વરતાલ ૧૮ : અવશ્યપણે વાર્તા જાણવાનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 2:53am

વરતાલ ૧૮ : અવશ્યપણે વાર્તા જાણવાનું

સંવત્ ૧૮૮૨ના મહા શુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રીવરતાલ મઘ્‍યે સંઘ્‍યાઆરતી થયા કેડે શ્રીલક્ષ્મીનારાયણના મંડપમાં ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્રનું ધારણ કર્યું હતું, ને પોતાની ચારે કોરે મંડપની ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશદેશના હરિભક્ત સર્વે બેઠા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ર્ન પુછીએ  છીએ જે, ‘સત્‍સંગી હોય તેને અવશ્‍યપણે શી શી વાત જાણી જોઈએ ? કેમજે, તેને કોઈક પુછે અથવા પોતાના મનમાં કોઇક તર્ક થઈ આવે ત્‍યારે જો તે વાર્તા જાણી ન હોયતો તેનું સમાધાન કેમ થાય ?” એમ પ્રશ્ર્ન પુછીને પછી પોતેજ બોલ્‍યા જે, “લ્‍યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણી જોઈએ તથા ગુરૂ પરંપરા જાણી જોઈએ, તે કેવી રીતે તો ઉદ્ધવ તે રામાનંદસ્વામીરૂપે હતા, ને તે રામાનંદસ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્‍વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવીદીક્ષાને પામ્‍યા. માટે રામાનંદ સ્વામીના ગુરૂ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ એવી રીતે ૨ગુરૂપરંપરા જાણવી. અને અમે અમારા ધર્મકુળનું સ્‍થાપન કર્યું છે તેની રીત જાણવી. અને ત્રીજાં અમારા સંપ્રદાયમાં અતિપ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં તે શાસ્ત્રનાં નામ-૧ વેદ, ૨ વ્‍યાસસૂત્ર, ૩ શ્રીમદ્ભાગવત પુરાણ, મહાભારતને વિષે ૪ વિષ્ણુસહસ્રનામ, ૫ ભગવદ્ગીતા, ૬ વિદુરનીતિ, સ્‍કંદપુરાણના વિષ્ણુખંડ માંહિલું ૭ વાસુદેવમાહાત્‍મ્‍ય, અને ૮ યાજ્ઞવલ્‍કયસ્‍મૃતિ, એ જે આઠ શાસ્ત્ર તેને જાણવાં, અને ચોથા સર્વે સત્‍સંગીના જે જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્‍ટદેવ જે શ્રીકૃષ્ણભગવાન તેને જાણવા, અને સ્‍થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું, બહુપણું છે તેને જાણવું અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં પરોક્ષરૂપ ને પ્રત્‍યક્ષરૂપ તેને જાણવાં તેમાં પરોક્ષરૂપ તે કેવી રીતે તો માયાના તમથકી પર એવો જે ગોલોક તેને મઘ્‍યે જે અક્ષરધામ તેને વિષે શ્રીકૃષ્ણભગવાન રહ્યા છે, તે દ્વિભુજ છે ને કોટિ સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્‍યામસુંદર છે ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ સુનંદ ને શ્રીદામાદિક જે પાર્ષદ તેમણે સેવ્‍યા છે ને અનંતકોટિ બ્રહ્માંડની જે ઉત્‍પત્તિ, સ્‍થ્‍િાતિ ને પ્રલય તેના કર્તા છે ને મહારાજા-ધિરાજપણે વિરાજમાન છે. અને એવા જે એ ભગવાન તે ચતુભર્ુજ રૂપને ધારે છે, અષ્‍ટભુજ રૂપને ધારે છે ને સહસ્રભુજ રૂપને પણ ધારે છે. ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્‍ન એ જે ચતુવ્‍યર્ૂહ ને કેશવાદિક જે ચોવિશ વ્‍યૂહ એ સર્વે રૂપને ધારે છે, તથા વારાહ, નૃસિંહ, વામન, કપિલ,હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર તેને ધારે છે ને પોતે તો સદા દ્વિભુજ છે. અને ઉપનિષદ્ તથા સાંખ્‍યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર એમને વિષે એ જ સ્‍વરૂપનું વર્ણન કર્યું છે એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્‍વરૂપ કહ્યું  અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્‍યાસજી મોટા આચાર્ય છે ને તે વ્‍યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મઘ્‍વાચાર્ય ન કહેવાય, નિંબાર્ક ન કહેવાય, વિષ્ણુસ્વામી ન કહેવાય, વલ્‍લભાચાર્ય ન કહેવાય, કેમજે એ આચાર્ય જો વ્‍યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય. નહિ તો ન થાય. અને વ્‍યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી કેમ જે, વ્‍યાસજી તો વેદના આચાર્ય છે ને પોતે ભગવાન છે. માટે આપણે તો વ્‍યાસજીના વચનને જ અનુસરવું. અને તે જે વ્‍યાસજી તેણે જીવના કલ્‍યાણને અર્થે ૪વેદનો વિભાગ કર્યો ને સત્તર પુરાણ કર્યાં ને મહાભારત કર્યું તો પણ તે વ્‍યાસજીના મનમાં એમ થયું જે જીવના કલ્‍યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો. ને તેણે કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. તે પછી સમગ્ર વેદ, પુરાણ, ઈતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્‍યશાસ્ત્ર, તેનું સાર એવું જે શ્રીમદ્ ભાગવતપુરાણ તેને વ્‍યાસજી કરતા હવા. તે ભાગવતને વિષે સર્વ અવતાર કરતાં શ્રીકૃષ્ણભગવાનનેજ અધિકપણે કહ્યા છે ને સર્વ અવતારના ધરનારા જે છે તે જ સ્‍વયં શ્રીકૃષ્ણ ભગવાનછે. અને એ શ્રીકૃષ્ણભગવાને ઉદ્ધવ પ્રત્‍યે ગુણવિભાગના અઘ્‍યાયમાં કહ્યું છે જે, હું નિર્ગુણ છું ને મારા સંબંધને પામે છે તે પણ નિર્ગુણ થાય છે. માટે કામભાવ, દ્વેષભાવ, ભયભાવ, સંબંધભાવ, સ્‍નેહભાવ એમાંથી જે જે ભાવે કરીને એ શ્રીકૃષ્ણભગવાનને જે જીવ આશર્યા તે નિર્ગુણ થઈ ગયા. માટે એ શ્રીકૃષ્ણભગવાન તે નિર્ગુણ છે. એવી રીતે વ્‍યાસજીએ શ્રીકૃષ્ણભગવાનને કહ્યા છે. અને તે વ્‍યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે જે, સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર તે જ સ્‍વયં શ્રીકૃષ્ણભગવાન છે ને બીજા જે અવતાર તે એના છે. અને જો એ શ્રીકૃષ્ણભગવાનને નિર્ગુણ નહિ કહે ને શુદ્ધ સત્ત્વાત્‍મક કહેશે, તો તેને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી ને તેને વિષે મોટો બાધ આવશે; કેમજે ગોપીઓ શ્રીકૃષ્ણને ભગવાન ન જાણ્‍યા. ને કામભાવે કરીને એ જ શ્રીકૃષ્ણભગવાનને ભજ્યા તેણેકરીને તે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ, ત્‍યારે તે શ્રીકૃષ્ણ ભગવાનને શુદ્ધ સત્ત્વાત્‍મક કેમ કહેવાય ? માટે શ્રીકૃષ્ણભગવાન તો નિર્ગુણ જ છે. તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે અર્જુન પ્રત્‍યે કહ્યું છે જે-”

