ભક્તિપુત્ર એવા હે પ્રભુ ! તમોને નમસ્કાર, ભગવાન કેવળ ધર્મથી પ્રગટ થતા નથી. તેમ ભગવાન કેવળ ભક્તિથી પ્રગટ થતા નથી. ધર્મ અને ભક્તિના સહિયારા પ્રયાસથી ભગવાન પ્રગટ થાય છે.
મૈયા ભક્તિદેવીનું મન પ્રભુમાં એટલું તરબોળ થયું, એટલું તરબોળ થયું... ભગવાન ભક્તિ સામે પ્રગટ થયા ! ભગવાન બોલ્યા છે, "મૈયા માગો આપની શી ઈચ્છા છે ? તમને જે જોઈએ તે આપું, રાજ, સાજ, સુખ, સંપત્તિ શું જોઈએ છે ?" ભક્તિમાતાએ કહ્યું, "પ્રભુ ! એ નાશવંત પદાર્થને હું શું કરું ? તમે મળ્યા તમારાં દર્શન થયાં એ ઘણું છે. એમાં બધું જ આવી ગયું છતાં એક ઈચ્છા છે." "શી ઈચ્છા છે ?" "તમારા જેવો પુત્ર આપો ?" ભગવાન બોલ્યા છે, "મૈયા મારા જેવો તો હું એક જ છું." "તો તમે જ મારે ત્યાં પુત્ર થઈને પધારો. પ્રભુ ! હું તમારી માતા બનીશ ત્યારે તમે મારા ખોળામાં બેસીને સ્તનપાન કરશો પા પા પગલી ચાલશો, મારી આંગળીના ટેકે તમને ચલાવીશ, સરસ મજાનાં હાલરડાં ગાતી ગાતી તમને ઝુલાવીશ. તમારા મુખમાં કોળીયા દઈશ, વ્હાલ કરીશ, ચુંબન કરીશ આવો લાભ તો જંગલના જોગીને પણ કયાંથી મળે ? માટે તમે મારા પુત્ર થઈને આવો." ભગવાન કહે, "ભલે મા ! હું તમારે ઘરે દીકરો થઈને ચોક્કસ આવીશ." તે પરબ્રહ્મ પરમાત્માએ છપૈયાની પવિત્ર ભૂમિમાં પગલાં પધરાવ્યાં. મૈયા પ્રેમવતીને ત્યાં પ્રગટ થયા. અનેક લીલા કરીને છપૈયાને ઘેલું ઘેલું કરી દીધું. દયાનંદ સ્વામીએ કીર્તનમાં સરસ વર્ણન કર્યું છે.
જીવનજી જોવારે સખી જીવનજી જોવા, છપૈયામાં ચૂંપે ચાલો જીવનજી જોવા.
પ્રેમવતી સુત પાતળિયાને ચિત્તમાં પ્રોવા, શામળિયા સંગાથે રહીએ, મનના મળ ધોવા.. જીવનજી૦
ઘનશ્યામના પ્રાગટ્ય પછી તો છપૈયામાં અનેક દેવતાઓ અને ઋષિઓ દર્શન કરવા આવે, જુદા જુદા પ્રકારની ભેટ લાવે, બાળ ઘનશ્યામની એક સરસ ટેવ હતી, હેતથી હાથ ઝાલીને મળતા અને પ્રેમભાવ વ્યકત કરતા.
શ્રીઘનશ્યામ સલુણાજીને હેત તણો હેવા, દર્શન કારણ દોડી આવે સનકાદિક જેવા .. જીવનજી૦
બાળ ચરિત્ર કરેછે મોહન મનડાંને મોહવા, દયાનંદ કહે હેતે જોઈએ હરિનો હેવા.. જીવનજી૦
નંદનંદન ભક્તિનંદને અનેક લીલા કરી છે. છપૈયામાં તેનું હમેશાં વાંચન અને શ્રવણ કરવું અને નિષ્કામ ભાવે ભક્તિ કરવી. ભક્તિ કરતાં કરતાં કોઈ આશા રાખવી નહિ. ભક્તિનું ફળ ભોગ નથી, ભક્તિનું ફળ ભગવાન છે. ભક્તિનું ફળ સંસાર સુખ નથી, સંપત્તિ નથી, સંતતિ નથી, ભક્તિનું ફળ ભગવાન છે. કેટલાક એવું સમજે છે કે- ભક્તિ કરીએ તો બહુ પૈસા આપે, ભક્તિનું ફળ પૈસા નથી, ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો.
ભગવાનને ખબર છે. તમારા જીવનમાં જેની જરૂર છે તે ભગવાન આપે છે. નાસ્તિકને આપે છે તો દાસને કેમ નહિ આપે ? પણ તમે માગવામાં ઊતાવળ ન કરો. માગવાથી પ્રેમ ઓછો થાય છે. ભગવાન માગ્યા વિના બધું જ આપે છે.
તમે કહેશો કે પૈસા માગીએ, દીકરા માગીએ એમાં શું ખોટું છે ? ખોટું બહુ નથી તો સારું પણ નથી. તમારા ઘરમાં શું છે, શું નથી તે બધું ભગવાન જાણે છે. પ્રભુ લાયકાત પ્રમાણે અને વિવેકથી આપે છે. ભક્તિમાં જેવો આનંદ છે, તેવો મુકિતમાં નથી. મુકિત તો ભક્તિની દાસી છે, શ્રેષ્ઠ ભકતજનો મુકિત માગતા નથી, સદાય ભક્તિ જ માગે છે. મીરાંબાઈ સરસ કીર્તન ગાય છે.
-: ભક્તિ શ્રેષ્ઠ ઊત્તમ સાધન છે :-
હરિની ભક્તિ જાણો રે સુખ ભંડાર છે રે લોલ, કામદુઘા છે ઊત્તમ, કાષ્ટમાં બાવના ચંદન;
શામળિયાની ભક્તિ એ છે અણમોલ સાધન ... હરિ.
નિરધનીયાનું નાણું મારૂં સુધારી લેજો ટાણું, મીરાંબાઈ કહે છે હું ભક્તિને શું વખાણું ... હરિ૦
મીરાંબાઈ કહે છે, જગતમાં પર્વતો ઘણા છે પણ સર્વથી શ્રેષ્ઠ પર્વત હિમાલય છે. પાત્રમાં અક્ષયપાત્ર ઊત્તમ છે, પક્ષીઓમાં ગરુડજી ઊત્તમ છે, સાત ધાતુમાં સુવર્ણ ઊત્તમ છે, પ્રકાશ આપવામાં સૂર્ય ઊત્તમ છે, તેમ પ્રભુને પામવામાં ભક્તિ ઊત્તમ છે. ભક્તિ કરવાથી બ્રહ્મચર્ય પાળવાની શકિત આવે છે. તે મંત્રને સારી રીતે સમજીએ.