએ સંવત ૧૮૬૬ ના જેઠ સુદ પૂર્ણિમાને દિવસે રાજરાણીના યજમાનપદે અતિશય મોટી સામગ્રી ભેળી કરાવી શ્રીકૃષ્ણ ભગવાનને સ્નાનયાત્રા ઉત્સવમાં શંખથી સ્નાન કરાવી મોટો ઉત્સવ ઉજવ્યો.૪૩

ભક્તાધીન જગદ્ગુરુ ભગવાન શ્રીહરિ આ પ્રમાણે મહારાણી કુશળકુંવરબાઇને સંતોષ પમાડી અભયરાજાને આપેલાં વરદાનનું સ્મરણ કરતા ધર્મપુરથી ગઢપુર જવા રવાના થયા.૪૪

ત્યારે સ્વયં મહારાણી વળાવવા દૂર સુધી વિરહથી રડતાં રડતાં પાછળ આવ્યાં. ત્યારે ભગવાન શ્રીહરિએ પુરજનોની સાથે મહારાણીને પણ મહાપ્રયાસે સમજાવી હઠપૂર્વક પાછાં વાળ્યાં અને સ્વયં દેવકીતીર્થમાં પધાર્યા.૪૫

દેવકીતીર્થમાં શ્રીહરિનું આગમન :-- હે રાજન્ ! શ્રીહરિએ દેવકીતીર્થમાં સમગ્ર તીર્થવિધિનું અનુષ્ઠાન કરી પોતાની સાથે ફરતા મહા પ્રભાવશાળી સંતોને જગતના અજ્ઞાની જીવોને સદ્બોધ આપવા દેશદેશાંતરમાં મોકલ્યા.૪૬

અને પોતાની સાથે આવેલા દેશાંતરવાસી સર્વે ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે પાછા મોકલ્યા.૪૭

પરંતુ પ્રતિદિન પોતાની સેવા પરાયણ રહેતા મુકુન્દાનંદ બ્રહ્મચારી અને મુક્તાનંદ સ્વામી આદિ સંતો અને રતનજી આદિ પાર્ષદો તથા સોમલાખાચર આદિ કાઠીસવારોને સાથે લઇ સુંદર અશ્વ ઉપર વિરાજમાન થઇ તાપી નદીએ પધાર્યા.૪૮

તાપી નદી ઉતરીને ત્યાંથી નર્મદા નદીએ પધાર્યા. ત્યાંથી મહીનદી અને ત્યાંથી સાબરમતી નદીએ પધાયા.ર્ ત્યાંથી ભાલપ્રદેશને ઓળંગી ગઢપુર પધાર્યા.૪૯

હે રાજન્ ! આ રીતે શ્રીહરિ માર્ગમાં આવતા તે તે દેશોમાં ભક્તજનોનાં ગામોમાં અને નગરોમાં નિવાસ કરતા કરતા અને ભક્તજનોને આનંદ પમાડતા ગઢપુરમાં પધાર્યા.૫૦

શ્રીહરિનું ગઢપુર પ્રત્યાગમન :-- હે રાજન્ ! ભગવાન શ્રીહરિ ગઢપુર પધારે છે, આવા સમાચાર સાંભળતાંની સાથે અભયરાજા અને દુર્ગપુરનિવાસી સર્વભક્તજનો સત્વરે પોતાનાં કામકાજ છોડી દોડતા અતિ આદરપૂર્વક ભગવાન શ્રીહરિની સન્મુખ ગયા.૫૧

ત્યારે ગઢપુરની ભાગોળે પધારી રહેલા ભગવાન શ્રીહરિને નિહાળીને સર્વે ભક્તજનોના હર્ષનો પાર ન રહ્યો અને નેત્રોમાંથી હર્ષનાં અશ્રુઓ વહેવા લાગ્યાં. ઘણા સમય પછી ભગવાન શ્રીહરિનાં દર્શન થવાથી અતિશય વિહ્વળ થયેલા ભક્તજનો સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૫૨

હે રાજન્ ! તે સમયે ભગવાન શ્રીહરિએ પણ અભયઆદિ સર્વ ગઢપુરવાસી ભક્તજનોને યથાયોગ્ય માન આપી તેઓની સાથે ગઢપુરમાં પ્રવેશ કર્યો અને દરબારગઢમાં પોતાને નિવાસ સ્થાને પધારી બિછાવેલા પલંગ ઉપર બિરાજમાન થયા.૫૩