“જન્‍મ કર્મ ચ મે દિવ્‍યમેવ યો વેત્તિ તત્ત્વત: | ત્‍યકત્‍વા દેહં પુનર્જન્‍મ નૈતિ મામેતિ સોડર્જુન! ||”

અને એ શ્રીકૃષ્ણભગવાને પોતાના જન્‍મ સમયમાં વસુદેવ દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે જે ચતુર્ભુજરૂપ દેખાડયું, તથા બ્રહ્માને જે અનેક ચતુર્ભુજરૂપ દેખાડયાં તથા અક્રુરજીને જે શેષશાયી રૂપ દેખાડયું, તથા અજુર્નને વિશ્વરૂપ દેખાડયું, ઈત્‍યાદિક રૂપને ભેદે કરીને જે શ્રીકૃષ્ણભગવાનની ઉપાસનાના ભેદ કહેવા તે તો યોગ્‍ય છે, પણ એ શ્રીકૃષ્ણભગવાન વ્રજને વિષે બાળમુકુંદ કહેવાયા, મુરલીમનોહર કહેવાયા, રાધાકૃષ્ણ કહેવાયા, તથા વાછરડાં ચાર્યાં, ગાયો ચારી, ગોવર્ધન પર્વત ધાર્યો, ગોપીઓ સાથે રાસક્રીડા કરી તથા મથુરાપુરીમાં આવીને કંસને માર્યો, યાદવને સુખીયા કર્યા, તથા સાંદિપની બ્રાહ્મણને ઘેર વિદ્યા ભણ્‍યા, તથા કુબ્‍જા સંગાથે વિહાર કર્યો, તથા દ્વારિકાપુરીમાં વસ્‍યા, ને રૂકિમણી આદિક અષ્‍ટ પટરાણીઓને પરણ્‍યા, તથા સોળહજાર સ્‍ત્રીઓને પરણ્‍યા તથા હસ્‍તિનાપુરમાં રહ્યા ને પાંડવની સર્વ કષ્‍ટ થકી રક્ષા કરી ને દ્રૌપદીની લાજ રાખી, ને અર્જુનના સારથિ થયા, ઈત્‍યાદિક સ્‍થાનકને ભેદે કરીને જે શ્રીકૃષ્ણભગવાનની અનેક લીલા છે, તેણે કરીને એ શ્રીકૃષ્ણભગવાનના દ્વિભુજ સ્‍વરૂપને વિષે ઉપાસનાના ભેદ ન કરવા. અને જે કરશે તે વચનદ્રોહી, ગુરૂદ્રોહી છે. અને એ શ્રીકૃષ્ણભગવાનનાં આચરણ જે ગોવાળિયાનું ઉચ્‍છિષ્‍ટ ખાધું તથા રાસરમણ કર્યું, ઈત્‍યાદિક અનેક પ્રકારનાં છે. તે આચરણ પ્રમાણે તે શ્રીકૃષ્ણભગવાનના ભક્તને આચરણ ન કરવું અને એ શ્રીકૃષ્ણભગવાને એકાદશસ્‍કંધમાં તથા ભગવદ્ગીતામાં તથા વાસુદેવમાહાત્‍મ્‍યમાં જેમ સાધુનાં લક્ષણ કહ્યાં છે તથા વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તથા પોતાની ભકિત કર્યાનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું પણ એ શ્રીકૃષ્ણભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું અને જે કરશે તે વિમુખ છે; અમારો સત્‍સંગી નથી. અને આપણા ઇષ્‍ટદેવ એવા જે એ શ્રીકૃૃષ્ણભગવાન તેનાં આચરણ પ્રમાણે જેમ ન કરવું, તેમજ તમારો સર્વેનો આચાર્ય ને ગુરૂ ને ઉપદેષ્‍ટા એવો જે હું, તે મારા દેહનાં જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું. અને અમારા સંપ્રદાયને વિષે જેમ જેના ધર્મ કહ્યા છે તે જે અમારાં વચન તે પ્રમાણે તમારે સર્વેને રહેવું પણ અમારાં આચરણ પ્રમાણે ન રહેવું. આ જે અમે વાર્તા કરી તેને સર્વે પરમહંસ તથા સર્વે સત્‍સંગી શિખી લેજો, ને એ પ્રમાણે સમજીને એમ જ વર્તજો. ને બીજા આગળ પણ એમ જ વાર્તા કરજો.” એમ કહીને શ્રીજીમહારાજ ભોજન કરવા પધાર્યા. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ ને સત્‍સંગી તે એમ સમજતા હવા જે, એ પરોક્ષ જે શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભકિતધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી. અને એ જ આપણા ઈષ્‍ટદેવ છે ને ગુરૂ પણ એ જ છે.” ઇતિ વચના. || ૧૮|| ૨૧૮ ||