ત્યારે જયા, રમા, લલિતા આદિ સ્ત્રી ભક્તજનો ભગવાન શ્રીહરિનાં દર્શન કરી હર્ષઘેલાં થયાં અને શ્રીહરિના વિયોગથી ઉત્પન્ન થયેલો ઘણા દિવસનો તાપ દૂર થયો. તેથી નજીક પધારી અતિશય પ્રેમથી શ્રીહરિના ચરણમાં પંચાંગ પ્રણામ કર્યા.૫૪

હે રાજન્ ! આ રીતે શ્રીહરિ ગઢપુર પાછા પધાર્યા તેથી અભયરાજા પોતાના પરિવારે સહિત પારાવાર આનંદ પામ્યા. શ્રીહરિ સત્યપ્રતિજ્ઞાવાળા છે એ જોઇને ખુશી થયેલા સર્વે ભગવાન શ્રીહરિની સેવામાં તત્પર થયા.૫૫

હે રાજન્ ! શ્રીહરિએ જે જે ભક્ત ભાઇઓ તથા બહેનોને પોતાને સ્નાન કરાવવું, વસ્ત્રો ધોવાં, પાત્ર માંજવાં, વગેરે જે જે સેવાઓ કરવાની કહેલી હતી, તે સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિની સેવા મળવાથી પોતાની જાતને ખૂબજ ધન્ય ભાગ્યશાળી માનતા ને સર્વે પ્રકારની સેવા અતિહર્ષથી કરતા હતા.૫૬

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ ગઢપુરમાં સંવત ૧૮૬૭ ના નવા વર્ષના પ્રારંભના દિવસોમાં અષાઢ સુદ ત્રીજને સવારે સંગવકાળે જ પધાર્યા હોવાથી અને આજે જ પુષ્ય નક્ષત્ર હોવાથી બપોરના સમયે અભયરાજા દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનને રથ ઉપર બેસાડી મહાપૂજા કરી આરતી ઉતારી મોટો રથયાત્રાનો ઉત્સવ ઉજવ્યો.૫૭

હે રાજન્ ! ત્યારપછી શ્રીહરિ પોતાના સેવકવર્ગની સાથે ગઢપુરમાં નિવાસ કરી ને રહેતા હતા. તે દરમ્યાન દેશદેશાંતરમાં ક્યાંક ક્યાંક છૂપી રીતે રહેતા અધર્મનું સંશોધન કરાવ્યું અને પછી જ્યાં જ્યાં અધર્મનો નિવાસ સંભળાયો તે તે દેશમાં સ્વયં પધારીને ત્યાંથી અધર્મમાર્ગનો વિનાશ કર્યો.૫૮-૫૯

કોઇ જગ્યાએ ક્યારેક સંતોને મોકલીને અધર્મમાર્ગનો વિનાશ કરાવ્યો. આ રીતે સર્વકાળે સર્વપ્રકારના ઉપાયો કરી ધર્મમાર્ગનું રક્ષણ કરતા હતા.૬૦

હે રાજન્ ! આ પ્રમાણે ધર્મનું સ્થાપન કરતા ધર્મધુરંધર ભગવાન શ્રીહરિ ગઢપુરમાં નિવાસ કરીને રહેતા અને પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા, ભક્તજનોએ ઇચ્છેલા મનોરથોને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન શ્રીહરિ ગઢપુરથી પોતાના ભક્તજનોનાં જુદાં જુદાં ગામોમાં અને નગરોમાં જઇ ઘણા બધા ઉત્સવો ઉજવતા. આ રીતે વારંવાર ભક્તજનોનાં ગામોમાં જઇ ઉત્સવ ઉજવી ગઢપુર આવીને અભયરાજાના દરબારમાં નિવાસ કરીને રહેતા.૬૧

દ્વિતીયપ્રકરણ શ્રવણની ફલશ્રુતિ :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તમે શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં ચરિત્રો વિષેનો પ્રશ્ન કરેલો તે સર્વે ચરિત્રો મેં તમને કહ્યાં, શ્રીહરિનાં આ સર્વે ચરિત્રો કલિયુગના મળને ધોનારાં છે. આવાં દિવ્ય ચરિત્રોનું આલોકમાં જે મનુષ્યો ગાન કરશે અને સાંભળશે તે બન્ને જણના બાહ્ય અને આંતર શત્રુઓનો નિશ્ચય પરાયજય થશે અને ઇચ્છિત સુખની પ્રાપ્તિ પણ થશે.૬૨-૬૩

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ધર્મપુરમાં રાજરાણી કુશળકુંવરબા આદિને આનંદ આપી ભગવાન શ્રીહરિ ગઢપુર પધાર્યાનું નિરૂપણ કર્યું એ નામે બાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૨--